નવલકથા અને ફિલ્મો

નિરંજન મહેતા

હિન્દી ફિલ્મોમાં વાર્તાનું મહત્વ બહુ હોય છે. સારી વાર્તાને સારી માવજત મળે તો તે અચૂક સફળ રહે છે અને તેને કારણે તે વાર્તાકારનું પણ નામ થાય છે.

પણ એવી કેટલીક હિન્દી ફિલ્મો છે જેને માટે કોઈ વાર્તાકાર પાસે વાર્તા લખાવી ન હોય પણ કોઈ જાણીતી નવલકથા કે વાર્તા પરથી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હોય અને તેના પરથી ફિલ્મ પણ બનાવી હોય. વળી આ ફિલ્મો લોકપ્રિય પણ થઇ હોય. આ લેખમાં તેને લગતી થોડીક માહિતી આપવાનો પ્રયાસ છે.

સૌથી વધુ ચર્ચિત અને ન કેવળ હિંદીમાં પણ ભારતની અન્ય ભાષાઓમાં પણ જે ફિલ્મો બની છે તે છે શરતચંદ્ર ચેટરજીની નવલકથા ‘દેવદાસ’ પરથી બનેલી તે જ નામની ફિલ્મો. ૧૯૧૭મા પ્રકાશિત આ નવલકથા જ્યારે હજી બોલતી ફિલ્મો આવી ન હતી ત્યારે ૧૯૨૮મા તે એક મૂંગી ફિલ્મ તરીકે પ્રદર્શિત થઇ હતી.

ત્યાર બાદ બોલતી ફિલ્મોનો દોર ચાલુ થયો ત્યારે ૧૯૩૫માં તે પ્રથમ વાર બંગાળીમાં બની હતી. પછી તે હિંદીમાં બની અને ૧૯૩૬માં રજુ થઇ. આ પ્રથમ હિન્દી ફિલ્મમાં દેવદાસ તરીકે કે.એલ.સાયગલ, પાર્વતી (પારો) તરીકે જમુના અને ચંદ્રમુખી તરીકે રાજકુમારી હતાં.

આ જ ફિલ્મ હિંદીમાં ત્યાર બાદ બે વાર બની. ૧૯૫૫મા અને ૨૦૦૨મા. ૧૯૫૫ની ફિલ્મમાં મુખ્ય કલાકારો હતાં દિલીપકુમાર, સુચિત્રા સેન અને વૈજયંતીમાલા. જ્યારે ૨૦૦૨ની ફિલ્મમાં કલાકારો હતાં શાહરૂખ ખાન, માધુરી દિક્ષિત અને ઐશ્વર્યા રાય.

પણ વાત આટલેથી નથી અટકતી.. આજ કથાનક ઉપરથી ભારતની અન્ય ભાષાઓમાં પણ તે અવારનવાર બનાવાઈ હતી – ૧૯૩૭થી ૧૯૫૩ સુધી દક્ષિણ ભારતની ભાષાઓમાં, ૧૯૬૫ અને ૧૯૭૪ દરમિયાન ઉર્દુ અને તેલુગુમાં, ફરી પાછી ૧૯૭૯ અને ૧૯૮૨મા બંગાળીમાં, ૧૯૮૯મા મલયાલમમાં, ૨૦૧૦મા ફરી ઉર્દુમાં. બંગાળી લોકોને જાણે આ ફિલ્મ થકી સંતોષ નથી તેમ ૨૦૧૩ અને ૨૦૧૭મા ફરી તે બંગાળી ભાષામાં બનાવાઈ હતી.

૨૦૧૭ અને ૨૦૧૮મા તો તેની વેબસિરીઝ પણ બની હતી.

એક જ નવલકથા પરથી આટલી બધી ફિલ્મો અને તે પણ વિવિધ ભાષાઓમાં અને જુદા જુદા માધ્યમોમાં. કદાચ વિશ્વનાં ફિલ્મ ઉદ્યોગમાં પણ આવી ઘટના ઘટી નહિ હોય.

૧૮મી સદીમાં સાધુઓ દ્વારા થયેલા બળવાના કથાવસ્તુ ઉપર એક નવલકથા લખાયેલ જેના લેખક છે બંકીમચંદ્ર ચેટરજી. નવલકથાનું નામ છે ‘આનંદમઠ’ જેના પરથી ૧૯૫૨મા બનેલી ફિલ્મ પણ એ જ નામે રજુ થઇ હતી.

આ ફિલ્મમાં તે વખતના જાણીતા મુખ્ય કલાકારો હતાં જેવા કે પૃથ્વીરાજ કપૂર, પ્રદીપકુમાર અને ગીતા બાલી. આ ફિલ્મમાં બે બહુ સુંદર ગીતો છે – એક પ્રાર્થના અને બીજું દેશભક્તિનું ગીત વન્દેમાતરમ. વન્દેમાતરમ ગીત તો બંકીમચંદ્રએ લખ્યું હતું ૧૮૭૦મા પણ તેને ૧૮૮૨ની નવલકથા ‘આનંદમઠ’માં સામેલ કરી વધુ પ્રચલિત કર્યું જે ૧૮૯૬મા કવિ ટાગોરે તે બંગાળીમાં ગાયું હતું.

આ ગીતને ‘જન ગણ મન’ સાથે રાષ્ટ્રીય ગીત તરીકેનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ હતો પણ કોઈ કારણસર તે સંવિધાનમાં સ્વીકારાયું નહીં.

હવે જે ફિલ્મની વાત છે તે છે ‘સાહેબ બીબી ગુલામ’ની. ૧૯૬૨મા આવેલી આ ફિલ્મ બિમલ મિત્રાની ‘સાહેબ બીબી ગોલામ’ નામની બંગાળી નવલકથા પર આધારિત છે. આ નવલકથા ૧૯૫૩મા લખાઈ હતી જે ૧૯મી સદીના અંતમાં પ્રવર્તતી જમીનદારી પર આધારિત છે. જ્યાંરે ઘરની સ્ત્રીઓને સ્વતંત્રતા ન હતી ત્યારે એક જમીનદારની પત્ની પોતાના ભાવ વ્યક્ત કરવા ઈચ્છે છે જે સ્વીકાર્ય નથી.

સૌ પ્રથમ આ નવલકથા પરથી ૧૯૫૬મા બંગાળીમાં ‘સાહેબ બીબી ગોલામ’ના નામે રજુ થઇ હતી અને ત્યાર પછી હિંદીમાં તે ૧૯૬૨મા આવી. ફિલ્મના મુખ્ય કલાકારો છે ગુરુદત્ત, મીનાકુમારી, રહેમાન અને વહીદા રહેમાન.

આ ફિલ્મને ફિલ્મફેર પુરષ્કાર માટે સાત વિભાગમાં મુકાઈ હતી જેમાંથી તેને ચાર પુરષ્કાર મળ્યા – ઉત્કૃષ્ટ ફિલ્મ, ઉત્કૃષ્ટ અભિનય (મીનાકુમારી), ઉત્કૃષ્ટ નિર્દેશન અને ઉત્કૃષ્ટ ફોટોગ્રાફી. તે ઉપરાંત તેને રાષ્ટ્રીય પુરષ્કારમાં રાષ્ટ્રપતિનો રજત ચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો.

મુનશી પ્રેમચંદ હિન્દી સાહિત્યના એક બહુ જ જાણીતા લેખક છે અને તેમણે હિન્દી ભાષામાં ઉત્કૃષ્ટ વાર્તાઓ અને નવલકથાઓ આપી છે. જેમાની ૧૯૩૬મા પ્રકાશિત નવલકથા ‘ગોદાન’ અત્યંત વખણાયેલી છે. આ વાર્તા તે સમયના ગામડાઓમાં ગરીબ જનતાને પડતી તકલીફો અને અંધશ્રદ્ધા પર આધારિત છે. ધર્માંધ લોકો કેટલી હદે જઈ પોતાની માનતા પૂરી કરે છે તે આમાં દર્શાવાયું છે. આના પરથી એ જ નામની ફિલ્મ ૧૯૬૩મા રજુ થઇ હતી. આ ફિલ્મમાં મુખ્ય કલાકારો છે રાજકુમાર, કામિની કૌશલ, મહેમુદ અને શશીકલા.

૨૦૦૪મા મુનશી પ્રેમચંદની વાર્તાઓ પરથી ગુલઝારે ટેલીવિઝન માટે ૨૭ ભાગમાં સિરિઅલ બનાવી હતી જેમાં ‘ગોદાન’ પણ સાંકળી લેવામાં આવી હતી.

આ જ રીતે મુનશી પ્રેમચંદની અન્ય એક ઉત્કૃષ્ટ કથા ‘ગબન’ પરથી પણ ફિલ્મ બનાવાઈ હતી જે ૧૯૬૬મા રજુ થઇ હતી. ઓછા પગારમાં પોતાની પત્નીને રાજી રાખવા એક યુવાન દેવું તો કરે છે પણ પછી તે દેવું ચુકવવા તે પૈસાની ઉચાપત કરવા મજબુર બને છે તે વાત આ ફિલ્મમાં છે. આ ફિલ્મના મુખ્ય કલાકારો છે સુનીલ દત્ત અને સાધના.

૧૯૭૭ની સુપ્રસિદ્ધ ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ પણ ૧૯૨૪મા મુનશી પ્રેમચંદે લખેલી આ જ નામની વાર્તા પર આધારિત છે. તે વાર્તા અવધના છેલ્લા નવાબ વાજીદ અલી શાહના સમયની છે જેમાં અંતે તેનું રાજ્ય બ્રિટિશ સરકાર દ્વારા ખાલસા કરવામાં આવ્યું હતું. વાર્તા રાજ્યના બે ધનિકો ઉપર છે જે શતરંજની રમત પાછળ એટલા પાગલ હતાં કે બ્રિટિશ સેનાએ લખનૌ પર ચડાઈ કરી ત્યારે પણ તે શતરંજ રમવામાં અને નવી નવી ચાલ ચાલવામાં મશગુલ હતાં અને તે બંનેને પોતાના કુટુંબીજનોની સલામતીની પણ ચિંતા ન હતી.

નવાબ વાજીદ અલી શાહના પાત્રમાં અમજદખાન અને શતરંજ રમનારા બે ધનિકોના પાત્રમાં સંજીવકુમાર અને સઈદ જાફરીએ તે પાત્રો બખૂબી નિભાવ્યા છે.

આ ફિલ્મને તે વર્ષનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો.

ફણીસ્વરનાથ રેણુની હિન્દી વાર્તા ‘માર ગયે ગુલફામ’ પરથી શૈલેન્દ્રએ ૧૯૬૬મા ફિલ્મ બનાવી હતી ‘તીસરી કસમ’ જેને બાસુ ભટ્ટાચાર્યએ નિર્દેશન આપ્યું હતું. આ વાર્તા પણ ગામડાની પશ્ચાદભૂમિમાં રચાઈ છે જેમાં ગ્રામ્ય સંસ્કૃતિ અને ત્યારે પ્રચલિત બિહારની નૌટંકીની વાત છે. એક ભોળો ગાડાચાલક (રાજકપૂર) નૌટંકીની કલાકાર (વહીદા રહેમાન)ના પ્રેમમાં પડે છે અને નાસીપાસ થાય છે તેના ઉપર આ ફિલ્મની વાર્તા છે. ભલે આ ફિલ્મ બોક્ષ ઓફીસ પર નિષ્ફળ રહી હોય પણ તેને ૧૪મા રાષ્ટ્રીય પુરષ્કારમાં ઉત્તમ ફિલ્મનો પુરષ્કાર અપાયો હતો.

જેમ હિન્દી વાર્તાઓ અને નવલકથાઓ પરથી ફિલ્મો બની છે તેમ એક ગુજરાતી નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ પરથી પણ એ જ નામની હિન્દી ફિલ્મ બની છે. ગુજરાતીના ખ્યાતનામ લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીએ આ નવલકથા ચાર ભાગમાં લખી હતી જેનો સમય ગાળો ૧૫ વર્ષનો એટલે કે ૧૮૮૭થી ૧૯૦૧નો છે. ૧૯મી સદીના ભારતમાં પ્રવર્તતી જમીનદારીના આધાર પર આનું કથાવસ્તુ છે. આ નવલકથાનો અન્ય ભારતીય ભાષાઓમાં અને અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે. સાથે સાથે ફિલ્મ ઉપરાંત તેની પ્રસ્તુતિ નાટક રૂપે, રેડીઓ નાટક અને ટી.વી. સિરિઅલ તરીકે પણ કરાઈ છે.

નવલકથા તો તે સમયની ઉત્કૃષ્ટ રચના છે જ પણ તેના પરથી ૧૯૬૮મા બનેલી ફિલ્મ પણ અત્યંત વખણાઈ હતી. ગુજરાતી લેખક, ગુજરાતી દિગ્દર્શક અને ગુજરાતી સંગીતકાર. કેવો સમન્વય. આ ફિલ્મને બે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. મુખ્ય કલાકારો નુતન, મનીશ અને રમેશ દેવ.

આના સંદર્ભમાં બે ફિલ્મોનો ઉલ્લેખ પણ જરૂરી છે. એક છે ‘ગુણસુંદરી’ અને બીજી છે ‘ગુણસુંદરીનો ઘરસંસાર’. પ્રથમ ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા પર આધારિત છે તેવી ચોક્કસ માહિતી નથી પણ તેની કથા કેટલેક અંશે આના પર આધારિત હોય તેમ લાગે છે. વળી તેનો ઈતિહાસ પણ રસપ્રદ હોય જાણવા જેવો છે.

સૌ પ્રથમ જ્યારે મૂંગી ફિલ્મો બનતી હતી ત્યારે સરદાર ચંદુલાલ શાહે ૧૯૨૭મા તે નામે બનાવી હતી. તેની કથાથી તે એટલા પ્રભાવિત હતાં કે જ્યારે બોલતી ફિલ્મોની શરૂઆત થઇ ત્યારે ૧૯૩૪મા તે ફરી બનાવી. બંને ફિલ્મોમાં મુખ્ય કલાકાર હતાં ગૌહર, રાજા શેડો, રામપ્યારી, વગેરે.

ત્યારબાદ સરદારના ભાણિયા રતિલાલ પુનાતરે તે ૧૯૪૮મા હિન્દી અને ગુજરાતી એમ બે ભાષામાં બનાવી. આ ફિલ્મના મુખ્ય કલાકાર છે નિરૂપારોય અને મનહર દેસાઈ.

પણ ‘સરસ્વતીચંદ્ર’ પર આધારિત જે ગુજરાતી ફિલ્મ બની હતી તે છે ‘ગુણસુંદરીનો ઘરસંસાર’. ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા ભાગ બે પર આધારિત આ ફિલ્મની કથા કૌટુંબિક સમસ્યાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં પણ ગોવિંદ સરૈયાનું દિગ્દર્શન છે જેના મુખ્ય કલાકારો છે કલ્પના દીવાન અને કિશોર જરીવાલા.

(આ બંને ફિલ્મો પુસ્તક રૂપે નથી એટલે તેના મુખપૃષ્ઠ નથી પણ ફિલ્મના પોસ્ટર મળ્યા છે તે મુક્યા છે.)

૧૯૭૧મા આવેલી ફિલ્મ ‘છોટી બહુ’ પણ શરતચંદ્રની પ્રખ્યાત નવલકથા ‘બિંદુર છેલે’ પર આધારિત છે. હિન્દી ફિલ્મ બની તે પહેલા તે તેલુગુમાં ૧૯૫૬મા બની હતી. આ ફિલ્મમાં નાની વહુ મગજની થોડી અસ્થિરતાવાળી હોય છે અને જેઠાણીના પુત્રના વહાલથી તેની માનસિક સ્થિતિ સુધરતી હોય છે ત્યારે હમેશ મુજબ જેઠાણીના કાન ભંભેરાય છે અને તે પોતાના પુત્રને નાની વહુ પાસે જવા દેતી નથી જેને કારણે નાની વહુની બીમારી વધે છે. અંતે બધી ગેરસમજ દૂર થાય છે અને સૌ સારા વાના થાય છે.

ફિલ્મના મુખ્ય કલાકારો હતાં રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર. ૧૯૬૯-૧૯૭૧ના ગાળામાં રાજેશ ખન્નાની આ ૧૭મી હીટ ફિલ્મ હતી.

૧૯૮૦માં આવેલી ફિલ્મ ‘મનપસંદ’ પણ જ્યોર્જ બર્નાર્ડ શોના નાટક ‘પિગ્મેલિયન’ પર આધારિત છે. જો કે આનો જરા જુદો હિસાબ છે. આ નાટક પરથી પહેલા અંગ્રેજી ફિલ્મ ‘MY FAIR LADY’ બની હતી જેના ઉપરથી પુ.ળ.દેશપાંડેએ મરાઠીમાં નાટક લખ્યું હતું ‘ती मी फुलराणी’ જે અત્યંત સફળ રહ્યું હતું. દેવઆનંદે જે ફિલ્મ બનાવી તે અંગ્રેજી ફિલ્મ પરથી હતી તેવું તેનું કહેવું છે.

‘મનપસંદ’ ફિલ્મ બે મિત્રો વચ્ચેની શરત પર આધારિત છે જેમાં ગિરીશ કર્નાડને દેવઆનંદ કહે છે કે તે કોઈ પણ અભણ ગામડીયન છોકરીને શિક્ષિત કન્યા બનાવી શકે છે. જે તે ટીના મુનીમને સખત મહેનત કર્યા બાદ બનાવી શકે છે. શરૂઆતમાં બંને વચ્ચે જે નફરત હતી તે અંતે પ્રેમમાં પરિણમે છે.

૧૯૮૩મા આવેલી ફિલ્મ ‘એક દિન અચાનક’ મૃણાલ સેનની ક્લાસિક ફિલ્મોમાંની એક ફિલ્મ છે. આ ફિલ્મ રમાપાદ ચૌધરીની બંગાળી નવલકથા ‘બીજ’ પર આધારિત છે.

વાર્તા એક પ્રોફેસર (શ્રીરામ લાગુ) પર આધારિત છે જે એક દિવસ વરસતા વરસાદમાં બહાર જાય છે અને પાછા નથી આવતા. તેના કુટુંબીજનોની મનોવ્યથાને સારી રીતે ઉજાગર કરતી આ ફિલ્મનાં અંત ભાગમાં તેના જવા માટેના કારણોના બે-ત્રણ વિકલ્પો દેખાડાય છે અને પ્રોફેસરના જવાનું કારણ શું હોય શકે તે દર્શકોની ઉપર છોડી દે છે.

અન્ય કલાકારોમાં શબાના આઝમી, અપર્ણા સેન અને ઉત્તરા બાવકર, જેને આ ફિલ્મમાં કરેલા અભિનય બદલ ૧૯૮૯નો સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

એક જુદા જ વિષય પર આધારિત ૧૯૯૩મા આવેલી ફિલ્મ છે. ‘રૂદાલી’ જે એ જ નામની મહાશ્વેતા દેવીની બંગાળી વાર્તા પર રચાઈ છે.

રાજસ્થાનમાં એક રિવાજ પ્રવર્તતો હતો જેમાં ઉચ્ચ વર્ગના પુરુષોના મૃત્યુ બાદ ઘરની સ્ત્રીઓ જાહેરમાં શોક પ્રદર્શિત ન કરી શકે એટલે શોક મનાવવા નીચલા વર્ગની સ્ત્રીઓને બોલાવાય જે આ કાર્ય એક ધંધાદારી રીતે કરી આપે. જીંદગી આખી નફરતમાં જીવતી શનિચરી (ડીમ્પલ કાપડિયા), આખી જિંદગી જેણે એક આંસુનું ટીપું નથી પાડ્યું તેને જ્યારે ખબર પડે છે કે તેની મા (કે જે એક રુદાલીનું કામ કરતી હતી) કોણ છે ત્યારે ચોધાર આંસુએ રડે છે. એ જ વખતે ગામનો જમીનદાર (અમજદખાન) જે મરણપથારીએ હતો તે મૃત્યુ પામે છે અને જમીનદારનો દીકરો (રાજ બબ્બર) શનિચરીને રૂદાલી બનાવી લઇ જાય છે.

આ ફિલ્મને અનેક પુરષ્કાર મળ્યા છે જેમાં મુખ્ય છે ઉત્કૃષ્ટ અભિનેત્રીના પાત્ર માટે રાષ્ટ્રીય પુરસ્કાર અને ફિલ્મફેરનો ક્રિટિક પુરસ્કાર. તે જ રીતે ભૂપેન હજારિકાને ઉત્તમ સંગીતકારનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો.

૨૦૦૭મા આવેલી એક હટકે ફિલ્મ હતી ‘3 ઈડિયટસ’ જે ચેતન ભગતની અંગ્રેજી નવલકથા ‘FIVE POINT SOME ONE………’ પર આધારિત છે. ફિલ્મમાં હાલની શિક્ષણ પદ્ધતિ ઉપર કટાક્ષ કરાયો છે પણ થોડી રમુજ સાથે. તેમાં દર્શાવેલ શોધો પણ વાસ્તવમાં થયેલી શોધો પર જ આધારિત છે.

આ ફિલ્મના મુખ્ય કલાકારો આમીરખાન, આર. માધવન, શર્મન જોશી, બોમન ઈરાની અને કરીના કપૂર. જેઓનો અભિનય પણ ઉત્કૃષ્ટ રહ્યો.

આ ફિલ્મે ન કેવળ ભારતમાં પણ ભારત બહાર પણ સારો દેખાવ કર્યો હતો અને ભારતમાં બોક્ષ ઓફીસ પર પણ રેકોર્ડ બનાવ્યો હતો.

આ ફિલ્મ એટલી ઉત્કૃષ્ટ ગણાઈ કે તેને અનેક પુરસ્કારો મળ્યા જેમાં ન કેવળ છ ફિલ્મફેર પુરસ્કાર અને ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા હતાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પુરસ્કાર મેળવ્યા હતાં. તેની લોકપ્રિયતા જોઇને તેને તામિલમાં બનાવવામાં આવી હતી અને તેલુગુમાં પણ ડબ કરાઈ હતી.

અંગ્રેજી વાર્તા પર આધારિત જે અન્ય એક ફિલ્મ બની હતી તે છે ૨૦૧૧મા આવેલી ફિલ્મ ‘સાત ખૂન માફ’ જે રસ્કિન બોન્ડની વાર્તા ‘SUSANNAS SEVEN HUSBANDS’ પર આધારિત છે.

ફિલ્મમાં પ્રેમભૂખી પ્રિયંકા ચોપરા જુદા જુદા નામે જુદા જુદા પાત્રો ભજવે છે જેને દરેક લગ્ન બાદ કોઈ પણ કારણસર પ્રેમને બદલે બેવફાઈ મળતાં તે તેના પતિનું ખૂન કરતી હોય છે. આમ છ ખૂન કર્યા બાદ પણ તે પકડાતી નથી.

ફિલ્મના અંતમાં તે મૃત્યુ નથી પામી હોતી પણ ફોરેન્સિક પેથોલોજીસ્ટ પોતાના પર પ્રિયંકાએ કરેલા ઉપકારને લક્ષમાં રાખી મૃત્યુ પામેલ સ્ત્રી પ્રિયંકા જ છે એમ કહી તેને બચાવી લે છે.

ફિલ્મમાં છ પતિઓના પાત્ર જાણીતા કલાકારો ભજવે છે. આ ફિલ્મમાં નાસિરુદ્દીન અને તેનો પુત્ર વિવાન બંને કામ કરે છે. તો અનેક પુરસ્કારો વિજેતા આ ફિલ્મને બે ફિલ્મફેર પુરષ્કાર મળ્યા છે – ક્રિટિક પુરષ્કાર ઉત્કૃષ્ટ અભિનય માટે પ્રિયંકાને અને ઉત્કૃષ્ટ પાર્શ્વગાયક તરીકે ઉષા ઉત્તુપ અને રેખા ભારદ્વાજને.

મૂળ આ રસ્કિન બોન્ડની વાર્તા હતી પણ પછી વિશાલ ભારદ્વાજે લેખકને એક વિસ્તૃત નવલકથા લખવા કહ્યું અને તેમણે તેને ૮૦ પાનાની નવલકથામાં પરિવર્તિત કરી. જો કે ફિલ્મ બનાવતી વખતે વિશાલજીએ મૂળ કથાવસ્તુમાં થોડો જરૂરી ઉમેરો કર્યો હતો.

આ અગાઉ ૨૦૦૫માં વિશાલજીએ રસ્કિન બોન્ડની ૧૯૮૦માં લખાયેલી નવલકથા ‘THE BLUE UMBRELA’ પરથી એ જ નામની ફિલ્મ બનાવેલી હતી. તો તેમણે શેક્સપિયરની નવલકથાઓ પર આધારિત ઓમકારા અને મકબુલ નામની ફિલ્મો બનાવી હતી પણ તેમાં મૂળ કથાવસ્તુમાં ઘણા ફેરફાર કર્યા હતાં એટલે તેની વિગતો બાકાત રાખી છે.

સુજ્ઞ વાચકને કોઈ અન્ય ફિલ્મ પણ યાદ આવે તે સ્વાભાવિક છે.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta :
nirumehta2105@gmail.com

Author: admin

2 thoughts on “નવલકથા અને ફિલ્મો

  1. ખુબ જ સરસ અને રસપ્રદ લેખ . વાંચતાં જણાઈ આવે છે કે આ એક અભ્યાસુ ની કલમે લખાયેલો માહિતી સભર લેખ છે . લેખ તૈયાર કરવા માં તમે લીધેલી જહેમત દેખાઈ આવે છે. ખુબ અભિનંદન.

    મારા તરફ થી થોડી પૂરક માહિતી :
    મારી માન્યતા પ્રમાણે બિમલ રોય ની બીજી ફિલ્મો ‘ઉસને કહા થા’ અને ‘બંદિની’ પણ સાહિત્યિક રચનાઓ પર આધારિત હતી. પ્રેમચંદ નો ‘દો બૈલોં કી કહાની’ પર થી ‘હીરા મોતી’ બની હતી.
    સંસ્કૃત નાટકો ‘મૃચ્છકટીકમ’ પર થી ગિરીશ કર્નાડ ની ‘ઉત્સવ’ અને ‘અભિજ્ઞાન શાકુન્તલમ’ પર થી વહી શાંતારામ ની ‘સ્ત્રી’બની છે.
    જ્યા બહાદુરીની ‘હજાર ચૌરાસી કી માં ‘ પણ મહાસ્વેતાદેવી ની નવલકથા પાર આધારિત છે.

  2. અદભુત માહિતી નું સંકલન…આટલી બારીકાઈ થી વિગતો ભેગી કરવી. અપ્રતિમ અને પ્રશંસનીય . નિરંજન ભાઉને હારદીક અભિનંદન ….

Leave a Reply

Your email address will not be published.