લ્યો, આ ચીંધી આંગળી : કહાં ગયે વો લોગ? (૧)

[ધાર્યા મુજબ આ જુલાઇની 27 મીએ સ્વર્ગસ્થ થયેલા રમણીકભાઇ અંબાણી વિષેનો લેખ આ વખતે આપી શકાયો નથી (તે હવે બે સપ્તાહ પછી), પરંતુ આપણા આઝાદી દિન 15 મી ઓગષ્ટના ઉપલક્ષ્યમાં સુભાષબાબુની આઝાદ હિંદ ફોજનાં એક ગુજરાતી મહિલા સેનાની સ્વ. હીરાબહેન બેટાઇ અને તેમના સહયોગી પતિ સ્વ. હેમરાજ બેટાઇ વિષેનો મારો લેખ ‘કહાં ગયે વો લોગ?’ અહીં પ્રસ્તુત છે.]

– રજનીકુમાર પંડ્યા)

સોનાની આઠ બંગડીઓ, માથાની છ પીન, લોકેટ નંગ એક, કાંડાઘડિયાળનો પટ્ટો એક, બે હેરપીન, ત્રણ નંગ માથાના બકલ, બે ચેન, બે મગમાળા, ચાર નંગ જડાઉ એરિંગ, ત્રણ વીંટી, એક પોંચી, એક સાડી પીન…આવી તો બીજી કૈંક નાની મોટી ચીજો અને બધું જ સોનાનું! કુલ મળીને તેંત્રીસ આર્ટિકલ્સ ઉપરાંતના સોનાનાં ઘરેણાં, વધારામાં નાની-મોટી વીસ સોનામહોરો, વળી એકસો ને છત્રીસ તોલા ચાંદીના દાગીના…

આ બધું ટૂંકામાં એટલા માટે ટપકાવવું પડે છે કે ચીજચીજની યાદી કરવા જાઉં તો તો બહુ લાંબી થઈ જાય.

આ બધું એક કાળે શ્રીમતિ હીરાલક્ષ્મી હેમરાજભાઈ બેટાઇ નામનાં એક બહેનનું સ્ત્રી-ધન હતું. છતાં એ બધું નેતાજીની આઝાદ હિંદ ફોજના ચરણે ધરી દીધાની યાદીની નીચે એ બહેનની સહી નથી. એની નીચે ફોજના આઇ.આઇ.એલ. હેડક્વાર્ટસના નાણાં ખાતાના સેક્રેટરીની સહી છે. એ સહી આ બધું ‘જોખમ’ મળ્યાની પહોંચ રુપે તારીખ સાતમી ઓગસ્ટ 1944ના દિને કરવામાં આવી છે. એ દિવસથી ત્યારના હિસાબે લગભગ એંસી હજાર રુપિયાની કિંમતનો ખજાનો હીરા-બહેનનું સ્ત્રી-ધન મટીને રાષ્ટ્રનું ધન બની ગયું. સોનાનો ભાવ એ વરસોમાં કદાચ વીસેક રુપિયે તોલો હતો. આજના હિસાબે એ એંસી હજારની કિંમત કેટલી ગણાય ? લગભગ ઓછામાં ઓછા એકવીસ કરોડ !..કારણ કે સાવ સાદા હિસાબ પ્રમાણે પણ સોનાના ભાવ ત્યાર કરતાં અત્યારે છવીસસો ગણા વધી ગયા.

આઇ. આઇ. એલ. હેડક્વાર્ટર્સ (ઇસ્ટ એશિયા) તરફથી આ પહોંચ હીરાબહેનને નેતાજી સુભાષચંદ્ર બોઝની સહીવાળા આઠમી ઓગસ્ટ, 1944ના પત્ર સાથે બિડાણરુપે મળી. આઇ. આઇ. એલ. એટલે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, મતલબ કે આઝાદ હિંદ સંઘ ! આઝાદ હિંદ ફોજની વડી કચેરી (રંગુન)થી લખાયેલા આ પત્ર નંબર એચ. ક્યુ. એફ. 384 માં સુભાષબાબુએ હીરાબહેનને ‘જયહિંદ’ શબ્દથી પ્રારંભ કરીને આભારના અનેક શબ્દો ઉષ્માભેર ઠાલવ્યા છે. લખે છે કે સ્ત્રી-ધનના દાગીના આપણા દેશની આઝાદીની લડત માટે અર્પણ કરીને તમે ભારતીય સ્ત્રીત્વનું એક જવલંત દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. એની દ્રવ્ય તરીકે કિંમત કરતાં પણ એનું ભાવનાત્મક મૂલ્ય અતિ ઊંચું છે.

(હીરાબેને નેતાજીને અર્પણ કરેલા દાગીનાની યાદી દર્શાવતી આઈ.આઈ.એલ.ની પહોંચ)

પરંતુ હીરાલક્ષ્મીબહેનના સ્ત્રી-ધનના એંસી હજારના અત્યારના બજાર ભાવે એકવીસ કરોડ ગણીને આપણે ગણિતની ચોપડી બંધ કરી શકીએ તેમ નથી. હવે બીજો દાખલો એ માંડવાનો છે કે એ વખતના રુપિયા અઢાર લાખ અત્યારના હિસાબે કેટલા (કરોડ) રુપિયા ગણાય ? આપણે ભલે એવા પારકા હિસાબ-કિતાબમાં પડી ગયા, પણ હીરાલક્ષ્મીબહેનના 80 હજારની જેમ અઢાર લાખ રુપિયાની પોતાની તમામ માલમિલકત આઝાદ હિંદ ફોજના ચરણે ધરી દેતી વખતે એ જ હીરાલક્ષ્મીબહેનના પતિ હેમરાજભાઈ બેટાઇએ કોઇ હિસાબકિતાબ માંડ્યો ન હતો. હેમરાજભાઇ બેટાઇ તો આજથી પચાસેક વર્ષ ઉપર પચાસ વરસની ઉંમરે અલ્સરની બીમારીથી ગુજરી ગયા. પણ હું એમને રૂબરુ મળ્યો અને આ મૂળ લેખ લખ્યો તે 1986ની સાલમાં તો ચોસઠ વર્ષનાં હીરાલક્ષ્મીબહેન દીકરા-વહુ સાથે આગ્રાના સ્વામીબાગમાં હયાત બેઠાં હતાં. માંદા રહેતાં. માંદગીના બિછાનેથી પણ મને પત્રમાં લખતાં હતાં કે ‘તમારા ભાઇએ અઢાર લાખ રુપિયા દીધા ને મેં જે દાગીનો દીધો તે અમે સ્વેચ્છાએ દીધો છે. કોઇના દબાણથી કે આવેશમાં આવીને કાંઇ નથી કર્યું.’

આપણને થાય છે કે એ વખતે તો દેશદાઝના જુવાળમાં સુભાષબાબુ જેવા નેતાની હાકલ સાંભળી પતિ-પત્નીએ સર્વસ્વ અર્પણ કરી દીધું હશે. પરંતુ આજે તો જરુર જીવ બાળતા હોવા જોઇએ. આવા ખ્યાલથી મેં હીરાબહેનને પૂછ્યું તેના જવાબમાં એમણે એક પણ ઊંહકારા વગર આ રીતે સ્પષ્ટ લખી જણાવ્યું કે કોઇ પણ જાતના આવેશમાં અમે એ કર્યું નથી… મૂળ તો આ વાત મને હીરાબહેનના ભાઇ રાજકોટના સુંદરજી પાસેથી જાણવા મળેલી. એમણે પણ સાક્ષી પૂરેલી કે ‘મારાં બેન-હીરાબહેનના મોં પર આઝાદ હિંદ ફોજની (એ વખતે 42 વરસ પહેલાંની) વાત કરતાં કરતાં આજે પણ ચમક ઊપસી આવે છે.’

‘તમારી વાત સાચી હશે.’ મેં સુંદરજીભાઇને કહેલું :‘તમે તો તમારાં બહેન-બનેવીને બહુ નિકટથી જાણો.’

‘જરૂર.’ એમણે વધારે વિગત આપતા કહ્યું હતું : ‘મારાથી ત્રણ જ વરસ મોટાં છે. અમારાં બાપુજીની પોરબંદરમાં કરિયાણાની દુકાન હતી. સ્થિતિ નબળી હતી. હું એક વરસનો હતો. ત્યારે સૌ બર્મા ચાલ્યા ગયેલા. ત્યાં રગૂનમાં જ સુરતી-સી બજારમાં અમારા બાપુએ ગરમ કાપડની દુકાન કરેલી. ઠીક ઠીક ચાલતી. આમ છતાં, પૂરું કરવા માટે મારા મોટાભાઇએ નોકરી કરવી પડતી ને આ હીરાબહેન વગેરેએ ઘરગથ્થુ સાબુ, પાપડ બનાવીને વેચવાનો સાઇડ-બિઝનેસ કરવો પડતો. થોડા ઘણા બે પાંદડે થતાં હતાં ત્યાં બેતાલીસની સાલમાં યુદ્ધ જાહેર થયું. તરત જ અમે સૌએ ઉચાળા ભર્યા.’

’હીરાબહેન પણ સાથે જ?’

’ના, એ ચાલી શકે તેમ નહોતાં. એ વખતે એમને છેલ્લા મહિના જતા હતા. એવી સ્થિતિમાં એમને માટે ઝાઝી હાલાકી જોખમી હતી. મારા બનેવી હેમરાજભાઇનું પણ આવતા રહેવાનું મન આમેય ઓછું હતું. એ થોડા સુભાષબાબુની અસરમાં આવી ગયેલા. મૂળ એ બેટ દ્વારકાના એટલે બેટાઇ કહેવાય. બાકી મૂળ અટક ચંદારાણા. રંગૂનમાં ડેલહાઉઝી રોડ ઉપર ‘બ્રિટાનિયા ટૉકિંગ મશીન કું.’ નામની ગ્રામફોન રેકોર્ડ વેચવાની દુકાન બહુ જામેલી હતી. સ્થિતિ બહુ સારી હતી.’

સુંદરજીભાઇની વાત માત્ર એક જ અર્થમાં સાચી હતી. સ્થિતિ બહુ સારી હતી તે માત્ર નાણાં-મિલકતના મામલામાં જ. બાકી તો એ દિવસોમાં સ્થિતિ બહુ જ બૂરી હતી. યુરોપમાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. જાપાને બર્મા પર ખૂબ ક્રૂર આક્રમણ કર્યું હતું. બેંગકોકમાં અંગ્રેજી સૈન્ય હારીને જાપાનને શરણે આવ્યું હતું, પણ બર્મામાં તો જાપાનનો બોમ્બમારો અવિરત ચાલુ હતો.

હિન્દીઓને પાછા ભારત આવવા માટે શરુ શરુમાં પ્લેન અને સ્ટીમરના રસ્તા હતા. પછી તો એ પણ ખોરવાઈ ગયા. જનારા જતા રહ્યા અને રહી જનારા તો રહી જ ગયા. હીરાબહેન હેમરાજભાઇનું કુટુંબ જઇ શક્યું નહોતું. સગર્ભાવસ્થામાં આવી રીતે સ્થળાંતર શક્ય નહોતું. હીરાબહેન-હેમરાજભાઇ ગમે તેમ કરીને રંગૂનથી જરા દૂર હેન્થડા ગામમાં ચાલ્યાં ગયાં. અલબત્ત, પગપાળા જવું પડ્યું. પણ હેમખેમ પહોંચી ગયાં.

(હેમરાજ અને હીરાબેન બેટાઈ)

ત્યાં જઇને રહ્યા પછી થોડા જ વખતમાં સમાચાર આવ્યા કે જાપાની સૈન્યે બર્માનો કબજો લીધો છે. બોમ્બ પડવાનું તો બંધ થયું હતું. પણ ભયનો ઓથાર સાવ ગયો નહોતો. એટલે વહાણ રસ્તે હીરાબહેન અને હેમરાજભાઇ રંગૂન આવીને ત્યાંની સાવ બાજુના ગામ કમાયુટમાં રહ્યાં. રંગૂનની મોગલ સ્ટ્રીટમાં રુપાળું મજાનું ઘર હતું, પણ હવે એ કાંઇ કામનું નહોતું.

એ દિવસોમાં ભારતના ક્રાંતિવીર રાસબિહારી ઘોષ જાપાનમાં હતા. જાપાનના વડાપ્રધાન ટોજોની મુલાકાત એમણે મહામુશ્કેલીએ મેળવેલી. ટોજોને વેર અંગ્રેજો સામે હતું. હિંદ સામે નહીં. બેંગકોકમાં જે બ્રિટિશ સૈન્ય જાપાની સૈન્યને શરણે આવ્યું હતું. તે બ્રિટિશરોનું બનેલું નહોતું. હિંદીઓનું હતું. આવી દલીલ કરીને જ કદાચ રાસબિહારી ઘોષ એ સૈન્યને જાપાનના કબજામાંથી મુક્ત કરાવી શક્યા હશે. પછી એ આઝાદ થયેલા સૈનિકો બ્રિટિશરોના ભાડૂતો સૈનિકો મટી જઇ સુભાષચંદ્ર બોઝની આગેવાની નીચેની ‘આઝાદ હિંદ ફોજ’ના વફાદાર સૈનિકો બની ગયા. એમને લઇ સુભાષબાબુ રંગૂન આવ્યા. અને મલાયાની ભૂમિ ઉપર 1943 ની એકવીસમી ઓકટોબરે અસ્તિત્વમાં આવેલી એ ‘આઝાદ હિંદ ફોજ’નું રંગૂનના હિંદીઓએ ઠેરઠેર સ્વાગત કર્યું. ઠેર ઠેર એના માટે તોરણો બંધાયાં અને ફટાકડા ફૂટ્યા… બોમ્બ નહીં !

ક્રાંતિની એ હવા કમાયુટમાં રહેતા બેટાઇ દંપતી સુધી પણ પહોંચી હોય. વતનમાં ગાંધીજીએ આખા દેશને ’ભારત છોડો’નો મંત્ર આપ્યો અને વતનથી દૂર રંગૂનમાં સુભાષબાબુએ એ જ ધ્યેય માટે મંત્ર આપ્યો: ’કરેંગે યા મરેંગે!’ બેટાઇ દંપતીને થયું કે આમાં આપણે શું કરી શકીએ ? આપણો ફાળો કઇ રીતનો હોય ? શું છે આપણી પાસે જે આઝાદ હિંદ ફોજ અને નેતાજીએ રચેલી સમાંતર હિંદી સરકારને ચરણે ધરી શકીએ ?

સુભાષબાબુ એ દિવસોમાં રંગૂનમાં અને આજુબાજુ ઠેર ઠેર સભાઓ ભરતા. હિંદીઓના કાનમાં તેજાબી શબ્દો રેડતા. એમની સાથે એક વખતના બ્રિટિશ સૈન્યના અને હવે આઝાદ હિંદ ફોજના કરીમ ગની, મેજર જનરલ મોહન સિંહ, ગુરુબક્ષ સિંહ ધિલ્લોન, શાહનવાઝ ખાન જેવા સાથીઓ હતા. સભાઓમાં એક જાતનું ઉત્તેજક-ઇન્કિલાબ વાતાવરણ છવાઇ જતું. સ્ત્રીઓ માટે પણ લશ્કરની એક જુદી પાંખ ખોલી હતી જેનું નામ ‘ઝાંસીની રાણી રેજિમેન્ટ’ રાખ્યું. એના કર્નલપદે કર્નલ લક્ષ્મી સ્વામીનાથન હતાં. જે ગુજરાતના યશસ્વી કલાધરિત્રી મૃણાલિની સારાભાઇનાં સગાં મોટાંબહેન થાય. (એમના વિષે, કાનપુરના તેમના નિવાસસ્થાને જઈ એમની મુલાકાત લઈને મારા જુવાન મિત્રો ભાઇ બીરેન કોઠારીએ તેમના લેખ, ‘અણનમ, અડીખમ, અવિરત.. ડૉ.લક્ષ્મી સહગલ‘ અને ઉર્વીશ કોઠારીએ તેમના લેખ, ‘રાણી ઝાંસી રેજિમેન્ટની મહિલાઓએ નેતાજીને લોહીથી સહી કરેલું આવેદનપત્ર આપ્યું હતું‘ માં વિગતવાર લખ્યું છે.)

હીરાબહેન અને હેમરાજભાઇ ક્યારના મનોમંથન અનુભવતાં હતાં કે તક મળે, સગવડ થયે બીજાં સ્વજનોની જેમ ભારત સરકી જવું કે પછી અહીં રહીને થાય તેટલું કરવું ?

પણ ‘થાય તેટલું’ એટલે? એની કોઇ મર્યાદા નક્કી કરી હતી એ દંપતીએ ? એના જવાબમાં હીરાલક્ષ્મીબહેન મને કહેતાં હતાં કે ‘ભક્ત કદી ભક્તિની મર્યાદા નક્કી કરે ખરો ? માતા કદી સંતાન માટે વાત્સલ્યની સીમા નક્કી કરે ખરી ? સુભાષબાબુએ પણ પોતાની જાનફેસાનીની સરહદ ક્યાં નક્કી કરી હતી? આ પ્રતીત સત્ય એમને સ્પર્શી ગયું હતું.

એ મને કહેતાં હતાં કે મારા બાબા કિર્તીના જન્મ પછી તરત જ હું રાણી ઝાંસી રેજીમેન્ટમાં જોડાઇ ગઇ. એમણે (હેમરાજભાઇએ) પણ લશ્કરી પોશાક ધારણ કરી લીધો. સભા-સરઘસો અને ફંડફાળા માટે અમે નાનકડા બાળકને ઘરના માણસોને હવાલે સોંપીને બહાર નીકળી પડતાં. શરુ શરુમાં તો તકલીફ ઘણી પડી. માણસો જલદી અમારી વાત કાને ધરવા તૈયાર થતાં નહીં. ફંડફાળા માટે ક્યારેક અપમાનના ઘૂંટડા પણ ગળી જવા પડતા. પણ ધીરે ધીરે લોકોમાં જાગૃતિ આવી. આળસ મરડીને ઊભા થતાં વાર વાગે એટલીવાર આમાં પણ લાગી. પ્રચાર કેમ્પમાં લોકો જોડાવા લાગ્યા. ફંડફાળા માટે શરુઆતમાં તો અમે એવી યુક્તિ કરી કે સ્ત્રીઓની સભા ભરાય તેમાં સૌથી પહેલાં એકાદ દાગીનો ધરીને હું જ શરુઆત કરું. આવું થોડો વખત કર્યું. પણ અંતે અમે નક્કી કર્યું કે હવે તો દાગીનો દેવા માટે બહેનોને આ રીતે પ્રેરવાની જરુર નથી. હવે તો દાગીનો દેવા માટે રીતસર કતાર લાગે છે. તો હવે શા માટે આપણે મન ચોરવું ? જેટલો છે તેટલો બધો જ દાગીનો દઇ દેવો, જેથી ફોજના કામમાં આવી જાય. બસ, બધો જ વધેલો દાગીનો એકસામટો આપી દીધો. સાતમી ઓગસ્ટના લિસ્ટમાં જે દાગીનો બતાવ્યો છે તે એ જ છે. આ પહેલાં અમે જે છૂટક છૂટક દાગીનો આપ્યો હતો તે તો જુદો.’

પત્નીએ બધું જ સ્ત્રીધન આપી દીધું પછી હેમરાજભાઈ કંઇ કોથળી બંધ રાખીને થોડા બેસી રહે ?રંગ તો એમને પણ બરાબરનો ચડી ગયો હતો. જિંદગીભર કમાણી કરી હતી. લોહી-પસીનો એક કરીને લાખોની મિલકત એકઠી કરી હતી. વર્ષો લાગ્યા હતા એ બધું ભેગું કરતા. પણ એ બધું આપી દેવાનો વિચાર કરવામાં એમને એક પળ પણ નહીં લાગી હોય. આગલાં પત્ની તો હતાં નહીં. એનાં ત્રણ સંતાનો હતાં. હાલનાં પત્ની (હીરાલક્ષ્મી)ને તો પૂછવાપણું ક્યાં હતું ? એ તો એમની પણ આગળ નીકળી ચૂક્યાં હતાં. પૂછવાનું માત્ર અંતરાત્માને હતું. તે પૂછી લીધું અને એક દિવસે એકીસાથે રુપિયા અઢાર લાખની મિલકત અને એકાવન હજાર રુપિયા રોકડા… જિંદગી આખીની કમાણી સુભાષબાબુના ચરણોમાં ધરી દીધાં. આ લખતાં-વાંચતા આપણને કદાચ થોડો થડકારો થયો હશે, પણ એમણે એવું કાંઇ જ અનુભવ્યું નહોતું એના સાક્ષી હીરાલક્ષ્મીબહેન પોતે કહેતાં હતાં.

સ્વજનો, કુટુંબીઓ, અરે છેવટે ધંધાના ભાગીદારોએ પણ આમ સાવ જતિ થઇ જવા સામે કોઇ વિરોધ, કોઇ નારાજગી બતાવેલી ખરી ? આનો જવાબ એમના સાળા સુંદરજીભાઇએ આપ્યો.. કહેતા હતા કે વિરોધની વાત તો એક તરફ રહી, ભાગીદારો ચાર ભાઇઓ હતા-એમણે તો ઊલટાનું કહ્યું કે તમે ભલે મિલકત ચરણે ધરી દીધી, અમે ભલે એટલું જિગર બતાવી શકતા નથી… પણ એટલું તો કહી શકીએ છીએ કે ધંધામાંથી તમે બાતલ થતા નથી. અમારી સાથે ધંધામાં હજુ પણ તમે ભાગીદાર તરીકે ચાલુ રહો છો, નફો તમને ઘેર બેઠાં પહોંચી જશે !

સાંભળીને અવાક થઇ જવાની વાત હતી. ભાગીદારો અને ભાઇઓના કજિયાથી ઉભરાતી કોર્ટનું આજનું કિડિયારું જોતાં આ વાત માનવા જેવી ક્યાંથી લાગે? થોડા સાંયોગિક આધાર સિવાય આપણી પાસે ભાગીદારોવાળી વાતના પુરાવા તો નથી, પણ ‘ઇન્ડિયન ઇન્ડિપેન્‍ડન્સ લીગ’ હેડક્વાર્ટર્સના રંગૂનથી પ્રગટ થતા મુખપત્ર ’આઝાદ હિંદ’ના બુધવાર તારીખ તેવીસમી ઓગસ્ટ, 1944નું એક પાનું છે, જેમાં સુભાષબાબુએ હીરાબહેન બેટાઇને વીસ હજાર માણસોની મેદની વચ્ચે ’સેવકે હિંદ’નો ચંદ્રક આપ્યાનાં મથાળાના સમાચાર છે. આ પ્રકારનો ચંદ્રક મેળવનાર આ પ્રથમ મહિલાના દર્શન માટે મેદની ઊમટી હોવાનો ઉલ્લેખ પણ તેમાં છે.એ ચંદ્રકની ફોટોકોપી ઉપરાંત બંગાળીમાં પ્રગટ થતા કલકત્તાના ખ્યાતનામ અખબાર ’આનંદ બજાર પત્રિકા’નું એક પાનું પણ છે, જેમાં ‘સુભાષ-કૅપ’ પહેરેલા બેટાઇ દંપતીના લશ્કરી પોશાકના ફોટોગ્રાફની બાજુમાં ચંદ્રક ધારણ કરેલા હીરાલક્ષ્મીબહેન બેટાઇના અલગ અલગ ફોટોગ્રાફ પણ છે.

(નેતાજી દ્વારા હીરાબેનને અર્પણ કરવામાં આવેલો ચંદ્રક)

હીરાલક્ષ્મીબહેને મને એ દિવસોના સંસ્મરણો તાજાં કરતાં આગળ કહ્યું: ‘નેતાજીએ લશ્કરી પોશાકમાં મેડલ ચડાવીને અમને પોતાને બંગલે જમવા બોલાવ્યા હતા. એ દિવસ હું કેમ ભૂલી શકું ? ત્યાર પછી ત્રેવીસમી જાન્યુઆરીના નેતાજીના જન્મદિવસે રંગૂનવાસીઓએ સોનાની ભરોભાર તેમને તોળ્યા હતા એ દિવસ પણ કેમ ભુલાય? હું તે દિવસે મારા બે મહિના અને ત્રણ દિવસના દીકરાને નેતાજીને પગે લગાડવા લઇ ગઇ હતી. નેતાજીએ તેને માથે હાથ ફેરવીને આશીર્વાદરુપે કહ્યું હતું કે આનું નામ કીર્તિ પાડજો. તેની કીર્તિ દિગંતમાં ફેલાય તેમ ઇચ્છું છું… આટલું કહીને તેમણે બેંગકોકથી પોતાને ભેટરુપે આવેલી એક સોનામહોર મારા હાથમાં આપેલી. એ સમયનો ફોટોગ્રાફ મારા મનમાં વજ્રલેખની જેમ છપાઇ ગયો છે. જે જિંદગીનો અણમોલ સ્મૃતિ ખજાનો છે.’

‘એ દિવસોની બીજી કોઇ સ્મૃતિ?’નો જવાબ આપતાં હીરાલક્ષ્મીબહેનના સ્વરમાં થોડું કંપન આવી ગયું હતું: ‘એ દિવસોની તાસીર કોણ જાણે ક્યાં ચાલી ગઇ? કેવી માટીના માણસો હતા એ બધા? કેવો જુવાળ હતો? કેવું આયોજન અને કેવો વહિવટ હતો? મારા પતિને સુભાષબાબુએ આઝાદ હિંદ બેંકની સ્થાપના કરી ત્યારથી જ ડાયરેક્ટર તરીકે સ્થાપ્યા હતા. દોથા ભરીને ધન આવતું અને દોથા ભરીને જતું. પણ હિસાબ જુઓ તો એક નખની કટકીનો પણ રહે. મારું કામ મહિલાઓની રેજિમેન્ટમાં હતું. સંખ્યાબંધ બહેનો તેમાં એક કેમ્પની અંદર રહેતી. મદ્રાસી હતી, બંગાળી હતી, મલયાલી હતી, મરાઠી હતી અને દેશના દરેક દરેક ખૂણાની હતી. ગુજરાતી પણ ઘણી હતી. એક નીલમ તથા રમા મહેતા કરીને બે બહેનો હતી. એમની માતા લીલાબહેન પણ એ જ રેજિમેન્ટમાં હતાં. નેતાજીએ અમને ખાસ સૂચના આપી હતી કે ‘મારાથી વારંવાર જાતે તો મહિલા રેજિમેન્ટનો કેમ્પમાં જઇ શકાય નહીં, પણ તમે લોકો ધ્યાન રાખજો. જો જો કે એ બહેનો-દીકરીઓ આઝાદી માટે ઘરબાર છોડીને આવેલી વિરાંગનાઓ છે. તેઓ કોઇ વાતે મૂંઝાય નહીં તે જો જો. તેમને એકલાપણું ના લાગે તે જો જો.’

એ દિવસો તો પાણીના શાંત રેલાની જેમ નહીં, પણ ધોધની જેમ વહી ગયા. હિરોશીમા પર અણુબોમ્બ ફેંકાયો. લાખોનાં કમોત થયાં. જાપાનીઓએ પીછેહઠ કરી. પિસ્તાળીસની સાલના માર્ચમાં સુભાષચંદ્ર બોઝ બર્માથી જાપાન ગયા ને તે પછી તેમનું શું થયું તે સૌ કોઇ જાણે છે. (છતાં કોઇ જાણતું નથી).

આઝાદી હાંસલ થયાના વર્ષની આસપાસ બેટાઇ દંપતી એક વાર મુંબઇ આવેલું. તેમનું મુંબઇ-કલકત્તામાં સન્માન પણ થયેલું. ફરી વાર બર્મા જતાં પહેલાં હેમરાજભાઇએ જૂનાગઢની આઝાદી માટે રાજકોટમાં સ્થપાયેલી આરઝી હકૂમતમાં થોડો રસ લીધેલો. પછી ફરી બર્મા ચાલ્યા ગયા. છેલ્લે બેએક વર્ષ પછી પાછા કાયમ માટે ભારતમાં સ્થાયી થવા આવી ગયા. કાલબાદેવી રોડ (મુંબઇ)માં ‘રાઘવજી એન્ડ કું.’, ‘બ્રિટાનિયા ટોકિંગ મશીન કું.’ અને ‘બોમ્બે ફોનોગ્રાફ એન્ડ મ્યુઝિક એજન્સી’ના નામે ધંધો શરુ કર્યો, ચલાવ્યો અને પછી એમાંથી પણ નિવૃત્ત થયા.

’એમના એ સમર્પણની વાત અત્યાર સુધી છાની કેમ રહી ?’

(રાજકોટની મુલાકાત વેળા હીરાબેન)

‘હેમરાજભાઇ તો પંદરેક વરસ ઉપર ગુજરી ગયા…’ સાળા સુંદરજીભાઇએ કહ્યું: ‘મારાં બહેને સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું કોઇ પેન્શન ક્યારેય લીધું નથી, માગ્યું નથી, મળ્યું નથી અને સન્માનની વાત તો-’

બાકીના શબ્દો એ ગળી ગયા. નવી નવી, નાની નાની શરણાઇઓના શોરમાં જૂના, ખૂણે પડેલા રણશિંગાનું સન્માન કરવાનું કોને સાંભરે ?

એ પછી હીરાલક્ષ્મીબહેન મને મારા પરના પત્રમાં લખતાં હતાં: ‘ફરી પણ લખું છું કે દેશ માટે અમારો ફાળો બહુ નાનો છે, ભાઇ. મારી નમ્ર વિનંતી છે કે હકીકત રજૂ કરવાની ના નથી, પણ મારી પ્રશંસા કે પ્રસિદ્ધિ બહુ ના થાય તો સારું. અમોએ તો કંઇ નથી કર્યું તેમ કહું તો ચાલે.’

પણ મેં મારી જાતને પૂછ્યું: ‘ચાલે?’


(હીરાબહેન બેટાઇના અંતિમ દિવસો વિષે થોડું જાણવાનું મન થાય તે સ્વાભાવિક છે, પણ તેની વાત આવતા સપ્તાહે.)


લેખકસંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: admin

5 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી : કહાં ગયે વો લોગ? (૧)

  1. Respected Sri Rajnikumarji :
    Greetings from the land of Mahatma Gandhi & Project ‘Life’, Rajkot. : We want you to know that it was you who made it possible & appreciated your concern, time, hard work with desired, devotion, determination,
    dedication, in disciplined way to write to publish unique article of its kind by giving tribute to હીરાલક્ષ્મીબહેન and Hemchandbhai, a freedom fighter on Independence day is heartily appreciated which made all big difference .Appreciated a lot for sharing & caring for your readers. Chandrakant Koticha, Project Life, Racecourse Ring Road, Rajkot.
    all made of difference.

Leave a Reply

Your email address will not be published.