– ભગવાન થાવરાણી

મુનવ્વર રાણા મહેફિલો, મુશાયરાઓના શાયર છે. ખૂબ સુંદર લખે છે અને ખૂબ ભાવુક છે. ક્યારેક કોઈક આપવીતી જેવી રચનાનું પઠન કરતાં બેઝિઝક રડી પણ પડે ! એમના એક દીવાન મુહાઝિર-નામામા ૩૦૦ થી યે વધુ શેર છે અને બધા જ શેર મુહાઝિરો ( શરણાર્થીઓ ) વિષે છે અને બધામાં રદીફ છોડ આએ હૈં છે !
મુહાઝિર – નામાના આ શેરો ઉપરાંત એમનો એક શેર મને બહુ પસંદ છે. જુઓ :
મુહાઝિરોં ! યહી તારીખ હૈ મકાનોં કી
બનાને વાલા હમેશા બરામદોં મેં રહા ..
કોઈક બંધાઈ રહેલા આલીશાન મકાનને જોજો. એ મકાનની બની રહેલી પરસાળમાં એનું નિર્માણ કરી રહેલા મજૂરોનો પરિવાર વિખરાયેલો પડ્યો હશે. ક્યાંક ચૂલો, ક્યાંક બાળકનું ઘોડિયું, ક્યાંક કપડાંની તૂટી-ફૂટી પેટી અને એવું બધું !
જેવું બંગલાનું ચણતરકામ અને રંગરોગાન પૂરાં થાય, આ મુહાઝિર-નુમા પરિવાર પોતાનો વસાવેલો સંસાર સમેટે છે અને બીજી કોઈક પરસાળ – બરામદામાં શરણું લેવા રવાના થાય છે, મોટે ભાગે પગપાળા.
અનેક દેશોમાં લગભગ આવી જ હાલત એવા મુહાઝિરોની પણ છે જેમણે સંયોગવશ હિજરત કરીને નવો દેશ વસાવ્યો, એની પ્રગતિનાં યોગદાન આપ્યું પરંતુ …
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
ખૂબ સરળ અને સરસ.