સુગરીનો સ્વયંવર

– રક્ષા શુક્લ

શાળાના એ સુવર્ણ દિવસોમાં રિસેસના નાસ્તા માટે મળતા પચ્ચીસ પૈસાની ખારી શીંગ તો લેવાની જ. એ હું ય ખાઉં ‘ને મારા કબૂડાં પણ. સ્હેજ આછો ચકરાવો લેતા લેતા પગલીઓની છાપ ધૂળમાં છોડતા એ આગળ વધી મારી હથેળીમાંથી શીંગ ખાય. એના એ ગુલાબી પગ..ગ્રેઇશ ઝાંય વાળી નમણી ડોક મને ખૂબ મોહે ‘ને હું એના પર બધી શીંગ ઓવારી જાઉં. ક્યારેક તો મોર પણ શીંગ સાથે હથેળીમાં ચાંચ મારવાની આત્મીયતા જતાવે. કાબરનું બકબક, સુગરીનો હળદરિયો વેશપલટો, ખિસકોલીની નિર્દોષ હડિયાપાટી મારા મનના વનવગડામાં અડિંગો જમાવે. એકવાર સ્કૂલની પાછળ એક નાળિયેરીમાં સુગરીઓ માળો કરે એ જોવામાં એવી તલ્લીન થઇ કે રિસેસ ક્યારે પૂરો થયો એનું ભાન જ ન રહ્યું ને ટીચરનો મીઠો ઠપકો મળેલો. પછી તો મારા એ ઘેલા મનજીએ નક્કી કર્યું કે મારું ઘર તો એવું જ હશે કે જેમાં એક ચબૂતરો પણ હોય. સુગરીના માળા પણ હોય ને નાળિયેરી ખરી જ…

સોક્રેટીસે કહ્યું છે કે Wonder is the beginning of wisdom. ‘ને એ તો આ રહ્યું. એટલે ‘વાહ્હ.., અદભૂત.., અરે જુઓ તો.. કે ઓહોહો..’ જેવા ઉદગારો કંઈ કેટલીયે વાર મોંએથી સરી પડે. આવી મુગ્ધતા ને વિસ્મય જોઇને ‘આ તો બાળક જ રહી ‘ કહી અપરિપક્વ હોવાનું ટાઈટલ કોઈ આપી દે તો મને મંજૂર છે. સંવેદનશૂન્યને તો એવું જ થવાનું કે ‘આ ઝાડવાં ને ચકલામાં શું જોવાનું હોય !? બધા ય સરખા.’ ત્યારે હું એ જડ સંવેદનવાળા શરીરથી દૂર સરકી જાઉં છું. મને તો સામે દસ લીમડા ઊગેલા હોય તો એ પણ બધા નોખી ભાતનાં લાગે. દરેકની અલગ પેટર્ન..અલગ માભો.

ફ્રાન્સની પ્રખ્યાત લેખિકાને એની મા પાસેથી બહુ ઓછા શબ્દોનો અમૂલ્ય જીવનમંત્ર વારસામાં મળ્યો હતો. એ હતો, ‘જો…જો..’. વહેલી સવારે ખીલેલા ફૂલો, વહેલી સવારના પવનની મર્મર, પાંદડાઓનું ધીમું ગાન, પંખીઓની રૂપ-છટા કે કલરવ તરફ એ દીકરીનું ધ્યાન દોર્યા જ કરતી. ખૂલ્લી આંખો અને ખૂલ્લા કાને જીવતા શીખવતી. જે માણસની આંખમાં વિસ્મયે તંબૂ તાણેલા હોય તેની જિંદગીને બાથમાં લેવાની ત્રેવડ વધુ.

સાંજનો સમય મારો ગમતીલો. ત્યારે હું સુરેશ દલાલની જેમ કૃષ્ણને પણ લાડ કરી કહી શકું કે,

‘સાંજ પહેલાની સાંજ ઢળી છે શ્યામ, હવે તો જાગો.
તમે અમારા રોમરોમમાં થઇ વાંસળી વાગો..
તમે અમારી જેમ શ્યામજી, સંગ અમારો માગો…’

આવી એક રમણીય સાંજે રામપરાના રોડ પર ચાલતા અચાનક જ ટોળાબંધ સુગરીઓનો અવાજ કાનમાં ઘૂસ્યો. ‘અરે…આતો મારી વ્હાલુડીઓ !’ ઘરે ચબૂતરામાં રોજ આવે. ઘડીક વંડી પર એક હારમાં ગોઠવાઈ જાય, ઘડીક દાણા ખાતી ખાતી ચીંચીંયારી કરી મૂકે. મેં પૂછેલું ય ખરું, ‘એલી, આ આટલો દેકીરો કાં કરો ? ક્યાંય ધાડ પડી ? કોઈ ગરાસ લુટાઈ ગયો કે શું ?’ ત્યારે ખી ખી કરતા બધી કહેવા લાગી કે ‘અમે અહીં તને મળવા આવીએ..ને બેનજી પોતે ઘરમાં ગુમ ! એવું થોડું ચાલે ? તને બ્હાર કાઢવા જ અમારે આ સમૂહગાન થોડું ઊંચા સૂરે છેડવું પડ્યું.’ ત્યારે મેં કહેલું કે ‘તે કોઈવાર તમારા ઘરે ય પાછી મને બોલાવજો, હો’. ‘ને મને થયું કે આ એ જ મંગળ ટાણું આવ્યું લાગે. હવે પગ થોડા બાંધ્યા રહે ! તરત જ સુગરીના અવાજનો પીછો કરવા વળ્યાં. પછી તો જે દ્રશ્ય સામે આવ્યું એનાથી આંખો ચકિત થઇ ગઈ. હોળીની પિચકારીમાંથી છૂટતા પીળા રંગથી જાણે વાતાવરણ ભરાઈ ગયું હોય તેમ સુગરીઓનું વિશાળ ટોળું નજરે પડ્યું – એક કૂવામાં નમેલા મોટા વૃક્ષમાં માળા કરવામાં બીઝી ! એનો ઘેરો કેસરિયો પીળો રંગ આંખમાં ફાગણ વાવી ગયો. કાનમાં હોળીના ગીતો વાગવા લાગ્યા અને હોઠ પર રમેશ પારેખની કવિતા રમવા લાગી…

‘નાં રે નાં, પંખી ક્યાં ગાય છે ?
પંખી તો ઉડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે.
આ બાજુ પથ્થરના મંદિરમાં થાય રોજ કાળમીંઢ ધર્મોના કાંડ,
આ બાજુ પંખીઓ બેસતા એ ઝાડવાની એક એક ડાળી બ્રહ્માંડ.
નાં રે, પરભાતિયું ક્યાં થાય છે !
આવડે તો પીઓ, આ પંખીના કલરવથી રસબસતો તડકો ઢોળાય છે.’

પેલો વિસ્મયનો કીડો ઘણા સમયથી મગજમાં ખીચ ખીચ કરતો હતો કે આ પીળી પચરક ટિંગુડી સુગરી આટલો સુંદર માળો ગૂંથે છે કઈ રીતે ? ‘ને અચાનક આ રહસ્ય ખૂલ્યું. પછી તો થોડા દિવસ દૂરબીન લઈને શેરલોક હોમ્સની અદાથી અમે ખેતરના કૂવામાં નમેલા મોટા વૃક્ષની ડાળીઓમાં ઘટતી ઘટનાઓનું અવલોકન આદર્યું. આમ કરતા સુગરીરાણીની કેટલીયે ખાસિયતો સામે આવી.

પ્રશ્ન એ થાય કે આ સુગરો કઈ એન્જિનીયરીંગ કૉલેજમાં ભણ્યો હશે ? જો કે એક વાત નક્કી કે જો આ સુગરાઓને કૉલેજ કરવાની આવે તો એન્જિનીયરીંગ ક્વોટામાં ધસારો થાય…આર્ટસ કે કોમર્સ કોયલ કે કાગડાને સોપ્યા. વૈશ્વિક સ્તરે ‘આર્કિટેક્ટ એન્જિનિયર’ની ઓળખ પામેલ આ વ્હાલુડા કોઈ બાહોશ બિલ્ડરની જેમ પ્રથમ નજીકમાં પાણી ધરાવતી કે ભેજવાળી મોકાની જગ્યાની શોધ આદરે છે. મોટાભાગે કાંટાળા ઝાડની ડાળીઓના પાતળા છેડાને પસંદ કરે છે. ટાઈટલ ક્લીયર છે કે નહીં તે જોયા પછી એન.ઓ.સી. ગજવે કરી માળો બાંધવાની શરૂઆત કરે છે. જેથી કોઈ સાપ જેવા ઘાતક જીવનો ભાર એ જીલી જ ના શકે અને ત્યાં સુધી ન પહોંચે. જો પહોંચવા કરે તો એનું ભોંયભેગા થવું નક્કી. બાંધકામ માટેની જગ્યા પસંદ કર્યા પછી બાજરો, ખજૂરીના રેસા કે લાંબા ઘાસનાં લીલા તાતણાં, સળીઓ કે પત્તીઓ તોડી લાવે છે. ઘાસની પત્તી પહોળી હોય તો તેને નીચેથી અર્ધું પકડી કૂદક કૂદક કરતો ઉપરની બાજુ ખસે છે ને સાથે એની ડોકને ય ઉપરની બાજુ ઝટકો આપી તેને ચીરે છે. પછી એ ચીરેલું પાતળું તરણું માળામાં તાણાવાણાથી કે અર્ધગોળાકાર લુપ્સ લેતા જઈને એવો માળો ગૂંથે છે કે પાણીનું એક ટીપું ય તેમાં પ્રવેશી શકતું નથી. વિચાર આવે કે છે કોણ એ પામર મનુષ્ય જે ફૂવડ સ્ત્રીઓની સરખામણી આટલી સુઘડ અને બાહોશ બિલ્ડર સુગરી સાથે કરી સુગરીને બદનામ કરે છે ?! સુગરી એટલે તો ખરા અર્થમાં સુગ્રહી.

મહત્વનો તબક્કો તો હવે આવે છે. નર સુગરી માળો બાંધવાની શરૂઆત કરે છે ત્યારે જ એનું નામ મેરેજ બ્યૂરોના કેન્ડીડેટ્સ લીસ્ટમાં ઉમેરાઈ જાય છે. પૈણું પૈણું કરતો હરખઘેલો સુગરો ઘર બનાવતો હોય ત્યારે જ માદા એ ઘરને ફોજદારની અદાથી સુપેરે ચકાસીને પસંદગીનો કળશ એના પર ઢોળે છે. અને જોડી બની જાય છે. પછી તો ‘કંકુ છાંટી કંકોતરી મોકલો’…થી માંડી ‘પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા…’ જેવા મંગળ ગીતોનાં ઈયરપ્લગ કાનમાં ચડાવી મનમેળ થયેલા ઇજનેર સાથે ‘YES’ ની લગ્નગ્રંથીથી બંધાઈને નરમાદા બંને પોતાના ઘરને પૂર્ણ કરવામાં ખંતથી લાગી જાય છે. જેમ મેગાસિટીમાં હવે ઘર જોઇને વર પસંદ થાય છે તેમ. સુગરી હોમલોન લેતી નથી એટલે એને ઇન્સ્ટોલેશનની ચિંતા જ હોતી નથી.

એમ તો ન્યુ ગીની અને નોધર્ન ઓસ્ટ્રેલિયામાં વધુ જોવા મળતા બોવર બર્ડ તેની યુનિક કોર્ટશિપ બિહેવિયર માટે ખૂબ પ્રખ્યાત છે. માદાને રિઝવવા નર સળીઓથી અત્યંત સુંદર કુંજ (માંડવા જેવું) તૈયાર કરે છે અને તેની આસપાસ ઘેરા રંગના રંગબેરંગી ફૂલો, ફળો, પથ્થરો, પાંદડાઓ,..અરે, ક્યારેક કપડાની ક્લિપ્સ સુદ્ધા ક્યાંકથી ઠાંગી લાવે છે અને માળા સામે નાની મોટી ઢગલીઓ કરીને અદ્ભુત દ્રશ્ય ખડું કરે છે. એની કલર સેન્સ અને ચીવટ એવી દાદુ હોય છે કે તમે વારી જાવ. ઘરનું મૂલ્ય જાણવું હોય તો સૃષ્ટિના આ ગાંડિયા ઈજનેરોની અથાગ મહેનતને આંખમાં ભરવા જેવી ખરી.

સુગરીને માળો કરતા ૮ થી ૧૮ દિવસ લાગે છે. સૌ ભલે કહે કે ’સાંજ પડે પંખીઓ પણ માળામાં પાછા ફરે છે’ પણ એવું નથી. પંખીઓ ઋતુગામી હોય છે. પ્રજનન ઋતુમાં માત્ર ઈંડાને સેવવા પૂરતો જ તેઓ માળો બાંધે છે. તે સમયે નર વરણાગિયો બની જાય છે. નરના ગળા અને છાતી પર ઘેરો પીળો અને કાન પાસે ઘેરો કથ્થઈ રંગ શોભી ઊઠે છે. પ્રજનનકાળ માટે વર્ષાઋતુ બાદનો સમય ઉત્તમ ગણાય છે. જૂન-જુલાઈની ગરમીની સિઝનમાં તેના બચ્ચાં એ.સી.ની ઠંડકમાં ઉછરે છે. હા જી, પવનથી બહુ ઊડે નહીં અને ગરમીમાં રાહત રહે તેથી માળામાં ભીની માટી પણ આ પંખી રાખે છે. માદા ૩ થી સફેદ ઈંડા મૂકે છે. એટલે જ કવિ જતીન બારોટ એક કાવ્યમાં લખે છે કે ‘દીકરી આવી છે મને દીકરી. મોટી થઈને મને રાખશે રે એમ જેમ માળામાં બચ્ચાને સુગરી’.

સુગરીઓ સમૂહમાં કોલોની બાંધીને રહે છે. બદલાતા સમયમાં છૂટાછવાયાં થઇ છિન્નભિન્ન જીવતા આજના માણસે સમુદાયનું મૂલ્ય આ પંખીઓ પાસેથી શીખવા જેવું છે. સુખદુઃખની વાતો વહેંચી ન શકાતા એકાકી જીવતો માણસ ગુનાઓ આચરે છે અને આત્મહત્યા તરફ દોરાય છે. સુગરી જાણે વાસ્તુશાસ્ત્રની પણ જાણકાર લાગે છે. સુગરીના માળાનું મુખ કદાપી નૈઋત્ય દિશા તરફ હોતું નથી કારણ કે ચોમાસામાં મોટાભાગે આ દિશામાંથી પવન ફૂંકાતા હોય છે. આમ તો અલગ અલગ મોસમ પ્રમાણે એ અલગ અલગ માળા બનાવે છે. ચોમાસામાં માળાના દરવાજા પર છાજલી જેવું બનાવે છે જેથી પાણી અંદર ન જાય. જ્યારે શિયાળામાં એક અંદરનો પણ રૂમ બનાવે જે ખૂબ જ ગરમ હોય પછી ઠંડી પૂરી થતા જ આ ઓરડામાં બારી પાડી દેવામાં આવે છે જેથી ગરમી ઓછી થઇ જાય. ઊંધા ચંબુ જેવા આ ઘરમાં ઉપર-નીચે એમ બે કે ત્રણ રૂમની વ્યવસ્થા હોય છે. મોટાભાગે માળાનો નળાકાર દરવાજો નીચેના ભાગે હોય છે.

પક્ષીઓની વિશિષ્ટતાઓ તો જુઓ. તેઓ દર વર્ષે પોતાનું નવું જ ઘર બનાવે છે. એકવાર બચ્ચા ઉછરી ગયા કે માળા અને બચ્ચાઓ માટે સાક્ષીભાવ. માળો તરત છોડી દે છે. બચ્ચા પણ એક સ્વતંત્ર હસ્તી ! આવા છોડી દીધેલા માળાઓને પછીથી ટપુસિયા જેવા પંખીઓ પચાવી પાડે છે. ટપુસિયા ભાગ્યે જ માળા બાંધે છે. મોટા ભાગે સુગરીનાં ત્યજી દીધેલા માળામાં રહેઠાણ બનાવી લે છે. એટલે જ ડ્રોઈંગરૂમની શોભા માટે આવા માળાઓનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. આપણી પાસે સજાવટની ચીજોની ક્યાં કમી છે !

આ રમણીય ઘટનાઓમાંથી પસાર થતા એક બહુ અનોખી વાત ધ્યાન પર આવી. ‘ને હું આફરીન પોકારી ઊઠી આ સુગરાના એ સ્ત્રીદાક્ષિણ્ય પર. માળાનું બાંધકામ ચાલુ હોય ત્યારે અંદર-બ્હારથી તેનું ચેકિંગ કરવા માદા વારંવાર માળાના એન્ટ્રન્સમાં જઈને બેસે. હવે નરને તેના કામમાં ખલેલ પહોંચાડતી આ વાત બહુ ખૂંચે એટલે ચાંચો મારીને, મીઠો ઝગડો કરીને ય એ માદાને ઉડાડી મૂકે. પણ આતો દરવાજે બેઠેલી માદાનું મોં આગળ હોય તો જ હો ! જો એનું મોં માળાની અંદરની બાજુ હોય તો સુગરો પાછળ ક્યાંય સ્પર્શે પણ નહીં. કકળાટ કરતો માત્ર તેની આસપાસ ઉડે. ન કોઈ ઘરેલું હિંસા કે ન કોઈ ઉગ્રતા. સલામ તેની આ ઊંડી સમજણને.

વળી એ પણ જોયું કે જેમ માણસો વચ્ચે કોઈ ફૂવડ હોય ને ઘર ગોબરું રાખે તેમ આ સુગરીમાં પણ હોય. અમુક સુગરા કોઈ ચીવટ વિના આડેધડ મોટા મોટા તરણાંઓ ગોઠવી ઢંગધડા વિનાનો માળો પણ બનાવતા હોય છે જે જોવો પણ ન ગમે. ઘર આપણી મર્યાદાઓને ઢાંકે છે. ઘણા સુગરા તો એવા આળસુ હોય છે કે બીજાના બંધાતા માળામાંથી તરણાં ખેંચીને પોતાના માળામાં ગોઠવી નાખે છે. સીધી દાદાગીરી જ. પણ અમેરિકન લેખક (Aphorist) મેસન કૂલી કહે છે કે ‘Art begins in imitation and ends in innovation’. જો કે ક્યારેક કોઈ સુગરી પોતાનો માળો બની ગયા પછી બીજાને માળો બનાવવામાં મદદ પણ કરતી હોય છે. આ બધી વેતરણ વચ્ચે સુગરીની સોસાયટીમાં ચીંચીંયારી ને ધડબડાટી બોલતી હોય તે જોવાની ખૂબ મજા આવે. આવા ઉદાત્ત વિચારોના આનંદ દ્વારા માણસને ખુશહાલ ખલેલ પહોંચાડતી પ્રકૃતિની આવી અખૂટ હસ્તી રહસ્યમાં વીંટળાયેલી છે એવું કવિ વર્ડ્ઝવર્થ પણ અનુભવે છે. આવી ઊર્ધ્વમૂલ ખલેલ આપણા વિસ્મયને દર્શન ભણી તાણી જાય છે અને અલૌકિક આનંદ દ્વારા તેને ખોલી આપે છે.


સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – shukla.rakshah@gmail.com
મોબાઈલ – +91 99792 44884


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: admin

4 thoughts on “સુગરીનો સ્વયંવર

 1. રક્ષા જી ,

  આપના લેખ નું મથાળું એટલું રોચક છે કે આખો લેખ તરતજ વાંચી લીધો અને

  મારુ મન , મારુ હૃદય , મારી લાગણીઓ 1965 ની સાલ ની આસ પાસ હીંચકા ખાવા લાગી .

  મારી શાળા અને તેના પરિસર માં ઘણી નારિયેળી અને તેની ઉપર ના સુગરી ના અદભુત મહેલો યાદ આવ્યા .

  તમારી કલમ માં જબરદસ્ત તાકાત છે . આપ ની અન્ય કૃતિ ક્યાં વાંચી શકાય એ જણાવશો જી .

  આપ અને આપનો પરિવાર સુરક્ષિત રહી નિરોગી રહો એવી

  ઈશ્વર ને પ્રાર્થના સાથે ઉલ્લાસ ના નમસ્કાર .

  1. ઉલ્હાસજી, આપને મારો લેખ ગમ્યો એ માટે આપનો ખૂબ આભાર. ‘ગુજરાત સમાચાર’માં દર મંગળવારે મારી ‘અંતર’ કૉલમ આવે છે જેમાં આપ મારા લેખ વાંચી શકો. મેં ખરેખર સુગરીને ખૂબ ચાહી છે. ..માણી છે.

 2. વાહ! રક્ષાબેન,

  જાણે સુગરીના સ્વયંવરમાં મહાલવા મળ્યું હોય એવો અનુભવ.
  સુગરીના માળા માટે ઘણું સાંભળ્યું છે પણ આજે તો શબ્દોથી તમે જે શણગાર્યો છે એની મઝા પડી ગઈ.

 3. રાજુલજબેન, વંદન. આપ જેવા જાણીતા અને નીવડેલા લેખિકાને મારો લેખ ગમ્યો એ જ ધન્યતા. આપના લેખો અતિ ઉત્તમ. જે વાંચતા ઘણું શીખવા મળે. શુભેચ્છા આપો કે વધુ લખી શકું.

Leave a Reply

Your email address will not be published.