બાળવાર્તાઓ : ૧૯ – થેંક્યુ, ચકીબેન

પુષ્પા અંતાણી

નાનકડા શૈલને રોજ સવારે એની મમ્મી જગાડે, પણ એને પથારીમાં સૂતા રહેવું બહુ ગમે. મમ્મી બહુ મહેનત કરે, પણ શૈલ ઊઠે જ નહીં. આ રોજનું થયું. મમ્મી કંટાળી ગઈ હતી. એક દિવસ એ શૈલને જગાડવા લાગી, પણ એ તો કશું સાંભળ્યું ન હોય એમ પડ્યો રહ્યો. મમ્મીએ ઊંઘતા શૈલને તેડ્યો, બહારના કમરામાં લાવીને ખોળામાં સુવડાવ્યો. એના માથા પર વહાલથી હાથ ફેરવતાં મમ્મી બોલી: “શૈલ, ઊઠો, બેટા! જો તો ક્યારની સવાર પડી ગઈ છે. બધાં છોકરાં નિશાળે પણ ગયાં.”

‘ઊહું… ઊંહું’ કરતો શૈલ મમ્મીની ડોકમાં હાથ વિંટાળી ફરી ઊંઘવા લાગ્યો. એટલામાં શૈલે સરસ મજાની ચકલીને બારીમાંથી ઘરમાં આવતી જોઈ. એની અધખુલ્લી આંખો એકદમ ઊઘડી ગઈ. એ મમ્મીના ખોળામાંથી બેઠો થઈ ગયો અને ચકલીને જોવા લાગ્યો. મમ્મી એનું કામ કરવા ગઈ. ચકલી બારણા પર બેઠી હતી. શૈલને એની ગોળગોળ આંખો બહુ ગમી. એ એની નાનકડી ડોક ફેરવીને ચારે બાજુ જોતી હતી. શૈલને મજા આવી ગઈ. એ પોતાની નાની હથેળી વચ્ચે મોઢું ગોઠવીને ચકલીને જોતો જ રહ્યો.

ચકલી બારણા પરથી ઊડીને ટેબલ પર બેઠી. એ એની ચાંચ ઉઘાડબંધ કરતી હતી. શૈલને એની ચાંચને અડકવાનું મન થઈ ગયું. ચકલી ટેબલ પર ઠેકતી ઠેકતી ચાલવા લાગી. શૈલ ઊભો થઈ ગયો. ચકલી ટેબલ પર પડેલા વાડકામાં જોતી હતી. એ વાડકામાં શૈલે સાંજે ખાધેલા થોડા મમરા પડ્યા હતા. ચકલીએ ડોક ફેરવીને આજુબાજુ જોયું, પછી ધીરેથી એક મમરો ચાંચમાં દબાવ્યો અને ફર્રર્ર કરતીકને ઊડીને બારણા પર બેસી ગઈ. એ મમરો ખાવા લાગી. ફરી ટેબલ પર આવી, બીજો મમરો ઉપાડ્યો ને ઊડી. ફરી આવી, ફરી ઊડી… ફરી આવી, ફરી ઊડી. શૈલને બહુ ગમ્મત પડી.

થોડી વાર પછી ચકલી ઊડીને રસોડામાં ગઈ. ત્યાં પ્લેટફોર્મ પર પાણી ભરેલું તપેલું પડ્યું હતું. એ તપેલાની ધાર પર બેઠી અને ડોક નમાવીને ચાંચથી પાણી પીવા લાગી. પાણી પીને એ ઊડીને ઘરની બહાર ગઈ. શૈલ એની પાછળ દોડ્યો. દરવાજા પાસે ઊભા રહીને જોયું. ચકલી સામેના ફૂલઝાડના ક્યારામાં ચાંચ વડે જમીન ખોતરતી હતી. શૈલ એકીટશે ચકલીને જોઈ રહ્યો હતો. થોડી વારે ચકલી ત્યાંથી પણ ઊડીને ક્યાંય દૂર ચાલી ગઈ.

શૈલ ચકલી પાછી આવે એની રાહ જોતો દરવાજામાં જ ઊભો રહ્યો. ઘણી વાર થઈ, પણ ચકલી પાછી આવી નહીં. એ નિરાશ થઈ ગયો. મમ્મી એને બ્રશ કરાવવા અને નવરાવવા – ધોવરાવવા લઈ ગઈ. ચકલીના વિચારમાં આજે શૈલે મમ્મી પાસે બધું ફટાફટ કરવી લીધું. એ દૂધ પીને ચકલીની રાહ જોતો બહાર બેઠો હતો. જોયું તો ચકલી એની સાથે બીજી ચકલીને પણ લઈ આવી. બંને પકડદાવ રમતી હોય એમ એકબીજાની પાછળ ઊડવા લાગી. આમ શૈલ આખો દિવસ ચકલી પાછળ દોડતો રહ્યો.

સાંજ પડી. અંધારું થવા લાગ્યું. ચકલી ક્યારે ઊડી ગઈ અને ક્યાં ગઈ એની શૈલને ખબર પડી નહીં. એણે રાત સુધી વાટ જોઈ કે કદાચ એ પાછી આવે, પણ ચકલી આવી જ નહીં. છેવટે એ ઊંઘી ગયો.

રાતે શૈલને સપનું આવ્યું. સપનામાં ચકલી દેખાઈ. ચકલી શૈલ પાસે આવીને બેઠી. શૈલના હાથમાં મમરા હતા. ચકલી મમરા ખાવા લાગી. શૈલ પાણી પીતો હતો એ પ્યાલામાંથી ચકલી પણ પાણી પીવા લાગી. એ ચકલી સાથે વાતો કરતો હતો અને ચકલી એની નાનકડી ડોક ઊંચી કરીને એની વાતો સાંભળતી હતી. પછી બંને પકડદાવ રમવા લાગ્યાં. ચકલી ઊડતી ઊડતી આગળ જાય અને શૈલ એને પકડવા પાછળ દોડે. એમ કરતાં ચકલી ફર્રર્ર કરતી ઘરની બહાર ઊડી ગઈ. શૈલ ‘ચકી, ઊભી રહે, ચકી, ઊભી રહે’ બોલતો પાછળ દોડવા જતો હતો ત્યાં જ એની આંખ ઊઘડી ગઈ.

સવાર પડવામાં હતી. એ જાગી ગયો અને સપનામાં જોયેલી ચકલીને યાદ કરવા લાગ્યો. ત્યાં તો એને સાચી ચકલીનો ‘ચીં… ચીં…’ અવાજ સંભળાયો. જોયું તો ચકલી ‘ચીં… ચીં…’ કરતી જાણે શૈલને ઉઠાડવા આવી હતી. હજી તો ઘરમાં બધાં સૂતાં હતાં, પણ શૈલ તરત પથારીમાં ઊભો થઈ ગયો અને ચકલીની પાછળ દોડવા લાગ્યો, રમવા લાગ્યો. એના અવાજથી શૈલની મમ્મી જાગી ગઈ. મમ્મીને બહુ નવાઈ લાગી. રોજ ઊઠવામાં આટલી માથાકૂટ કરાવે છે એ શૈલ આજે આટલો વહેલો જાતે જાગી ગયો? એણે શૈલને પૂછ્યું, “બેટા, હું આ શું જોઉં છું? તું આજે આટલો વહેલો જાતે ઊઠી ગયો?”

શૈલ કૂદકા લગાવતો મમ્મી પાસે આવ્યો. બોલ્યો: “મમ્મી, મમ્મી, તને ખબર છે, આજે મને કોણે જગાડ્યો? આ ચકીએ, હા મમ્મી, આ ચકીએ! હવેથી રોજ મને એ જ જગાડશે, તારે બૂમો નહીં પાડવી પડે.”

શૈલની વાત સાંભળી મમ્મી બહુ રાજી થઈ. એણે શૈલને વહાલ કર્યું અને ચકલી સામે જોઈને બોલી, “થેંક્યુ, ચકીબેન!”

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.