ઘાશીરામ કોટવાલ : વાત ૨.

દિવાન શાકેરરામ દલપતરામ

એક દિવસ ઘાશીરામ કચેરીમાં ઇન્સાફ કરવા બેઠા હતા, ત્યાંહાં એક સંતી નામની એારતે રડીને એવી ફરિયાદ કરી કે મારી પડોસણ જાનબી માહરું છોકરું જબરદસ્તિથી છીનવી લઈને વાનવડીએ પોતાને મોસાળ જતી રહી છે. તે ઉપરથી કોટવાલે સવાર મોકલી જાનબીને છોકરાં સુધાં પકડી મંગાવી, તેને હકીકત પુછી. તેણે બતાવ્યું કે એ છોકરું મારું છે, ને સંતી નાહક ગળે પડે છે. કોટવાલે બંને પાસે પોત પોતાનો પુરાવો રજુ કરવાનું કહ્યું ને તેઓના બતાવ્યા પ્રમાણે દાઈ તથા બીજા સાહેદી બોલાવ્યા, ને તેઓની સાહેદી લીધી; તેથી એવું માલુમ પડ્યું કે સંતી તથા જાનબી બંને એક બીજાના પડોસમાં શુકરવાર પેઠમાં રેહે છે. એ બંનેના ધણીઓ એક વર્ષ થયું પરદેશ ગયા છે, ત્યારથી બંને ગર્ભવતી હતી. તે બે ત્રણ દિવસને અંતરે જણીને બેઉને છોકરીઓ અવતરી. ને એ બે જણીઓને હમેશ એક બીજાને ઘેર જવા આવવાનો રફત હતેા. સંતીને બંને જણ સાથે માયા હશે તેથી આ સંતીનું છોકરું છે, એમ તેઓ બતાવે છે, ને જાનબી તરફના ત્રણ શાહેદી એ છોકરું જાનબીનું છે એમ કહે છે; ત્યાર પછી કોટવાલે પોતે બોલવાનું શિરુ કર્યું.

કોટવાલ— અરે સંતી ! જાનબીની તરફના સાક્ષીદાર વધારે છે, તે ઉપરથી તું લબાડ જણાય છે અને જાનબી સાચી છે એમ માલુમ પડે છે. તેં ખોટું તોહમત મુક્યું તે સારું તારી ઢેડ ફજેતી કાહાડવી જોઇએ.

સંતી— મહારાજ ! નહીં; મહારાજ નહીં !! હું જુઠી નથી. જાનબીએ પોતાની છોકરીને ખુદાબક્ષ નાયકણને બસે રૂપીઆ સારુ બે દિવસ પેહેલાં વેચાતી આપી છે. જોઇએ તો એવા બીજા બે સાહેદી હું વધારે લાવું.

કો૦— ખુદાબક્ષ નાયકણને અમે ઓળખીએ છઇએ, તે અવલ મરેઠણ હતી. તે ત્રિકાળ નાહે છે. તેણે બ્રાહ્મણને રસોઇ કરવા રાખેલો છે. બ્રાહ્મણ શિવાય બીજા કોઇના હાથનું પાણી પણ લેતી નથી. તે અપ્રશમાં હમેશ રેહે છે. એકાદશીના ઉપવાસ કરી આખો દહાડો કામળી ઉપર બેસી પુરાણ સાંભળ્યા કરે છે. તેને ઘેર રાતે ફરાળ કરવા સારુ મંડળી આવે છે. બારસને દાહાડે વૈદ તથા શાસ્ત્રી વગેરેને એક એક રૂપીઓ દક્ષણા તથા સીધું આપ્યા શિવાય અન્ન ખાતી નથી. વાસ્તે જાનબી મુસલમાનીનું છોકરું તે લે એવું કદી માનવામાં આવતું નથી. હવે તું એક બીજા કરતાં વધારે સાહેદી આપવા ચાહે છે તેથી તમે બંને ખોટાં છો; વાસ્તે તમે એ છોકરીને બજા નાયકણને હવાલે કરો. તે તેને મેાટી કરી ગાતાં તથા નાચતાં શિખવશે; ને તેનો વંશ ચાલશે.

આ પ્રમાણે, કોટવાલે કહીને બજા નાયકણને બોલાવવા મોકલ્યું. આ તમામ હકીકત બની તે તે જગો,પર ઈદાપુરનો કાજી સૈયદ હમીમુદ્દીન બેઠેલો હતા તેણે જોઇ; ને કોટવાલનો ઇન્સાફ તેને વાજબી લાગ્યો નહીં પણ તે વાત કોટવાલને ખુલી કહી શકાઈ નહીં; તેથી કાજીયે કોટવાલના કાનમાં કહ્યું કે, આ છેાકરી બાબતના ટંટાનો ઇન્સાફ કરવાનું મને કહો તો હું કરું. કાજી ઘરડા હતા તેથી તેનો શખુન કોટવાલે કબુલ રાખ્યો. પછી કાજીએ જે છોકરાં બાબત તકરાર પડી હતી તે છોકરું લઇને પેહેલું સંતીને આપ્યું ને તેહેને ધવડાવવાનું કહ્યું. તે વખતે છોકરું સંતીને વળગી પડી ધાવવા મંડ્યું; પછી તેની પાસેથી લઈ જાનબીને આપ્યું; તેને પણ તે છોકરું ધાવ્યું. પછી કાજીએ છોકરું પેાતાની પાસે લઈ સંતી તથા જાનબીને કચેરીની બાહાર મોકલ્યાં, ને એક કસાઈને મોટો છુરો લઈને બોલાવ્યો. બાદ જાનબીને અંદર બોલાવી કાજીએ કહ્યું કે સાંભળ:– ગુજરેલા પુરાવા ઉપરથી એ છોકરું તમે બંનેનું ઠરે છે. વાસ્તે એ છોકરાંના બરાબર બે હિસ્સા થવા જાઈએ. તે સારુ આ કસાઈ ઉભો છે. તેની પાસે એ છોકરાંના બે કડકા બરાબર કરાવું છઉં; ને તારો એક સાહેદી જાસ્તી છે; માટે તને જમણી બાજુના કડકો મળશે. પછી કેમ તારે કાંઈ તકરાર રહી છે? જાનબીએ જવાબ દીધો કે ઘણું સારું; મારી તકરાર કંઈ રહી નથી. પછી સંતીને બોલાવી કાજીએ તે જ પ્રમાણે હકીકત કહી ને તને ડાબો ભાગ મળશે, એવું બોલતાં જ, સંતી હાય! મારીને બોલી કે, મારે એકે ભાગ નહીંં જોઇએ. છોકરાંના કડકા ન કરતાં તેને જીવતું સરકારે જાનબીને હવાલે કરવું, મારે કાંઈ તકરાર નથી. જોઈએ તો હું ફારગતિ લખી આપું.

કો૦– કાજી સાહેબ, હું કેહતો નોહતો કે એ સંતી જુઠ્ઠી છે? જુવો, હમણા પોતે તેની મા થઈને ફારગતિ આપવા કબુલ થઈ છે!

કોટવાલનું બોલવું સાંભળી સઘળા લોક હસવા લાગ્યા. પછી કાજીએ તકરારી છોકરું નિ:સંશયપણે સંતીનું કેવી રીતે ઠરે છે તે કોટવાલને સમઝાવી દીધું. ત્યારે કોટવાલ સાહેબે એ વાત સમજમાં લાવી તે છોકરું સંતીને હવાલે કર્યું.

–¤¤¤¤¤¤¤¤–

ક્રમશઃ:


સ્રોત – ૠણ સ્વીકાર – ઘાશીરામ કોટવાલ – વિકિસ્રોત

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.