ફિર દેખો યારોં : કલ ચમન થા આજ એક સેહરા હુઆ

– બીરેન કોઠારી

‘સ્ટાયરીન વાયુની લોકોના સ્વાસ્થ્ય પર થતી લાંબા ગાળાની અસર ચકાસવા માટે લોકોના લોહી અને પેશાબના નમૂના લઈને તેના ટેસ્ટ કરવા જોઈએ. રાજ્ય સરકારના સહયોગમાં ‘એલ.જી.પોલિમર્સ ઈન્‍ડિયા’ દ્વારા આ વાયુની સ્વાસ્થ્ય પર થતી હાનિકારક અસરના મૂલ્યાંકન માટે ટેસ્ટનું આયોજન કરવું જોઈએ. સરકારે પણ રહેણાક વિસ્તારોમાંથી જોખમી ઉદ્યોગોનું સ્થળાંતર કરાવીને લોકોની સલામતિ સુનિશ્ચિત કરવી જોઈએ.’ આ કંઈ આંધ્ર પ્રદેશની કોઈ અદાલત કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એન.જી.ટી.) જેવી સત્તાધારી સરકારી સંસ્થાનું સૂચન કે ફરમાન નથી. એશિયન નેટવર્ક ફૉર ધ રાઈટ્સ ઑફ ઓક્યુપેશનલ એન્‍ડ એન્‍વાયર્નમેન્‍ટલ વિક્ટીમ્સના ઉપક્રમે યોજાયેલા આંતરરાષ્ટ્રિય વેબિનારમાં કેટલાક વિજ્ઞાનીઓએ આમ જણાવ્યું હતું. ત્રણેક મહિના અગાઉ, વિશાખાપટણમમાં ‘એલ.જી.પોલિમર્સ ઈન્‍ડિયા’ના પ્લાન્‍ટમાંથી ચૂવાક થયેલા સ્ટાયરીન વાયુ અને તેને પગલે થયેલી જાનહાનિના સંદર્ભે તેમણે આમ કહ્યું હતું. આ દુર્ઘટના બની ત્યારથી આ કટારમાં સમયાંતરે તેની વિગતો અપાતી રહી છે. આ કિસ્સે છેલ્લે અપાયેલી વિગત અનુસાર પર્યાવરણ, વન, વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિશેષ મુખ્ય સેક્રેટરી નીરબ કુમારના વડપણ હેઠળ રચાયેલી સમિતિએ કુલ ચાર હજાર પૃષ્ઠોનો અહેવાલ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન રેડ્ડીને સુપ્રત કર્યો હતો. આ અહેવાલમાં બેદરકારી અને વ્યવસ્થાપનની નિષ્ફળતાની 21 બાબતો તેમ જ નિયમભંગના 19 કિસ્સાઓ જણાવીને રાજ્ય અને કેન્‍દ્ર સરકારના વિવિધ કાનૂન અંતર્ગત કંપનીને કસૂરવાર ઠેરવવામાં આવી હતી અને પર્યાવરણ અને વન મંત્રાલય, આંધ્ર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ તેમ જ ડાયરેક્ટર ઑફ ફેક્ટરીઝ દ્વારા આ કંપની પર પગલાં લેવાની ભલામણ અહેવાલમાં સૂચવવામાં આવી હતી.

‘ધ હિન્‍દુ’ના અહેવાલ અનુસાર, પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રાલયનાં સંયુક્ત સચિવ ગીતા મેનને તૈયાર કરેલા બે મુસદ્દામાંથી એકમાં આ કંપનીએ કરેલા નિયમભંગ અને જાહેર સ્વાસ્થ્યને નુકસાન બદલ તેને બંધ કરી દેવાનું સૂચવ્યું હતું. બીજા મુસદ્દામાં સરકારના સંબંધિત વિભાગો પાસેથી કંપનીએ કરેલા નિયમપાલન અને નિયમભંગની વિગતો એકઠી કરવાનું સૂચન હતું. આ બાબત, અલબત્ત, પછી પુરવાર થઈ ગઈ હતી. આમ છતાં, પર્યાવરણ મંત્રાલય દ્વારા આ કંપનીને બંધ કરવાનો આદેશ આપવામાં ખચકાટ અનુભવાઈ રહ્યો છે. સરકાર આગળ શો નિર્ણય લેશે એ યોગ્ય સમયે જાણ થશે, પણ લૉકડાઉનના સમયગાળા દરમિયાન વિવિધ રાજ્યોમાં ઔદ્યોગિક અકસ્માતો અને તેના થકી થયેલી જાનહાનિનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધેલું જણાયું. સાથોસાથ સરકાર દ્વારા પર્યાવરણ પર વિપરીત અસર કરવાની સંભાવનાવાળી ઘણી યોજનાઓને સીધેસીધી લીલી ઝંડી ફરકાવી દેવામાં આવી હોવાના કિસ્સા પણ બન્યા. આમાંના કેટલાકનો ઉલ્લેખ આ કટારમાં કરવામાં આવ્યો હતો.

ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણનો વિનાશ આ બન્ને બાબતો બહુ ગાઢ રીતે સંકળાયેલી છે. આથી જ આ અંગે વિવિધ કાનૂન ઘડવામાં આવ્યા છે. વીસમી સદીમાં ઔદ્યિગિકરણ પૂરઝડપે પ્રસરતું ગયું, અને લોકોની જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તન આવતું ગયું. પર્યાવરણ પરની તેની વિપરીત અસરો બાબતે ભારતના આયોજન પંચે 1977માં મહત્ત્વનું પગલું લીધું. એ અનુસાર વિશાળ પ્રકલ્પો શરૂ કરતાં અગાઉ તેની પર્યાવરણ પર થતી અસરોના મૂલ્યાંકનને પૂર્વશરત બનાવવામાં આવી. 1984માં બનેલી ભોપાલ દુર્ઘટના અને તેમાં હજારો લોકોની થયેલી જાનહાનિને પગલે પર્યાવરણ સુરક્ષા ધારો (ઈ.પી.એ.), 1986 અને સાર્વજનિક દાયિત્વ વીમા અધિનિયમ (પી.એલ.આઈ.એ.) જેવા નવા કાયદા ઘડવામાં આવ્યા, તેમ જ ફેક્ટરીઝ એક્ટ, 1948 જેવા જૂના કાયદામાં સુધારા કરવામાં આવ્યા. એ રીતે ઉદ્યોગો થકી થતા અકસ્માત કે જાનહાનિ માટેના વળતરની જોગવાઈ દ્વારા તેમને વધુ જવાબદાર ઠેરવવામાં આવ્યા. ભોપાલ દુર્ઘટનાના બરાબર એક દાયકા પછી આ જોગવાઈને વધુ ચુસ્ત કરવામાં આવી. ‘એ‍ન્‍વાયર્ન્મેન્ટલ ઈમ્પેક્ટ એસેસમેન્‍ટ (ઈ.આઈ.એ.) નોટિફિકેશન, 1994 અંતર્ગત પર્યાવરણ પર ગંભીર અસર કરતા કુલ 29 પ્રકારના ઉદ્યોગોને તારવવામાં આવ્યા અને તેમના માટે ‘ઈ.સી.’ (એન્‍વાયર્નમેન્‍ટલ ક્લીયરન્‍સ) મેળવવાનું ફરજિયાત કરવામાં આવ્યું. એ જ અરસામાં થયેલા વૈશ્વિકીકરણના સમયગાળામાં આ કાનૂન અગત્યનો બની રહ્યો. અલબત્ત, આપણા દેશની ઘણી જોગવાઈઓમાં બનતું આવ્યું છે એમ, કાગળ પર દુરસ્ત, પણ અમલીકરણ માટેની યોગ્ય વ્યવસ્થા, માળખાગત પ્રણાલિ અને એથી આગળ દાનતના અભાવે આ જોગવાઈ કાગળ પરની ઔપચારિકતા માત્ર બની રહી. આ ઔપચારિકતાઓ શી રીતે નિભાવવામાં આવતી હશે એ કોઈ પણ ભારતીય નાગરિકને સમજાવવાની જરૂર નથી.

દરમિયાન એકવીસમી સદીમાં પર્યાવરણ પરની ગંભીર અસરો વરતાવા લાગી, એમ પર્યાવરણ બાબતે ઠીકઠીક જાગૃતિ પણ આવવા લાગી હોય એમ જણાયું. વિવિધ ખાણકામ તેમજ ઉર્જાપ્રકલ્પોને કારણે કર્ણાટક, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં જંગલોનો સોથ વળી રહ્યો હતો. પર્યાવરણ અંગેની જોગવાઈઓનો ભંગ સામાન્ય બની રહ્યો હતો. એક અહેવાલ અનુસાર ત્યાં સુધીમાં ભારતની દર ત્રણ નદીમાંથી બે નદીઓ પ્રદૂષિત હતી. આમ છતાં, ઈ.આઈ.એ., 1994ની કાનૂની જોગવાઈમાં 2006 સુધીમાં લગભગ 13 વખત ફેરફાર કરવામાં આવ્યા હતા. નવાઈ લાગે એવી બાબત એ હતી કે આ ફેરફાર માટે પર્યાવરણ સમક્ષ દિન બ દિન વધતા જતા ખતરાને નહીં, પણ વૈશ્વિકીકરણના યુગમાં આપણા દેશમાં આવતા અનેક વિદેશી રોકાણકારોને ધ્યાનમાં રાખવામાં આવ્યા. એટલે કે જોગવાઈઓને ચુસ્ત નહીં, પણ શિથિલ કરાતી ગઈ હતી. આ બધાને પરિણામે ઈ.આઈ.એ; 2006 ને તૈયાર કરવામાં આવ્યું. તત્કાલીન યુ.પી.એ. સરકારના પર્યાવરણ સચિવ પ્રદીપ્ત ઘોષે આમાં એ રીતે ફેરફાર સૂચવ્યા કે જેથી પર્યાવરણ વિભાગ તરફથી ઉદ્યોગોએ મેળવવી પડતી મંજૂરીની પ્રક્રિયા ઝડપી બને. ‘ઈ.આર.એમ.’ નામની, પર્યાવરણ ક્ષેત્રે વ્યવસ્થાપન કરતી એક કંપનીને આ કામ માટે રોકવામાં આવી. આ કંપનીએ પોતાના અહેવાલમાં વિવિધ સૂચનો કર્યાં. તેમાં સૌથી મહત્ત્વનું સૂચન હતું અસરગ્રસ્તોની ભૂમિકાનો સમાવેશ કરવાનું અને એકાધિક લોકસુનવણી યોજવાનું, જેથી કોઈ પણ પાસું ઉવેખાઈ ન જાય. ઉદ્યોગકાર, સ્થાનિક સમુદાય અને સત્તાતંત્ર- ત્રણે આમાં સંકળાય એ બાબત અતિ મહત્ત્વની હતી. બીજાં પણ વિવિધ સૂચનો હતાં, જેમાં સ્વૈચ્છિક અને નિયમનકારી એમ બન્ને બાબતોનો સમાવેશ થતો હતો. એ અનુસાર વિશાખાપટણમની દુર્ઘટના પછી યોગ્ય પગલાં લેવામાં આવે તો તે ઉદાહરણરૂપ બનીને ઉચિત સંદેશો પાઠવી શકે એમ છે.

પણ ઈ.આર.એમ. દ્વારા ચૌદ વર્ષ પહેલાં કરાયેલી ભલામણો પછી તેના અમલ બાબતે શી સ્થિતિ છે? આ ફેરફારના બરાબર ચૌદ વર્ષ પછી ફરી એક વાર ઈ.આઈ.એ; 2020ની ઘોષણા કરવામાં આવી છે, એ સાથે આ બાબત ફરી ચર્ચામાં આવી છે. તેની વાસ્તવિકતા શી છે? તેની વિગતો આવતા સપ્તાહે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦-૮-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

1 thought on “ફિર દેખો યારોં : કલ ચમન થા આજ એક સેહરા હુઆ

  1. બીરેનભાઇ, એનરોવ નેટવર્કમાં અમારી સહીત ભારતની બીજી કેટલીક સંસ્થાઓ પણ સભ્ય છે. નેટવર્ક દ્વારા સભ્યો દ્વારા દર મંગળ્વારી સાંજે એલ જી ગેસ મુદ્દે ચર્ચા કરવામાં આવે છે. તેમાં નક્કી થયા મુજ્બ ત્રણ વીષયો પર વેબીનાર કરવાનું નક્કી કરાયું જેમાં સ્ટાયરીનને કારણે થતી આરોગ્ય પર અસરો, આવા બનાવ ફરી ન બને તે માટે શું કરવું અને આ બનાવ સંબંધીત કાનુનિ મુદ્દા. આ ત્રણે વેબીનાર પુરા થઇ ગયા. ત્રણેમાં ગણમાન્ય નીષ્ણાતોએ પ્રવચન આપ્યા અને ચર્ચા થઇ. આ ઉપરાંત એક વેબ રેલી યોજાઇ અને એક પત્રકાર પરીષદ યોજાઇ. જેમને વધુ માહીતીની જરુર હોય, અહેવાલો કે રેકોર્ડીંંગ મેળવવ હોય તેમને આપી શકાશે

Leave a Reply

Your email address will not be published.