સાયન્સ ફેર : “માસ્ક તો આપ પહન લોગે, મગર…!!”

જ્વલંત નાયક

હિન્દીમાં ફિલ્મમાં અમુક કલાકારોનું કામ હીરોને ઉપર હેડિંગમાં લખી છે એવી ધમકીઓ આપવાનું જ રહેતું. “તુમ અદાલત તક તો સબૂત પહોંચા દોગે… મગર એક નઝર ઇધર ભિ દેખ લો…” વિલન આવો ડાયલોગ બોલે એટલે તરત એના અડ્ડાની એક દિવાલ ગોળ ફરી જાય, અને એની પાછળની બાજુ સામે આવે. દીવાલની આ બાજુ પર અચૂકપણે હીરોની માતા, બહેન, પ્રેમિકા અથવા મૃત્યુ પામેલા મોટા ભાઈનું બાળક જેવા પાત્રો બાંધેલા હોય! અને પછી વિલન વિરુદ્ધના સબૂત જે લાલ કલરની ફાઈલમાં ભેગા કર્યા હોય, એ ફાઈલ હીરોએ કચવાતે મને જમીન પર મૂકીને હાથ ઊંચા કરી દેવા પડે!

તમને ખબર છે, કેટલાક વિલનો આ પ્રકારનો સંવાદ રોજેરોજ આપણા કાનમાં પણ બકતા રહેતા હોય છે, પણ આપણે એ સાંભળી-સમજી શકતા નથી! જી હા, આ રીયલ લાઈફ વિલન્સ એટલે તમારા મોબાઈલ પર પોતાનો ‘અડ્ડો’ જમાવી ચૂકેલા કેટલાક બેકટેરીયા! આ સૂક્ષ્મ જીવો આપણને સતત ધમકાવતા રહે છે… “કોરોના સે બચને કે લિએ માસ્ક તો આપ પહેન લોગે, મગર હમસે બચકર કહાં જાઓગે!”

હાથ ધોતા રહેવાનો અને માસ્ક પહેરવાનો મૂળ હેતુ તમારા નાક અને મોઢા વાટે વાઈરસને પ્રવેશતો અટકાવવાનો છે. પણ તમારા હાથમાં સતત રમતો મોબાઈલ ફોન પોતે જ જાતજાતના વાઈરસ-બેક્ટેરિયાની ‘બદનામ બસ્તી’ હોઈ શકે છે. વિશિષત: જ્યારે જમતી વખતે તમે મોબાઈલ વાપરો, ત્યારે આ જીવાણુઓને પણ તમે મારા જ હાથે પ્રેમપૂર્વક પેટમાં પધરાવો છો! ઇસ ૨૦૧૨માં યુનિવર્સીટી ઓફ એરિઝોનાના માઈક્રોબાયોલોજીસ્ટસે સંશોધન કરીને જાહેર કરેલું કે ટોઇલેટ સીટ કરતા તમારા સ્માર્ટ ફોન્સ પર બેક્ટેરિયા વધુ પ્રમાણમાં હોય છે! જરા એક નજર મારો તમારા મોબાઈલ પર વિચરતા ‘મહાનુભાવો’ના લિસ્ટ ઉપર.

કોલીફોર્મ્સ નામના બેક્ટેરિયા મોટે ભાગે માનવ અને પશુઓના મળમાં હોય છે. તે માટી અને કેટલાક છોડ ઉપર પણ જોવા મળે છે. અને આવા જ બેક્ટેરીયાની હાજરી તમારા સ્માર્ટ ફોન ઉપર પણ હોય છે. (જરા બોલો તો, જમતી વખતે કોણ કોણ સ્માર્ટફોન વાપરે છે?) મોટે ભાગે તે અલ્પ પ્રમાણમાં હોવાથી આપણે બીમાર પડતા નથી. પણ ક્યારેક પ્રમાણ વધે તો બીમારી નોતરી શકે છે. એ સિવાય ઇશ્ચરેશિયા કોલી – ટૂંકમાં ઈ.કોલી તરીકે ઓળખાતા બેક્ટેરિયાઝને તો આપણે ઓળખીએ છીએ. ભણવામાં આવતું કે મનુષ્યના આંતરડામાં ઈ.કોલીની હાજરી હોય જ છે. આ પ્રકારના બધા બેક્ટેરિયા નુકસાનકારક નથી પરંતુ એ પૈકીના અમુક બેક્ટેરિયા એવા હોય છે જે ખોરાક વાટે પેટમાં જાય તો ડાયેરિયા અને વોમીટીંગ જેવો પ્રકોપ ફેલાવી શકે. નિષ્ણાંતોના મતે ઈ.કોલીની હાજરી તમારા સ્માર્ટ ફોન્સ ઉપર પણ હોય જ છે!

સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા સ્કાર્લેટ ફીવર અને ન્યૂમોનિયાનું કારણ બને છે. સ્ટ્રેપ્ટોકોકસને બે વિભાગમાં વહેંચવામાં આવે છે : ગ્રુપ A અને ગ્રુપ B. જો તમે ગ્રુપ Aના સંપર્કમાં આવો છો તો સ્કાર્લેટ ફીવર, ગળાની તકલીફો કે સ્કીન ઇન્ફેકશન્સ પણ થઇ શકે છે. જ્યારે ગ્રુપ Bના સંપર્કમાં આવો તો ન્યુમોનિયા, યુરીનરી ટ્રેકટ ઇન્ફેકશન જેવી સમસ્યાઓનો ભય રહે છે! કેન યુ ઈમેજીન, તમારા મોબાઈલને કારણે તમને આવી બીમારીઓ પણ થઇ શકે છે?!

અમુક વાર વાસી ખોરાક પર બાઝેલી ફૂગ પણ તમારા સ્માર્ટ ફોન પર ‘ટ્રાન્સફર’ થઇ જતી હોય છે. તમને ખ્યાલ પણ ન આવે એ રીતે ખોરાક પર વળગેલ ‘મોલ્ડ’ નામક ફૂગ તમારા સ્માર્ટફોન પર, અને ત્યાંથી તમરા શરીરમાં ઘૂસ મારે છે. મોલ્ડને વૃદ્ધિ થવા માટે ઓક્સિજન અને ભેજની જરૂર પડે છે. તમારા ઘરમાં અને ઘરની બહાર એવી કેટલીય જગ્યાઓ-સપાટીઓ છે, જ્યાં ઓક્સિજન અને ભેજ ઉપલબ્ધ હોય! બાથરૂમ અને એસીથી માંડીને સ્માર્ટફોન સુધીની દરેક સપાટી મોલ્દની સંવાહક બની શકે છે! મોલ્ડને કારણે શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ પેદા થઇ શકે છે!

અને હવે વારો છે યિસ્ટનો. હાં, એ જ યિસ્ટ જે પિત્ઝા, બિયર વગેરેના ઉત્પાદનમાં કામ લાગે છે. પણ એ ક્યારેક આપણને કામે ય લગાડી દે છે! એક સંશોધન મુજબ યિસ્ટને કારણે ૧.૫% જેટલા મોબાઈલ ફોન્સ ઇન્ફેક્તેદ હોય છે, પરંતુ મોટા ભાગના કેસીસમાં કોઈ આડઅસર થતી નથી. પણ રેર કેસમાં કોઈક વાર સ્કીન ઇન્ફેકશન થઇ શકે છે. અને હા, અમુક વ્યક્તિઓ ફોનનો ઉપયોગ જરા ‘વિચિત્ર’ પ્રવૃત્તિ માટે કરતા હોય ત્યારે યિસ્ટ ઇન્ફેકશન વેજીન્લ ડિસ્ચાર્જનું કારણ બને છે!

એન્ડ સ્ટોરી ડઝ નોટ એન્ડ્સ હિઅર! Clostridium Difficile, Corynebacterium, Pseudomonas Aeruginosa વગેરે જેવા જીભનો લોચો વાળી નાખતા ચિત્રવિચિત્ર નામધારી બેક્ટેરિયાઝ પણ તમારા સ્માર્ટ ફોન્સ પર વધતા-ઓછા પ્રમાણમાં અડ્ડો જમાવીને બેઠા હોય છે. સામાન્ય રીતે એમની અસર દેખાતી નથી. પણ ભવિષ્યમાં આમાંનો કોઈ બેક્ટેરિયા અચાનક શક્તિશાળી બનશે અને બચાવ માટે આપણે સ્માર્ટફોનથી ફરજીયાત ‘સોશિયલ ડિસ્ટન્સ’ જાળવવાનું આવશે, તો શુ થશે એની કલ્પના જ ધ્રુજાવી નાખે છે! કોઈ પણ ચીજનું એડિક્શન બૂરી બલા છે, નહિ?!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com  પર થઇ શકે છે.


Disclaimer: The images in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Author: admin

Leave a Reply

Your email address will not be published.