સમયચક્ર : ભારતની ભવ્ય ઈમારત – રાષ્ટ્રપતિ ભવન

ભારતમાં જોવાલાયક અનેક સ્થળો છે. એમની ભવ્યતાની જાહેર જનતાને જાણ હોય છે. પણ રાષ્ટ્રપતિ ભવન વિશે બહુ ઓછી વિગતો બહાર આવતી હોય છે. ભારતની અનેક ઈમારતોનો ઈતિહાસ જદી જુદી ભાષાઓના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ભણાવાતો હોય છે. પરંતુ દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશના બંધારણીય વડાનું સત્તાવાર નિવાસસ્થાન એવું રાષ્ટ્રપતિ ભવન કશે ભણાવવામાં પણ નથી આવતું તે એક આશ્ચર્ય છે. વાસ્તવમાં ભારતનું રાષ્ટ્રપતિ ભવન દુનિયાના તમામ રાષ્ટ્રપતિ ભવનો કરતા મોટું અને વધુ દર્શનીય છે.

માવજી મહેશ્વરી

ભારતના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને પૂછો કે ભારતની ભવ્ય ઈમારતો કઈ કઈ ? એને બીજું કશું યાદ આવે કે ન આવે પણ તાજમહાલ જરુર યાદ આવશે. સામાન્ય માણસનો પણ એજ ઉત્તર હશે. કારણ કે તાજમહાલ વિશે ઘણું બધું લખાયું છે. એ મુઘલ ઈતિહાસનું એક રસપ્રદ પાનું છે. વળી તાજમહાલને વિશેષ લોકપ્રિયતા મળવાનું એક કારણ એની સાથે જોડાયેલી મુઘલ બાદશાહ શાહજહાં અને એની બેગમ મુમતાજની પ્રેમ કહાની છે. તાજમહાલને આપણી બોલીવુડની ફિલ્મોએ પણ ખાસ્સું મહત્વ આપ્યું છે. હિન્દી કવિઓનો તાજમહાલ તરફનો પ્રેમ પણ જાણીતો છે. એમા કોઈ શંકા નથી કે તાજમહાલ સુંદર છે. ભારતની બે નમૂન ઈમારત છે. એનું ઈજનેરી કૌશલ્ય પણ એટલું જ મહત્વનું છે. તેમ છતાં ભારતની ભવ્ય ઈમારતોની યાદીમાં સૌથી મોખરે મુકવું હોય તો ભારતના મહામહિમ રાષ્ટ્રપતિનું નિવાસ સ્થાન એટલે રષ્ટ્રપતિ ભવન જ આવે. રાષ્ટ્રપતિ ભવન લોકજીભે એટલા માટે ચડેલું નથી કે સમગ્ર ભારતીય પ્રજા માટે એના દર્શન કરવા શક્ય નથી. ત્યાંની પ્રવેશ સંહિતા જ એટલી અઘરી છે કે ભાગ્યે જ કોઈને રાષ્ટ્રપતિ ભવન જોવાનું મન થાય. એ સ્વાભાવિક પણ છે કારણ કે એ દેશના પ્રથમ નાગરિકનું નિવાસ સ્થાન છે.

ઘડીભર વિચારો કે ૧૫૪ હેક્ટર એટલે કે ૧૮૫૮૦ ચોરસ મીટરમાં ફેલાયેલી કોઈ ઈમારત હોય. જેના ચણતરમાં લગભગ ૭૦ કરોડ ઈંટો વપરાઈ હોય, જેમા ૮૫૦૦૦ ઘન મીટર પથ્થરનો ઉપયોગ થયો હોય, એ ઈમારતને ૫૪ હેક્ટરનો વિશાળ બગીચો હોય, જ્યાં અંદાજે પાંચસો જેટલા કર્મચારીઓ હોય તો એ ઈમારત ભવ્ય કહેવાય કે નહીં ? ચોક્કસ કહેવાય. સાથે એ પણ વિચાર આવવો જોઈએ કે એ ઈમારતમાં રહેનાર માણસ કેટલો અગત્યનો હશે ? નશીબદાર તો ખરો જ !

ભારતની આ ભવ્ય ઈમારત જેને આપણે રાષ્ટ્રપતિ ભવન કહીએ છીએ તેમાં ૩૪૦ ઓરડા છે. આટલા ઓરડા ધરાવતું રાષ્ટ્રપતિ ભવન દુનિયાના એક પણ દેશમાં નથી. મહાસત્તા ગણાતા અમેરિકાના વ્હાઈટ હાઉસમાં પણ નથી. જેમાના અમુક ઓરડા મોટાભાગે બંધ જ રહેતા હોય છે અથવા ખાસ કિસ્સામાં ખોલવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં જે લોકો ગયા હશે તેમને પોતાના શ્વાચ્છોશ્વાસ સંભળાતા હોય એવી અનુભુતિ થઈ હશે. એનું કારણ ત્યાંની શાંતિ અને શિસ્ત. એને શાંતિ કરતા સન્નાટો કહેવું યોગ્ય ગણાશે. ત્યાં જોરથી વાતો કરવાનો કે ખડખડાટ હસવાનો વિચાર પણ ન આવે. જોકે ખાસ સંહિતા ( પ્રોટોકૉલ ) ધરાવતી રાજકીય ઈમારતોમાં આ પ્રકારનું વાતાવરણ હોય તે સામાન્ય બાબત છે. આવી સુંદર ઈમારત કોણે બાંધી, કયા સંજોગોમાં બાંધી તે વિશે પણ બહુ ઓછા લોકો જાણે છે. ભારતનું રાષ્ટ્રપતિ ભવન ગણાતી ઈમારત હકીકતે ભારતની આઝાદી પહેલા નિર્માણ પામી છે અને તેને અંગ્રેજોએ બનાવી છે.

સને ૧૯૧૧ પછી ભારતની રાજધાની કોલકાતાથી દિલ્લી ખસેડવાની જાહેરાત જ્યોર્જ પંચમે કરી. પરંતુ ભારતના વાઈસરૉયના દરજ્જાને અનુરુપ એવી એક પણ ઈમારત દિલ્લીમાં ન્હોતી. એટલે ભારતના વાઈસરૉય માટે એક બે જોડ ઈમારત બાંધવાનું નક્કી થયું. ૧૯૧૩માં એના બાંધકામની શરુઆત થઈ અને ૧૯૩૦માં પુરું થયું. આ ઈમારતને બાંધવાનો ખર્ચ અધધધ ૧૨૫૩૦૦૦ પાઉંન્ડ થયો. ( એને ભારતીય રુપિયામાં ફેરવી જુઓ. મુલ્ય ૧૯૩૦ની સાલનું ગણશો ! ) આખીય ઈમારત બાંધવાની મૂળ સંકલ્પના એક્વીન લેન્ડશીર લ્યુટન્સની હતી. તેઓ આ બાંધકામના સ્થપતિ હતા. તેની સાથે બેકર નામનો શિલ્પી પણ હતો. એ બન્ને વચ્ચે નિર્માણ દરમિયાન ઈમારતની જગ્યા બાબતે વિવાદો પણ થયા હતા. આખરે રાયસીના હિલ્સ ઉપર દૂરથી દેખાય તે રીતે બાંધવાનું નક્કી થયું. આ ભવ્ય ઈમારતમાં પહેલીવાર રહેવાનું સૌભાગ્ય તે વખતના ભારતના વાઈસરૉય લોર્ડ ઈરવીનને સાંપડ્યું. ૧૯૩૦થી ૧૯૪૭ સુધી તે વાઈસરૉય હાઉસ કહેવાતું રહ્યું હતું. ભારતની આઝાદીબાદ ૧૯૫૦થી તેને રાષ્ટ્રપતિ ભવન નામ આપવામાં આવ્યું.

રાષ્ટ્રપતિ ભવનના નિર્માણમાં સ્થાપત્યની ત્રણ સંસ્કૃતિનો ઉપયોગ કરાયો છે. હિન્દુ, મુસ્લીમ અને યુરોપીયન સ્થાપત્યના સાયુજયથી આ ઈમારત બનાવવામાં આવી છે. આ ઈમારતનો સ્થપતિ લ્યુટન્સ ખંતીલો અને સુક્ષ્મદષ્ટિ ધરાવતો હતો. આ ઈમારતના નિર્માણમાં તેણે ખાસ્સો પરસેવો પાડ્યો છે. તેણે ભારતીય સ્થાપત્યનો ઊંડો અભ્યાસ કરી કરી જુદી જુદી કળાઓનો આ ઈમારતના બાંધકામમાં વિનિયોગ કર્યો છે. બૌધ્ધ મઠમાં જોવા મળતા ઘુમ્મટનો ઉપયોગ તેણે ભવનની ટોચ બનાવવા માટે કર્યો. તેણે મૌર્ય અને મોગલકાળના સ્થાપત્ય સાથે ગ્રીક સ્થાપત્યને એવી રીતે જોડ્યુ કે ઈમારત ભારતીય લાગે. અંદરના રચના જોતાં સ્થાપત્યના જાણકારને ખ્યાલ આવી જાય કે એમા બે થી વધારે સ્થાપત્ય શૈલીનો ઉપયોગ થયેલો છે. આ ઈમારતની સૌથી મહત્વની ખૂબી એ છે કે એના નિર્માણમાં સ્ટીલનો જૂજ ઉપયોગ થયેલો છે.

કલ્પના કરો કે જો તમને ૩૪૦ ઓરડાવાળા વિશાળ મકાનમાં રહેવા જવાનું હોય અને ત્યાં પાંચ જ વર્ષ રહેવાનું હોય, તો ૩૪૦ ઓરડાનું કરો શું ? આ પ્રશ્ન કોઈને પણ થાય. આશ્ચર્યની બાબત એ પણ છે કે ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓમાંથી કોઈએ તમામ ઓરડા જોયા હોય એવું બન્યું નથી. આપણાં પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબ તો એકલા જ હતા. આવડા વિશાળ મકાનમાં રહેવા ગયા પછી તેમને શું થતું હશે ? જોકે મોટાભાગના રાષ્ટ્રપતિઓએ તેમના કાર્યકાળ દરમિયાન અમુક જ ખંડોનો ઉપયોગ કર્યો છે. આ વિશાળ ભવનમાં વિવિધ વિષયના ખાસ ખંડો પણ છે. કેટલાક ઓરડાઓ પુસ્તકાલય તરીકે વપરાય છે. અન્ય દેશોમાંથી સત્તાવાર પધારતા મહાનુભાવોનો ઉતારો રાષ્ટ્રપતિભવનમાં હોય છે. સ્વાભાવિક છે કે ત્યાંની આગતા સ્વાગતા પણ જાજરમાન જ હોય. ભારતના વડાપ્રધાન અને અન્ય પ્રધાનોનો શપથ વિધિ જ્યાં થાય છે તે દરબાર હોલ તરીકે ઓળખાય છે. દરબાર હૉલમાં બે ટન ( હા ૨૦૦૦ કિલો )વજન ધરાવતું ૨૩ મીટર ઊંચું વિશાળ ઝુમ્મર છે. રાષ્ટ્રપતિ ભવનનો મુખ્ય પ્રવેશદ્વાર ગેટ નં. ૩૫ તારીકે ઓળખાય છે. જેને નવેમ્બર ૨૦૦૨થી નોર્થ એવેન્યુ એવું નામ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં ૫૪ એકરનો વિશાળ બગીચો છે. જેને મોગલ ગાર્ડન કહે છે. આ બગીચામાં વિવિધ ૨૦૦ જાતના ગુલાબના ફૂલ થાય છે. દુનિયામાં અપ્રાપ્ય ગણાતું બ્લેક રોઝ રાષ્ટ્રપતિ ભવનના બગીચામાં ખીલે છે. આ બગીચો દર ફેબ્રુઆરી માસ દરમિયાન સામાન્ય પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવે છે. બ્રીટીશ કાળમાં આ બગીચામાં પક્ષીઓને ઉડાડવા પચાસેક છોકરાઓ રાખવામાં આવતા અને ૪૦૦ જેટલા તો માળી કામ કરતા. ભારતવાસીને ભાગ્યે જ રાષ્ટ્રપતિ ભવન જોવાની ઈચ્છા થતી હશે. એનું કારણ એ કોઈ જાહેર સ્થળ નથી. ત્યાં પહોંચવું અતિ કઠીન છે. બહુ ઓછા લોકોને રાષ્ટ્રપતિ ભવન જોવાનો મોકો મળતો હોય છે. ભારતની આ અગત્યની ઈમારત જોવાનો એક લહાવો છે. જો તક મળે તો ઝડપી લેવા જેવી ખરી.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર રાષ્ટ્રપતિ ભવનની અધિકૃત વેબ સાઈટ પરથી સાભાર લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર Copyright © 2016 The Presidents Secretariat, Rashtrapati Bhavan અબાધિત છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.