ઘાશીરામ કોટવાલ ઃ ઈ.સ. ૧૮૬૫માં દિવાન શાકેરરામ દલપતરામ દ્વારા મેારુબા કાહ્નોબાજી ની મરાઠી નવલકથાનો અનુવાદ છે. ૧૮૬૩માં લખાયેલ મૂળ મરાઠી નવલકથા પરથી ૧૯૭૨માં ખ્યાતનામ નાટ્યકાર વિજય તેડુંલકરે એ જ નામનું મરાઠી નાટક લખ્યું, જેને પ્રસિધ્ધ દિગ્દર્શક જબ્બાર પટેલે રંગમંચ પર જીવંત કર્યું. આ નાટકના ૬,૦૦૦થી પણ વધારે શો થયા હશે.

૧૯૭૬માં મણિ કૌલ અને કે હરિહરને આ નાટક પરથી મરાઠી ફિલ્મ બનાવી હતી.
પોતાના આ નાટક વિશે તેન્ડુલકરજીએ એક વખત કહ્યું હતું કે ધાશીરામ કોટવાલ એક કિંવદંતી છે. એક દંતકથા છે. દંતકથાનું એક પોતિકું રચના વિધાન હોય છે. વાસ્તવિક્તાને નૈતિકતાના વાઘા પહેરાવી આપણે આપણી કલ્પનાશક્તિથી પુન:જીવિત કરીએ ત્યારે તે દંતકથા બની જાય છે. દંતકથા એક ગપ્પું પણ છે અને જોવાની દૃષ્ટિ હોય તો એક દાહક અનુભવ પણ. દાહક અનુભવ જ રચનાત્મક સાહિત્ય બની શકે છે તેમાં કોઈ શંકા નથી.
વાર્તાનું કથાવસ્તુ મરાઠા શાસન કાળન અંતમા શાસન વ્યવસ્થામાં પેસી ગયેલા વ્યાપક નૈતિક સડાને કેન્દ્રમાં રાખે છે. પેશવાઈના જમાનામાં પુનામાં વસેલી એક બાહ્ય વ્યક્તિના ઉત્થાન અને પતનની કથા કહેવામાં આવી છે.
વિકિસ્રોત પર સમગ્ર પુસ્તક તરીકે અપલોડ થયેલાં આ પુસ્તકના વેબ ગુર્જરી પર હપ્તાવાર પ્રકરણો હવેથી દર રવિવારે સાહિત્ય વિભાગમાં પ્રકાશિત કરીશું
સંપાદક મંડળ – વેબ ગુર્જરી
ગુજરાતી ગદ્યસાહિત્યના વિકાશના પ્રારંભ કાલમાં જેઓએ ગદ્યસાહિત્યમાં પોતાનો વિભાગ આપ્યો છે, તેમાંના દિવાન સાકરરામ એક હતા. એમનો જન્મ ઈ. સ. ૧૮૨૫, સંવત ૧૮૮૧ ના આષાડ વદ પ મે સુરત નગરમાં થયો હતો. એઓ જ્ઞાતે વાલ્મિક કાયસ્થ હતા. એમના પિતાનું નામ દલપતરામ અને માતુશ્રીનું નામ શોભાગવરી હતું. શોભાગવરીને ત્રણ પુત્ર અને બે પુત્રીઓ હતાં: વડીલ સાકરરામ, વચલા ડા. ધીરજરામ, અને નાના ગીરધરલાલ. એમના પિતા, સાકરરામની ૧૬ વરસની નાની ઉંમર હતી ત્યારે મરણ પામ્યા હતા, તેથી શાળામાં જઈ વિદ્યા સંપાદન કરવાના માર્ગમાંથી ખસી, સુરતના નાજરને ત્યાં પોતાના પિતાની હરરાજી કારકુનની જગ્યા લઈ ઉદર પોષણાર્થે ભાગ્યોદયનું પ્રથમ સાધન હસ્તગત કર્યું. દિવાન સાકરરામને કલેક્ટરી ખાતામાંથી વધતા વધતા ઠાસરાના મામલતદારનો એાદ્ધ મળ્યો, પણ દુર્ભાગ્યે ત્યાંનાં હવા પાણી અનુકુલ ન પડવાથી સુરત બદલી કરાવી, પોલીસ સુપ્રીન્ટેન્ડંટ મિ. બારના હાથ નિચે સીરસ્તદારી કબુલ કરી. ત્યાર બાદ તેઓ ખેડા તથા નડીયાદના ફોજદાર તરીકે આગળ વધ્યા; અને ત્યાંથી પણ આગળ વધી વડોદરાના દેશી રાજ્યમાં દાખલ થયા, અને શ્રીમાન ગાયકવાડ ખંડેરાવના મરણ પર્યંત તેમના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કામ બજાવ્યું હતું. ખંડેરાવના મરણ પછી રાધનપુરના સર ન્યાયાધીશ તરીકે નોકરી લીધી, અને આ નોકરી તેમની છેલ્લી નોકરી હતી.
એક પછી એક ચ્હડતી પદવીની નોકરી કરવા સાથે એઓ વિદ્યાના ઉત્તમ વ્યસની હતા. ગુજરાતી સાહિત્યની બાલ્યાવસ્થામાં વિદ્યા સંપાદન કરવાની પોતાની રુચીને તૃપ્તિ પમાડવા એમણે મોટે ભાગે મરાઠી, ફારસી, તથા હિંદુસ્તાની ગ્રંથોનું બહુ સારું અવલોકન કરેલું હતું. તેના ફલરૂપ “ઘાસીરામ કોટવાલ” નામનું આ નાનું રમુજી પુસ્તક પ્રથમ ઈ. સ. ૧૮૬૫ માં પ્રગટ થયું હતું, અને તે વખતે એ પુસ્તક લોકોમાં એટલું બધું પ્રિય થઈ પડ્યું હતું કે ઘાસીરામની રમુજી વાત આબાળવૃદ્ધ સ્ત્રીપુરુષ સર્વે હોંશેહોંશે વાંચતાં હતાં. ઘાસીરામ કોટવાલના લોકોમાં પ્રસાર થવાથી અને પ્રિય થવાથી એઓ વિશેષ લખવાને ઉત્તેજીત બન્યા. ‘બાગે બાહર અથવા ચાર દરવેશનો કીસ્સો,’ અને જાતી અવલોકન તથા અંગ્રેજી પુસ્તકોના આધારે “મુંબઈનો ભેામીઓ,” એ નામનાં પુસ્તક બહાર પાડ્યાં. ગુજરાતમાં જ્યારે મુંબઈ એક દેવતાઈ નગરી તરીકે પ્રસિદ્ધ હતું ત્યારે એ ભેામીઓ બાહરગામથી આવનારાઓને ભેામીઆરૂ૫ થઈ પડતો. એમનો ચેાથો પ્રસિદ્ધ કરેલો ગ્રંથ “સિંહાસન બત્રીસી” ની વાર્તાનો છે. એ ચારે ગ્રંથો એમના સમયમાં જ લોકમાં સારા સત્કારને પામ્યા હતા. એક બીજા કાયસ્થ વિદ્વાન ગૃહસ્થ મી. વકીલના તંત્રીપણા નિચે “મેલાવડો” નામનું એક માસિક પત્ર પ્રગટ થતું હતું, જેના સાકરરામ મુખ્ય લેખક હતા. નવીન ગુજરાતી ગદ્યલેખનના ઉદયકાળમાં જે ઉત્સાહી પુરુષોએ પોતાનો ફાળો આપ્યો છે, તેમાં દિવાન શાકેરરામ દલપતરામ એક હતા. એમની ભાષાશૈલી બહારની ટાપટીપ વગરની, તાલમેલીઆ ઠાઠ માઠ વગરની, સ્વચ્છ અને સાહજિક છે.
એમનું મરણ ઈ. સ. ૧૮૯૧ ના મહાવદ ૧૪ ને દિને ૬૫ વરસે થયું હતું.

ગ્રંથમાંના વિષયોનો સારાંશ.
–¤¤¤¤¤¤¤¤–
વાત ૧.
ઘાશીરામનો સસરો મોટો મહાન્ પુરુષ હતો. તે પોતાની છોકરીને મળવાને હિદુસ્થાનથી પુને આવ્યો, તે સમય ઘાશીરામના ઘરમાં કુકણી બ્રાહ્મણનો છોકરો શાગરીદ હતા, તેણે અજ્ઞાનપણાને લીધે ચેષ્ટા કરવાથી તે છોકરાની, તેના માબાપની તથા દાદાની દુર્દશા થવાને પ્રસંગ આવ્યો.
વાત ૨.
એક છોકરા વિષે બે બઈરીઓનો વાદ – તેમાં કોટવાલના નીતિ જ્ઞાનનો તર્ક તથા પ્રમાણની તુલના કરવાની રીત કેવી હતી તે જણાવી છે.
વાત ૩.
કોટવાલ અંગ્રેજ સરકાર તરફથી પુનામાં રહેનારા રેસીડેંટને મળવા ગયા ત્યાં થયેલી મજકુર.
વાત ૪.
અબીલ ચોરાયું તે તજવીજથી પકડાયું. તે યુક્તિનો ઘાશીરામે ઉપહાસ કરીને જે લોકોપર ચોરીનું આળ હતું, તેમને તવાપર ઉભા કરવાની યુક્તિ કહી.
વાત ૫.
ઘાશીરામની કન્યા વૃદ્ધ ધણીને આપેલી તેને છેકરાં થાય નહીં, માટે માબાપના કહેવાથી ભજન પૂજન તથા નેમનિષ્ઠા તથા દેહનું કષ્ટ તેણે કર્યું.
વાત ૬.
૧ પ્રાચીન કાળના પુષ્પોનો છંદ. ૨ જોળીઆ છોકરાની વાત. ૩ કઠણ તથા હલકા પદાર્થ મોટા શ્રમે તથા ઘણે ખરચે કરીને તૈયાર કરેલા. ૪ બીજા ચાર્લસના દરબારમાં એક ખોજો હતો તેનો વૃત્તાંત. પ ઘણું ખાનારા.
વાત ૭.
બેલબાગમાં જન્માષ્ટમીના ઉત્સવની અંતે તમાશો થયો, તેમાં ઘાશીરામને આત્મસ્તુતિ ઘણી પ્યારી હતી પણ તે બાયલો હતો તથા શહેરની રખવાળીનો બંદોબસ્ત એનાથી રખાતો નહીં હતો, તે વિષે જણાવ્યું છે.
વાત ૮.
ઘાશીરામની મા મરી ગઈ, તે વખતે બ્રાહ્મણ લોકોએ ગપ હાંકી ઠગવાની યુક્તિઓ ચલાવેલી.
વાત ૯.
ઘાશીરામને કીમીઆનો છંદ હોવાના સબબથી કેટલાએક લોકોએ સાધુપણું બતાવી તેને ફસાવ્યો.
વાત ૧૦.
૧ આગ્રા શહેરના ઇતિહાસનો સાર તેમાં જાહાંગીરશા પાદશાહનો જન્મ કેમ થયો તથા તે શહેરમાં તાજ મહેલ તથા એતમાદુદ્ ઔલાની દરઘા છે તેનું વૃત્તાંત.
૨ ઘાશીરામને એક અફગાન મારતેા હતો, તે ઉપરથી રામશાસ્ત્રી પ્રભુંણે આગળ ફરીયાદ થઈ, તેનો તેણે ખુલાસો કર્યો તે.
વાત ૧૧.
ઉંઘમાંથી ઉઠી ફરનાર લોકોની વાત.
૨ એક ગ્રંથ વેચનાર સાથે ઘાશીરામે કરેલો કરાર તોડ્યો તથા તેના કારખાનાના લોકોની લાંચ રુશવત તથા દગલબાજી કરવાની રીત તથા ચોપડી વેચનારે પોતાના પૈસા લેવાને કીધેલી યુક્તિ વિષે.
વાત ૧૨.
૧ ગારુડી હાથ ચાલાકી તથા બીજી ઠગવાની ક્રિયા કેમ થાય છે, તે વિષે.
૨ ચપુ ગળનારની વાત. ૩ માણસના શરીરમાં કેવી રચના છે તે જેઓ પોતાને વૈદ કહેવડાવે છે, તેમને માલમ નથી તેનો પ્રકાર.
વાત ૧૩.
૧ બોલતાં શિખવેલા પક્ષીની વાત.
૨ બોલતા પક્ષી ઘાશીરામને વહાલા હોવાને લીધે એક કસબણે સંધાન જોઈને ઘાશીરામે જુલમ કર્યા એમ બહાનું કરીને તેની પાસેથી પુષ્કળ દ્રવ્ય લીધું.
વાત ૧૪.
મલાક્કા પ્રાંતના પાટણી નામના શહેરમાંના પુરુષ મહેલનું વૃત્તાંત અને તેમાં જઈ રહેવાની ઘાશીરામને ઉત્કંઠા થઈ તે વિષે.
વાત ૧૫.
હાથીના શાહાણપણાની વાત.
વાત ૧૬.
સૃષ્ટિ ઉત્પન્ન થવા વિષે ખ્રિસ્તી, બ્રાહ્મણ, મુસલમાન તથા પારસી એ ચાર ધર્મના મત પ્રમાણે નિર નિરાળા વૃત્તાંત.
વાત ૧૭.
ધૂમકેતુ ઉગવાથી પ્રલય થવા વિષે બ્રાહ્મણ લોકોનો તર્ક તથા પૈસા કહડાવવાની ઠગવિદ્યા. પ્રાચીન લોકોને ધૂમકેતુ ઉગવાથી ભય ઉત્પન્ન થતું તે વિષે.
વાત ૧૮.
અળંદીની વાર્ષિકયાત્રા તથા જ્ઞાનેશ્વર મહારાજ એમનું વૃત્તાંત તથા તેઓએ કરેલા અદ્ભુત ચમત્કાર તથા રામદાસ સ્વામીનો કંઈ વૃત્તાંત તથા એ બધાના સંપ્રદાયમાં ભેદ.
વાત ૧૯.
રાજાપુર આગળની ગંગા ક્યાંથી કેમ નિકળે છે તથા નિયમિત કાળે વેહનાર ઝરાઓના દાખલા
વાત ૨૦.
૧ પશ્ચિમ હિંદુસ્થાનના ડુંગરોમાંની ગુફાઓ. ૨ યુરોપખંડની તથા બીજા ઠેકાણાની ગુફાઓ તથા ફિંગાલની ગુફા.
વાત ૨૧.
૧ જ્વાળામુખીનું વૃત્તાંત તથા તે વિષે બ્રહ્માણોનો તર્ક.
૨ ખોટા અગ્નિ તથા પિશાચનો રાજા વેતાળની અગ્નિનું સાદૃશ્ય.
૩ બાર્બરા આર્સલીન નામની સ્ત્રીનું લગ્ન થયલું, તેના સર્વ શરીરપર ગુચ્છા વળેલા પીળા બાલ હતા તથા તેને કમર પટા સૂધી પહોંચે એટલી લાંબી દાઢી હતી.
વાત ૨૨.
૧ સમુદ્રમાં ફવારા તથા જમીનપર વંટોળીઆ શાથી ઉત્પન્ન થાય છે તથા એ ઉત્પત્તિઓ વિષે હિંદુસ્તાનના લોકોનું તર્ક.
૨ ક્રાંતિ વૃત્તમાંની બારે રાશિઓ તથા તે વિષે મરાઠી જોશીનો ખેાટો તર્ક.
વાત ૨૩.
૧ બ્રાઝિલ તથા ગોવળકોંડાની હિરાની ખાણો.
૨ કોહીનૂર એ નામના હિરાનું તથા રાજધાનીમાંના મોટા હિરાનું વૃત્તાંત.
વાત ૨૪.
વિજાપૂરનો ઇતિહાસ તથા ત્યાંની જુમા મસીદ, ગોળ ધુમટ તથા માલીકા મેદાનનું વૃત્તાંત.
વાત ૨૫.
શિકંદરા શહેર પાસે પોંપીનો સ્તંભ છે તેનું વૃત્તાંત.
વાત ૨૬.
લંડન શહેરમાંના સેંટપાઉલ દેવલનું વૃત્તાંત.
વાત ૨૭.
૧ પથ્થર ખાનાર માણસની વાત.
૨ માંત્રીક લોકો સાધુપણું તથા ઈશ્વરી સાક્ષત્કાર જણાવીને ઠગબાજી કરે છે તે.
૩ રૂપાના સિક્કા તથા પ્યાલા મંત્રવિદ્યાથી ચાલે છે એવું કહેવાય છે, તે કેમ ચાલે છે તેનો પ્રકાર.
૪ ભૂત, પ્રેત, પિશાચ તથા ચુડેલ એ વિષેની વાતો તથા ચુડેલપર ન્યાયાધીશ આગળ ફરીઆદ થયલી તેની ચોકશી કરી ચુડેલને શિક્ષા આપેલી તે વિષેનો મજકુર.
૫ દેવ, ઋષિ તથા બીજા ઠગારાની ઠગવિદ્યા તથા લુચ્ચાઈ
૬ માયારૂપી છાયા.
વાત ૨૮.
૧ અગ્નિ ખાનારા મનુષ્ય. ર
તાબુતના તહેવારમાં મુસલમાન લોકો ઢોંગ તથા ઠગબાજી કરે છે તે.
૩ શરીરબળથી કરેલાં પરાક્રમ.
૪ વૃક્ષ તથા મનુષ્ય કેટલાં વર્ષ જીવે છે તેનો વૃત્તાંત.
–¤¤¤¤¤¤¤¤–
સ્રોત – ૠણ સ્વીકાર – ઘાશીરામ કોટવાલ – વિકિસ્રોત
વિજય તેંડુલકરના અતી પ્રખ્યાત નાટક ઘાશીરામ કોટવાલનું દૂરદર્શન પરથી ૧૯૮૩માં
હિન્દીમાં પ્રસારીત કરવામાં આવ્યું હતું . આ સમગ્ર વાર્તાને વેગુ પર લાવવા બદલ આભાર
હું વર્ષોથી ઘાશીરામ કોટવાલ નાટક વીશે વાંચતો હતો પણ હું સમજતો હતો તે ઐતીહાસીક હશે. અહીં આ ટાઇટલ જોઇ વાંચવા પ્રેરાયો. પ્રકરણ ૧ વાંચ્યા પછી આ પ્રાસ્તાવીક પરીચય જોયો. હવે બીજો અને ત્રીજો હપ્તો પણ ઉપલબ્ધ છે તે વાંચી લઇશ. આપણા ભદ્રંભદ્રની યાદ અપાવે તેવી છે. એક ગુજરાતીએ મુળ મરાઠીમાં આ લખ્યું હોય તેવું સ્મજાય છે. એવા બહુ ઓછા ગુજરાતી લેખકો હશે જેમણે અન્ય ભગીની ભાષામાં જ મુળ ગ્ર્ંથ લખ્યો હોય
દીવાન શાકેરરામનું ગુજરાતી સંસ્કરણ તકનીકી રૂપે મેારુબા કાહ્નોબાજી ની મરાઠી નવલકથાનો અનુવાદ છે.પરંતુ એ એટલું સ્વાભાવિક રૂપે લખાયું છ એકે તળ ગુજરાતીજ લાગે.