
– ભગવાન થાવરાણી
આગંતુક – સત્યજિત રાયની અંતિમ ફિલ્મની વાત વિગતે કર્યા પછી ઇતિહાસમાં બાવીસ વર્ષ પાછળ જઈએ. એ પીછેહઠમાં રાયની શાખા પ્રશાખા, ગણશત્રુ, ઘરે બાઈરે, સદ્દગતિ, હીરક રાજાર દેશે, જોય બાબા ફેલુનાથ, શતરંજ કે ખિલાડી, સોનાર કેલ્લા અને આશાનિ સંકેત જેવી ફિલ્મો વટાવીને આવીએ એમની ૧૯૭૦ ની ફિલ્મ પ્રતિદ્વંદી પર.

જેમ *અપ્પુ ટ્રાઈલોજી* બીભૂતિભૂષણ બંધોપાધ્યાયની કાલજયી નવલકથા *પથેર પાંચાલી* ના પાત્ર અપ્પુના ક્રમિક જીવનની વાત કરે છે તેમ એમની ત્રણ ફિલ્મો પ્રતિદ્વંદી, સીમાબદ્ધ અને જન-અરણ્ય 70 ના દાયકાના કલકત્તા શહેર અને એમાં પ્રવર્તમાન બેકારી અને અશાંતિ અને અરાજકતાની વાત કરે છે. એ ત્રણે ફિલ્મોને વિવેચકો *કલકત્તા ટ્રાઈલૉજી* કહે છે ( 70 ના દાયકાના કલકતાને ચિત્રિત કરતી એક *કલકત્તા ટ્રાઈલોજી* બીજા એક મહાન બંગાળી સર્જક *મૃણાલ સેન* ની પણ છે, *ઇન્ટરવ્યૂ, કલકત્તા-71 અને પદાતિક* ફિલ્મોની, પણ એ વિશે ક્યારેક અલગથી વાત ! ) આજની ફિલ્મ પ્રતિદ્વંદી, લબ્ધપ્રતિષ્ઠિત બંગાળી લેખક સુનીલ મુખોપાધ્યાયની એ જ નામની બંગાળી નવલકથા પર આધારિત છે તો એ પછીના જ વર્ષે આવેલી સીમાબદ્ધ અને પછી ૧૯૭૬ માં આવેલી જન અરણ્ય એવા જ સુવિખ્યાત લેખક શંકરની ચર્ચિત કૃતિઓ ઉપરથી બની.
પ્રતિદ્વંદી યુવક સિદ્ધાર્થ ચૌધરી ( ધૃતિમાન ચેટરજી )અને એના આંતરિક અને બાહ્ય સંઘર્ષની વાત કરે છે. એ વર્ષો બંગાળ (અને દેશ) માં પ્રવર્તતી બેકારી, અન્યાય અને એમાંથી પ્રગટેલા નક્સલવાદના હતા. મધ્યમવર્ગીય કુટુંબના સિદ્ધાર્થનો સગો ભાઈ પણ આ ચળવળમાં ગુપ્ત રીતે સામેલ હતો. પિતાના અકાળ અવસાનના કારણે મેડિકલનો અભ્યાસ અધુરો છોડી સિદ્ધાર્થ પોતે પણ બેકારોની ફોજમાં શામેલ થઈ ગયો હતો અને કલકત્તાની કાળઝાળ સડકો પર નોકરીની શોધમાં આખો દિવસ ભટકતો ફરતો હતો. એ બેકારી અને એમાંથી નીપજેલી રઝળપાટથી પરેશાન છે તો જેમની પાસે નોકરી કે અન્ય આજીવિકા છે એ કંઈ ઓછા પરેશાન નથી. એમને શહેરની ભીડ, ઉમસ અને પરિવહનના હાડમારી પીડે છે. ઘરમા એના ઉપરાંત વિધવા મા, મામા, ભાઈ અને બહેન પણ છે. ઘર એની નવયુવાન બહેનની કમાણી પર ચાલતું હતું.
સિદ્ધાર્થ પરેશાન હતો. એક પછી એક ઇન્ટરવ્યૂમાં મળતા જાકારા અને બહેનના એના બોસ સાથેના સંબંધોની વાતોથી. બોસની પત્ની ખુદ ઘરે આવીને એની માને એની દીકરીની ફરિયાદ કરી ગઈ હતી. એ પોતે નહોતો કમાતો અને એ રીતે ઘરના સંચાલનમાં કોઈ યોગદાન નહોતો આપી શકતો એ છટપટાહટ અલગ અને ઉપરથી ચોતરફ ફેલાયેલું દંભ, જૂઠ અને બનાવટનું સામ્રાજ્ય મૂંગા મોઢે જોયા કરવું !
ફિલ્મની શરૂઆતનો એક પ્રસંગ ધારદાર ચુભી જાય એવો છે. સિદ્ધાર્થ એક જગ્યાએ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાય છે. પોતે પ્રબુદ્ધ અને દરેક અર્થમાં શિક્ષિત અને જાગૃત છે પણ સામે, પોતાને કોણ જાણે શું સમજતા ત્રણ-ત્રણ મહા-પ્રબુદ્ધ બેઠા છે, સિદ્ધાર્થને પોતાની વેધક નજરો અને આધિપત્યથી હીણો પાડવાનો પ્રયાસ કરતા !
કમિટીના ચેરમેનશ્રી સર્વજ્ઞ હોવાના હુંકાર સાથે પૂછે છે :
‘તમારા મતે માનવ-જાતના ઇતિહાસની છેલ્લા દસ વર્ષની સહુથી મહત્વની ઘટના કઈ ? ‘
થોડુંક વિચાર્યા પછી સિદ્ધાર્થ જવાબ આપે છે
‘મને લાગે છે, વીએટનામનું યુદ્ધ ‘
અધ્યક્ષશ્રી ચમકીને – અકળાઈને પ્રતિ-પ્રશ્ન કરે છે
‘એ ઘટના તમને માનવે ચંદ્ર પર ઉતરાણ કર્યું એના કરતાં અગત્યની લાગે છે ? ‘
સિદ્ધાર્થ પૂર્ણ સંયતપણે કહે છે-
‘આપ કહો છો એ ઘટના પણ મહત્વની છે પણ હું માનું છું કે એમાં અપ્રત્યાશીત જેવું કશું નહોતું. માણસ અવકાશમાં ગયો, અવકાશ-વિજ્ઞાને અદભુત પ્રગતિ સાધી પછી એક દિવસ એ બનવાનું જ હતું, પણ વિયેતનામ ? એક મહાસત્તા સામે આ પ્રજાએ જે ખમીર અને જુજારૂપન દાખવ્યું એ અભૂતપૂર્વ અને સાવ અનપેક્ષિત હતું ‘
‘તમે સામ્યવાદી છો ? ‘ ચેરમેનશ્રી
‘મને લાગે છે, મારા જવાબને મારા સામ્યવાદી હોવા – ન હોવા સાથે કોઈ નિસ્બત નથી ‘
‘એ મારા સવાલનો જવાબ નથી
પણ…તમે જઈ શકો છો ‘ !
એ શબ્દોમાં છુપાયેલો જાકારો અને છૂપો તિરસ્કાર નાયક અને આપણે દર્શકો પામી શકીએ છીએ.

સમગ્ર ઇન્ટરવ્યૂ દરમિયાન એ દેખાઈ આવે છે કે મૌલિકતા અને સ્વતંત્ર વિચારસરણીને કઈ રીતે આયોજનપૂર્વક ડામવામાં આવે છે અને બીબાઢાળ યંત્ર-માનવ જેવા કારકુનો અને કર્મચારીઓનું *ઉત્પાદન* કરવામાં આવે છે.
આપણે આ લેખમાળાની પ્રસ્તાવનામાં જોઈ ચુક્યા છીએ કે સત્યજિત રાય કઈ રીતે નવ-વાસ્તવવાદ પર બનેલી ફિલ્મો – વિશેષ કરીને ઈટાલિયન ફિલ્મો – થી પ્રભાવિત હતા. ઉપર વર્ણવ્યું એ ઈંટર્વ્યુના પ્રસંગની પ્રેરણા એમણે ઈટાલિયન ફિલ્મ સર્જક અર્માનો ઓલ્મીની ૧૯૬૧ માં બનેલી ફિલ્મ ઈલ પોસ્તો ઉર્ફે ધ જોબ ના એવા જ એક દ્રષ્ય પરથી લીધી હતી.
નાયકને ગમે તેમ કરીને કલકત્તામાં જ રોજી-રોટી મેળવીને અહીં પોતાના કુટુંબ-મિત્રો સંગે રહેવું છે અને શહેર અને એના સ્થાપિત હિતો કોઈ પણ રીતે એને અહીંથી ખદેડી મુકવા આતુર છે. આપણને રમેશ પારેખની પંક્તિઓ યાદ આવે :
*આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં*
*એક ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં*
એના કોલેજ યુનિયન સમયના એક સાથી અને સામ્યવાદી કાર્યકર એને ભલામણો થકી મેડીકલ સેલ્સમેનની નોકરી અપાવી દેવાની ઓફર પણ કરે છે પણ સિદ્ધાર્થને એ સ્વીકાર્ય નથી. કૌટુંબિક પળોજણો ઉપરાંત એની કુંઠાઓ અને અનિર્ણાયક માનસિકતા પણ એમાં જવાબદાર છે
ઘરની ગૂંગણામણ નિવારવા સિદ્ધાર્થ મહાનગરમાં ઇધર-ઉધર ભટકતો રહે છે. નગરની ગગનચુંબી ઇમારતો જાણે એનો ઉપહાસ કરતી હોય તેમ એની ભટકનને નીરખી રહે છે. સિનેમામાં ફિલ્મ જોવા જાય તો ત્યાં સમાચાર – ચિત્રમાં સરકારના ઊંચા – ઊંચા દાવાઓ એને કંટાળો આપે છે અને ઉપરથી થિયેટરમાં બોમ્બે ધડાકો થતાં નાસભાગમાં એની કાંડા-ઘડિયાળ નીચે પડીને ખોટકાઈ જાય છે એ નફામાં ! મહાનગરની સડક ઓળંગવા જતા સામેથી એક આકર્ષક યૌવનાને આવતી જુએ છે અને એ સરી પડે છે પોતાના મેડીકલ કોલેજવાળા દિવસોની સ્મૃતિમાં જ્યાં એમને સ્ત્રી-શરીરની રચનાની ‘ રસપ્રદ ‘ વિગતો ભણાવતા હતા ! કોઈ બગીચામાં પોરો ખાતા કેટલાક હિપ્પીઓનું ઝૂંડ અને એ લોકોની મસ્તી અને આનંદ એને વધુ અસ્વસ્થ કરે છે. એને કદાચ વિચાર આવે છે, આ નિર્દય નગરમાં આનંદ જેવું છે શું ?

જુના મિત્રોને મળવા હોસ્ટેલ જાય છે તો કમરામાં એક મિત્ર, રેડ ક્રોસના ફાળાવાળા ગલ્લામાંથી બેશર્મી અને સિફતપૂર્વક સિક્કા સરકાવી લેતો નજરે પડે છે. નાયક એને આ ‘પાપ’ કરતાં વારે છે તો એ નફ્ફટાઈથી કહે છે કે આ દાન એ લોકોએ આપણા જેવાઓ પાસેથી ઉઘરાવ્યું છે એટલે એ આપણા હક્કના પૈસા કહેવાય !
સમય પસાર કરવા અને જિંદગીમાં યેનકેનપ્રકારેણ કંઈક રોમાંચ લાવવા એ મિત્ર સાથે કોઈ ફિલ્મ સોસાયટીમાં અનસેંસર્ડ સ્વીડીશ ફિલ્મ જોવા જાય છે. બન્ને મિત્રો રાહ જોતા રહે છે પણ કોઈ ગરમ દ્રષ્ય આવતું નથી !
કંટાળીને બહાર નીકળતાં મિત્ર પૂછે છે કે તારી બહેનને નોકરી મળી ગઈ તો તને કેમ ન મળે? તું કંઈ ઓછો પ્રભાવશાળી નથી ! સિદ્ધાર્થ કહે છે, નોકરી માટે શૈક્ષણિક લાયકાત એકમાત્ર માપદંડ નથી ! ઇંટર્વ્યુમાં પણ સાચા અને વિચારપૂર્વકના નહીં, ગણતરીપૂર્વકના જવાબ આપીએ તો કદાચ ગજ વાગે !
બહેન આત્મનિર્ભર જ નહીં, પોતાની ક્ષમતા પર મુસ્તાક પણ છે. બન્ને ભાઈ બહેન વચ્ચે નિખાલસ વાતાવરણ છે. સિદ્ધાર્થ બહેનને એના બોસ સાથેના એના સંબંધો વિષે પૂછે છે. ‘ તું મને એમનું સરનામું આપ. હું એને ઢીબી નાંખીશ. ‘ પણ આવું કહેતી વખતે એને યાદ આવે છે, બચપણમાં બહેન સંગાથે માણેલો પેલા અજાણ્યા પંખીના મધુર કલરવનો અવાજ ! બહેનનું નામ સુતપા અને હુલામણું નામ ટોપુ છે.
ભાઈ પ્રત્યે પણ નાયકને પ્રેમ તો છે જ પણ એ પણ એને ગાંઠતો નથી. સિદ્ધાર્થ એને, એની પ્રવૃત્તિઓ બદલ ટપારે છે તો એ સીધો એને ચે ગુવેવારાની આત્મકથાનું પુસ્તક દેખાડીને કહે છે કે તમે જ મને આ પુસ્તક ભેટમાં આપ્યું હતું અને હવે ? નાયક જાતે પણ મહેસૂસ કરે છે કે સંજોગોએ એને સાવ બદલી નાંખ્યો છે. એની કોઈ આગવી ઓળખ કે વિચારસરણી રહી જ નથી. એ ભાઈને કહે છે ‘ ટોનુ, તને પેલું પંખી – પેલા જાદુઈ કલરવવાળું પંખી – યાદ છે ? ‘
એ બહેનના બોસના ઘરે તડને ફડ કરવાના ઈરાદા સાથે જાય છે, પોતાની કલ્પનાઓમાં એમને ગોળીથી ઉડાડી પણ દે છે પણ બહેન હવે કામ નહીં કરે એવી નપુંસક સૂચના માત્ર આપી ત્યાંથી ભાગી છૂટે છે.

ફિલ્મમાં નાયકનું આ અનિર્ણયના કેદી જેવું કરોડરજ્જૂવિહીન અને નિ:સહાય વ્યક્તિત્વ ડગલેને પગલે પ્રગટ થાય છે. સડક પર કોઈ મર્સીડીઝવાળો કોઈ બાળકીને અડફેટે લે તો ટોળા ભેગો પોતે પણ મૂડીવાદના પ્રતીક સમી એ કારને એકાદ લાત મારી આવે, પણ એથી આગળ કશું નહીં !
એ મિત્રને કહે છે, ભાઈ સાચું કહે છે, ક્રાંતિ વિના ઉદ્ધાર નથી. મિત્ર છેવટે મિત્ર છે એટલે ચોક્ખું પરખાવે છે, ક્રાંતિ તારા જેવાનું કામ નથી. દુનિયામાં બે પ્રકારના લોકો છે, વિચારનારાઓ અને કરી દેખાડનારાઓ. તું પહેલા પ્રકારમાં આવે ! એ સિદ્ધાર્થને હોટલમાં લઈ જાય છે. નાયક ત્યાં પહેલી વાર દારુ પીએ છે. બન્ને મિત્રો, સિદ્ધાર્થને જેની તલાશ છે એ પંખી શોધવા પંખીઓના બજારમાં જાય છે પણ ન મળતાં, મિત્ર એને લઈ જાય છે પોતાની એક પરિચિત નર્સ – કમ – કોલ ગર્લ પાસે. ‘ આ પણ દારુ જેવું છે. શરુઆતમાં અડવું લાગે, પછી ફાવી જાય ! ‘ મિત્ર કહે છે. સિદ્ધાર્થ કશમકશમાં છે. બહાર રમતા છોકરાઓનો અવાજ સંભળાય છે ‘ રેડી, સ્ટેડી, ગો ‘, પણ નહીં. સિદ્ધાર્થ અહીંથી પણ ભાગી છૂટે છે. એ પલાયનમાં જ પારંગત છે !
એવામાં અનાયાસ એનો પરિચય થાય છે કેયા સાથે. થોડીક મુલાકાતો પછી એ ઓળખાણ પ્રેમનું સ્વરૂપ ધારણ કરે છે. કેયા ભણે છે અને એના પિતાની ટ્રાંસફર અન્વયે દિલ્હીથી કલકત્તા આવી છે. એના પિતા વિધુર છે અને કોઈ આધેડ સ્ત્રી સાથે સંકળાયેલા છે. કેયાને એ વાત સ્વીકાર્ય નથી.
બહેન બોસ સાથેના સંબંધો બાબતે મક્કમ છે અને એ હવે મોડેલીંગ અને ડાંસ પણ શીખવા માંગે છે, વધુ પૈસા કમાવવા. એ પોતાની આવડત અને ફિગર પર વિશ્વસ્ત છે. ‘ તું બહુ બદલાતી જાય છે ‘ નાયક કહે છે અને બહેન ‘ બધા બદલાય છે. તું નથી બદલાયો ? ‘ કહીને વાત ઉડાડી મૂકે છે. નાયકને પોતાના દુ:સ્વપ્નોમાં બહેનનું અન્ય પુરુષો સાથેનું સંવનન, બેફામ મેલજોલ અને ભાઈનું પોલીસના હાથે થતું એનકાંઉંટર દેખાય છે જેમાં પેલી કોલ ગર્લ એને બચાવી લેતી હોય એવું દેખાય છે ! આ બધા વચ્ચે એ પોતે ગિલોટીનથી રહેંસાઈ જતો હોય એવું પણ !

કેયા સરળ છોકરી છે. એના ઘરે કાર હોવા છતાં એને બસમાં વધુ મોકળાશ લાગે છે. જો સિદ્ધાર્થ કલકત્તા છોડે તો એને પણ આ શહેરમાં રહેવું નથી.
ફિલ્મમાં સિદ્ધાર્થ નાયક છે તો કલકત્તા શહેર, એની નિર્દય સડકો અને શહેરમાં વ્યાપ્ત ભ્રષ્ટ અને દરેક રીતે પ્રદૂષિત વાતાવરણ જાણે પ્રતિ-નાયક છે. એ ડગલે ને પગલે નાયકને ઉવેખે છે, પડકારે છે, પછાડે છે અને એની હાલત પર કોઈ ખલનાયકની જેમ અટ્ટહાસ્ય કરે છે. પ્રતિદ્વંદી એટલે જ આ બેરહમ નગર !
રેનો વિષય માણસો છે. એમની નજર અર્થાત કેમેરા મારા, તમારા, આપણા જેવા લોકોના ચહેરાઓ ઉપર નિરંતર ફરતો રહે છે.
ફિલ્મના અંતે, ફરી એક વધુ ઇન્ટરવ્યૂ-નાટક અને ઉકળાટ અને અકળામણ વચ્ચે બીજા અનેક ઉમેદવારો સાથે પરસાળમાં પોતાના વારાની રાહ જોતો નાયક. પ્રત્યાશીઓ માટે ન તો બેસવાની વ્યવસ્થા છે, ન પાણીની. એક ઉમેદવાર તો ઉકળાટ અને ઉમસથી બેહોશ સુધ્ધાં થઈ જાય છે અને એના મોઢે પાણી છાંટવા કોઈ ગ્લાસ પણ નથી અને વળી એ ઘટનાથી કેટલાય ઉમેદવારો સાવ નિર્લિપ્ત છે ! નાયક કેટલાક ઉમેદવારોને પરાણે મનાવી અંદર ચેમ્બરમાં જઈબહારની વ્યવસ્થાની ફરિયાદ કરે છે જે બહેરા કાને અને તુમાખીવાળા દિમાગે અથડાય છે ! રાહ જોતા બધા ઉમેદવારો એને, પોતે મેડિકલમાં ભણ્યો હતો એવા હાડપિંજરો સમ ભાસે છે. પોતાના વારાની રાહ જોતો નાયક ઊભવા માટે એક અલગ-થલગ ખૂણો પસંદ કરે છે જે એની વૃત્તિ અને માનસિકતાનો પરિચાયક છે. અંદર બેઠેલા અધિષ્ઠાતાઓ સમક્ષ અનેક ખુરશીઓ પડી છે પણ એ આ લોકો માટે નથી ! નાયક પોતાના ખૂણે ઊભો સમસમે છે.
અચાનક ચપરાસી ભોજનના વિરામનું એલાન કરે છે અને સિદ્ધાર્થ ફાટી પડે છે. આવી ઉપેક્ષા અને સહ-માનવો પ્રત્યેની ક્રૂરતા ! એ ચેમ્બરમાં ધસી જાય છે, પોતાનો આક્રોશ હિંસક રીતે વ્યક્ત કરે છે અને નીકળી જાય છે. ઇન્ટરવ્યૂ સ્થળ છોડીને જ નહીં, હાથ ખંખેરીને નિર્દય કલકત્તા શહેર છોડીને પણ, સુદુરના બાલૂરઘાટ કસ્બા માં, મેડિકલ રિપ્રેઝન્ટેટિવની નોકરી કરી પેટિયું રળવા. આ ઘટના જાણે નાયકના આમૂલ પરિવર્તનની ધ્યોતક છે !
એની આશાઓ હજી મરી નથી. પોતાની વાત લખવા હજી કેયા અને એનો પ્રેમ છે. એ કેયાને લખે પણ છે કે તારી તકલીફોના મુકાબલે મારી તો સાવ ક્ષુલ્લક છે.અને હા, પેલા અજાણ્યા પંખીનો કલબલાટ હવે નાનકડા નગરમાં વધુ સ્પષ્ટ સંભળાય છે ! ખરેખર તો, સમગ્ર ફિલ્મ દરમિયાન સિદ્ધાર્થને તલાશ આ બે વસ્તુઓની છે, સલામત નોકરી અને પેલું અજાણ્યું પંખી અને બન્ને તલાશ સમાંતરે ચાલે છે. જાણે સર્જક કહેતા હોય કે જીવનમાં બન્ને જરૂરી છે, મનગમતી ક્ષણો અને રોજી -રોટી ! એમાં વળી ઉમેરાય છે પ્રેમ !
ફિલ્મ જે રીતે, નાયકના પિતાની અર્થી સાથે શરૂ થઈ હતી એ જ રીતે હોટલની પરસાળ નીચેથી પસાર થતી અન્ય સ્મશાન-યાત્રા સાથે સમાપ્ત થાય છે. આ વખતની અર્થી એની એક જિંદગી પૂરી થયાનું પ્રતીક છે તો બીજું એક નાનકડું આશામય જીવન શરૂ થયાનું ઝાંખું-પાંખું અજવાળું પણ ! ‘ રામ બોલો ભાઈ રામ ‘ અને પંખીનો ચહચહાટ એ બન્ને અવાજો એકબીજામાં ભળી જાય છે.

સિદ્ધાર્થ તરીકે ધૃતિમાન ચેટર્જી બેમિસાલ છે. આ એની પહેલી ફિલ્મ છે એ માની જ ન શકાય ! પોતાના પાત્રને આટલી સચોટ રીતે સજીવન કરતા જોઈ આપણને સહેજે સત્યજીત રાયની જ ફિલ્મ ચારૂલતા ની માધવી મુખર્જી સાંભરી આવે ! એમનાથી જરીકેય ઉતરતા નથી ધૃતિમાન. ગત હપ્તે આપણે ચર્ચેલી આગંતુક માં પણ એ વકીલ સેનગુપ્તાની નાની પરંતુ અગત્યની ભૂમિકામાં હતા. બહેનની ભૂમિકામાં કૃષ્ણા બોઝ અને કેયાની ભૂમિકામાં જયશ્રી રોય છે. પણ અહીં નાયક એટલે કે ધૃતિમાન જ દરેક રીતે કેન્દ્રસ્થાને છે. સલામ ! રાયની આ સહિતની અનેક ફિલ્મોમાં સિનેમાટોગ્રાફર સૌમેન્દુ રોયનો કેમેરા ઝીણી-ઝીણી વિગતો અને ભાવોને એટલી બારીકાઈથી નોંધે છે કે આફરીન પોકારાઈ જવાય ! બ્લેક એંડ વ્હાઈટ ફોટોગ્રાફીનો મહિમા જ અનેરો છે !
અને સત્યજિત રેનું શુ કહેવું ! એક સંપૂર્ણ કસબી. The MASTER! સમગ્ર ફિલ્મની દરેક ક્ષણે એમનો જાદુઈ સ્પર્શ દેખાઈ આવે છે.
ભલે મોડે મોડે પણ સત્યજીત રાયની આ દુનિયાની સફર કરવાનું અહોભાગ્ય સાંપડ્યું એનો અપાર આનંદ…
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
આ શ્રેણી બહુ રસપ્રદ બની રહી છે.
રાયસાહેબની ફિલ્મો માણવા માટે તે ઉત્તમ પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે.
ખૂબ ખૂબ આભાર બીરેનભાઈ !
વાહ ખુબ જ સરસ. સત્યજીત રે ની આટલી સરસ ફિલ્મ વિશે કયારેય જાણ જ ન થાત જો આ શ્રેણી શરું જન થઇ હોત તો. શ્રી થાવરાણી સાહેબ ને ખુબ ખુબ અભિનંદન તથા ખુબ ખુબ આભાર. 🙏🙏🙏
દુનિયા ના કોઈ થોડા પણ સંવેદનશીલ વ્યક્તિ ની લાગણીઓ ને ઢંઢોળે તેવી ધારદાર પણ સચોટ કલમે લખાયેલો લેખ… સત્યજિત રે વિશે મારી અલ્પસમજ માં આ શ્રેણી ખૂબ રસપ્રદ બની રહી છે..શ્રી થાવરાણી જી ને અભિનંદન અને સલામ
ખૂબ આભાર કિશોરભાઈ !
વાહ ખુબ જ સરસ. સત્યજીત રે ની આટલી સરસ ફિલ્મ વિશે કયારેય જાણ જ ન થાત જો આ શ્રેણી શરું જન થઇ હોત તો. શ્રી થાવરાણી સાહેબ ને ખુબ ખુબ અભિનંદન તથા ખુબ ખુબ આભાર. 🙏🙏🙏
ખૂબ ખૂબ આભાર બહેન !
સત્યજિત રાયની ફિલ્મો વિશે સૌ પહેલી છાપ એવી હતી કે અન્ય બંગાળી સાહિત્ય અને અમુક અંશે ફિલ્મોની જેમ તેમની ફિલ્મોમાં પણ જે સામાજિક , અને અમુક અંશે રાજકીય પરિસ્થિતિનું, જે પ્રતિબિંબ ઝીલાયું છે તે જેમણે જોયું અનુભવ્યું ન હોય તે બહુ માણી ન શકે.
વળી બંંગાળી ભાષા ન આવડતી હોવાથી ઘણી સુક્ષ્મ બાબતો તો સમજાય જ નહીં.
શ્રી ભગવાનભાઈએ એ બધી માનયતાઓને ધરંઊલ્થી દૂર કરી દે તે શૈલી અને ચિવટથી આ આસ્વાદ કરાવી રહ્યા છે.
ખૂબ ખૂબ આભાર અશોકભાઈ !
ફિલ્મો જોવી, ફિલ્મોના દરેક પાસાનું માત્ર નિજાનંદ માટે આચમન એ મારો અતિપ્રિય શોખ રહ્યો છે. જે આપણને ગમે એ વિશે દિલથી લખી શકાય !
આપનો આભાર કે આપ મારા લખાણોનું જતન કરી એમાં આપના યોગદાનથી અભિવૃદ્ધિ કરો છો.