વાડ-વગડાનો વાસી “હાથલિયો થોર” અને એનું બળુકું “ફીંડલા સરબત”

હીરજી ભીંગરાડિયા

“શું વાત કરું ગોદાવરીભાભી ! તમારે ત્યાં આવીએ અને કંઇક નવું ન પામીએ એવું ક્યારેય બન્યું નથી ! ગયા વખતે આવ્યો ત્યારે તમારી વાડીની “કોફી” પીવડાવી હતી. એની પહેલાં આવ્યો ત્યારે સીતાફળ ખાવાની મસ્ત મજાની રીત શીખવાડી હતી. અને એનાથીયે પહેલાં તમારી વાડી-પંચવટીબાગના સજીવખેતીથી પકાવેલ આમળામાંથી તમે જાતે બનાવેલી જે “ચોકલેટ” [કેંડી] ખવરાવી હતી, એવી કેંડી બીજે તો ક્યારેય ખાવા નથી મળી. જેનો સ્વાદ હજુ સુધી દાઢમાંથી ગયો નથી ! અને આજ આ લાલ રંગના સરબતથી સ્વાગત કરી રહ્યા છો, એ પણ કંઇક નવીન ભાત્યનું જ હોવું જોઇએ એમ મારું મન કહી રહ્યું છે, સાચું છે ને ભાભી ?” હાથમાં સરબતનો ગ્લાસ લેતાવેંત જ અમદાવાદથી આવેલ ફઈનો દીકરો ભાઈ મોહન હસતાં હસતાં થોડું નાવિન્ય પામી રહ્યો હતો.

“પહેલાં પીઓ તો ખરા ! અને કેવું લાગ્યું એ કહો ! પછી બધી વાત કરશું. તમે ઘડીક તમારા ભાઇ સાથે સખદ:ખની વાતો કરો એટલી વારમાં પણે……જુઓ ! એનું દોહવાનું ટાણું થઈ ગયું હોવાથી અમારી “શ્યામલી” [ગાય] ભાંભરડા દઈ રહી છે.” કહી ગોદાવરી તો એક હાથમાં હાંડો ને બીજા હાથમાં શેળાયું પકડતીકને ઉતાવળે પગલે ગાય દોહવા નીકળી ગઈ.

“હીરજીભાઈ ! સાચ્ચે જ બહુ મીઠું છે હો આ સરબત ! આ તો કાયમ પીધા જેવું છે. ક્યાં મળે છે આ સરબત ? મારા ભાભી ભલે ગાય દોહવા ગયા, તમે જ કહોને કે આ સરબત પણ આપણી વાડીના કોઇ પાકમાંથી બનાવેલ હશે ખરું ને ?

“જો ભાઇ મોહન ! આ સરબત “હાથલિયાથોર”નાં ફળો એટલેકે એનાં “ફીંડલા”માંથી બનાવેલું છે. અને……”

“પણ હું ગયા વખતે આવ્યો ત્યારે આપણે વાડીએ આંટો ગયા હતા ત્યારે તમારી વાડીની વાડ્યે થોર તો જોયા હતા, પણ તેનું નામ તો તમે “ડિંડલિયાથોર” એવું આપેલું. હાથલિયો થોર તો ક્યાંય નજરે ચડ્યો નહોતો અને તમે વાત કરો છો કે…..”

“અરે પણ તું મારી વાત તો પૂરી સાભળ ! પંચવટીબાગની જમીન છે ચીકણા પ્રકારની. હાથલિયા થોરને આવી જમીન ન ફાવે. આ થોરને રાજસ્થાન, મધ્ય ગુજરાત, ઉતર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાંયે ખાસ કરીને ઓછા વરસાદવાળો –અર્ધસૂકો વિસ્તાર અને એમાંયે ડુંગરાઓ, ટેકરીઓવાળી ધારો તથા પથ્થરાળ નહેરાં-વોંકળાંની કિનારીઓ ઉપર ઢુગલું થઈને ઊગી નીકળવાનું વધુ ગમતું હોય એવી આ કાંટાળી કેકટસ કૂળની જંગલી વનસ્પતિ છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ઘેલાસોમનાથ-બિલેશ્વર-હિંગોળગઢ બાજુ નીકળવાનું થાય તો નજર નાખી જોજે, પડતર જમીનોમાં આ થોર મોટા ઢુવા-ઢુંગલા થઈને અને ખેડૂતોના ખેતરોની વાડોમાં લાઇનબધ્ધ ઉજેરેલા નજરે ચડશે.”

“તો પછી હાથલિયા થોર થાય છે ઠેઠ હિંગોળગઢ દિમના અને એનું સરબત તો તમે અહીં પીવડાવો છે ! કંઇક ગોઠવણ થઈ લાગે છે !” મોહને ચોખવટ માગી.

“જો ભૈલા ! એ વિસ્તારમાં હિંગોળગઢની બાજુમાં “પર્યાવરણ શિક્ષણ કેંદ્ર-ભીમકૂઈ”ના નામે ફોરેસ્ટ ખાતાનું એક કેંદ્ર આવેલું છે. હું જ્યાં ખેતીવાડીનું ભણ્યો છું, એ નાનાભાઇ ભટ્ટ અને મનુભાઇ પંચોલી [દર્શક] ની લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં ભણેલ એક પર્યાવરણપ્રેમી જણ શ્રી વી.ડી.બાલા સાહેબ [પ્રમુખ-નવરંગ નેચર ક્લબ-મો.94275 63898] ત્યાં વનઅધિકારી તરીકે ફરજ બજાવતા હતા તે દરમ્યાન તે વિસ્તારમાં જ્યાં અને ત્યાં આડે વગડે અને ખેડૂતોની વાડીઓની વાડોમાં જામી પડેલા હાથલિયા થોર દ્વારા ગરીબોને રોજીરોટી રળાવવાની કલ્પના આવી. ત્યાંના ગરીબ લોકો આ હાથલિયા થોરના ફીંડવા ઉતારી વેચવાનું કામ ટવર્યા ટવર્યા કરતા હતા, પણ જોઇએ એવું બજાર મળતું નહોતું. બાલા સાહેબ તો આ થોરના ફળોનું આરોગ્યની દ્રષ્ટિએ કેટલું મોટું મહત્વ છે તે બરાબર સમજતા હતા. તેથી વધુમાં વધુ લોકોને એનો લાભ મળતો થાય અને અહીં વસતા ગરીબ લોકોને રોજીરોટી મળી રહે તેવો દ્વીઅર્થી વ્યવસાય ઊભો થઈ રહે તે વાસ્તે આ ફીંડલામાંથી મૂલ્યવર્ધનનો આયામ અમલમાં મુકાવ્યો.- એ ફળોમાંથી રસ કાઢી સરબત બનાવે અને ગામડાંઓમાં અને મોટા શહેરોમાં એનું મોટાપાયે વેચાણ થઈ શકે તેવી નવરંગ નેચર ક્લબ દ્વારા જબરી વ્યવસ્થા ઊભી કરી રાજકોટ-જામનગરના 60થી વધુ પરિવારો હાથલાનું સરબત અને પાકાં ફળોનું વરસ દાડે 32 લાખનું વેચાણ કરી પૂરક રોજગારી મેળવે છે. શું આ નાનું સુનું યોગદાન ગણાય ? એ વિસ્તારના ગુંદાળા ગામના હેમંતભાઇ તેમને ત્યાં બનાવેલા આવા ફીંડલા સરબતની બોટલો વેચાણ અર્થે અહીં અમારે ત્યાં મૂકી જાય છે,અને આ વિસ્તારમાં જેમને જરૂરિયાત હોય તેઓને તેમના ભાવે વેચાણ કરવામાં મદદગારી કરીએ છીએ-એવી બોટલમાંથી બનાવેલ સરબત તને પીવા આપ્યું છે. બોલ કેવું લાગ્યું મોહન !” મોહનની ઇંતેજારી શમાવવા મેં થોડી વિગતે વાત કરી.

“બહુ ભાવ્યું હો ! મજા પડી ગઈ ! પણ હું એમ પુછું છું કે સ્વાગતપીણાં માટે તો આજે શહેરો સમજ્યા, પણ ગામડાંની દુકાનોમાંયે કોકાકોલા, લીમકા, જીરુસોડા, પેપ્સી જેવા ઘણી જાતના પીણાં મળતાં હોવા છતાં લોકો ફીંડલા સરબત ખરીદવાનું કેમ પસંદ કરે છે એ મને ન સમજાયું.”

“ અરે એવા પીણાંઓમાં તો કેવા કેવા રસાયણો અને શું શું નાખ્યું હોય અને શરીરને કેવા નડી જાય એની થોડી ખબર છે આપણને ? જ્યારે આ તો વનસ્પતિના શુધ્ધ રસમાંથી જ બનાવેલ હોઇ નડવાની તો વાત જ ન આવે. એટલે સ્વાગતપીણા તરીકેની ઉત્તમતા ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ એનું બહુ મોટું મહત્વ છે મોહન !”

“ એ વળી કેવી રીતે ?” મોહનની ઇંતેજારી વધતી જતી હતી.

“ મોટાભાગના લોકોની આજની જીવન જીવવાની પદ્ધત્તિ અને ખોરાકી ટેવો એવા બદલાઇ ગયા છે કે જેના પરિણામરૂપ શરીરનું વજન વધવાના કારણે લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. અનેક જાતના પ્રયત્નો કરવા છતાં ધાર્યું પરિણામ ન મળતું હોય ત્યારે જો નિયમિત સેવન કરવામાં આવે તો આ સરબત મદદગાર બની વજન ઘટાડવાની બાહેંધરી લે છે. કારણ કે ઘડીએ ઘડીએ ભૂખ લાગ્યા કરવાથી વારંવાર ખાવાની આદત ધરાવતી વ્યક્તિઓની ભૂખને આ ફળની અંદર રહેલા ફાઇબર-રેસા ઓછી કરી શકે છે. અને જો મોહન ! આજકાલ આ ફીંડલા સરબત વધુમાં વધુ તો જેમને લોહીના ટકા ઓછા હોય-એટલે કે હિમોગ્લોબીનની ઊણપ વરતાતી હોય એવા દર્દીઓને તો વૈદો અને ડૉક્ટરો ફીંડલા સરબતનું સેવન કરવાની ભલામણ કરતા હોય છે. અને ખરેખર એવા દર્દીઓને બહુ જ લાભકારી બનતું હોય છે, એવું સરબતની બોટલ ખરીદવા આવનારી વ્યક્તિઓ તેમનો અનુભવ કહેતી હોય છે.”

“ આ તો બહુ ગુણકારી ગણાય ભાઈ ! બીજા કોઇ દર્દોમાં રાહતરૂપ બની શકે એવું …..”

“હાથલા થોરના ફીંડવામાં વિવિધ પ્રકારના એન્ટીઓક્સીડેંટ રહેલાં હોવાથી કોઇને પેટમાં ચાંદાં પડ્યાં હોય, પિત્તાશયમાં તકલીફ રહેતી હોય તેવાને રાહત આપી, પાચનક્રિયા વ્યવસ્થિત બનાવી “પેટ સાફ તેના દર્દો માફ” આ ફળ કરાવી આપે છે. અરે, તાઝા ફળમાં તો કેલ્શિયમનું પ્રમાણ ઘણું હોઇ, દાંત અને હાડકાંની મજબૂતાઇ માટેનો વીમો લઈ જાણે છે. વળી લોહીમાં સુગરનું પ્રમાણ કાબુમાં રાખવા બાબતે ખરું કામ કરતા હોવાથી નાનેથી મોટા સુધીમાં ઘણાખરાને વળેગેલા ડાયાબીટિસના દર્દીઓને તો આશીર્વાદરૂપ જ ગણાય ! એમાં રહેલ વિવિધ તત્વોના હિસાબે સ્તન, પ્રોસ્ટેટ, પેનક્રિયાસ, પેટ અને ફેફસાના કેંસર સામેના જોખમમાં ઘટાડો નોંધાવે છે. અરે ભૈલા ! હાથલા થોર તો એક પ્રકારની કંટકીય જડીબુટ્ટી જ ગણાય.”

“હેં ભાઈ ! આ થોરને બધા “હાથલિયોથોર” કેમ કહેતા હશે ?” મોહનને જાણવાનું જાણે કે ઘેલું લાગ્યું હોય એમ પૂછી રહ્યો.

“આ થોરને પાન તો હોતા નથી. એનું થડ [પ્રકાંડ} અને ડાળા હાથના પંજા જેવા ચપટા હોવાથી કેટલાક તેને “હાથલોથોર” કહેતા હોય છે, તો કેટલાક વળી તેને “ફાફડિયોથોર” પણ કહેતા હોય છે.એનું વૈજ્ઞાનિક નામ તો “ઓપુન્શિયા ઇલેશિયોર” છે. એનું પ્રકાંડ ચપટું-લીલું-દળદાર અને સપાટી પર અણીદાર કાંટા-કહોને મોટા શૂળા જ જોઇ લ્યો, એવું અને હરિતકણો ધરાવતું હોવાથી પાંદડાંની અવેજીમાં પ્રકાશસંશ્લેષણનું પણ કામ કરતું હોય છે. થોર વધીને મોટા થયે ટોચ ઉપર લાલ-કેસરી-કે પીળાં રંગનાં ફૂલો આવે છે અને સમય પાકતાં લંબગોળ આકારનાં માંસલ ફળો બેસે છે, જે પાકી જાય ત્યારે લાલ રંગનાં બની જાય છે. બસ, આવા ફળો ફીંડલા સરબત બનાવવા માટે ઉત્તમ ગણાય છે. આમતો તેના પ્રકાંડની જેમ ફળો ઉપર પણ તીણાકાંટા [લાળ] હોવાથી દાતરડીકે ધારિયાથી તેને ઉતાર્યા પછી કોઇ પાંદડાંના ગુચ્છાવાળી આવળ જેવી કોઇ વનસ્પતિની તીરખી ઘસવાથી અગરતો લોખંડની લોઢી કે તાવડીમાં ફેરવીને શેકવાથી ફળોની છાલ ઉપર ચોટી રહેલી લાળો બળી ગયા પછી તેની છાલ ઊખાડી, અંદરથી નીકળતા ગરને મિક્ચરમાં વલોવી-ગાળી-ધીમા તાપે ઉકાળી તેમાં ખાંડ કે સાકર ઉમેરી જે સરબત તૈયાર થાય તેને બોટલોમાં ભરી દેવામાં આવે છે. આ સરબતમાં કોઇ જ રસાયણ કે પરિરક્ષક [પ્રિજરવેટર} ઉમેરવાની પણ જરૂર નથી. આવા સરબતની 500 ગ્રામની બોટલ 100 રૂપિયામાં વેચાતી હોય છે. હા, વાપરનારને ઉપયોગમાં લેવામાં લાંબો સમય લાગે તેમ હોય તો ફ્રીજ કે ઠંડી જગ્યામાં રાખવું જરૂરી બને છે.”

“ તો હીરજીભાઇ, મને જે સરબત પાયું તેવું સરબત આવી બોટલમાંથી 4-5 ગ્લાસ તો બનતું જ હશે, ખરું ને ?”

“ અરે હોય મોહન ! એ બોટલમાંથી તો 14-15 ગ્લાસ સરબત બનાવી શકાય છે. પાણીના એક ગ્લાસમાં 3 ચમચી ફીંડલા સરબત ઉમેરી, તેમાં થોડું લીંબું નીચોવી, સંચળ અને ધાણાજીરુ ભભરાવીને તારા ભાભીએ તને આપ્યું છે. દિવસમાં બેથી ત્રણ વખત પીવામાં આવે તો આરોગ્યની રીતે બહુ જ લાભકારી બનતું હોય છે.”

“જો આ સરબત આટલું બધું ઉપયોગી હોય તો જેમ કેટલાક ખેડૂતો “ડ્રેગનફ્રુટ”ની ખેતી કરવા આગળ આવ્યા છે તેમ આ પણ એક જાતનો થોર જ છે ને ? તો પછી વાડ-વગડાને બદલે વાડીઓમાં જ ઉછેરી હાથલિયા થોરની ખેતી ન શરુ કરાય?”

“ તારું સુચન વ્યાજબી છે મોહન ! કરવા ધારીએ તો એ પણ થઈ શકે. પણ એને માટે ફૂલ નિતારવાળી-પથ્થરાળ જમીન અને સૂકો અને ઓછા વરસાદવાળો વિસ્તાર જોઇએ. એવું કુદરતી પર્યાવરણ જે ખેડૂતો પાસે હોય તેઓ જરૂર આવું વિચારી શકે. પણ માનો કે વાડીની ખાસ જમીન ન રોકવી હોય તો પણ દરેક ખેડૂત પોતાના વાડી-ખેતર ફરતી આ થોરની વાડ ઊભી કરે તોયે મોટું કામ થઈ શકે તેવું છે. ચોમાસા પહેલાં જૂન બેસતાં બેસતાં થોરના દોઢ-બે ફૂટના કટકા કરી, અર્ધો-પોણો ફૂટ જમીનમાં દાર કરી રોપી દેવામાં આવે તો પોતે કાંટાળો દેહ ધરાવતી વનસ્પતિ હોવાથી વાડીને ઝફા પહોંચાડનારા રાની રોજ, ભૂંડ, હરણાં અને રેઢિયાર ઢોરાંના ત્રાસમાંથી બચાવી વરસો સુધી વાડી-ખેતરનો ચોકી-પહેરો ભરી રક્ષણ કરવાની જવાબદારી નિભાવે છે. ઉપરાંત બારે માસ ઓછા-વધતા ઉપર આવતા રહેતા ફળોનું એટલે કે-ફીંડવા-ઉત્પાદનનું બહુ મોટું કાર્ય કશીયે વધારાની માવજત કે ખર્ચ વિના થતું રહે છે..

અને સાંભળ મોહન ! આરોગ્યની દ્રષ્ટિએ ઘણા બધાં દર્દોમાં રાહત આપનારું સાબિત થયેલ હોઇ, ફીંડલા રસના ઉપયોગ અર્થે શહેરોમાં હાથલિયા થોરના પાકાં “ફીંડલા” ની પણ ખુબ માગ ઊભી થઈ છે. એટલે પાકાંફીંડલા અને ફીંડલાસરબત બન્ને રીતે લોકો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે માનો કે ખેડૂતને ફીંડલા ઉતારી એને વેચવાનો કે તેનું સરબત બનાવવાની માથાકાહટીમાં ઉતરવાનો ગાળો ન હોય તો અન્ય લોકો જે જમીન વિહોણા છે, જેને રોજગારીની જરૂર છે તેઓ બધા ભલેને વાડ ઉપરથી ઉતારી ઉતારી વ્યવસાય કરી રોટલો કમાતા ! થોર પરથી ફળો ઉતારી લેવાથી વાડને કોઇ ઇજા આવતી ન હોવાથી વાડવાળા ખેડૂતો ના ન પાડે. આ રીતે ગરીબોને આજીવિકા પૂરી પાડવામાં ટેકો કરવો એ પણ પૂણ્યનું જ કામ છે ને મોહન !”

“ હા હો ભાઈ ! આજ આ મારા ગોદાવરીભાભીએ પાયેલું ફીંડલાનું સરબત તો મીઠું લાગ્યું જ, પણ એવી જ મીઠી લાગી તમારી હાથલિયાથોર જેવી કાંટાળી વનસ્પતિની ઉપયોગિતાની વાતો હો હીરજીભાઇ ! સારું ત્યારે હવે હું યે રજા લઉં. અમદાવાદ ભાઇ વજુ, બહેનો લાભુ-વિમળા કે દીકરી વનિતાને ત્યાં આંટો આવો ત્યારે મારે ત્યાં આવવાનું ભૂલતા નહીં હો !”

“ અરે પણ એમ જાતા’તા ક્યાં ! હવે તો રોટલાટાણું થઈ ગયું છે. જાર-બાજરાનો ભેગો રોટલો, રીંગણાંનો ઓળો, તળેલા મરચાં અને શ્યામલી ગાયના દૂધની છાશ તૈયાર કર્યા જ છે. તમે ને તમારા ભાઇ બન્ને બપોરા કરવા બેસી જાઓ.”

“હા ભલે, ભાભી ! તમારા શાક-રોટલાની નવીનતા યે માણતો જાઉં,પછી તો રાજીને !” કહી મોહન બપોરા કરવા બેસી ગયો.


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે


Author: admin

Leave a Reply

Your email address will not be published.