રફુ

પાર્થ નાણાવટી

“કાકા કેટલીવાર રફુ કરાવશો.” દરજીનો છોકરો સંચા પર બેઠા બેઠા હસ્યો.

“નવું સીવડાઈ લો. ત્રણસોમાં જોડી.” એણે દુકાનની બહાર મુકેલા જાહેરાતના પાટિયા સામે ઈશારો કર્યો.

“તારા બાપુજી ક્યારે આવશે?” વડીલે સામુ પૂછ્યું.

“એ દવાખાને છે. ખબર નઈ આવે કે નઈ. લકવાનો એટેક આયો છે. મારે લગનગાળાનું કામ બહુ છે તમે રફુ બીજે કરાઈ લેજો.” ઉદ્ધત દરજીપુત્રએ કાકાનું પેન્ટ પ્લાસ્ટિકની કોથળીમાં પાછું મૂકતા કહ્યું.

“ભલે, જેવી તારી મરજી. તારા બાપુની ખબર પૂછજે.” વડીલે કોથળી લઇ ચાલતી પકડી.

“કેવડો મોટો ધક્કો થયો.”

“ત્રણસોમાં જોડી, સાલાઓ ત્રણસો રૂપિયા મજાક છે?”

“કાંતિને કેટલીવાર કહ્યું કે તારા જુના પાટલુન આવતા-જતા કોકની જોડે મોકલાઈ દે. મારે ચાલશે, જશભઈ દરજી કમરેથી ફિટિંગ કરી આપશે. પણ, સાલો એય ક્યાં સાંભળે છે.”

“હશે, એ બાને પગ છુટા થયા. ઘરમાં બેસી બેસીને સાંધા જકડાઈ જાય છે.”

“સોળમીના લગન છે. હજુ અઠવાડીયુ છે, ત્યાં લગીમાં’તો રફુ થઇ જશે.”

વડીલ સ્વ સાથે મનોમન આ પ્રકારની વાતો કરતા ઘર તરફ ચાલતા થયા.

આવી રીતે લેંઘો પેરીને બજારમાં નીકળવાની આજદિન સુધી ક્યારેય નોબત આવી ન’તી. રખેને કોક જોઈ ના જાય.

મર્ફી લો પ્રમાણે વડીલનો ભય સાચો ઠર્યો.

“તલાટી? ઓ તલાટી.” કોકે પછવાડેથી બુમ નાખી.

જાણે સાંભળ્યુ ન હોય એમ વડીલ રોકાયા નહીં. પણ, બુમ નાખનાર આગંતુક પણ ભારે ઉત્સાહી હતો.

“અલ્યા, કોન હોત ગયા કે શું. તલાટી ઉભા’તો રો.” પેલાએ પીછો ચાલુ રાખ્યો.

“અલ્યા, તું? ભઇસાબ ખરી ચીસો પાડે છે. શું થયુ.” ના છુટકે વડીલ રોકાયા. વડીલે જોયું’તો મામલતદાર ઓફીસનો પટાવાળો હતો.

“ખરા છો તમે, હોંભળતા’ય નઈ.” આગંતુકે થેલીમાંથી આમંત્રણપત્રીકાનો થોકડો કાઢ્યો.

“મામલતદાર ઓફીસ મે પોગરામ શે, બધા જુના કર્મચારીઓનું સન્માન, તમારું નોમ હોતે એમાં રાખ્યું હે.”

“બળ્યું કઈ ગયું.” પેલાએ કાર્ડના થોક્ડામાંથી વડીલના નામનું કાર્ડ શોધવાની કવાયત હાથ ધરી.

“કેવો પ્રોગ્રામ? અલ્યા ઉતર્યો અમલદાર કોડીનો ને હું તો અમલદારે’ય ન’તો. એક મામૂલી તલાટી.” વડીલના અચરજનો પાર ન હતો.

“એતો રોમ જોણે, લ્યો આ રયુ તમારું આમંત્રણ. તેરમીએ છે, ટાઈમસર આઈ જજો. મારા ખ્યાલથી શાલ ઓઢાડીને હારતોરા કરશે. બસો એકાવનની રોકડી, મને ચા-પાણીના આલજો” પટાવાળો આવ્યો હતો એવીજ નફિકરાઇથી પોતાના રસ્તે ચાલતો થયો. સાથોસાથ કાર્ડ આપીને વડીલના મનમાં વિચારોનું બીજ રોપતો ગયો.

વડીલને પણ વાંધો ન’તો. દરજીના છોકરાના વર્તન અને ફાટેલા પાટલુનની ચિંતા કરતા, આ નવા અને સારા વિચારો કરતા છેક ઘર સુધી પહોંચી જવાશે.

“બસો એકાવન? પેલો બસો એકાવન બોલ્યો’તો?” વડીલની નજર સામે ત્રણસોમાં જોડીનું પાટિયું પળભર માટે ઝબકી ગયું.

“ઓગણપચાસ ખૂટે.”

“ત્રણસોની જોડી તે કરાવાતી હશે?”

“સો માં તો નવું પાટલુન આઇ જાય, ખમીસ’તો હજુ બે વર્ષ ચાલે એવું છે. હા ઉનાળો માથે છે તો એકાદ જોડી લેંઘો-સદરો હોય તો સારું રે” વડીલના મન પર મધ્યમવર્ગીય વિચારોએ કાબુ મેળવવો શરૂ કર્યો.

“પેલુ ત્રીસ રૂપિયાનું માટલું’ય ભેગા ભેગું લઇ લઉં.”

“બાકીના બેંક’મે જમા રે શે. લગનમાં ચાંદલો કરવો પડશે એમાં કામ લાગશે. કાંતિની બાની વરસી આવે છે, તો લોજમાં બામણ જમાડીશ ને ભેગા ભેગો હું ય જમી આવીશ. ખીચડી ખાઈ ખાઈ ને એસીડીટી થઇ જાય છે.”

“બેનના એકના એક દીકરાનું લગન છે, એટલે જાનમાં જવું તો પડશે. બનેવી લબાડ છે, એટલે રોજબરોજનો સબંધ’તો નામમાત્રનો છે, પણ વાર-તેવારે ને પ્રસંગે યાદ કરી લે.”

“છોકરીવાળા ફોરેનના છે, બહેન કેતી’તી કે પેરામણી સરખી કરશે. પેન્ટ-પીસ આપે તો તો મજા પડી જાય. સરકારી પૈસામાંથી સિલાઈ નીકળી જાય. ને બે બે નવા પેન્ટ.”

“પેરામણીના નામનું લિસ્ટ વેવાઈએ માંગ્યું હશે. બેનને જ પૂછી લઈશ. આમ’તો પેન્ટપીસજ આપે સસ્તો પડે, તાકો લઇ લેવાનો હોલસેલમાં ને એમાંથી પેન્ટપીસ.”

પોતે દીકરોને દીકરી પરણાવ્યા હોવાથી વડીલને પ્રોસિજરનો ખ્યાલ હતો.

“ફાટેલા પાટલુનને કારણે બધા પ્રસંગે તબિયતનું બહાનું કાઢી જે ના પાડવી પડતી’તી એ હવે નઈ પાડવી પડે.”

સૂરજ માથે હતો. પણ, વડીલને જાણે તડકો અડતો’ય ન’તો. શાક-માર્કેટ પાસે ચા-ભજીયાની લારી હતી, ત્યાં દાળવડા પર સારા મળતા. ઘણુ કરવા છતાં પણ વડીલ યાદ ન કરી શક્યા કે ક્યારે છેલ્લીવાર ચા ને દાળવડા સાથે ખાધા હતા. વડીલને રફુ માટે બચાવેલા દસ રૂપિયા યાદ આવ્યા. ફરી એકવાર ઈચ્છાઓ, જરૂરિયાતો અને વાસ્તવિકતાઓ વચ્ચે જંગ થયો. પણ, આ વખતે જીત ઈચ્છાઓની થઇ. એમ કહો કે જીત તળેલા મરચા, દહીની રાઈવાળી ચટણી અને ઝીણી ડુંગળી સાથે પીરસાતા દાળવડાની થઇ.

“સો ગ્રામ ને કટિંગ ચા.” વડીલે લાકડાની પાટલી પર બેસતા કહ્યું.

“દશ રૂપિયા થશે કાકા.” લારીના માલિકે માંગણી કરી.

“અલ્યા, હા ભઈ હા, આપું છું, બે ઘડી શ્વાસ’તો ખાવા દે.”

“આ દીદાર જોઈને કોઈ ખુદાબક્ષ હોય એવી શંકા કદાચ લારીના માલિકને થઇ હશે.” વડીલે વિચાર્યું.

“લે ભઈ દશ રૂપિયાને દાળવડા સ્હેજ આકરા કરજે. લોચો ખાવાની મજા ના આવે. ચા મે સક્કર કમ.” રફુ કરાવા માટે સાચવી રાખેલા દશ રૂપિયા વડીલે ચાની લારીના માલિકને હવાલે કર્યા.

એક ઓફિસિઅલ ગ્રાહકની જેમ એમણે પાટલી પર પડેલું છાપું ઉઠાવ્યું પછી અંદાજો આવ્યો કે વાંચવાના ચશ્માંનો કાચ ફૂટી ગયો’તો એ પણ રીપેર કરાવવાનો છે. એમણે ફોટા જોઈ છાપું પડતું મુક્યું.

થોડીવારે ગરમાગરમ દાળવડા આવ્યા. એક લાંબા સમય સુધી વડીલ એમને તાંકી રહ્યા. સો ગ્રામમાં આવેલા છ દાળવડા ને બે તળેલા મરચા, ડુંગળી પણ ચટણી હતી નઈ.

“અલ્યા ચટણી ભૂલી ગયો કે શું?” ચા આપવા આવેલા છોકરાને એણે પૂછ્યું.

“હવે ચટણી નથી આલતા, બંધ કરી, દહીં ચાલીસ રૂપિયે કિલો છે. આ ડુંગળી પણ જવાની એની જગ્યા એ મૂળાના પતીકા.” છોકરો બોલ્યો.

“ધત તેરી કી, શું જમાનો આવ્યો છે! ચટણી વગરના દાળવડા’તો કેવા લુખ્ખા લાગે. અને મૂળાના પતીકા?” દશ રૂપિયાનો ખોટો ખર્ચો કર્યાનો અફસોસ વડીલની મોતિયો બાઝી ગયેલી આંખે તરવરી ઉઠ્યો.

“હશે, અત્યારે તો ડુંગળી છે ને..” એમણે દાળવડાને તોડતા મન મનાવ્યું. મધ્યમવર્ગીય મન હતું, આની પહેલા પણ કરોડો અબજો વાર એ માની ગયું’તું. દાળવડાના ટુકડામાંથી નીકળતી વરાળને વડીલ જોઈ રહ્યા. ટુકડો મોમાં મૂકતાજ હળવી ચીસ નીકળી ગઈ. હવે સડી ગયેલી દાઢ યાદ આવી. દાંતના ડોક્ટરે એ કઢાવી ત્યાં ચોકઠું કરાવવાનું કહેલું. ચારસો રૂપિયા.

અવસ્થાની સાથે આવેલી સમસ્યાઓ સામે ઝઝૂમવા માટેના રૂપિયા’તો હતા નઈ, પણ હિંમત જરૂર હતી.

ધીમેધીમે જે બાજુ દાઢ સારી હતી એ બાજુએ ચાવીને વડીલે દાળવડાની જ્યાફત ઉડાવવાનું નક્કી કર્યું. અડધી ચાની ચુસકીઓ સાચવી સાચવીને ભરી. મરચાને ડુંગળીએ સ્વાદમાં ઓર ઉમેરો કર્યો.

“ચાલ્યા કરે, ભગવાન સમસ્યા આપે તો એનો રસ્તો પણ આપે. જો આ સરકારે બસો એકાવન આપ્યા જ ને.” વડીલ ખુશ હતા.

કમનસીબે એ ખુશી પણ લાંબી ચાલી નહીં.

“તલાટી, ઓ તલાટી..” તીણા અવાજે બુમ પાડતો મામલતદાર ઓફીસનો પટાવાળો પાછો પ્રગટ થયો.

“સાલા બે ઘડી પણ શાંતીથી જંપવા દેતા નથી.” વડીલના ચહેરા પર રોષ વ્યાપી ગયો.

“જબરું, તમે’તો પાર્ટી કરો છો, એ પણ એકલા એકલા.” પટાવાળાએ વડીલની પ્લેટમાંથી દાળવડુ ઉઠાવતા કહ્યું.

“શાની પાર્ટી ભઈ, ત્રણ વર્ષ પછી પેલીવાર દાળવડા ખાધા. એમાંય તે ભાગ પડાવ્યો.” વડીલ બોલ્યા.

“તલાટી ભેગુ બાંધીને લઇ જવાના છો, જલસા કરોને.” પટાવાળો ડાહ્યો થયો.

“તું મારી ચિંતા ના કર, બોલ ફરી પાછો કેમ આવ્યો. તારે ઓફીસે કામકાજ નથી?” વડીલના અવાજમાં તીખાશ આવી. એમના દાળવડા ઠંડા થઇ રહ્યા’તા.

“પેલું કાર્ડ આપ્યું’ને તમને. એ જરા પાછું આપજો’તો.” પટાવાળો બોલ્યો.

“કેમ? શું થયુ.” વડીલ સમજ્યા નહીં.

“અલ્યા ભઈ આપો’તો ખરા. પછી વાત કરું. ડીટેલ ચેન્જ થઇ.”

વડીલે પ્લાસ્ટિકની કોથળીમાંથી કાર્ડ કાઢીને પટાવાળાને પાછું આપ્યું.

“જરા ગડબડ થઇ ગઈ. સન્માન સમારંભ નેવું પેલા રીટાયર થયા હોય એમનું છે. તમે એકાણુંમાં થયા. એટલે તમારું આવતા વર્ષે, જો સરકાર સ્કીમ ચાલુ રાખે’તો અને તમે હો’તો.” પટાવાળો નફ્ફટ થઇ બોલ્યો.

બીજું દાળવડું ઉપાડીને જતા જતા એ બોલ્યો.

“સારું થયુ હેડક્લાર્ક પંડ્યા સાહેબે મિસ્ટેક પકડી, નઈતર પોગરામના દાડે ભવાડા થતે. હેંડો તલાટી હું નેક્ળું, દાળવડા મસ્ત છે.”

“અરે રે, આ શું થઇ ગયું. હવે તો રફુના પૈસા પણ ગયા ને પેન્શન છેક એકવીસમી’એ આવશે. લગન સોળમીએ છે. દરજીને લકવો માર્યો છે ને એનો છોકરો ઉધાર’તો નઈ જ કરી આપે.”

બચેલા દાળવડા ને ચા પડતી મુકી વડીલ ઘર તરફ ચાલતા થયા.


સુરતમાં જન્મેલા પાર્થ નણાવટી વ્યવસાયે માઈક્રોબાયોલોજીસ્ટ છે. હાલમાં તેઓ ઓસ્ટ્રેલીયામાં ન્યુ સાઉથ વેલ્સ હેલ્થ પેથોલોજી, સિડનીમાં લેબોરેટરી મૅનેજર તરીકે કાર્ય કરી રહ્યા છે. તેમની નવલિકાઓ ચિત્રલેખા, મમતા અને દિવ્યભાસ્કરમાં નિયમિત રીતે પ્રકાશિત થતી રહે છે. તેમની એક થ્રિલર નવલકથા ‘રંગકપટ’ ચિત્રલેખામાં હાલમાં હપ્તાવાર પ્રકાશિત થઈ રહી છે. તેમની ટૂંકી વર્તાઓના બે સંગ્રહો – ‘તેર’ અને ‘રજરમત’ – તેમ જ ને નવલથાઓ – ‘કહર’ અને ઓપરેશન ગોલ્ડ ટ્રાયએન્ગલ’ – પુસ્તક રૂપે પ્રકાશિત થયેલ છે.

વેબ ગુર્જરી પર શ્રી પાર્થ નાણાવટીનું હાર્દિક સ્વાગત છે.

– રાજુલ કૌશિક , વેબગુર્જરી સંપાદન સમિતિ ,  ગદ્ય સાહિત્ય સમિતિ વતી


શ્રી પાર્થ નાણાવટીનો સંપર્ક  parthbn@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *