સમાજ દર્શનનો વિવેક : એક અમર ત્રિપુટી

કિશોરચંદ્ર ઠાકર

હાલ પ્રવર્તતી કોવિદ 19ની મહામારીથી આપણે ભલે ત્રસ્ત હોઈએ, તો પણ છેલ્લી એક સદીથી અને ખાસ કરીને છેલ્લા 50 વર્ષથી આરોગ્ય તથા દીર્ઘાયુષ્ય બાબતે આપણે સબ સલામતની લાગણી અનુભવી રહ્યા છીએ. આપણને આ રીતે નિશ્ચિંત કરવા બાબતે આધુનિક તબીબી વિજ્ઞાનનું ઋણ સ્વીકારવું જ રહ્યું. તેમાં પણ વાઢકાપ (સર્જરી) વિદ્યાએ તો કમાલ કરી છે. આ અદભૂત પ્રગતિનાં મૂળમાં જે ત્રણ પ્રતિભાનો ફાળો છે તેની રસપ્રદ વિગત ગૂજરાત વિદ્યાપીઠ વાચનમાળાની સાતમી ચોપડીના એક પાઠમાં આપેલી છે. વાચકોને એ વખતની ભાષાનો પરિચય તો થશે જ સાથે કેટલાક અંગ્રેજી શબ્દોના ગુજરાતી પ્રયાય ભાષાને ભંદ્રંભદ્રીય બનાવ્યા વિના પણ કરી શકાય છે, તે પણ જાણવા મળશે. અહીં એ મૂળ પાઠ જેમનો તેમ મૂકવામાં આવ્યો છે.

1

આધુનિક શસ્ત્રવૈદુ એક અતિ આશ્ચર્યજનક ચીજ છે. કોઈ કાળે કદાચ નહિ કલ્પાયાં હોય એવા હેરત પમાડનારાં કાર્યો તે આજ કરી શકે છે. જેને ખોલતાં કે ચીરતાં માણસ મરણ જ પામે એમ મનાય, તેવાં તેનાં છાતી, પેટ અને મગજ જેવાં માર્મિક અંગો ઉપર પણ આજે શસ્ત્રવૈદ કે સર્જનનું નસ્તર ચાલતું થયું છે. આ બધાં આશ્ચર્યો આજે બહુ જ સાદી લાગતી બેત્રણ શોધોને જ મુખ્યત્વે આભારી છે.

આજે વાઢકાપ કરાવવી એ કોઈ ભારે જોખમની વાત નથી ગણાતી, જેવી થોડાક દાયકા ઉપર લોકોને લાગતી હતી. યુરોપમાં પણ 19મા સૈકામાં વાઢકાપ વિદ્યા કે શસ્ત્રવૈદાની દુર્દશા એવી હતી કે, લોકો તેને માટેના દવાખાનાંને મોતખાનાં જ કહેતા. કેમ કે, શરીર ઉપર સાધારણ વાઢ મુકાય પછી તેને રૂઝ આવવી તે લગભગ નસીબની વાત મનાતી, ઘા સડીને જ વાઢકાપના દરદી મરી જતા, જો કે સર્જને તો પોતાનું કામ બરાબર જ કર્યું હોય. અને આ રીતે મરવાનું પ્રમાણ આજે માની ન શકાય એવડું મોટું હતું. લંડન જેવા મુખ્ય શહેરની ઇસ્પિતાલનું મરણ-પ્રમાણ જો 26 ટકા જેટલું આવે, તો તે એક મોટી ફતેહ મનાતી! ગ્લાસગો શહેરની એક ઇસ્પિતાલનું મરણ-પ્રમણ 80 ટકા જેવડું મોટું હતું! આથી કરીને 19મા સૈકાના પૂર્વાર્ધમાં ઇંગ્લે‌ન્ડમાં એવી હવા ચાલી હતી કે, મોતખાના જેવી એ ઇસ્પિતાલો જ બંધ કરવી જોઈએ.

ત્યારની વાઢકાપની વિદ્યામાં બીજી મુશ્કેલી એ હતી કે, આજની જેમ ત્યારે વાઢકાપના દરદીને મૂર્છામાં નાખવાને માટે સૂંઘાડવની શીશી કે દરદીનું કાપવાનું અંગ બહેરું કરી દેવાની એકે દવા જાણવામાં નહોતી. પશુને ડામ દેવા રબારી જેમ તેને બાંધીને પકડી રાખે છે, લગભગ તેમ જ દરદીના હાથપગ બાંધીને તેને પકડી રાખવામાં આવતો અને તે બિચારો પીડાના ઊંહકરા ભરતો અને દુ:ખથી ચીસો પાડતો પડ્યો રહેતો.

આવી સ્થિતિમાં વાઢકાપનું કામ શસ્ત્રવૈદ લાંબો વખત ન ચલાવી શકે એ ઉઘાડું છે. તેથી જેમાં લાંબો સમય લાગે તેવા વાઢકાપો તો થઈ જ નહોતી શકતી. અને દરદીને જે દુ:ખ પડતું તે તો જોયું ન જાય તેવું હતું.

2

આ દુ:ખમાંથી માણસને અને વાઢકાપની વિદ્યાને ઉગારનાર તે સર જેમ્સ યંગ સિમ્પ્સન( ઈ.સ. 1811- 1870). તે સ્કોટલ‌ન્ડનો રહીશ હતો. એડિનબરો યુનિવર્સિટિમાં દાકતરીનો અભ્યાસ કરીને ત્યાં જ તે પ્રસૂતિવિદ્યાના અધ્યાપક તરીકે કામ કરતો હતો. પ્રસૂતિમાં માતાઓને પડતા દુ:ખો જોઈને એ દયાળુ પુરુષનું હૃદય હંમેશા કકળતું. મારે આનો કંઈક ઉપાય શોધવો જ જોઈએ, એમ એને થતું અને તેની શોધમાં જ એ લાગ્યો રહેતો! તેમાંથી, માણસને સારે નસીબે, ઇ.સ. 1847માં એક દહાડો એણે, આજ વાઢકાપ કરવા માટે આપણને જે દવા સુંઘાડી બેભાન કરવામાં આવે છે, તે ક્લોરોફોર્મની શોધ કરી. એ સૂંઘીને બેભાન થવાનો પ્રથમ પ્રયોગ એણે પોતાની ઉપર જ કર્યો હતો. તે એક એવો સફળ પ્રયોગ નીવડ્યો કે, તેણે આજ સુધી હજારો નહિ, લાખો મનુષ્યોને ભયંકર યાતનાઓમાંથી બચાવ્યા છે.

સિમ્પ્સમનની આ શોધથી નસ્તરના ઘાથી તરફડતા દરદીઓની ચીસો મટી અને સર્જનો પોતાનું કામ શાંતિથી અને પૂરતો વખત લઈને કરવા લાગ્યા. પરંતુ વાઢકાપવિદ્યાની મોટી વિફળતા તો ઘામાં થતા પેલા અસાધ્ય લાગતા સડાને લીધે હતી. સૂંઘાડવાની દવા નહોતી ત્યારે પણ ચતુર અને ચપળ સર્જનો પોતાનું કામ ઝટ ઝટ કરતા, અને તેટલા પૂરતી તો તેમને સફળતા મળતી. પરંતુ પછી ઘાને રૂઝવવાનું તેમને અસાધ્યવત્ લાગતું. એને સાધ્ય કરવાની શોધનું માન પણ એક અંગ્રેજ દાક્તરને મળે છે. તેનું નામ જોસેફ લિસ્ટર(ઈ.સ. 1827-1912) છે.

3

જોસેફ લિસ્ટરનો પિતા એક સંયમી અને ધર્મનિષ્ઠ પુરુષ હતો. તે પોતે એક જાણીતો વિજ્ઞાનશાસ્ત્રી હતો. સૂક્ષ્મદર્શક યંત્રને વિષે કેટલીક અતિ ઉપયોગી શોધો કરી, વિજ્ઞાનની શોધખોળ માટે તે યંત્ર જેવું એક કીમતી ઓજાર બનાવી આપવાનું માન એને મળે છે. પિતાના ગુણ પુત્રમાં બરોબર ઊતર્યા હતા. વસ્તુને ઝીણવટથી જોવી તેની વિગતોને બરોબર પકડી લેવી, અને ખંતા તથા મહેનતથી પોતાના કામને વળગી રહેવું, એ ગુણો લિસ્ટરને વારસામાં મળેલા હતા. દાકતરીનો અભ્યાસ તેણે લંડન યુનિવર્સિટિમાં કર્યો હતો. તે પૂરો કરીને લિસ્ટર એડિનબરોમાં સાઈમ કરીને એક જાણીતા દાક્તર પાસે કામ કરવા ગયો. કામની બાબતમાં સાઈમ ભારે કડક માણસ હતો. પણ લિસ્ટરનો મહેનતુ અને ખંતીલો સ્વભાવ એને પસંદ પડ્યો અને આ બે જણને એવું તો ગોઠી ગયું કે થોડાક વર્ષ બાદ સાઈમની મોટી દીકરી જોડે લિસ્ટરના વિવાહ થયા.

સાઈમ પાસે કેટલાક વર્ષ ઘડાઈને લિસ્ટર પોતાને સ્વતંત્ર કામે વળગ્યો. તેને ગ્લાસગો યુનિવર્સિટિમાં અધ્યાપકપદ મળ્યું હતું. ત્યારથી તેના જીવનનું મુખ્ય કામ શરૂ થાય છે.

શસ્ત્રવૈદ તરીકે તેના નામના સારી હતી. પરંતુ ઘા સડતા એ તો સડતા જ, અને આપણે શરૂમાં જોયું કે, ગ્લાસગો ઇસ્પિતાલ તો ઘાના સડાથી થતા મરણ માટે નામીચી હતી. લિસ્ટરને હવે પ્રશ્ન થયો: આ સડો પડવાનું કારણ શું? તે પ્રશ્ન ઉકેલવા માટે તે અનેક રીતે ગડમથલ કરતો, પરંતુ એમાં એ કોઈ રીતે ફાવતો ન હતો.

એવામાં એના કાન ઉપર એક એવી શોધની વાત આવી, કે જેમાંથી તેને સડાનું સાચું કારણ હાથ લાગી ગયું, અને તેને રોકવાના ઉપાયો તે યોજી શક્યો. આ શોધ તે પ્રખ્યાત ફ્રેંચ વૈજ્ઞાનિક લૂઇ પેસ્ટર(ઈ. સ. 1822-1895)ની જંતુઓ વિષેની શોધ હતી.

4

નવાઈની વાત છે કે, લૂઈ પેસ્ટર ધંધે દાકતર નહોતો. પણ એક રસાયણશાસ્ત્રી હતો. ફ્રાંસની એક અગ્રગણ્ય વિદ્યાપીઠમાં રસાયણના અધ્યાપક તરીકે કામ કરતો હતો. પરંતુ તેણે આખી દાક્તરી વિદ્યાને પલટી નાખે એવું કામ કર્યું છે. તેથી કરીને આજે તે એક મહાનમાં મહાન વિજ્ઞાનવેતા તરીકે પંકાય છે; ફ્રે‌ન્ચ લોકો તેને પોતાના પ્રથમ કોટીના મહાપુરુષ તરીકે ગણે છે; અને વિજ્ઞાનના ઇતિહાસમાં તેને જંતુવિદ્યાના આદિ શોધક તરીકે ઓળખાવવામાં આવે છે.

તે જમાનામાં લોકો, જંતુ હવામાં રહે છે અને આપોઆપ જન્મે છે, એમ માનતા. એક સાવ સાદી વાત ઉપરથી પેસ્ટરનું ધ્યાન ગયું કે, ના એમ નથી; જંતુ પણ દરેક જીવતી ચીજની પેઠે જન્મે છે, અને તેમને માટેના સામાન્ય કુદરતી કાયદા મુજબ વધે છે કે ઘટે છે. આ શોધ તેણે બગડેલો અને સારો દારૂ તપાસતાં તપાસતાં કરી. આજ આપણને બહુ સામાન્ય હકીકત લાગે છે. પરંતુ એ સામાન્ય હકીકત પરથી પેસ્ટરે આગળ જે શોધ્યું, તે તેના કરતાં ભારે ફળદાયી હતું. તેણે એ બતાવ્યું કે, રોગોને પોતાના જંતુ હોય છે; તે શરીરમાં દાખલ થવાથી રોગ થાય છે. એટલે, જો રોગનાં જંતુ અને તેના જીવન વિષે જાણવામાં આવે, તો તેનાથી થતા રોગને રોકવા કે મટાડવા માટેના ઇલાજની પણ સૂઝ પડે.

આ એક ભારે જબરી શોધ કહેવાય. તેનાથી આજે માણસ તથા પશુપક્ષી અને વનસ્પતિના અનેક રોગોના જંતુ શોધી કાઢવામાં આવ્યા છે, તેમનું જીવન નિહાળવમાં આવ્યું છે, તથા તેમનાથી થતા રોગના ઉપાયો યોજાયા છે, તે બધું પેસ્ટરની એ શોધને લઈને થઈ શક્યું છે. પેસ્ટરે પોતે તો રેશમના કીડાનો રોગ અને હડકવાના જંતુ શોધી તેમને માટે રસી બનાવી હતી. હડકાયું કૂતરું કરડે છે ત્યારે આપણે રસી મુકાવી હડકવામાંથી બચી શકીએ છીએ. તે રસીની શોધ પેસ્ટરે કરી હતી. આ નાનીસૂની શોધ નથી. છતાં વિજ્ઞાનની પ્રગતિનો વિચાર કરીએ તો, તેનું ખરું કાર્ય તેણે વિજ્ઞાનશાસ્ત્રીઓની જંતુ વિષેની પેલી ખોટી માન્યતા દૂર કરીને સાચી શોધ કરી આપી. એ શોધને લેધે જ લિસ્ટરને પોતાના પ્રયોગો માટે સાચી દિશા સૂઝી અને તે પેલા જીવલેણ સડાનું કારણ કળી ગયો.

હવે લિસ્ટરે નવી રીતે પ્રયોગો આદર્યા. વાઢકાપ પછી જખમ સડવાનું કારણ કદાચ જંતુ હોઈ શકે, એવી કલ્પના એણે કરી; અને તે પરથી જખમને જંતુશુદ્ધ રાખવાના પ્રયત્નો એણે શરૂ કર્યા. હવામાં જંતુઓ હોય તો તે સર્જનના હાથ, તેના નસ્તર, ચીપિયા વગેરે ઓજારો, તથા પાટા વગેરે સાથે પણ લાગેલાં હોય; તેથી તે પણ જંતુરહિત કરવા જોઈએ, એમ તેને લાગ્યું. તેને કાર્બોલોક એસિડના જંતુનાશક ગુણની ખબર હતી. તેણે તેનો વાપર શરૂ કર્યો. વાઢકાપના ઓરડામાં હવામાં હવામાં હોતા જંતુ મારવાને માટે તે એના છાંટણા ઉરાડવા લાગ્યો, અને જખમો ધોવામાં તથા હાથ, નસ્તર, પાટા વગેરેનાં જંતુઓને મારવાને પણ એ એસિડનો ઉપયોગ કરવા લાગ્યો. આનું પરિણામ સારું દેખાવા લાગ્યું, એટલે તેણે એ પ્રયોગ ચાલુ રાખ્યો. એમ કરતાં જ્યારે એને ખાતરી થઈ કે, સડાનો સાચો ઉપાય હાથ લાગ્યો છે ત્યારે તેણે દાક્તરો આગળ એ જાહેર કર્યો.

તમે કોઈ મોટી ઈસ્પિતાલમાં ગયા છો? ત્યાં વાઢકાપની તૈયારી થતી જોઈ છે? જોઈ હોય તો તમને ખબર હશે કે, સર્જનનં ઓજારો તથા તેના બીજા સરંજામને જંતુમુક્ત રાખવાને માટે વરાળની બાફ અપાય છે. આ શોધ આજ કેવી સાદી અને સરળ લાગે છે! પરંતુ તે શોધતાં લિસ્ટરને કેટલાક વર્ષો આપવા પડ્યાં હતાં!

આમ, છેવટે વાઢકાપની બેઉ મુશ્કેલીઓ દૂર થઈ. સિમ્પ્સને સૂંઘાડવાની શીશી ખોળી અને લિસ્ટરે સડો દૂર કરવાના ઉપાયો યોજી આપ્યા.આ બેના પછી અનેક પ્રતિભાશાળી સર્જનોએ પોતાની વિદ્યાને ખીલવી છે, અને હજી પણ તે કામ ચાલુ જ છે. પરંતુ તે બધાનો પાયો પેસ્ટર લિસ્ટર અને સિમ્પ્સન એ ત્રણ મહાપુરુષોએ નાખ્યો છે. આજ શસ્ત્રવૈદુ માણસજાતને માટે આશીર્વાદરૂપ થઈ પડ્યું છે, તે એ ત્રણની અથાક મહેનત અને શોધક બુદ્ધિનું ફળ છે. મોટા રાજાઓ અને મુત્સદીઓ તથા વિજેતાઓ પણ જ્યારે ભુલાયા હશે, ત્યારે આ ત્રિપુટીને સૌ યાદ કરશે, અને તેમણે આપેલા વારસામાંથી સુખ અને સ્વાસ્થ્ય લૂંટ્યા કરશે. ખરેખર એ અમર ત્રિપુટી છે.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: admin

1 thought on “સમાજ દર્શનનો વિવેક : એક અમર ત્રિપુટી

Leave a Reply

Your email address will not be published.