ફિર દેખો યારોં : તારી મૂર્તિ મારી મૂર્તિથી ઉંચી કેમ?

– બીરેન કોઠારી

કેટલાય પાઠ એવા હોય છે કે અઘરે રસ્તે પણ આપણે તેને શીખવા માગતા નથી. કોવિડ-19ના પ્રકોપ જેવી, સદીમાં એકાદ વાર જવલ્લે પ્રસરતા વિશ્વવ્યાપી રોગચાળા જેવી ઘટનાથી મોટું બીજું કયું નિમિત્ત એ માટે જોઈએ? માર્ચ મહિનાના અંતથી ત્રણેક મહિના સુધી તો સંપૂર્ણપણે, અને છેલ્લા એકાદ મહિનાથી અંશત: માનવીય ગતિવિધિઓ થંભી ગઈ છે. તેની સીધી અને સવળી અસર પર્યાવરણ પર પડી રહી હોવાના અહેવાલો અનેક વાર આ ગાળામાં વખતોવખત પ્રકાશિત થતા રહ્યા છે. આમ છતાં, આપણા પર જાણે કે તેની કશી અસર જ નથી.

હવે ગણેશોત્સવની મોસમ આવશે, અને હજી હમણાં જ દશામાના વ્રતની મોસમ ગઈ. દશામાની મૂર્તિઓ પાણીમાં વિસર્જિત કરવા પર વિવિધ શહેરનાં સત્તાતંત્રોએ પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જોવા મળ્યું હતું. કેટલેક ઠેકાણે એના માટે દંડ પણ ઘોષિત કરાયો હતો. આનું કારણ, અલબત્ત, તેને લઈને થનારું જળપ્રદૂષણ નહીં, પણ એ નિમિત્તે એકઠો થનારો જનસમૂહ અને તેના થકી કોરોનાના પ્રસારનો સંભવિત ખતરો હતો. એક અહેવાલ મુજબ, વડોદરામાં આ મૂર્તિઓનું વિસર્જન કરવા બાબતે રાજકીય પક્ષો વચ્ચે વિખવાદ થતાં વિવિધ સેવાભાવી સંસ્થાઓએ આ જવાબદારી ઉઠાવી લીધી હતી. તેને પગલે આશરે છ હજાર જેટલી મૂર્તિઓનું મહી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરતમાં તંત્રે નદી પરના ઓવારા અને કૉઝવે બંધ કરી દીધા હતા, પણ લોકોએ નહેરમાં આ મૂર્તિઓનું વિસર્જન કરી દીધું. આમ, લોકોની શ્રદ્ધા જળવાઈ ગઈ, અને પર્યાવરણને થતું નુકસાન પણ એમનું એમ રહ્યું. તાત્પર્ય એટલું કે એક મહત્ત્વનો પાઠ શીખવાનો હાથમાં આવેલો મોકો આપણે ગુમાવી બેઠા.

સામાન્યપણે લોકો એમ કહેતા જોવા મળે છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા સાવ પાતળી હોય છે. આ જ અખબારમાં, આ જ સ્થળે જેમણે વરસો સુધી ‘સંશયની સાધના’ નામની કટાર લખીને અનેક લોકોના મનમાં બાઝેલાં ગેરસમજણ અને અંધશ્રદ્ધાનાં બાવાજાળાં દૂર કર્યા એવા પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’એ સ્પષ્ટપણે, પોતાની આગવી શૈલીએ લખેલું કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તત્ત્વત: કશો ભેદ નથી, અને બન્ને એક જ બાબત છે. મૂર્તિવિસર્જનની ઘેલછા આ હકીકતનો સચોટ પુરાવો છે. પીવાના પાણીની કાયમી અછત અનુભવતા આપણા દેશમાં જળઆયોજનના નામે મીંડું હોય, ત્યાં પ્લાસ્ટર ઑફ પેરિસની મૂર્તિઓ જળાશયોમાં વિસર્જિત કરવી કેવડો મોટો અપરાધ છે! જળપ્રદૂષણ કરતા તમામ ધર્મોના લોકોને આ હકીકત લાગુ પડે છે. આ અપરાધ કાનૂની ન હોવાને કારણે તેને રોકવા માટે કશાં પગલાં લેવાતાં નથી. સત્તાકારણીઓ સતત લોકરંજકતાનું રાજકારણ રમતા રહેતા હોવાથી તેઓ આવા ઘેલછાભર્યા કૃત્યોને પ્રોત્સાહન આપતા જોવા મળે છે, અને લોકોમાં એવી કોઈ જાગૃતિનો સદંતર અભાવ છે. જે તહેવારોની ઉજવણીમાં પર્યાવરણપ્રેમ અને કુદરતને સન્માનવાની લાગણી કેન્‍દ્રસ્થાને હતી, તેને બદલે હવે ધન તેમ જ સત્તાનો નિર્લજ્જ દેખાડો, હુંસાતુંસી, ઉન્માદ અને ઘેલછા સામૂહિક ઉજવણીનાં ચાલકબળ બની રહ્યાં છે. ઉત્તરોત્તર વધતાં જતાં આ લક્ષણોમાં વિનાશ નજર સામે જ કળાતો હોવા છતાં ક્યાંય પાછા વળીને જોવાપણું થશે એમ લાગતું નહોતું. આવા સંજોગોમાં કોવિડ-19ના વિશ્વવ્યાપી રોગચાળાએ આ બાબતે ફેરવિચાર કરવાની તક પૂરી પાડી હતી. દશામાની મૂર્તિઓનું ધરાર જળવિસર્જન કરીને આપણે પુરવાર કરી આપ્યું છે કે આપણે સુધરવા માગતા નથી.

હજી મોડું થયું નથી. ઉન્માદની અવધિ જેવો ગણેશોત્સવ આવી જ રહ્યો છે. વૈશ્વિક રોગચાળાનો આ સમય ઉજવણીની આપણી પદ્ધતિ અને તેમાં પ્રવેશેલાં દૂષણો બાબતે ફેરવિચાર કરવા માટેની એક તક પૂરી પાડી રહ્યો છે એમ સમજીને આ બાબતે નક્કર પગલાં ભરવાં જરૂરી છે. હવે એ બાબત કોઈને સમજાવવાની જરૂર નથી રહી કે મૂર્તિના કદને ઈશ્વર પ્રત્યેની આસ્થાના પ્રમાણ સાથે કશી લેવાદેવા નથી. સત્તાતંત્ર મૂર્તિના કદ બાબતે માર્ગદર્શિકા બહાર પાડે કે ન પાડે, સ્વબુદ્ધિએ આપણે નિર્ણય લેવાનો છે. પર્યાવરણની વિપરીત અસરોની જાણકારી માત્ર પાઠ્યપુસ્તકોમાં કે સરકારી જાહેરખબરોમાં જ પૂરાયેલી રાખવી છે કે તેનો સક્રિયપણે અમલ કરવો છે એ નિર્ણય લેવા માટેનો આ ઉત્તમ સમય છે. આજે જૂની ગણાતી પરંપરાનો આરંભ પણ ક્યારેક તો નાને પાયે, અને મોટે ભાગે કોઈ અન્ય હેતુથી જ થયો હશે. જે તે સમયે છૂટીછવાઈ થતી ઉજવણી સમયાંતરે અનેક કારણોસર પરંપરાનું સ્વરૂપ પકડી લે અને ધીમે ધીમે તેમાં અનેક દૂષણો ઉમેરાતાં જાય એવાં અનેક ઉદાહરણો લગભગ દરેક ધર્મની ઉજવણીઓમાં આસાનીથી જોવા મળી શકશે. પ્રત્યેક ઉજવણીના આરંભ પાછળ કોઈ ને કોઈ તર્ક અને પર્યાવરણ પ્રત્યેની નિસ્બત હોવાનાં કારણો સમજાવતો એક મોટો વર્ગ છે. આવો વર્ગ સિફતપૂર્વક ઉજવણીમાં પ્રવેશેલા વર્તમાન દૂષણને નજરઅંદાજ કરે છે. ભલભલા જાગ્રત અને વિચારશીલ નાગરિકો આ લક્ષણનો શિકાર બને છે, અને એવા ભ્રમમાં રાચતા જોવા મળે છે કે પોતે ભૂતકાળની ઉદાત્ત પરંપરાનું જ વહન કરી રહ્યા છે.

વર્તમાન અને ભાવિ સમય એવો છે કે જળવાયુનું પ્રદૂષણ નોંતરતી તમામ ઉજવણીઓ ફેરવિચાર માગી લેશે. અત્યારે આ બાબત હાંસીપાત્ર બની રહે છે. સાથે એમ માનનારો વર્ગ પણ મોટો છે કે કેવળ હિન્‍દુઓના તહેવારની આવી ઉજવણીઓને જ શા માટે પ્રદૂષણકારક ગણવામાં આવે છે! પ્રદૂષણ કંઈ હિન્‍દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, યહૂદી કે અન્ય કોઈ ધર્મને જાણતું નથી. કોઈ પણ ધર્મમાં, કોઈ પણ તહેવારની થતી જાહેર ઉજવણી જળવાયુનું પ્રદૂષણ કરવા માટે નિમિત્ત બનતી હોય તો તેના અંગે ફેરવિચાર કરવો રહ્યો. તેને બંધ કરવી રહી. આ આફતને પર્યાવરણ બચાવવાના અવસરમાં તબદીલ કરી લેવા જેવી છે!


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૬-૮-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ ઃ અહીં લીધેલ તસ્વીરો સાંદર્ભિક છે અને તેમને નેટ પરથી લીધેલ છે.તેના પ્રકાશાનાધિકાર મૂળ પ્રકાશકને અબાધિત છે..

Author: admin

1 thought on “ફિર દેખો યારોં : તારી મૂર્તિ મારી મૂર્તિથી ઉંચી કેમ?

Leave a Reply

Your email address will not be published.