લુત્ફ – એ–શેર : મણકો # ૧૦

ભગવાન થાવરાણી

અહમદ ફરાઝ પછી તુરંત પરવીન શાકિરની રચના આવે એ લાઝમી છે. લોકવાયકા એવી છે કે આ બન્ને એકબીજાની ખૂબ નિકટ હતાં. જોકે પરવીન શાકિર સ્વતંત્રપણે પણ ઉર્દૂ સાહિત્યમાં એક ઊંચું નામ છે. અકસ્માતમાં એ અકાળે અવસાન પામ્યા એ સમયે એક પ્રતિષ્ઠિત શાયરા તરીકેની એમની કારકિર્દી પૂર્ણકળાએ ખીલેલી હતી. એમની ઘણી બધી ગઝલો અને શેર કોઈ વ્યક્તિ-વિશેષને સંબોધિત કરીને લખાયાં છે.

દરેક સમર્પિત વ્યક્તિનો પોતાનો એક અંગત ખુદા હોય છે. આ ખુદા ક્યાંક ગેબમાં નહીં પરંતુ આ ધરતી પર જીવતા-જાગતા માણસના સ્વરૂપમાં પણ હોઈ શકે કારણકે  આ દુનિયામાં કેટલાય લોકો એવા છે જેમનામાં પૂજાવાની એવી પાત્રતા, ગુણો અને મહાનતા વિદ્યમાન હોય છે જે કોઈક દૈવી વ્યક્તિત્વમાં હોય !

આ પરિપ્રેક્ષ્યમાં પરવીન સાહેબાનો આ શેર જોઈએ :

કુછ  સમજકર  હી  ખુદા  તુમકો  કહા  હૈ  વરના –
કૌન  સી  બાત  કહી  ઇતને  યકીં  સે  હમને  ?

કોઈ ‘ એક ‘ ને સંબોધિત કરીને પૂરી હિંમત અને વિશ્વાસથી કહેવામાં આવ્યો છે આ શેર. ‘ સમજી – વિચારીને જ તને ખુદા – ઈશ્વર – ભગવાન કહું છું. અને સાંભળ, વાતો તો બીજી કેટલીય નીકળતી રહે છે મારા મોંએથી, પરંતુ આ ખુદાવાળી વાત જેટલા વિશ્વાસથી કહું છું એટલા ભરોસાથી કોઈ વાત મેં ક્યારેય કરી નથી ! ‘

કોઈ હાડ-ચામના મનુષ્યમાં શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસાની નવી ઊંચાઈ છે આ …


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.