– નિરુપમ છાયા.
શબ્દસંગમાં પ્રથમ જ છે ‘શબ્દ’. તો આજે શબ્દની સ્થિતિ વિષે જ વાત કરીએ. જયારે આ સૃષ્ટિમાં કશું જ નહોતું ત્યારે ધ્વનિ તો હતો. આ ધ્વનિમાંથી જ શબ્દ ઉદભવ્યો. આમ શબ્દને આદિ અથવા બ્રહ્મ કહેવાયો છે. આની તાત્વિક કે શાસ્ત્રીય ચર્ચામાં આપણે નથી ઊતરવું. પણ આપણો શબ્દ સાથે સંબંધ અને શબ્દનો આપણી સાથેનો સંબંધ તે પણ વ્યવહારના સંદર્ભે કેવો અને કેટલો છે, કેવી રીતે છે એની ચર્ચા કરીશું જેથી આપણો શબ્દનો સંબંધ કેવો રહેવો જોઈએ અને એ માટે શું કરવું જોઈએ તે સમજી શકાય. આપણે જોયું કે આદિમાં તો ધ્વનિ જ હતો. આ સૃષ્ટિ પર જીવનું અસ્તિત્વ આવ્યું ત્યારે પણ આ ધ્વનિ જ પ્રગટ થતો. મનુષ્યની ઉત્ક્રાંતિ થઈ ત્યાં સુધી પણ પ્રારંભમાં આ ધ્વનિ થકી જ વ્યવહાર ચાલતો. મનુષ્ય પોતાના પર કે અન્ય મનુષ્ય પર કોઈ ભય કે કશીક વિચિત્ર પરિસ્થિતિ દેખાય ત્યારે વિચિત્ર સ્વર કાઢી મદદ માટે કે ચેતવવા માટે વિચિત્ર સ્વર કાઢતો. આ સ્વર કે ધ્વનિમાંથી ઉદગારો અને એથીયે આગળ જતાં શબ્દો જન્મ્યા પછી ભાષા રચાઈ અને બંનેનો શાસ્ત્ર રચવા સુધીનો અકલ્પ્ય વિકાસ થયો. ભાષા શબ્દ મૂળ ‘ભાષ’ પરથી ઊતરી આવ્યો છે જેનો અર્થ થાય છે મુખેથી નિ:સૃત ધ્વનિ કે નાદ. સામાન્ય અર્થમાં કહેવું કે બોલવું. આ રીતે સમજી શકાય છે કે ભાષાનો પ્રારંભ, બોલવાથી જ થયો. લેખનકળા અને એથીયે ઘણી પછીથી મુદ્રણ કળા પણ આવી. એનો સ્ત્રોત પણ બોલાતો શબ્દ જ. આમ ભાષા દ્વારા અભિવ્યક્તિનું પ્રથમ સ્વરૂપ એટલે બોલવું, શબ્દનો ઉચ્ચાર કે ઉચ્ચરિત શબ્દ. વિશ્વનું પ્રાચીનતમ વાન્મય તે વેદ અને એ તો ઉચ્ચરિત શબ્દના રૂપમાં જ. હજારો વર્ષોની મૌખિક પરંપરાથી જ એ સચવાયા. એટલે જ, સાન્નીધ્ય થકી ઋષિઓની ઝીલાયેલી એ વાણીને શ્રુતિ પણ કહેવાય છે. અવતાર પુરુષોનો પણ ઉચ્ચરિત શબ્દ જે તે સમયે પ્રભાવી બન્યો. મધ્યકાલીન સંતોએ પણ એ જ રીતે લોકજાગૃતિનું કાર્ય કર્યું.
ગીતાના આરંભે પાંડવોના નાયક્મુખ્યોએ જે શંખધ્વનિ કર્યો તેનું વર્ણન છે: ‘સ શબ્દ: તુમુલ: અભવત.’ અને પછી કહ્યું: ‘સ ઘોષો ધાતૃરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારત ||’ –એ શબ્દે કે ઘોષે (વજ્રની જેમ) કૌરવોનાં હૃદયોને જાણે ચીરી નાખ્યાં. આ બોલાયેલા શબ્દની તાકાત કેવી છે? યુદ્ધો વખતે પોકારો થતા જે યુદ્ધોન્માદ અને વિજયેષ્ણા પ્રગટાવતા, એક શક્તિ જાણે કે પેદા થતી. દૂર ક્યાં જવું? આપણા દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં ‘વંદેમાતરમ’ કે ‘ઇન્કિલાબ ઝીન્દાબાદ’ નારાઓનો ઉદઘોષ થતો એનાથી દેશભકતોમાં કેવી ચેતના પ્રગટતી!
બાળક પણ પહેલાં શબ્દોચ્ચાર થકી આસપાસથી સાંભળતાં,જોતાં ઉચ્ચરિત શબ્દ ગ્રહણ કરી તેના વડે જ જ ભાષાજ્ઞાન પ્રાપ્ત કરે છે. આમ અભિવ્યક્તિનું પ્રથમ માધ્યમ આ ઉચ્ચરિત શબ્દ છે. અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકોની ભાષામાં પણ વૈવિધ્ય આવ્યું. દેશ, પ્રદેશની ભાષાનું પોતાનું સ્વરુપ વિકસ્યું. જેમ જેમ સંશોધનો થતાં ગયાં તેમ તેમ એના નિયમો ઘડાતા ગયા, વ્યાકરણ આવ્યું અને એ રીતે શાસ્ત્રનો વિકાસ થયો એ રીતે જોઈએ તો આપણી માતૃભાષા તરીકે ઓળખાતી ગુજરાતી ભાષાનું આધુનિકતમ સ્વરુપ આપણી પાસે છે. પણ દુખની વાત એ છે કે આપણને ગળથુથીમાં મળેલી ભાષા વિષે આપણે જાગૃત નથી. શું અને કેમ બોલાવું જોઈએ એની સમજણ વિના આજે જે વૈજ્ઞાનિક સાધનોની વ્યવસ્થા આપણને પ્રાપ્ત થઇ છે તે આપણા હાથમાં આવે એટલે યથેચ્છ ઉપયોગ કરવાનો જાણે અધિકાર સમજી લીધો છે. અન્ય ભાષા માટે પૂરા આદર સાથે આપણી પોતાની ભાષાનું એટલું જ સન્માન કરવું જોઈએ. ક્યા શબ્દના કેમ ઉચ્ચારો થાય, આપણો કહેવાનો અર્થ અને ભાવ યોગ્ય રીતે પહોંચે તો જ અભિવ્યક્તિનો અર્થ સરે ને? ‘કેમ છો?’ શબ્દનો ઉચ્ચાર અલગ અલગ રીતે થાય તો ભાવમાં કેવું પરિવર્તન આવી જાય? એ જ રીતે ‘આવવું’ શબ્દ છે એનો જેટલી જુદી રીતે, જુદા શબ્દો સાથે ઉચ્ચાર થાય તેમ તેના અર્થ અને ભાવમાં ફેર પડે. આપણે એક કાવ્ય વાંચીએ એને બદલે કોઈ સરસ રીતે સંભળાવે તો વધારે સ્પષ્ટ બને છે. પણ અગાઉ કહ્યું તેમ આપણી પોતાની ભાષા બોલવામાં પણ આપણે ઊણા ઊતરીએ છીએ. હમણાં મુંબઈની એક નામાંકિત સંસ્થાએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ યુ-ટ્યુબ પર પ્રસ્તુત કર્યો. કાર્યક્રમ સુંદર. પણ એનાં સંચાલિકા બહેનની ભાષાની અભિવ્યક્તિ સહન ન થાય એટલી નબળી. માતૃભાષાનું સૌન્દર્ય વ્યક્ત કરતો કાર્યક્રમ પણ એની પ્રસ્તુતિની ભાષામાં દારીદ્રય! પ્રસિદ્ધ સંસ્થાના મોવડીઓ પણ નહિ સમજી શકતા હોય? એવું આપણને થાય. વળી, આપણને જે પરભાષાનું ઘેલું છે એ અંગ્રેજી પણ કેટલું નબળું! બીજાં પર પ્રભાવ પાડવા જ જાણે એ બોલાય છે. હાય, હેલ્લો, બાય એ વચ્ચે લાવી દઈએ એટલે બસ! લેડીઝો, બુક્સો જેવું તો કેટલુંયે. ‘વાયા દિલ્હી થઈને’ કે ‘બસ હાઉસફૂલ હતી’ જેવા તો કેટલાય પ્રયોગો આપણા ધ્યાનમાં હશે જ. તો ઉચ્ચરિત શબ્દની ગરિમા જળવાય અને એના દ્વારા ભાષાનું યોગ્ય સ્વરૂપ પ્રગટે એ સહુના ધ્યાનમાં આવવું જોઈએ. અને ભાષા કોઈપણ બોલીએ પૂરેપૂરી શુદ્ધ બોલીએ એ માટે જાગૃત રહેવું જ જોઈએ.
ઉચ્ચરિત શબ્દ પછી ભાષાની અભિવ્યક્તિનું બીજું માધ્યમ છે લિખિત શબ્દ. આપણને સ્પર્શે છે એ ગુજરાતી ભાષાના સંદર્ભમાં ભલે વાત કરી રહ્યા છીએ, પણ આ વાત કોઈપણ ભાષાને લાગુ પડે છે. ભાષા કોઈપણ હોય એની અભિવ્યક્તિ યોગ્ય રીતે, સ્પષ્ટ અર્થ સાથે અને ચોક્કસ રીતે થવી જોઈએ. ઊંડા અભ્યાસ, સંશોધન અને તારણો પછી જે સ્વરૂપ નક્કી થયું છે તેને ઉવેખવાનો કોઈને અધિકાર નથી. એટલે જ,ગુજરાતી ભાષાની જોડણી સંદર્ભે અરાજકતા જેવી સ્થિતિ હતી ત્યારે મહાત્મા ગાંધીએ એની સર્વસ્વીકૃત જોડણી નિશ્ચિત કરી, એનો કોશ તૈયાર કરવાનું કામ કેટલાક વિદ્વાનોને સોંપ્યું, જેમણે ખુબ જ મનોમંથન અને અભ્યાસ બાદ જોડણી માટે વૈજ્ઞાનિક ઢબે કોશ તૈયાર કર્યો પછી ગાંધીજીએ લખ્યું કે હવે પછી ખોટી જોડણી કરવાનો કોઈને અધિકાર નથી. આ જ દૃષ્ટિ ભાષાના લિખિત શબ્દ માટે જોડણીથી લઈને દરેક બાબતને લાગુ પડે છે. પણ ઉચ્ચરિત શબ્દની જેમ અહીં પણ પરિસ્થિતિ ચિંતા જ નહીં, પીડા ઉપજાવે તેવી છે. જાહેરાતો, દુકાનોનાં પાટિયાં, અરે દૂરદર્શનની ગુજરાતી ચેનલ અને અન્ય ચેનલો, સમાચારપત્રો સહિત જ્યાં જ્યાં ગુજરાતી ભાષામાં લખાય છે ત્યાં ત્યાં ભૂલો વગરનું લખાણ જોવા મળે તો આપણાં સદભાગ્ય ! તેમાં હવે તો સામૂહિક વીજાણું માધ્યમો પર અસંખ્ય લોકો સક્રિય થયા છે.હમણાં જાણીતા પત્રકાર શિશિર રામાવતે એમની કોલમ ‘ટેક ઓફ’ માં આના વિષે બહુ જ ધારદાર લખ્યું છે. ‘ગુજરાતી ભાષા ગમે તેમ લખાય, એમ?’ એવા પ્રશ્ન સાથેના શીર્ષક હેઠળ તેઓએ ધ્યાન દોર્યું છે કે સોશિયલ મીડિયાને પ્રતાપે હવે તો સાડા છ કરોડ ગુજરાતીઓ માતૃભાષા પર ગમે ત્યારે, દિવસમાં ગમે એટલી વાર સતત અત્યાચાર કરી શકે છે. ભાષા, વ્યાકરણ, વાક્યોનું બંધારણ,જોડણી, વગેરે તમ્મર ચડી જાય તેટલા વાહિયાત હોય, નો ની નૂ ના અને ‘માં’ ‘થી’ જેવા પ્રત્યયો અલગ લખવા વગેરે તો સામાન્ય બાબત થઈ ગઈ છે. સાહિત્યિક ભાષામાં ભલે ન લખાય પણ બેઝીક નિયમોનું ધ્યાન તો રાખવું જોઈએ જ. જે ગુજરાતીઓ સોશીયલ મીડિયા પર સક્રિય છે તેઓ જાગૃત થાય તો આપણે આપણી ભાષાનું સૌન્દર્ય પ્રગટ કરવાનું ગૌરવ લઇ શકીશું. અત્યારે અંગ્રેજી ભાષાની કેવી પરિસ્થિતિ છે? જોડણી સાવ ટૂંકી કરી દેવાય છે. THANK YOU ને બદલે THNQ U. આ તો એક ઉદાહરણ છે….આવાં તો કેટલાંય મળે.
ભાષાની અભિવ્યક્તિનાં બે સબળ માધ્યમો ઉચ્ચારિત અને લિખિત શબ્દ માટે જાગૃત થવું એ આપણી નૈતિકતા છે. આપણે એક સારો શબ્દકોશ, વ્યાકરણ, લેખન કે ઉચ્ચાર માટેનાં સારાં માર્ગદર્શક પુસ્તકો ઘરમાં રાખીએ તો ઉછરતી પેઢીને ભાષાનો ગૌરવપથ ચીંધી શકશું.
શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com