ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૬

ચિરાગ પટેલ

उ. ७.१.१५ (१०४५) गोषा इन्दो नृषा अस्यश्वसा वाजसा उत। आत्मा यज्ञस्य पूर्व्यः॥ (मेधातिथि काण्व)

હે સોમ ! યજ્ઞના આત્માના રૂપમાં આપ ગાય, ઘોડા, અન્ન અને સુસંતતિ આપવાવાળા છો.

આ શ્લોકમાં ઋષિએ “આત્મા” શબ્દનો પ્રયોગ કર્યો છે. આત્મા એટલે મૂળ કે મુખ્ય એવો અર્થ કરી શકાય. પરંતુ, આત્મા શબ્દનો પ્રયોગ શરીરમાં રહેલા ચૈતન્યના મૂળ તરીકે વ્યાપક છે. અને, એ અર્થ વેદકાળમાં પ્રચલિત હશે એમ આ શ્લોક પરથી માની શકાય.

उ. ७.१.१६ (१०४६) अस्मभ्यमिन्दविन्द्रियं मधोः पवस्व धारया। पर्जन्यो वृष्टिमाँ इव॥ (मेधातिथि काण्व)

હે સોમ ! પર્જન્યની વર્ષાની જેમ અમારી ઇન્દ્રિયોની શક્તિને પોતાની અમૃતરૂપી મધુર ધારાથી વધારો.

જેમ મેઘમાંથી પડતી વર્ષાધાર પ્રાણીમાત્રને ભીંજવે છે એમ સોમરસ પણ શરીરને ભીંજવે છે એવું આ શ્લોકમાં ઋષિ જણાવે છે. શ્લોકના સ્થૂળ અર્થમાં સોમને સોમવલ્લીનો રસ ગણીએ. એ રસ શરીરની ઇન્દ્રિયોને પુષ્ટ કરે છે એવું ઋષિ કહે છે. અહી સોમરસનો સૂક્ષ્મ અર્થ કરીએ, તો પ્રાણ સ્વરૂપે શરીરની ઇન્દ્રિયોના આધારરૂપ સોમ છે એમ કહી શકાય.

उ. ७.२.१ (१०४७) – उ. ७.२.१० (१०५६)

આ ૧૦ શ્લોકોમાં ઋષિ હિરણ્યસ્તૂપ આંગિરસ अथा नो वस्यसस्कृधि અર્થાત અમારું કલ્યાણ કરો એવા અંત શબ્દોથી સોમની સ્તુતિ કરે છે. આ ૧૦ શ્લોકનો સમૂહ એક સ્તુતિ કે પ્રાર્થના રૂપે મંત્રોનો સંપુટ હોય એમ લાગે છે.

उ. ७.२.७ (१०५३) अभ्यर्ष स्वायुध सोम द्विबर्हसँरयिम्। अथा नो वस्यसस्कृधि॥ (हिरण्यस्तूप आङ्गिरस)

હે શ્રેષ્ઠ શસ્ત્રધારી સોમ ! બંને પ્રકારના ધનથી અમને સંપન્ન કરો જેથી અમારું કલ્યાણ થાય.

આ શ્લોકમાં ઋષિ બંને પ્રકાર દ્વારા લૌકિક અને પારલૌકિક ધનનો ઉલ્લેખ કરે છે. લૌકિક ધનનો અર્થ સ્પષ્ટ છે. પારલૌકિક ધન શું હોઇ શકે? કદાચિત, પુણ્ય કર્મનો ઉલ્લેખ ઋષિ આ શ્લોકમાં કરી રહ્યા હોય એમ લાગે છે. પાપ અને પુણ્ય કર્મોની રૂઢિ ગીતા કાળ કરતાં ચોક્કસ પુરાણી હશે.

उ. ७.२.१३ (१०५९) ध्वस्त्रयोः पुरुषन्त्योरा सहस्राणि दद्महे। तरत्स मन्दी धावति॥ (अवत्सार काश्यप)

ધ્વશ્ર (ધ્વંસ પ્રધાન) અને પુરુષન્તિ (પાપ પ્રધાન) દુષ્ટ પ્રકૃતિના રાજાઓનો હજારોનો વૈભવ અમે પ્રાપ્ત કરીએ. આનંદપ્રદ સોમ અત્યંત વેગથી પ્રવાહિત થાય છે.

उ. ७.२.१४ (१०६०) आ ययोस्त्रिँ शतं तना सहस्राणि च दद्महे। तरत्स मन्दी धावति॥ (अवत्सार काश्यप)

ધ્વશ્ર (ધ્વંસ પ્રધાન) અને પુરુષન્તિ (પાપ પ્રધાન) દુષ્ટ પ્રકૃતિના રાજાઓના આચ્છાદન માટેના ત્રણસો અને હજાર વસ્ત્રો અમે પ્રાપ્ત કરીએ. આનંદપ્રદ સોમ અત્યંત વેગથી પ્રવાહિત થાય છે.

આ બે શ્લોકમાં ઋષિ ધ્વંસ કરનારા અને પાપકર્મી પ્રકૃતિવાળા રાજાઓનો ઉલ્લેખ કરે છે. પાપ અને પુણ્ય અંગેનો વિચાર સામવેદ કાળમાં હશે એમ ચોક્કસ કહી શકાય. બીજા શ્લોકમાં ત્રણસો અને હજાર એવી રીતે સંખ્યાઓનો ઉલ્લેખ થયો છે. સામવેદ કાળમાં ગાણિતિક નિયમો આજના પ્રચલિત નિયમોથી અલગ હશે એમ લાગે છે. જો કે, દશાંશ પદ્ધતિ પ્રાથમિક રૂપે વપરાતી હશે એમ તો જણાય જ છે.


શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ઋતમંડળ

· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com

Author: admin

1 thought on “ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૬

Leave a Reply

Your email address will not be published.