યૂં કિ સોચનેવાલી બાત : ભારતમાં ગૃહિણી કે ઘરેથી કામ કરતાં વ્યાપારઉદ્યમી સ્ત્રીઓનું મૂલ્ય ઓછું અંકાય છે

આરતી નાયર

આજના લેખમાં મારે જે કહેવું છે તે વિષે વાત શરૂ કરતાં પહેલાં એક ચોખવટ જરૂરી છે – આજના આ લેખમાં ‘ગૃહિણી’ શબ્દપ્રયોગ બધી જ ગૃહિણીઓના સંદર્ભમાં નથી કરાયો. પરંતુ હું એટલું કહેવાની છૂટ પણ જરૂર લઈશ કે અહીં હું જે કહેવા માગું છું તે મોટા ભાગની ભારતીય ગૃહિણીઓએ ઓછેવત્તે અંશે અનુભવ્યું તો છે જ. નોકરી કે વ્યવવ્સાય અને ગૃહસ્થી એમ બન્ને ક્ષેત્રે કાર્યરત છે તેમની વાત અહીં નથી કરી. ઓક્ષફૅમના એક અહેવાલ અનુસાર, જેનું મૂલ્ય નથી અંકાયું કે ચુકવાયું એવાં સ્ત્રીઓ દ્વારા કરાતાં કામોનો વિશ્વસ્તરનો આંકડો $૧૦ ટ્રિલિયન જેટલો છે. ભારતની જીડીપીનો ૩.૧% હિસ્સો પોતાનાં ઘરનું / ઘરેથી કામ કરતી સ્ત્રીઓનાં ન ચૂકવાતાં હોય એવાં કામનો છે.

સંદર્ભ: “Marvellous Mrs Maisel”. ચિત્ર સ્રોત: Amazon.in

પાછલાં દસ વર્ષોમાં હું મારાં માતાની પ્રત્યેના વહેવાર વિશે વધારે વિચાર કરતી થઈ છું. તેમનાં કામ અને પ્રયાસોનું મારા કે અન્યો દ્વારા કેવું મૂલ્ય અંકાય છે, કે અવમૂલ્યન થાય છે, એ મારા મનમાં ઘોળાય છે. હું એ પણ કબુલ કરીશ કે આ વિચારપ્રક્રિયા ચાલુ જ રહે છે. મોટા ભાગનાં લોકોને ગૃહિણીઓ પ્રત્યેના પોતાના વર્તાવની લાંબા ગાળાની અસરો વિશે કોઈ જ અંદાજ નથી હોતો. એક સમયની વ્યાપારઉદ્યમી તરીકે હું જાણું છે કે કોઈ પણ વ્યક્તિનું આપણે કેટલું મૂલ્ય આંકીએ છીએ, કે તેમને કેટલૂં માન આપીએ છીએ, કે તેમને કેવો પ્રતિભાવ આપીએ છીએ, તેનું માપ તેમનાં કામનું આપણે કેટલું મૂલ્ય આંકીએ છીએ, કે ચુકવીએ છીએ, તેનાથી નક્કી થતું હોય છે. ગૃહિણીઓની બાબતમાં આ બધું જ અતિમ માત્રામાં જોવા મળતું હોય છે.

સામાન્યપણે ગૂહ વ્યવસ્થાપન અંગેનાં તેમનાં યોગદાનનું મૂલ્ય ‘શૂન્ય’, એટલે કે કંઈ જ નહીં, અંકાતું હોય છે. ગૃહિણીનાં કામનું મૂલ્ય ચુકવાતું નથી એટલું જ નહીં, ઉપરથી એ તો ‘એનું કામ જ છે ને !’ એમ માની પણ લેવાતું જ હોય છે. આ સંદર્ભંમાં તેને જેટલા કલાકો કામ કરવું પડે છે એટલું પણ ચોપડે નોંધાતું નથી. આટલું ઓછું હોય, એમ ક્યારેક તો તેમનું કામ બીનજરૂરી છે તેમ પણ રજૂ કરાતું જોવા મળે છે. જેમકે, જે સ્વચ્છતાના લાભ લેવા આપણને ગમે એ સ્વચ્છતા માટેના તેના આગ્રહની મોટાભાગે ટીકા થતી કે હાંસી ઉડાવાતી હોય છે. આપણા ધ્યાન પર જ નથી આવતું કે સ્વચ્છ ઘરની દેખીતી, અને ન દેખાતી, અસરો આપણાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર કેવી અને કેટલી થઈ રહી છે. મહામારીગ્રસ્ત ૨૦૨૦નાં વર્ષમાં મોટા ભાગનાં લોકોએ ઘરેથી કામ કરવાનું આવ્યું છે. તેમ છતાં, ઘર અંગેની, અને ઘરનાં લોકોની, સંભાળ લેવાની પ્રાથમિક જવાબદારી ગૃહિણીના શિરે જ રહી છે.

સંદર્ભ: ‘Tumhari Sulu’ કાર્ટુન ચિત્ર સૌજન્ય: Arre

ધારોકે તમે વર્ષોથી જ્યાં જાઓ છો એવાં તમારી પસંદનાં રેસ્તરાંમાં ગયાં છો. પરંતુ, આ વખતે તેમને જે વાનગી પીરસવામાં આવી છે તે તેમને નથી ગમી. તેનો સ્વાદ કંઈ બેહુદો લાગે છે. તો હવે શું કરશો? મોટા ભાગનાં લોકો મોઢું બગાડીને ચલાવી લેશે. એવાં પણ કેટલાંક હશે જે ગુસ્સે થયા વગર રેસ્તરાંના મૅનેજરને કે શૅફને બોલાવશે અને ફરિયાદ કરશે કે જાણ કરશે. કેમ? કેમકે, આવું ક્યારેક જ બનતું હોય છે. નવાઈની વાત એ છે કે મોટા ભાગનાં લોકોની પોતાને ઘરે વર્તણૂક આમાંની એક પણ નથી હોતી. ઘરે ગૃહિણીને અપાતો પ્રતિભાવ, સામાન્યતઃ, ક્યાં તો કટુતા ભર્યો, કે ઝઘડાના કે પછી તેને ઉતારી પાડવાના સુરનો હોય છે. મેં ઘણાં નવી પેઢીનાં યુવાનોને જમવાનાં ટેબલ પર જ ખોરાક હડસેલી દેતાં પણ જોયાં છે. બાળક તરીકે આ પ્રકારનું વાતાવરણ મેં નથી જોયું. જમવા બેસતી વખતે બે નિયમો હોય : થાળીમાં શું પીરસાયું છે તેની સામે સવાલ નહીં કરવાનો અને ખોરાકને નકારવાનો નહીં. કુપોષણથી પીડાતાં કે બે વખતનું ખાવાનો જોગ પણ ન થાતો હોય એવાં બહુ બધાં લોકો આજે પણ છે એવા આપણા દેશમાં ખોરાકનું અપમાન કરવું કે બગાડ કરવો એ સરાસર નિંદનીય છે.

ભારતમાં ઘરની સ્ત્રીઓ હંમેશાં કુટિર ઉદ્યોગ પ્રકારનાં કામ કરતી આવી છે. નાસ્તા, પાપડ,અથાણાં જેવી વસ્તુઓ બનાવવી (કે હવે બ્યુટી પાર્લર જેવા વ્યવસાયો ઘણી સ્ત્રીઓ) ખંડ સમયમાં કરી લેતી જોવા મળે છે. તેમની આ મહેનત કુટુંબ માટે બહુ આવશ્યક એવી જીવન નિર્વાહની આવકનો સ્રોત હોય છે. પરંતુ, આ બહેનોને એમનાં કામ માટે યોગ્ય સન્માન નથી મળતું. મારી દૃષ્ટિએ તો ગૃહિણીનું ઘર વ્યવસ્થાપન કોઈ પણ મોટી કંપનીનાં સંચાલનથી ઓછું અધરૂં નથી. પરંતુ એ બહેનો સહેલાઈથી, અને સ્વાભાવિકપણે જે એ કામો કરી લે છે એટલે તેમને બહારનાં લોકો પાસેથી તો ઠીક, ઘરનાં લોકો પાસેથી પણ, મહત્ત્વ નથી મળતું. કમનસીબીની વાત એ છે કે આવું કરવામાં ઘણી વાર બીજી સ્ત્રીઓ જાણ્યેઅજાણ્યે પણ જોડાઈ જાય છે.એટલે તેમના વ્યાપાર સાથે સંકળાયેલ અન્ય વેપારીઓ પાસે બીજી શું અપેક્ષા કરવી? સ્ત્રીઓએ આ પ્રકારનાં બીજાં કામો કરવાની સાથે ઘરનાં રોજબરોજનાં રસોઇ, સફાઈ, પુરવઠાઓની જાળવણી જેવાં કામો તો ઘડિયાળને કાંટે, હસતા મોંએ કરવાનાં રહે તેમાં તો પાછી ક્યાંય છૂટછાટ ન હોય !

ભેદભાવ દર્શાવતી એકલદોકલ ઘટના પણ સામાજિક અભિગમનું જ પ્રતિબિંબ પાડે છે એ વિશે થોડા સમય પહેલાં મારે એક મિત્ર સાથે દલીલમાં ઉતરી પડવાનું થયું. તમારા નાણાકીય સલાહકારને તમે જ્યારે તમારાં નાણાંનું થાપણમાં રોકાણ કરો, કે વીમા એજન્ટને જ્યારે તમે નવો વીમો લો, ટ્રાવેલ એજન્ટ પાસેથી ટિકિટ બુક કરાવો ત્યારે તેમને તેમની સેવાઓ માટે કે કોઈ તજજ્ઞ પાસે સલાહ લેવા જવાનું માર્ગદર્શન આપવા માટે કમિશન મળે, પરંતુ એક ગૃહિણી જો પોતાના અનુભવના આધારે આવી સલાહ કે માર્ગદર્શન આપે તો તેને કંઈ જ ન મળે. તેમના સંપર્કો, જ્ઞાન અને અનુભવ તેમજ તેમની વ્યાવહારિક બુદ્ધિની નકલ તો કંઈ જ મૂલ્ય ચુકવ્યા વિના જ કરી શકાય.

સંદર્ભ: Sri Devi From English Vinglish. ચિત્ર સ્રોત: Fan Art via Twitter

દરેક સમાજના બધા વ્યવહારો એવા સામાજિક કરારથી અનુબંધિત હોય છે જેમાં દરેક વ્યક્તિને કમસે કમ માણસ તરીકે સન્માન અને સમાન તક મળે તે પ્રાવધાન સ્વીકારાતું હોય છે. પૈતૃક સમાજ વ્યવસ્થા અભિમુખ સમાજ્ની સમસ્યા એ છે કે સ્ત્રીઓને ભાગે તેમને જે કંઈ મળે તેના કરતાં ઘણું વધારે વાળી આપવું પડે છે. સ્ત્રીઓ સાથે જે કંઈ થઈ રહ્યું છે એ સ્ત્રીને ‘તેનું સ્થાન દેખાડી દેવાનો’ સભાન પ્રયાસ નથી એમ માનવું એ કદાચ ભોળપણ હશે, કે પછી પુરી સમજપૂર્વકની હલકાઈ હશે. પરંતુ એટલું તો સ્પષ્ટ છે પૈતૃક સમાજમાં એક સ્ત્રીને બીજી સ્ત્રી સામે ભીડાવી દેવાતી રહે તો પણ સ્ત્રીઓએ ‘નિઃસ્વાર્થ ભાવથી’ તેમની સેવાઓ આપતાં રહેવું. એવું શા માટે કે સ્ત્રીઓએ પોતાના પક્ષે આવેલ કરારની શરતોનું પાલન તો કરવું જ, પછી ભલેને સામો પક્ષ તેનો ભંગ કરતો રહે. એ સંજોગોમાં આવા સામાજિક કરારને સ્ત્રી નવેસરથી કેમ નક્કી ન કરી શકે ?

ઈકોનોમિક એન્ડ પોલિટિક્લ વીકલી (EPW) દ્વારા કરાયેલ એક વિશદ સર્વેક્ષણમાં માર આ સવાલોનો જવાબ બહુ રસપ્રદ રીતે ફલિત થાય છે: મુડીવાદ + પિતૃપ્રધાન સમાજ = સ્ત્રીઓનાં છુપાયેલ રહેલ યોગદાન. ભારત જેવા દેશોમં જે સ્ત્રીઓ ઘરેથી કુટિર ઉદ્યોગ જેવાં કામો કરે છે એ તેમના વડે થતું અનૌપચારિક વાતાવરણમાં વિધિપુરઃસરનું કામ છે. હવે તો આંતરરરાષ્ટ્રીય કાયદાઓમાં પણ સ્વ-ઉપાર્જન કરનાર’ અને ‘પગારદાર’ને અલગ અલગ પ્રકારના કારીગર તરીકે સ્વીકારવામાં આવેલ છે. પરંતુ ભારતમાં ઘરેથી કામ કરતી કે પોતાનં ઘર્નું કામ કરતી સ્ત્રીઓ માટે આ વૈધાનિક વ્યાખ્યા પૂરતી નથી. મજદૂર કામના આ બન્ને પ્રકાર અને કાયદાઓ સ્ત્રીઓ વડે કરાતાં કામનાં મહત્ત્વનું પુરતું મૂલ્યાંકન નથી કરી રહ્યા. પરિણામે ઘરેથી, કે ઘરનું કામ કરતી સ્ત્રીને ‘મજૂર’નો દરજ્જો નથી મળતો. મુડી મોટા ભાગે તેમની પહોંચમાં નથી હોતી અને તેમનં કામો જ વળી તેમને વધારે આજ્ઞાંકિત બનાવી રહે છે. ભારતમાં પ્રવર્તતી મોટા ભાગની સ્થિતિઓમાં આદીવાસી કે સમાજના નીચલા વર્ગની સ્ત્રીઓને તો સૌથી વધારે સહન કરવનું આવે છે કેમકે તેઓ સ્ત્રી+નીચલા વર્ગનાં છે.

દુનિયામાં જ્યાં જ્યાં સ્ત્રીઓને તેમની શક્તિઓ અનુસાર સમાન સ્થાન અને હક્ક મળી શક્યાં છે તેમની એકતાને સામાજિક વ્યવસ્થા સામે પડકાર ફેંકવાથી જ મળ્યાં છે. સીધી રીતે કહીએ તો, ઘરથી લઈને કોન્ટ્રાકટર્સથી સરકાર સુધીની બધી જ સંસ્થાઓ સ્ત્રીઓને વધારે સમાવિષ્ટ ભૂમિકા મળે તે પ્રકારનું પ્રોત્સાહન આપવામાં ઊણાં પડતાં જોવા મળે છે. જાતપાત, વર્ગ કે ધર્મને અતિક્રમીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એકતાની આજે તાતી આવશ્યકતા છે. એકબીજાંની નિષ્ફળતાની વધારે પડતી ટીકા જ કર્યા કરવાની જગ્યાએ આપણે આપણી સફળતાઓના ઓચ્છવ કરવા જોઇએ તે સ્ત્રી તરીકેની આપણી સામાજિક ફરજ છે. એનો એક અર્થ તો એ કે મારા જેવી, ભણેલી, વિશેષાધિકારપ્રાપ્ત, ‘ઉચ્ચ-વર્ણ હિંદુ’, જેની બધી જ રીતે સંભાળ રખાઇ રહી છે, વ્યાપક સંપર્કો ધરાવતી, સ્ત્રી એ પૈતૃકસમાજવ્યવસ્થા સામેની લડતને નવી દૃષ્ટિએ કલ્પવી પડશે. એ મારા જેવી સ્ત્રીઓ માટેની જ લડત નથી, તેમાં ટ્રાંસજેન્ડર, દરેક ધર્મ કે પ્રદેશની લઘુમતિઓ કે કોઈ પણ કારણસર વંચિત રહી જવા પામેલ સ્ત્રીઓનો સમાવેશ થાય તે પણ જોવું પડશે. આમાં ડગલેને પગલે મુશ્કેલીઓ તો આવશે, પણ એ દરેક સમયે આપણે આપણાં આંખકાન ઉઘાડાં રાખીને તેમનાં મૂલ્યને ઉચિત સ્થાન અપાવવાની આપણી સફરનો માર્ગ અને દિશા પકડી રાખવાં પડશે.

સંદર્ભ: પરસ્પર નિર્ભરતાનું પરદા પર ઉદાહરણ: ‘Marvellous Mrs. Maisel’,ધાણીની જેમ વઃછૂટતી એજન્ટ સુસી (જમણે, બીજાં બધાંથી પહેલાં જ,માને છે કે ત્યજી દેવાયેલ ગૃહિણી મુડ્જ (ડાબે) સ્ટેન્ડઅપ કોમિક કરી શકશે. ચિત્ર સ્રોત: Amazon Prime.


મૂળ અંગ્રેજી લેખ The Undervalued Housewives & Home-Based Entrepreneurs of India પરથી


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે

Author: admin

Leave a Reply

Your email address will not be published.