સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક

– ભગવાન થાવરાણી

સત્યજીત રેની સૃષ્ટિમાં પ્રવેશ તો વર્ષો પહેલાં કરી ચૂક્યો હતો, દાયકાઓ પહેલાં દુરદર્શન પર એમની પથેર પાંચાલી જોઇ ત્યારે. પછી એ ફિલ્મ જોવાના અનુભવને ઘનીભૂત કરવાના આશયથી બિભૂતિભૂષણ બંધોપાધ્યાય બાબૂની એ જ નામની નવલકથાનો હિંદી અનુવાદ પણ વાંચ્યો એ જ દિવસોમાં. કાળેક્રમે ચારુલતા જોઈ. શતરંજ કે ખિલાડી તો વ્યાપારિક ધોરણે સિનેમામાં પણ પ્રદર્શિત થઈ હતી. જોઈ. બે વર્ષ પહેલાં જોઈ જલસાઘર અને પથેર પાંચાલી ઉપરાતની અપ્પુ કથાત્રયીની અન્ય બે ફિલ્મો અપરાજીતો અને અપૂર સંસાર. બે’ક મહીના પહેલાં ઝબકાર થયો કે સમય ઝડપભેર સરકી રહ્યો છે અને સત્યજીત રેનો સંસાર હાથવગો હોવા છતાં નાહક ઉવેખાઈ રહ્યો છે, સાવ બિનજરૂરી બાબતો પાછળ. એમની કલકત્તા ટ્રાઈલોજીની પહેલી ફિલ્મ પ્રતિદ્વંદી જોઈ. થયું, હવે હાથ ઉપાડવો – મારો મતલબ છે, પેન ઉપાડવી અનિવાર્ય છે. મિત્રોને એ અદ્ભૂત ફિલ્મ વિષે જેવું અનુભવ્યું અેવું લખ્યું અને અનુરોધ થયો, આની તો લેખમાળા થવી જોઈએ, વિશેષત: એટલા માટે કે આ રેનું જન્મ-શતાબ્દિ વર્ષ છે !

પહેલો પ્રતિભાવ ચિંતા અને આવડી મોટી જવાબદારીના મુશ્કેલ ભારણનો હતો. રેની પ્રતિભા અને વિરાટતા શું છે એ ખ્યાલ હતો. એમને યથોચિત ન્યાય આપવા મારો પનો – મારી દ્રષ્ટિનું ફલક ટુંકું પડે ! કવિતાઓ વિષે, ફિલ્મી ગીતો વિષે, ઉર્દુ શેરો વિષે લખવું એમાં મોથ મારવા જેવું નથી, પણ રે ? એમના અત્યાર સુધીના સર્જનોમાંથી પસાર થયા પછી એટલી પ્રતીતિ ચોક્કસ થઈ હતી કે એ કૃતિઓને આત્મસાત તો શું, પર્યાપ્ત આચમન કરવા માટે પણ માત્ર એક જ વાર જોવી પૂરતું નથી. ફરી વાર જોઈએ તો અનિવાર્યપણે એવું કશુંક અણમોલ ઉભરી આવે જે પહેલી વાર ચૂકાઈ ગયું હતું અને પ્રત્યેક પુનર્નિરીક્ષણ વખતે આમ જ થાય. ફિલ્મો બધી બંગાળી એટલે ભાષાના બંધનો પણ ખરા. ઘણીખરી ફિલ્મો સબ-ટાઈટલ્સ સહિત ઉપલબ્ધ હોવા છતાં આપણી દર્શક તરીકેની મર્યાદા એ કે એ વાંચવા જાવ ત્યાં દ્રષ્યમાંનો અગત્યનો કોઈક ભાવ, સ્પંદન કે અર્થચ્છાયા ચુકી જવાય ! પરંતુ સામે પક્ષે એ પણ સત્ય કે રેની ફિલ્મોમાં બોલાતા શબ્દો કરતાં ચહેરાઓ અને એમના ભાવો વધુ પ્રેક્ષણીય હોય છે.

મુશ્કેલીઓ, મર્યાદાઓ હતી પણ એક લાલસા પણ હતી. રેનું આવડું વિરાટ વિશ્વ માણ્યા પછી સખણા તો રહેવાય તેમ નહોતું. કશુંક અલૌકિક અનુભવ્યા પછી એને જાત પૂરતું જ સીમિત રાખવું કેટલું અસહ્ય હોય છે એ આપણે બધા જાણીએ છીએ. એ અનુભવને ચુનંદા મિત્રો સાથે તો સહભાગવાનું જ હતું, તો બધા સાથે કેમ નહી ? પરિણામ, આ કટાર અને એનો આ પહેલો મણકો.

નક્કી એવું કર્યું છે કે રેની સૃષ્ટિના આચમનમાં શિખરથી તળેટી લગી જવું. એટલે કે એમની અંતિમ ફિલ્મથી શરુઆત કરવી. જે માણસ પોતાની પહેલી કૃતિથી વૈશ્વિક ફિલ્મ-જગતમાં ધૂમકેતુની જેમ ઝળહળી ગયો હોય એની છત્રીસમી અને આખરી કૃતિ કેવી હોય ? આવો, વાત કરીએ એમની અંતિમ ફિલ્મ આગંતુક ૧૯૯૨ ( stranger ) ની. પણ એ પહેલાં એક સરસ શબ્દની વાત. કારણકે રે શબ્દ અને એની વ્યુત્પત્તિમાં ઊંડા ઉતરવાના શોખીન પણ હતા. આપણે આ ફિલ્મની ચર્ચામાં જ એ જોઈશું.

0 x 0 x 0

અંગ્રેજીમાં એક શબ્દ-બેલડી છે, Swan – Song. એનું ગુજરાતી ભાષાંતર શબ્દશ: એ જ રાખીએ. હંસ – ગીત. હંસ ગાતું નથી. મહદંશે મૌન વિહાર કરનારું રુપકડું વિહંગ છે એ. કહેવાય છે કે હંસને જ્યારે, પોતાનું મૃત્યુ નજીક છે એવું લાગે એટલે એ પોતાનું સમૂળગું કૌવત એકઠું કરીને એક છેલ્લું ગીત ગાય છે. એ ગીત અલૌકિક હોય છે અને એમાં એણે જીવનભર પોતાની ભીતર ઠાંસી રાખેલા સંગીત અને સુરોનો નિચોડ હોય છે. એ ગીત સાંભળનારાઓ અચંબિત થઈ જાય છે કે આટલું બધું એણે અત્યાર સુધી ક્યાં સંચયિત કરી રાખેલું ? એ ગાયા પછી હંસ ઢળી પડે છે !

આગંતુક રેનું હંસ – ગીત છે. આ ફિલ્મમાં એમણે પોતાની અત્યાર સુધીની ફિલ્મોમાં જે કહેવાનું બાકી રહી ગયું હતું એ બધું જ કહી નાંખ્યું છે અને એ પણ પહેલાંની ફિલ્મો કરતાં મુખર રીતે ! કહેવાય છે કે ૧૯૯૧ માં આ ફિલ્મનું અંતિમ દ્રષ્ય ઝડપ્યા પછી રેએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું હતું ‘ That’s All ‘. હવે પૂરું !  મારે જે કહેવાનું હતું એ આ સાથે પૂરું થાય છે. આથી વિશેષ કશું કહેવાનું રહેતું નથી. ફિલ્મના મુખ્ય પાત્ર મનમોહન મિત્રાના ( ઉત્પલ દત ) મુખે એમણે ખરેખર પોતાના વિચારો અને અભિગમ, શબ્દો ભેળવ્યા વિના, બેબાકીથી કહ્યા છે. કદાચ એમને ખબર હતી, બાકી રહી ગયેલું કહી નાખવાનો એ આખરી મોકો હતો. એ ફિલ્મ પૂરી કર્યા બાદ તુર્ત જ એ માંદા પડ્યા, દવાખાના-વશ થયા અને આગંતુક પ્રદર્શિત થાય એ પહેલાં ૨૩ એપ્રિલ ૧૯૯૨ના રોજ અનંતની વાટ પકડી !

આગંતુકની વાર્તા ખુદ સત્યજીત રેએ લખેલી એક વાર્તા નામે અતિથિ પર આધારિત છે. કલકતાના ઉચ્ચ-મધ્યમવર્ગીય દંપતિ સુધીન્દ્ર અને અનિલા બોઝ ( દીપંકર ડે અને મમતા શંકર ) ઉપર એકવાર એક પત્ર આવે છે. પત્ર નાયિકાના ખોવાયેલા મામા મનમોહન મિત્રાનો છે, જે પાંત્રીસ વર્ષ પહેલાં હર્યું-ભર્યું સુખી-સંપન્ન ઘર છોડીને કોઈક અજ્ઞાત જગ્યાએ કોઈને કહ્યા વિના ચાલ્યા ગયા હતા. એ ભારત આવી રહ્યા છે અને અનિલા એમના કુટુંબની જીવિત એકમાત્ર સદસ્યા હોઈ એને ત્યાં થોડાક દિવસ રોકાઈ પાછા નીકળી જવા માંગે છે. પત્ર ભારોભાર વિવેકશીલ ભાષામાં છે. એમાં એ સ્પષ્ટ છે કે એમની ભાણેજ અનિલા અને એના પતિને એમના આગમન સામે એતરાજ હોય તો નિ:શંકપણે જણાવે ! એમના માટે નકાર એ નવાઈ નથી.

પતિ આવા લેભાગુ અને અચાનક ફૂટી નીકળતા સગાઓને સુપેરે ઓળખે છે. એ કહે છે, તુરંત તાર મોકલીને કહી દે કે અમે તો પંદર દિવસ માટે બહાર જઈએ છીએ. નાયિકાને એ જચતું નથી. એને ખબર પણ છે કે એના આવા એક મામા હતા જ. આ એ જ હોવા જોઈએ. પણ એ પતિએ વ્યક્ત કરેલી શંકાઓ વિષે પણ સચિંત છે. જમાનાનો ખાધેલ પતિ, ‘ આજકાલ કેવું – કેવું થાય છે ‘ ની બીક દેખાડે છે. આપણા ઘરમાં તો મારા પિતાનું લાખો રૂપિયાનું આર્ટ કલેક્શન પડ્યું છે, કંઈ સમજાય છે તને ! એમને એક કિશોર વયનો પુત્ર પણ છે સત્યાકિ, જે પિતાના વલણથી ખુશ નથી, કારણ કે એ હજી શંકા કરતાં શીખ્યો જ નથી !

નાયિકા દીવાનખાનામાં સજાવેલી કીમતી વસ્તુઓ ઉપાડીને કબાટમાં મૂકી દે છે, સલામતીના પગલા તરીકે ! મામા આવે છે. એ અમેરિકાથી દિલ્હી આવ્યા હતા અને હવે અહીંથી ઓસ્ટ્રેલિયા જવાના છે, અલગારી રખડપટ્ટી કાજે ! એ પોતાને નૃવંશશાસ્ત્રી કહે છે. અનિલા ખુશ છે. એ મામાને ઓળખતી નથી પણ એનો માંહ્યલો કહે છે કે આ મારા મામા જ હોય ! એ કહે છે, ખોવાઈ ગયેલી કોઈક ચીજ પાછી મળ્યા જેવો કોઈ આનંદ નહીં ! પતિ ઓફિસે બેઠા-બેઠા ફોન કરે છે કે સિફતપૂર્વક મામાનો પાસપોર્ટ ચેક કરી લેજે ! અનિલાને એ વાત જ અભદ્ર લાગે છે.

એ મામાને કહે છે, ‘ તમે આટલા વર્ષે પરદેશ વિતાવ્યા તો પણ બંગાળી કેટલી સરસ બોલો છો અને મામા કહે છે ‘ તને ખબર છે, આપણે ઇચ્છીએ તો પણ માતૃભાષા ભૂલી શકીએ નહીં.’ એ એમને પોતાના મામા માનતી હોવા છતાં એ સંબોધનથી બોલાવતી નથી, કદાચ પતિની બીકે, કદાચ હજુ અંદરથી એવું સૂઝતું નથી એટલે ! એ એમને જિજ્ઞાસાવશ પૂછી બેસે છે ‘ તમે બધાના લાડકા હતા, ભણવામાં પણ અવ્વલ, તો ઘર કેમ છોડી ગયા? ‘ મનમોહન મિત્રા કહે છે ‘ એક જર્મન શબ્દ છે WANDERLUST ( વોંદરલુસ્ત ) એટલે પ્રવાસનું ઘેલું. બીજું પણ કારણ છે. બચપણમાં જંગલી પાડા ( BISON ) નું એક અદ્ભુત ચિત્ર જોયેલું. મારે પણ ચિત્રકાર બનવું હતું. ખબર પડી કે એ ચિત્ર તો બે હજાર વર્ષ પહેલાં સ્પેનના આદિવાસીઓએ ચીતર્યું હતું. ત્યારથી મારા મનમાં એ કશ્મકશ શરુ થઈ કે ખરેખર કોણ સુસંસ્કૃત – સભ્ય અને કોણ અસંસ્કૃત ? બસ, એ કહેવાતા ‘ અસંસ્કૃત ‘ લોકોની જિંદગીમાં ડોકિયું કરવા નીકળી પડ્યો !

મામાને બાળક સત્યાકિ જોડે સરસ બને છે. એ મામાને ભોળાભાવે કહે છે ‘ મેં મારા મિત્રોને કહ્યું છે, અમારા ઘરે એક મહેમાન આવ્યા છે. એ મારી માના મામા હોય અને ન પણ હોય ! ‘ મામા સત્યાકિ અને એના મિત્રોને ભેગા કરી જૂની સંસ્કૃતિઓની વાતો કરે છે. મચ્છુ પિછૂ. ઈંકા. એ કઈ રીતે શોધાયા તે. એ પ્રજાઓ કેટલી આગળ હતી તે. મામા બાળકોની માનસિકતા સમજે છે. એ લોકો કોઈ વાત કેમ સમજે અને સ્વીકારે એ પણ. કારણ એટલું કે એમણે પોતે પણ પોતાની ભીતરના બાળકને જતનથી સાચવ્યું છે. એ બાળકોને સૃષ્ટિના, બ્રહ્માંડના ચમત્કારો વિષે કહે છે. એ કહે છે, વિસ્મય જ છે જાદૂ !

પતિની શંકાઓ યથાવત્ છે. અનિલા વિશ્વાસપૂર્વક કહે છે કે માણસને ઓળખવાની જે દ્રષ્ટિ સ્ત્રી પાસે હોય એ પુરુષ પાસે ન હોય ! એ પતિને વિનંતી કરે છે, મામાને પગે લાગો. પતિ મામાને મળવા એમના કમરામાં જાય છે તો મામા એને ચરણસ્પર્શ કરતાં એમ કહી રોકે છે કે મનમાં શંકા હોય ત્યારે આદરનો કોઈ અર્થ નથી ! બન્ને વચ્ચે શાંત રીતે ઉગ્ર વાતો થાય છે. પતિ પાસપોર્ટ સિફતપુર્વક તપાસે છે પણ મામા સામેથી કહે છે ‘ પાસપોર્ટ – બાસપોર્ટ ઠીક છે, કોઈને ઓળખવો એમ સહેલું થોડું છે ? પાસપોર્ટ તો નકલી પણ હોય ! ‘ સુધીન્દ્ર લાગલો પૂછે છે ‘ તમને આટલા બધા વર્ષે પાછા આવવાનું કેમ મન થયું ? ‘ મામા : ‘ મેં આટલા વર્ષો પશ્ચિમ ફંફોસ્યું, હવે થોડુંક પૂર્વ અને પછી આગળ. કુટુંબ સાથે મારે આમેય મારે ઝાઝો લગાવ નહોતો ‘

સુધીન્દ્ર પત્ની આગળ પોતાની શંકા વ્યક્ત કરે છે. મામા જરૂર કોઈ રમત રમે છે. મેં કાલે મારા એક ચબરાક વકીલ મિત્ર સેનગુપ્તાને ઘરે ચા-પાણી માટે બોલાવ્યો છે. એ સભ્ય રીતે મામાનું પેટ કઢાવશે. હું પોતે તો અવિવેકી થઈ શકું નહીં !

દરમિયાન, સુધીન્દ્રનો એક અભિનેતા મિત્ર રક્ષિત ( રબી ઘોષ ) પણ મામાનો તાગ કાઢવા ઘરે આવે છે. એની પત્ની મામાને પૂછે છે ‘ તમે પરદેશથી એકલા જ આવ્યા ? ઠરીઠામ ન થયા ? ‘ મામા : ‘ તમારી વ્યાખ્યા પ્રમાણે જ ઠરીઠામ થાવું હોત તો ઘર શું કામ છોડત ? મને એમાં કોઈ રસ નથી ‘. મામા પોતે ક્યાં ક્યાં રઝળીને શું – શું શીખ્યા એની વાતો કરે છે. પણ એ, બંગાળને જેનું ઘેલું છે એ ફૂટબોલ વિષે ખાસ જાણતા નથી !

પતિ મામાની વિદ્વત્તાથી પ્રભાવિત છે. એમની રમૂજવૃતિથી પણ. અચાનક અનિલાને પોતાના નાનાનું વસિયતનામું યાદ આવે છે. એમણે મામા માટે પણ વસિયતમાં કંઈક તો રાખ્યું જ હશે ને ! ભલેને ઘર છોડીને ચાલ્યા ગયા પણ એ મૃત્યુ પામ્યા છે એની તો કોઈ સાબિતી નહોતી ને ! પતિની છઠ્ઠી ઈન્દ્રીય ખૂલે છે. હા, એ પોતાની વસિયતનો દલ્લો વસૂલ કરવા જ આવ્યા હશે. એ તાબડતોબ પત્નીના કુટુંબના વકીલને યાદ કરે છે. અરે ! એ જ વકીલ જે આપણા લગ્નના રિસેપ્શનમાં આવ્યા હતા અને પોતે કરોડપતિ હોવા છતાં એક લુખ્ખું પુસ્તક ભેટમાં આપી ગયા હતા ! એમ તો તારા આ મામા આટલા વર્ષે સગ્ગી ભાણેજ પાસે આવ્યા તોય ખાલી હાથે જ આવ્યા ને !  ( લોકોનું મૂલ્યાંકન કરવાનો આ જ માપદંડ છે આપણો સૌનો, ત્યારે પણ અને અત્યારે પણ ! ) પતિ વકીલને શોધી કાઢે છે. પુષ્ટિ થાય છે કે આ નાના મામા માટે પણ સારી એવી રકમની જોગવાઈ થઈ હતી અને વસિયતનામાના એક્ઝીક્યુટર ( જે જૂના કૌટુંબિક મિત્ર પણ છે ) આગળ જો પોતાની ઓળખાણ સાબિત કરે તો એ રકમ એમને મળે જ. થયું ! તો મામાને આટલા સારુ જ વતન સાંભર્યું, એમ ને !

મામા અને સત્યાકિને એક બીજાનો સંગાથ પસંદ છે. બાળક ઇચ્છે છે કે દાદુ હવે કાયમ અહીં જ રહે. દાદુ એને કૂપમંડુકતા અને એના અર્થ સમજાવે છે. શરીર અને મન બન્નેના.  બાળક સમજીને કહે છે, મારે ક્યારેય કૂપમંડુક થવું નથી.

આયોજન પ્રમાણે બીજા દિવસે મિત્ર અને હોંશિયાર બેરિસ્ટર સેનગુપ્તા ( ધૃતિમાન ચેટર્જી – આપણે હવે પછી ચર્ચવાના છીએ એ ફિલ્મ પ્રતિદ્વંદી ના નાયક )  ‘ શુભેચ્છા મુલાકાતે ‘ આવે છે. આ પ્રસંગ ફિલ્મનો સૌથી યાદગાર અને વેધક પ્રસંગ છે કારણ કે અહીં જ મામા – મનમોહન મિત્રા – જે એક રીતે સત્યજીત રે પોતે જ છે – નું ચરિત્ર અને વિચારસરણી પૂરેપૂરા ઉજાગર થાય છે અને એમના વિરોધીઓની અસલિયત પણ !

શરુઆત અનિલાના તાનપૂરા સંગાથે સૌમ્ય ગાયનથી થાય છે. ‘ મનમાં છે તે નથી કહી શકાતું ‘ રવીન્દ્ર સંગીત. સેનગુપ્તા નિર્દોષપણે પૂછે છે કે દેશની વર્તમાન હાલત વિષે તમે શું માનો છો અને ધર્મ વિષે ?  મામા : હિંદુ માન્યતાઓ અનુસાર ધર્મ કંઈ અલગ જ ચીજ છે. આપણે માનીએ છીએ તે તો હરગીઝ નહીં. માણસ – માણસને અળગા પાડે એને હું ધર્મ ગણતો નથી. આપણા ધર્મો એ કરે છે. નાત-જાત પણ એ જ કારણસર સ્વીકાર્ય નથી. ઈશ્વર ? જવાબમાં મામા ગીત ગાય છે  ‘ ઊંડા અંધારે થી ‘ . પ્રકાશ કોણ આપશે ? જીવન કોણ આપશે ? આજના યુગમાં ઈશ્વરની હસ્તીમાં વિશ્વાસ કરવો મુશ્કેલ છે. રોજના છાપાં તો જુઓ ! ઈશ્વર જેવું ક્યાંય લાગે છે તમને ?

વકીલ સમસમે છે. આ માન્યતાઓ એમને સમાજ – એ જ્યાં રહે છે અને ફૂલ્યા – ફાલ્યા છે એ સમાજ સામે ખુલ્લો પડકાર લાગે છે. વિજ્ઞાન અને એની પ્રગતિ ? મામા કહે છે, લાખો યુવાનો જાતે શરીરમાં ડ્રગ્સ ભોંકી નશાખોર બન્યા એ પ્રગતિ કહેવાય ? પણ તમે તો વર્ષો સુધી પશ્ચિમમાં રહ્યા છો જ્યાં વિજ્ઞાન અને ટેક્નોલોજીની બોલબાલા છે ! જંગલમાં રહેવું જોઈએ ને ! મામા : ઘર છોડ્યા બાદ શરુઆતના પાંચ વર્ષ જંગલોમાં જ ગાળ્યા છે, આદિવાસીઓ વચ્ચે. સાંથાલ, કોલ, ભીલ, નાગા, મુંડા, મુરિયા, તોડાઓ વચ્ચે. અનેક વર્જ્ય પ્રાણીઓના માંસ ખાધા છે, કોઈ છોછ વગર. કમાયા ક્યાંથી ? આજીવિકા ? મામા : દાદીએ આપેલા ત્રણ હજાર આદિવાસીઓમાં વાપરી નાંખ્યા. પછી પરદેસ ગયો. કેબીન બોય તરીકે સ્ટીમરમાં નોકરી કરી. જાત-જાતના માણસોને ઓળખતાં શીખ્યો. મામા ફરી ગાય છે. ધીરજ ધર બંધુ ધીરજ ધર. મારી વાર્તા તમને કામ નહીં આવે. તમે ડૂંગળીના પડ ઉખેડો છો. હું એટલો સહેલો નથી. પણ તોય સાંભળો. પત્ર-પત્રિકામાં મારા અનુભવો લખી થોડુંક કમાયો. એમાંથી ભણ્યો. નૃવંશશાસ્ત્રની ડિગ્રી મેળવી. એ વિષયની સોસાઈટીઓના ખર્ચે દુનિયા ભમ્યો. હું એમને અહેવાલ મોકલતો, એમણે મારા માટે કરેલા ખર્ચ પેટે.  અમેરિકામાં રેડ ઈંડીયન્સની જીવન-શૈલીમાં ઊંડો ઉતર્યો.

સેનગુપ્તાનું ઝનૂન વધતું જાય છે. તમને એમ લાગે છે ને કે ( અમારી ) શહેરી સંસ્કૃતિ દંભ છે. સાચું જીવન જંગલોમાં છે ? ના, એમ નથી. પણ માણસે જીવવા માટે ઘણું બધું પ્રાથમિક શીખવું પડે છે. એસ્કિમો લોકોના ઈગ્લુના બાંધકામમાં અદ્ભૂત સૂઝ અને સ્થાપત્ય છે. એ એમની કોઠાસૂઝ છે. એમની અંધશ્રદ્ધાનું શું ? તમે માંદા પડશો તો ભૂવા પાસે જશો ? તમે સીધી-સાદી વાતને ગૂંચવો છો. હું કંઈ એ અર્થમાં જંગલી નથી. ( અને મને એનો અફસોસ છે ! ) ઘર છોડ્યું એ પહેલાં મેં શેક્સપિયર, બંકિમ, માર્ક્સ, ફ્રોઈડને પચાવી લીધા હતા. તમારા જંગલોના ઘોટુલમાં બેફામ સેક્સ ઉપભોગાય છે, ખબર છે ને ? મામા ગીત ગાય છે. પવિત્ર લગ્ન-બંધન !! શું મજાક છે ! આ બાબતે એમનો અભિગમ અસંદિગ્ધ છે.

તમે કહ્યું કે તમે સર્વભક્ષી છો. માણસનું માંસ પણ ખાધું હશે ને ? ના, એ સદ્દભાગ્ય મને સાંપડ્યું નથી, પણ કહે છે, બહુ સ્વાદિષ્ટ હોય છે !! માનવભક્ષીઓને તમે સભ્યતાના કયા ખાનામાં મૂકશો ? કબૂલ. એ સભ્યતા નથી જ. સભ્ય તો એ છે જે કેવળ એક બટન દબાવીને એક આખા શહેરને એક ઝાટકે અણુબોંબથી નેસ્ત-નાબૂદ કરી નાંખે છે અને બીજાં એ જે આવા ઘોર નિર્ણયો લે છે !

સેનગુપ્તા સમાપન કરવા માંગે છે પણ એમને મામાનું નામ યાદ નથી આવતું. મામા કહે છે, ન જ યાદ આવે ને ! તમને મારી ઓળખમાં વિશ્વાસ જ ક્યાં છે ? મને નેમો કહીને બોલાવો. નેમો એટલે કોઈ નહીં ! સેનગુપ્તા છેલ્લો પ્રહાર કરે છે. તમે જે હો તે, તમે મારા મિત્રને કેવી મુશ્કેલીમાં મુક્યા છે, એ સમજો છો ? લોકો સજ્જન છે એટલે તમને સાચવ્યા છે. કાં સ્વયંને પૂરવાર કરો અથવા ચલતે બનો !

પતિ સહિત બધા સ્તબ્ધ થઈ જાય છે. સોપો પડી જાય છે. આટલા ક્રૂર થવાની જરુર નહોતી. મજાની અને અસલ વાત એ છે કે સેનગુપ્તાને મામાની ઓળખાણની આશંકા કરતાં જે સૌથી વધુ ખૂંચે – ડંખે છે એ એમના સ્પષ્ટ અને પરંપરાગત વિચારસરણી કરતાં સાવ નોખા અને અસંદિગ્ધ વિચારો અને એની તર્કસંગત અભિવ્યક્તિ ! બહાર નીકળીને એ સુધીન્દ્રને કહે પણ છે કે આ માણસ ખતરનાક છે, સભ્ય સમાજમાં રહેવા લાયક નથી. મેં તડને ફડ કર્યું ન હોત તો એ તમને જળોની જેમ વળગી રહ્યો હોત. આ લોહી ચૂસનારી જમાતને હું ઓળખું છું !

અનિલા રડમસ છે. એ કહે છે ‘ મને એવું થાય છે કે ધરતીમાં સમાઈ જાઉં ‘. આવી અદ્ભુત જિંદગી જીવનારનું આવું અપમાન ! પતિ પણ ક્ષુબ્ધ છે. એ કહે છે, તું બેશક હવેથી એમને મામા કહી સંબોધ.

સવારે એ લોકો ઊઠે છે ત્યારે મામા ચાલ્યા ગયા હોય છે, કશું કહ્યા વિના અને કમરાની ચાવી મૂકીને. પતિ અનુમાન કરે છે, એ જરુર શીતલબાબુને ત્યાં ગયા હશે. એ બોલપૂર – શાંતિનિકેતન રહે છે અને વસિયતનામાના એક્ઝીક્યુટર છે.

પતિ, પત્ની અને સત્યાકિ મારતી મોટરે નીકળે છે મામાને શોધવા અને પાછા લાવવા.

શીતલબાબૂ જણાવે છે, હા એ આવ્યા હતા. બહુ કહ્યું, રોકાયા નહીં. શાંતિ નિકેતન તરફ આવેલા એમના પ્રિય આદિવાસી સાંથાલ ગામે નીકળી ગયા.

એ લોકો એ  ‘ જંગલી ‘ ગામે પહોંચે છે. વડની વડવાઈઓ પર લટકતા આદિવાસી બાળકો નિર્ભેળ આનંદ માણી રહ્યા છે. સત્યાકિ દૂરથી, ઘાસની ગંજીને અડેલીને ગુમસૂમ બેઠેલા મામાને ઓળખી કાઢે છે. તમે આમ અચાનક જતા રહ્યા ‘ હું આખી જિંદગી સીધા લોકો વચ્ચે રહ્યો છું. મને આડી વાત ગમતી નથી ‘ મામા કહે છે. આ સાંથાલ એટલે એ પ્રજા જેમણે દોઢસો વર્ષ પહેલાં ભારતમા બ્રિટિશરો સામે બળવો કર્યો હતો, એ તમને ખબર છે ?

ફરી એક ચિરસ્મરણીય દ્રષ્ય. સુધીન્દ્ર કહે છે ‘ તમને ખાસ્સા પૈસા વસિયતમાં મળી રહ્યા છે, નહીં ? હા, પણ મને લાગ્યું કે મેં આખી જિંદગી મારી દીકરા તરીકેની કોઈ ફરજો બજાવી નહીં એટલે આ પૈસા પર મારો હક્ક બનતો નથી. પછી થયું કે બહુ મોટી રકમ છે એટલેપણ હવે વાતો રહેવા દો. આ વગડાની તાજી હવાને ફેફસાંમાં ભરો. સાંજે આ આદિવાસીઓનું નૃત્ય છે એ માણો.

મામા સત્યાકિને પડખે બેસાડી, એના ખભે હાથ મૂકી ખુલ્લામાં આદિવાસી સ્ત્રી-પુરુષોના નૃત્યને માણે છે. પતિ – પત્ની ઊભા છે. અનિલા થનગને છે પણ એને ક્ષોભ છે અને આ લોકો સાથે નાચીશ તો સભ્ય પતિને કેવું લાગશે એનો જરાક ડર પણ ! ( યાદ રહે, મમતા શંકર સિદ્ધહસ્ત નૃત્યાંગના છે. વિખ્યાત નર્તક દંપતિ ઉદય અને અમલા શંકરની પુત્રી અને પંડિત રવિ શંકરની ભત્રીજી ) પતિ એની તાલાવેલી નીરખી સામેથી કહે છે કે જા, તું પણ નાચ ને ! સત્યાકિ માને નાચતી જોઈ ખૂબ રાજી છે. એણે માનું આ પાસું ક્યારેય જોયું નથી. પતિ મામાને હળવાશથી કાનમાં કહે છે ‘ જોઈ તમારી ભાણી ? ‘ અને મામા કહે છે ‘ અત્યાર સુધી મને પૂરી ખાતરી નહોતી કે અનિલા મારી ભાણી છે. આજે પાક્કી ખાતરી થઈ. મારી ભાણી આ જ હોઈ શકે

મામાને લઈને કાફલો પરત કલકત્તા. મામા નીકળી જવા માંગે છે ફરી એમના હૈયે વસેલી રઝળપાટ માટે, ઓસ્ટ્રેલિયા . બધો સામાન પેક થઈને તૈયાર છે. એ ખિસ્સામાથી આદિવાસીઓનું પ્રાચીન રમકડું કાઢીને સત્યાકિને આપે છે. સુધીન્દ્ર દીકરાને  ‘ થેંક યુ ‘ કહેવાનું કહે છે. મામા કહે છે  ‘ ના..ના..ના, એનું સ્મિત જુઓ. આનાથી વધુ શું જોઈએ ?

નીકળતાં – નીકળતાં મામા પોતાનો શીઘ્ર પ્રકાશ્ય પુસ્તક AN INDIAN AMONGST INDIANS ની વાત કરે છે. અનિલા પૂછે છે ‘ તમે અમને પત્ર લખશો ને ?  ‘ મારું કંઈ નક્કી નહીં. હા, પહોંચનો ફોન જરુર કરીશ

અને હા, હવે મારી આખરી ફરજ. આ લ્યો. મામા ખિસ્સામાંથી એક કવર કાઢીને આપે છે. ‘ આ શું છે ? ‘ ના જવાબમાં મામા – મનમોહન મિત્રા કહે છે ‘ અંગ્રેજીમાં એક શબ્દ છે FLOCCINAUCINIHILIPILIFICATION. અંગ્રેજીનો એ સૌથી લાંબો શબ્દ છે. અર્થ થાય, દેખીતી રીતે મૂલ્યવાન કોઈ ચીજને ઝાઝું મહત્વ ન આપવું તે.

હું જાઉં પછી કવર ખોલજો. મારું લખેલું મારી હાજરીમાં કોઈ વાંચે તો મૂંઝારો થાય છે મને. તમારા આતિથ્ય અંગેના થોડાક શબ્દો છે એમાં, કોઈ પણ મૂલ્ય વિનાના. એ સત્યાકિને કહે છે ‘ હવે તું મારી પાસે આવજે . અને તે મને આપેલું વચન યાદ રાખજે. ક્યારેય કૂપમંડૂક બનતો નહીં ! અનિલા કહે છે ‘ અમારાથી ભયંકર ભૂલો થઈ ગઈ, મામા ‘ . મામા : મેં પણ તમારી કેવી અગ્નિપરીક્ષા લીધી. પણ કોઈ માણસ એમ જલદી ઓળખાતો નથી. સમય લાગે જ. સુધીન્દ્ર કહે છે ‘ જંગલીઓમાં પગે લાગવાનો રિવાજ તો નહીં જ હોય. બન્ને ભેટી પડે છે. મામા રવાના થાય છે એરપોર્ટ.

મામા રવાના થતાં જ એ લોકો કવર ખોલે છે. મામાની બે પંક્તિઓ  ‘ સદા સુહાગન ભાણી કાજે અને એના નામે પેલી માતબર રકમનો ચેક જે મામાને એમના પિતા તરફથી વારસામાં મળ્યો હતો ..

પતિ પત્ની કિંકર્તવ્યવિમૂઢ અને દર્શકો સજળ નેત્રે મૌન !

સમગ્ર ફિલ્મમાં ઉત્પલ દત્ત છવાયેલા છે અને એમણે મોનોમોહન મિત્રા ( એટલે કે ખુદ રે ) ના પાત્રને અદ્ભુત નિભાવ્યું છે. એ આ સિવાય પણ રેની ફિલ્મો જન અરણ્ય, જોય બાબા ફેલુનાથ અને હીરક રાજાર દેશે માં હતા. અન્ય મહાન બંગાળી સર્જક મૃણાલ સેનના પણ એ માનીતા અભિનેતા હતા. અનેક હિંદી ફિલ્મો પણ કરી ( ભુવન શોમ, ગોલમાલ ). યોગાનુયોગ, રેના અવસાનના પછીના જ વર્ષે ૧૯૯૩ માં એ પણ સિધાવ્યા. મમતા શંકર અને દીપંકર ડે પણ રેના નિયમિત કલાકારો છે અને ઉત્તમ કામ કર્યું છે.  બાળક સત્યાકિની ભૂમિકામાં બિક્રમ ભટ્ટાચાર્ય અને સુધીન્દ્રના ચબરાક મિત્રોની ટૂંકી પણ મહત્વની ભૂમિકાઓમાં રબી ઘોષ અને ધૃતિમાન ચેટર્જી કમાલ કરે છે. રેની અન્ય મોટા ભાગની ફિલ્મોની જેમ અહીં સંગીત એમનું ખુદનું છે, જે ફિલ્મના વહેણમાં ચુપચાપ ઉદ્દીપકનું કામ કરે છે.

જિગરમાં જડાઈ જાય એવો યાદગાર અનુભવ !શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: admin

18 thoughts on “સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક

 1. વાહ, ખૂબ સરસ લેખ, રે સાહેબની સૃષ્ટિનું આસ્વાદ્ય દર્શન કરાવ્યું. અભિનંદન

 2. વાહ થાવરાણી સાહેબ પ્રથમ તો ખુબજ અલભ્ય લાભ આપવા માટે આપની ખુબ ખુબ ૠણી છું. આર્ટિકલ વાંચવાની ખુબજ મજા આવી ગઈ. અને એટલો રોચક રહ્યો કે ફિલ્મ જોવા લલચાવી મુકી. પણ કાશ બાંગ્લા ભાષા નથી જાણતી. છતાં
  આપે કહયું તે મુજબ ભાવ જોવા પણ જોવાનો પ્રયત્ન કરવો જ રહ્યો. ખેર હિન્દી અનુવાદ થયેલ છે? ફરી ખુબ ખુબ અભિનંદન સાહેબ. ???

  1. આભાર પ્રીતિબહેન !
   બંગાળી હું પણ નથી જાણતો પરંતુ એમની ઘણી બધી ફિલ્મો અંગ્રેજી સબટાઈટલ્સ સહિત ઉપલબ્ધ છે. એના પર જ ગુજારો કરવો રહ્યો !

 3. મને ત્રણ વ્યક્તિઓ પ્રત્યે અત્યંત અહોભાવ અને ભક્તિભાવ છે -મહાત્મા ગાંધી ,સત્યજીત રાય અને લતા મંગેશકર .
  સત્યજીત રાય અદભુત સર્જક છે તેના પિકચરો એક થી વધુ વાર જોવા જ પડે તોજ સમાજ પડે . આટલા વર્ષે મિત્ર થાવરાની ભાઈ એ આ અદભુત આસ્વાદ કરાવવા નો શરુ કર્યો છે તેના માટે ખુબ ખુબ અભિનંદન ! જેમ વિચારીએ તેમ રાય માટે અહોભાવ વધતો જાય છે.ચાર ચાર દાયકા પછી આટલી બધી સર્જનાત્મકતા કેવી રીતે અને કોને વરી હોય ? !
  આગળ આવનાર બધા હપ્તા ની આતુરતા પૂર્વક રાહ જોઈશ.
  ફરી થી ખુબ ખુબ આભાર !

  1. ખૂબ ખૂબ આભાર સમીરભાઈ !
   તમે સાથે રહો તો જોમ જળવાઈ રહે..

 4. વાચકોમાં કેટલાક મારા જેવા હશે જેમણે રે ની ફિલ્મોનો બહુ અનુભવ કે જાણકારી નથી. આ શ્રેણી અમારા માટે ઘણી ઉપકારક નીવડશે.
  સત્યજિત રે ની ફિલ્મમાં સિનેમા થી ઉપર કંઇ જ નથી, એટલે વિઝ્યુઅલ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે; પરિણામે વાર્તાનું ચિત્રિકરણ ખૂબ મહત્વનું છે અને એના અગત્યનાં અંગ અભિનયનું પણ મહત્વ છે. સંગીત larger than life જેવો રોલ ન લઇ લે એ એમના માટે મહત્વનું છે અને દિગ્ગજ સંગીતકાર જો સંગીત આપે તો વિઝ્યુઅલ ની સામે વધુ મહત્વ માટે સ્પર્ધરૂપ બની જાય એ સંભાવના રહે. એથી સંગીતની જવાબદારી પોતે જ લઇ લેવાનો નિર્ણય સંગીતની હદ બાંધવા માટે લીધો હોય શકે. એટલે એમની ફિલ્મમાં સીનેમેટોગ્રાફરનું મહત્વ અધિક છે. ગોપી ગાઈન બાઘા બાઈન (૧૯૬૯) થી શરૂ કરીને છેક સુધી રે ના છબિકાર નેમાઈ ઘોષ જ રહ્યા.

  1. ખૂબ ખૂબ આભાર નરેશભાઈ !
   એમની ફિલ્મોમાં સંગીત વિશેનું આપનું અવલોકન યથાર્થ છે.
   એમની મોટા ભાગની ફિલ્મોમાં સિનેમેટોગ્રાફી સુબ્રોતો મિત્રા અને સૌમેનદુ રોયની રહેતી.
   નેમાઈ ઘોષ એમની ફિલ્મોના still photographer હતા.

 5. Thanks Thavraniji..excellent presentation..I do remember only one hindi movie SATYAKAM of S.Ray in my young age and had so effect on me i was just busy 3 days with its contents.

 6. વાહ! અદભુત રસદર્શન!
  રેસાહેબની બે-ત્રણ ફિલ્મો જ જોઈ શકાઈ છે.
  આ લેખ ફિલ્મને માણવામાં બહુ મદદરૂપ બનશે.

  1. આભાર બીરેનભાઈ !
   આપ સમ વરિષ્ઠ લેખકના અવલોકનો અમૂલ્ય રહેશે.
   અભિપ્રાય અને સૂચનો આપતા રહેશો.

 7. swan song..never heard never read not even though about. S.Ray last creation you transalated in a language like watching the movie.

  regards

 8. Thank you so much for this wonderful film series. I have seen few movies of Satyajit Ray. I am looking forward to watching to rest and also your series.🙏

Leave a Reply to mahendra thaker Cancel reply

Your email address will not be published.