વલદાની વાસરિકા : (૮૪) જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય!

– વલીભાઈ મુસા

આજે માતૃદિન નથી કે જેને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ, મારા મનથી તો પ્રત્યેક દિવસ માતૃદિવસ જ છે. ધ્વનિ જોશી નામે ગુજરાતી બ્લોગર એક જગ્યાએ પોતાનાં માતુશ્રી પરત્વેની લાગણીને આલંકારિક ભાષામાં અભિવ્યક્ત કરતાં આ રીતે લખે છે કે માતાના ઉપકારોને યોગ્ય રીતે બિરદાવવા માટે પૃથ્વી જેવડા મોટા ખડિયામાંની શાહી અને આકાશ જેવડો વિશાળ કાગળ પણ અપર્યાપ્ત બની રહે. આમ છતાંય માતાએ પણ બાળકોનો ઉછેર કરતી વખતે પોતાને આદર્શ માતા તરીકેની પ્રશંસાને લાયક બનાવવી પડે. એ સર્વશક્તિમાન ઈશ્વરની અસીમ કૃપા છે કે તેણે સ્ત્રીને સ્વભાવથી જ માતૃત્વની લાગણીથી નવાજી છે. માતૃત્વ એ કંઈ એવો વિષય નથી કે જેને માતાઓને શિખવવાની જરૂર પડે. આમ છતાંય આજકાલ વ્યાવસાયિક અને સ્વૈચ્છિક જાહેર સેવાકીય સંસ્થાઓ દ્વારા માતૃત્વને સમજાવવા માટેનાં વિપુલ સાહિત્યો અને માર્ગદર્શન કેન્દ્રો ઉપલબ્ધ છે.

પરંતુ, આજે મારા લેખમાં હું અમારાં માતા વિષેની વાસ્તવિક કથા લખવા જઈ રહ્યો છું, જેમને હું અમારાં વરિષ્ઠ, વયોવૃદ્ધ, પ્રથમ, પાલક અને હજુ પણ ઘણાં વૈકલ્પિક સંબોધનોથી સંબોધી શકું છું, પણ અમારા માટે ખાસ કિસ્સા તરીકે તેમને સાવકી માતા તરીકે તો હરગિજ નહિ સંબોધું. આ લેખના કેન્દ્રસ્થાને જે પાત્ર છે એ અમારાં મરહૂમ (સ્વર્ગસ્થ) મલુકમાને અન્યાય ન થઈ જાય તેની સાવચેતીના ભાગરૂપે ખાસ કરીને તેમના પૂરતો ‘સાવકી’ શબ્દ અમે અમારા શબ્દકોષની બહાર રાખ્યો છે. બીજી એ વાત કે અમારાં મલુકમાના ગુણોની અમર્યાદ પ્રશંસા હું જયારે કરી રહ્યો છું, ત્યારે તેનો એ મતલબ પણ નથી કે અમારાં જન્મદાત્રી અર્થાત્ શારીરિક માતા (Biological mother) નૂરીમા અમને ચાહતાં ન હતાં. અમે ભાઈભાંડુ મલુકમાના જેટલાં જ અમારાં નૂરીમાના દિલના ટુકડા સમાન હતાં. અહીં મલુકમાની થતી પ્રશંસા એ કંઈ એમનો કોઈ પ્રચાર નથી, પણ જગતભરની સાવકી માતાઓએ સાવકી માતા તરીકેનું માતૃત્વ કેવી રીતે નિભાવવું જોઈએ તેનો એક નમૂનો વ્યક્ત કરવાની મારી નિખાલસ નેમ છે.

આર્ટિકલનું પ્રમાણસરનું કદ ધ્યાનમાં રાખતાં, હું સાવ સંક્ષિપ્તમાં જણાવીશ કે અમે અમારાં નૂરીમાની કૂખે જન્મેલાં ૧૧ ભાઈબહેન કેવી રીતે અમારાં મલુકમાનાં પાલ્ય સંતાન બન્યાં. મલુકમા અમારા પિતાજીનાં પ્રથમ પત્ની હતાં અને તેમણે પણ એક પછી એક એમ સાત સંતાનોને જન્મ આપ્યો હતો, પણ એ બધાંમાંનું કોઈ એક પણ ભાગ્યે જ બે કે ત્રણ વર્ષથી વધારે જીવ્યું હતું. પાછળથી મારો સૌથી નાનો ભાઈ મરહૂમ ડો. અલીમહંમદ મુસા કે જેણે અમેરિકામાં ડોક્ટર તરીકેની સેવાઓ આપી હતી અને જે માત્ર ૪૧ વર્ષની વયે ત્યાં ખાતે જ અવસાન પામ્યો હતો તેનું માનવું હતું કે અમારાં મલુકમા અને અમારા પિતાજી બંનેને થેલેસેમિઆ – Thalassemia (Minor) – બ્લડની જનીન ખામી હોવી જોઈએ અને તેમનાં સાતેય સંતાનો થેલેસેમિઆ -Thalassemia (Major) ધરાવતાં જન્મ્યાં હોવાં જોઈએ અને તેથી જ તેઓ લાંબું જીવી શક્યાં નહિ હોય.

અમારા પિતાજી સંતાન ન હોવાના દુર્ભાગ્યથી દુ:ખ તો અનુભવતા હતા, પણ તેમણે સર્જનહારની મરજીને આધીન થવાનું મન બનાવી લીધું હતું. પરંતુ, અમારાં મલુકમા કોઈપણ હિસાબે સંતાનો હોવા માટેનાં દૃઢ આગ્રહી હતાં. તેમણે અમારા પિતાજીને લગભગ આધેડ ઉંમરે પણ બીજું લગ્ન કરવાની ફરજ પાડી અને આમ તેઓ દ્વિપત્નીય પતિ બન્યા. અહીં અમારાં મલુકમાની મહાનતા અને તેમની એવી પૂર્વતૈયારી જોવા મળે છે કે ભવિષ્યે અમારા પિતાજીના દ્વિતીય લગ્નથી જન્મનારાં સંતાનોનાં તેમણે વૈકલ્પિક માતા બનવાનું છે.

જગત આખાયના મોટાભાગના સમુદાયોમાં એવી સ્થાપિત થએલી માન્યતા જોવા અને સાંભળવા મળે છે કે સાવકી માતાઓ પોતાનાં સાવકાં સંતાનો પરત્વે હંમેશાં દુષ્ટ અને ઘાતકી જ હોય. આવા સંબંધોને મનોવૈજ્ઞાનિકો સ્વાભાવિક અને નિવારી ન શકાય તેવા ગણતા હોય છે. વળી જગતમાં અમારાં મલુક્મા જેવી જ મહાન હજારો સાવકી માતાઓ હોઈ પણ શકે, પણ આસપાસના લોકો તેમના ત્યાગને કદીયે નહિ બિરદાવે કેમ કે એ બિચારીઓને ‘સાવકી મા’નું લેબલ લગાવી દેવામાં આવેલું હોય છે. પરીકથાઓ, સાહિત્યો, ટીવી સિરીયલો અને ચલચિત્રોમાં સાવકી માતાઓને હંમેશાં સ્વાર્થી, ઘાતકી, દુષ્ટ અને તમીજ વગરની ચીતરવામાં આવતી હોય છે અને આમ ઉમદા સાવકી માતાઓને પણ તેવી જ સમજવામાં આવતી હોય છે. સાવકી માતા હોવા તરીકેની તેની મૂંઝવણો, તેનો પ્રેમભાવ અને તેનાં દુ:ખોને લોકો પ્રમાણિક રીતે અનુભવી શકતા નથી કે ઊંડાણથી તેમના મનોભાવને સમજી પણ શકતા નથી.

હવે હું અમારાં મલુકમાની સંતાનઉછેરની તેમની આવડત ઉપર આવું તો તેઓ સાવ અભણ હતાં અને ક્યાંય માતૃત્વના પાઠ ભણ્યાં ન હતાં. અમે બધાં ભાઈભાંડુ તેમની ઊંચા દરજજાની માવજત હેઠળ તેમના ખોળામાં જ મોટાં થયાં હતાં. તેઓ અમારી બધાયની વ્યક્તિગત કાળજી લેતાં અને કદીયે કોઈ ચીજવસ્તુની અમારી માગણી સામે કદીયે અમને રડવા દેતાં ન હતાં. અમારે જ્યારે સ્નાન કરવાનું થતું, ત્યારે અમારી પીઠ ચોળીને મેલ દૂર કરતાં. કોઈ વખતે અમે ભાઈબહેનમાંનું કોઈ માંદુ પડતું, ત્યારે તેમનો જીવ અદ્ધર થઈ જતો અને કેટલીકવાર તો તેઓ પોતે મોટે સાદે રડી પણ પડતાં. તેમણે વર્ષો સુધી અમારા રસોડાનો હવાલો સંભાળ્યો અને અમારા અલગઅલગ સ્વાદ અને ખોરાકના ગમાઅણગમાને ધ્યાનમાં રાખીને દરેકને સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો. પોતે અભણ હોવા છતાંય અમે જ્યારે અમારું નિશાળનું ગૃહકાર્ય કરતાં હોઈએ, ત્યારે તે અમારા પાસે બેસતાં. કેટલીકવાર તો તેઓ અમને અમારાં પાઠ્યપુસ્તકોના કોઈ પાઠ મોટેથી વાંચી સંભળાવવાનું કહેતાં અને આમ અમને ભણવામાં ઉત્સાહિત કરવા ઉપરાંત અમને એ પણ દર્શાવવાનો પ્રયત્ન કરતાં કે અમારા ભણવામાં તેમને કેટલો ઊંડો રસ છે.

અમારા પિતાજીનું જ્યારે ૧૯૫૭ માં અવસાન થયું, ત્યારે અમે નવ ભાઈબહેન હયાત હતાં. તે વખતે મારી સૌથી નાની બહેન બે વર્ષની અને સૌથી નાનો ભાઈ ડો. અલીમહંમદ ચાર વર્ષનો હતો. પિતાજીના અવસાન બાદ અમે અમારાં સગાં જનેતા નૂરીમાને પિતાના સ્થાને સ્થપિત કરી દીધાં હતાં, પણ માતા તરીકે તો અમે મલુકમાને જ જાળવી રાખ્યાં હતાં. પાછળથી ૧૯૭૩માં જ્યારે અમારાં નૂરીમાનું પણ અવસાન થયું, ત્યારબાદ નવાં સાત વર્ષ સુધી અમારાં મલુકમાની માતા ઉપરાંત પિતા તરીકેની એમ બેવડી ભૂમિકા રહી. આમ અફસોસ કે જ્યારે ૧૯૮૦ માં મલુકમા પણ અવસાન પામ્યાં, ત્યારે પ્રથમ વાર જ અમને એવી લાગણી થઈ આવી કે અમે સૌ હવે ખરેખર અનાથ થયાં હતાં.

અમારાં મલુકમા સ્વભાવે સાવ સીધાંસાદાં અને ભોળાં હોવા છતાં તેમની બુદ્ધિમત્તા ખૂબ જ ઊંચી કોટિની હતી. મનોવૈજ્ઞાનિકો લોકોના જુદાજુદા સમુદાયોને અનુરૂપ તેમના બુદ્ધિઆંક જાણવા માટે જુદીજુદી કસોટીઓ પ્રયોજતા હોય છે. બુદ્ધિઆંક એવી એક બાબત છે કે તેને ભણતર કે સાક્ષરતા સાથે કોઈ લેવાદેવા હોતી નથી.

મલુકમાના અંદાજિત ઊંચા એવા બુદ્ધિઆંકનો અમને ગર્વ હતો. એક વખતે અમારા એક સંબંધીના દીકરાનો તેમણે ઇન્ટરવ્યૂ લીધો હતો. એ છોકરાનું સગપણ (વેવિશાળ) થઈ ગયું હતું, પણ તેને પરણાવવામાં આવેલો ન હતો. તેની વાગ્દત્તા એક નિવાસી કોલેજમાં ભણતી હતી. અમારાં મલુકમા અને પેલા ભાઈ વચ્ચે નીચે પ્રમાણેનો સંવાદ થયો હતો.

“બેટા, આપણી વહુ ક્યાં ભણે છે?”

પેલાએ જવાબ આપ્યો, “અમુક જગ્યાએ!”

“જો હું ત્યાં જવા ઇચ્છું તો કઈ રીતે જવાય?”

“બસ કે ટ્રેઈન, જેમ ઇચ્છો તે રીતે.”

“બસ અને ટ્રેઈનનાં ભાડાં શું શું થાય?”

જવાબ મળ્યો, “અમુક રૂપિયા અને અમુક રૂપિયા.”

“બસ અને ટ્રેઈનને કેટકેટલો સમય લાગે?”

“આટલા કલાક બસથી લાગે અને આટલા કલાક ટ્રેઈનથી લાગે.”

“આ બધું તું કેવી રીતે જાણી શક્યો, મારા દીકરા?” મલુકમાએ ચહેરા ઉપર એક અર્થસૂચક સ્મિત સાથે પૂછ્યું.

મલુકમાના છેલ્લા પ્રશ્ને પેલા બિચારાને એવો ગૂંચવી નાખ્યો કે તે ખૂબ જ શરમાઈ ગયો અને જાણે કે જીભ જ ગળી ગયો હોય તેમ ખામોશ રહી ગયો. પછી તો, મલુકમાએ સમજાવટ અને લાગણીસભર અવાજે પેલાને શિખામણ આપી કે “જો બેટા, આપણે સામાજિક શિસ્તનું પાલન કરવું જોઈએ. વળી વહુનો અભ્યાસ પૂરો ન થાય અને તમારાં બંનેનાં લગ્ન ન થાય ત્યાં સુધી તેની વારંવાર મુલાકાત લઈને તેના અભ્યાસમાં દખલગીરી ઊભી ન કરાય.”

મારા લેખનું સમાપન કરતાં, હું અમારાં મલુકમાના જીવનના આખરી દિવસોને યાદ કરું છું. તેમણે અમને બધાંયને ઊછેરવામાં પોતાની આખી જિંદગી ખર્ચી નાખી, પણ તેમની સેવા કરવાનો અમને બહુ જ ઓછો મોકો આપ્યો. તેઓ ફક્ત પાંચ જ દિવસ બીમાર રહ્યાં અને એમાંય છેલ્લા બે દિવસ સુધી તો તેઓ બેભાન જ રહ્યાં હતાં.

મલુક્માના જીવન ઉપર મૃત્યુનો જે આખરી પડદો પડી ગયો તે ઘટના અમારી આંખોમાં અશ્રુ છલકાવી દેવા માટે એવી તો હૃદયદ્રાવક હતી કે આજે તેમના અવસાનને લગભગ પાંચ દાયકા પસાર થઈ ચૂક્યા હોવા છતાં પણ એ વર્ણવતાં શબ્દો પણ ખૂટી પડે એવો તેમનો કારમો વિયોગ અમે સૌ અનુભવી રહ્યાં છીએ.

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977

નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો

Author: admin

Leave a Reply

Your email address will not be published.