– નિરુપમ છાયા

‘ગુજરાતી નવલિકા ચયન ૨૦૦૭’નાં સંપાદક હિમાંશી શેલતે એ સંપાદનમાં સમાવિષ્ટ શ્રી વીનેશ અંતાણીની ‘બાજુનું ઘર’ વાર્તાને ‘વીનેશશૈલીની’ વાર્તા તરીકે ઓળખાવી. એતદ સામયિક (ક્ષિતિજ સંશોધન પ્રકાશનકેન્દ્ર. સંપાદકો: કમલ વોરા-નૌશિલ મહેતા-કિરીટ દૂધાત)ના ડિસેમ્બર ૨૦૧૯ના અંકમાં પ્રકાશિત વિનેશભાઈની દીર્ઘ નવલિકા ‘દરિયો’ (એક ભાવક તરીકે વાર્તા વાંચ્યા પછી ‘દરિયો’ એ શીર્ષકમાં વાર્તાનો કેન્દ્રીય ધ્વનિ સ્પર્શે છે.) તેમની આવી જ આગવી ‘વીનેશશૈલી’ની વાર્તા છે. પોતાની સ્મૃતિકથા ‘એક હતો વીનેશ’ માં આ વિશિષ્ટ શૈલીની વાત કરી છે. તેમણે સર્જનયાત્રાના આરંભે પશ્ચિમના સર્જકોના પ્રયોગશીલ સાહિત્યની અસર હેઠળના ગુજરાતી ભાષાના તે સમયના સર્જકો સુરેશ જોષી, ચન્દ્ર્કાંત બક્ષી,લાભશંકર ઠાકર વગેરેના અનુવાદો અને મૌલિક સર્જનો વગેરેને વાંચતાં નગરવાસી અને અન્ય કૃતિઓ આપી. પણ વ્યક્તિગત અને સાહિત્યિક સમજ પ્રૌઢ બનતાં પોતાની અંદર ઉતર્યા, આસપાસના લોકોને વધારે ઓળખવા લાગ્યા.ત્યારે થયું કે પશ્ચિમના સર્જકોનું સાહિત્ય તેમનામાં ધૂંધળું અને અવાસ્તવિક વાતાવરણ રચતું હતું. તેમને લાગ્યું કે આમાં મારું પોતાનું કંઈ નથી. આપણી જીવન શૈલી સાથે એનો કોઈ મેળ નથી. સામેની વ્યક્તિને પહોંચે અને ઉછીના ભાવ નહિ પણ પોતીકું હોય એવું સર્જન થવું જોઈએ. આ મથામણમાંથી એમને પરંપરાગત અને ભલે સાવ ઘટનાશૂન્ય નહીં એવી આધુનિકતાનો સમન્વય સાધતી મધ્યમમાર્ગીય સર્જનશૈલીની કેડી મળી.
આ વાર્તાના સંદર્ભમાં એમની આગવી શૈલી સાથે બીજી બાબત પણ ઉમેરવી જોઈએ કે વીનેશભાઈ કચ્છના છે એટલે સ્વાભાવિક છે કે કચ્છનો લાક્ષણિક પ્રાદેશિક પરિવેશ અને પરિસ્થિતિ વરતાઈ જ આવે. કચ્છી કાવ્યોનો આસ્વાદ કરાવતાં, એમનાં પુસ્તક ’ઘટડો મિંજ તો ગરે’માં ડૉ ધીરેન્દ્ર મહેતા લખે છે, “ પ્રાદેશિક મુદ્રાઓ ….એટલી દૃઢતાથી અંકાયેલી છે કે આ કચ્છી લેખકોની જ વાર્તાઓ કે કચ્છી લેખકોની આ જ વાર્તાઓ એમ કહેવાની જરૂર રહે નહિ.” તાત્પર્ય એ કે પ્રાદેશિક મુદ્રાઓ સહજપણે ઉપસી આવે. આ પ્રાદેશિક મુદ્રાઓ કઈ? ફરી ધીરેન્દ્રભાઈ પાસે જઈએ. કચ્છના લેખકોની ગુજરાતી વાર્તાઓનાં સંપાદન ‘રણની આંખમાં દરિયો’માં તેઓ લખે છે, “રણ, સમુદ્ર અને વારંવાર પડતા દુષ્કાળો છે. દરિયો એનાં તમામ સ્વરૂપો અને આયામો સાથે પ્રગટ થાય છે. દરિયાનો પ્રભાવ સમગ્ર વાર્તા પર એના પાત્રોના વર્તમાન પર, એની નિયતિ પર બહુ ઊંડો પડ્યો છે. વતન માટેનો કેટલો ઊંડો અને પ્રગાઢ પ્રેમ આની પાછળ પડેલો છે! અડખે પડખે આવેલાં અગાધ, અફાટ અનંત રણ, અને સમુદ્ર તથા અવારનવાર પડતા દુષ્કાળના ઓળા અને એની વચ્ચે અખંડ રહેવા મથતા મનુષ્યની છબી ઝીલવાની કોશિશ આ વાર્તાઓમાં છે.”
‘દરિયો’ કેન્દ્રમાં એક જ ચોક્કસ પ્રાદેશિક પરિવેશ સાથે, કચ્છી લેખકની સ્પષ્ટ છાપ ઉપસાવતી અને કોરી આધુનિક નહીં પણ ‘ વીનેશશૈલી’ને ઓળખાવી આપતી, એ બંને બાબતોને સાથે સમાવતી કૃતિ છે. વધુ પડતું કદાચ લાગે , પણ કહી શકાય કે વિષયની દૃષ્ટિએ વીનેશભાઈએ પોતાનો મોરો ફેરવ્યો છે. અગાઉનાં એમના સર્જનોને જોતાં આ વાત સ્પષ્ટ થઇ જશે.
‘દરિયો’નું કથાવસ્તુ બહુ ઓછા શબ્દોમાં મૂકી શકાય એટલું છે. વીતેલા સમયમાં સાગર સાથે એકરૂપ થઇ ગયેલા અને મૃત્યુ પથારીએ પડેલા પોતાના દાદાને મળવા આવતા “ઘણા વરસોથી એમનાથી દૂર રહેવું પડ્યું છે છતાં એ સતત મારી સાથે રહ્યા છે’’ એવું અનુભવતા પૌત્રનાં સ્મરણોમાં સચવાયેલા દાદા અને એની સાથે દરિયો-ના, એના કરતાં દરિયા સાથેના દાદાજી- નો વર્તમાન જીવંત બની જાય છે. વયસ્ક થઇ ગયેલો પૌત્ર પોતાના શૈશવને આંગણે દરિયા સાથે શ્વસવા લાગે છે. હવે આ કથાવસ્તુમાં પછી ઘટના જેવું શું બને એ પ્રશ્ન થાય. અહીં જ “વીનેશશૈલી”ની કલાત્મકતા સ્પર્શી જાય છે. વાર્તામાં આગળ વધીએ છીએ તેમ તેમ, સમગ્રતામાં પ્રગટતા દરિયા સાથે, એનાં મોજાંના તરંગો સાથે આપણે વહેતા જઈએ છીએ , એને ઓળખતા જઈએ છીએ અને એવું પણ બને કે આપણે દરિયામાં હોઈએ એવું લાગવાને બદલે દરિયો આપણામાં ઉછળવા, ઘૂઘવવા લાગે.
વિવિધ અર્થચ્છાયા પ્રગટ કરતો પ્રારંભ જ ગતિમયતા દર્શાવતો, જકડી લે છે. ‘ઝોકું આવી ગયું હતું.’ પિતાજીના તારથી વિશાખાપટ્ટનમના નેવલ બેઇઝમાં રહેતો પૌત્ર હરિ દાદાજીની અંતિમ અવસ્થા છે એવી ખબરનો તાર મળતાં જ નીકળે છે, દાદાજીના ગામ સુધી પહોંચે છે ત્યાં સુધી ભૂતકાળમાં છે એવું નિર્દિષ્ટ કર્યા પછી વતનની નજીક પહોંચતાં પાછો વર્તમાનમાં આવી જાય છે પણ ફરી દાદાજીનું સ્મરણ થતાં પાછો ભૂતકાળમાં સરી પડે છે.આમ વર્તમાનમાંથી ભૂતકાળમાં અને ફરી વર્તમાન, ફરી ભૂતકાળ એમ ઝૂલતા રહેતા પુત્રની ગતિમાં પ્રતિકાત્મકરૂપે જાણે દરિયો જ ઉભરાય છે.

અહીં ત્રીજી પેઢીનાં બાળક દ્વારા અતીતરાગ પ્રગટ થાય છે. દાદાનો હંમેશાં પૌત્ર સાથે નિકટનો સંબંધ સ્થપાતો હોય છે. બાળક નિર્દોષ, જિજ્ઞાસુ મુગ્ધ અને કોરી પાટી ધરાવતો હોય છે. બન્નેની નકારની નહીં, સ્વીકારની જ ભૂમિકા હોય છે. એકબીજા તરફ કોઈ અપેક્ષા ન હોતાં, પ્રત્યાયન સરળ, ભાર વગરનું હોય છે. દાદા ગમે તે કહે પૌત્ર સાંભળી લે અને દાદા પણ પૌત્રના ગમે તેવા પ્રશ્નનું કોઈ ક્રોધ કે ધુત્કાર વિના સમાધાન પણ કરી આપે છે. અહીં બાળક હરિ દરિયા વિષે કેવા કેવા પ્રશ્નો પૂછે છે! “આપણે …..ઈ (દરિયા)ને જ ઘેર ખણી જાઈએ. ઘરમાં જ હોય પછે તાં વાંધો નઈંને?” અને દરિયાને કેમ લઇ જવો એની ચર્ચા બન્ને વચ્ચે ચાલે છે. દાદા પણ જરાય અસ્વસ્થ થયા વિના એ માટે સૂચનો પણ કરે છે. બન્ને વચ્ચેના એ સંવાદો, મીઠો લાગતો દરિયો જ એમનું સર્વસ્વ છે એવું સ્પષ્ટ કરે છે. દરિયા વિશેની સમજમાં ન ઉતરે તેવી કલ્પના કરી, એ રીતે દરિયાનાં સૌન્દર્યને જ પીધા કરવાનું દાદાને પ્રિય લાગે છે. વળી, “દરિયા માથે આકાસ હોય?” , “દરિયા નીચે સુ હોય?”, “દરિયો અને આકાસ ક્યાંય ભેરા થાય?” અને “ભા,આ દીવાદાંડી નો’ત તો આપણો ગામ ખોવાઈ જાત.” વગેરે ઉદગારો બાળકના વિવિધ મનોભાવોને વ્યક્ત કરે છે. દરિયા સાથે જોડાયેલી રાક્ષસ વગેરેની દંતકથાઓ સાંભળીને બાળક હરિ નું મન કલ્પનાનાં ગગનમાં ક્યાંય ઉડ્ડયન કરતું વિહરે છે. આમ શૈશવની સ્મૃતિમાં ‘દરિયાનાં મોજાં નીચે ઢંકાઈ ગયેલા’ દાદાની છબિ એટલી ગાઢ છે કે મોટા થયા પછી પણ એને લાગે છે કે ‘ એમનાથી દૂર રહેવું પડ્યું છે છતાં સતત સાથે રહ્યા છે.’ આ સાતત્યમાંથી દાદાની એક અપેક્ષા જન્મે છે, પૌત્ર પણ દરિયો ખેડે. એક દિવસ પોતાના ખિસ્સામાંથી એક સામયિકમાંથી કાપીને સાચવેલું પાનું બતાવે છે જેમાં ‘થોડા યુવાનો સફેદ …..ગણવેશ પહેરી ત્રિરંગાને સલામી આપતા હતા.’ નૌકાસૈન્યના એ સૈનિકોનો ફોટો બતાવી કહે છે ‘ હરિ, તારા દાદાની એક વાત માનીસ? તુંય મોટો થઈને નૌસેનામાં જોડાજે.’ પોતે જે જોયું છે એવું જ નહીં, આધુનિક સમયને અનુરૂપ ભલે, પણ દરિયા સાથેનો આધુનિક સમયને અનુરૂપ અનુબંધ જાળવી રાખવાની દૃષ્ટિ, એ દાદાજીમાં પ્રવેશેલી દરિયા જેવી જ વિશાળતાનો પરિચાયક બની રહે છે.
લેખકે દાદાની સ્મૃતિઓનાં પડ ખોલતાં ખોલતાં દરિયાને રસમય રીતે પ્રગટ કર્યો છે. એનાં વિવિધ સ્વરૂપો, માન્યતાઓ, ક્વિદંતીઓ, કથાઓ, પરંપરાઓ, એનાં વિજ્ઞાન, ભૂગોળ, ઈતિહાસ, પ્રાકૃતિક સૌન્દર્ય વ્યાપારવ્યવહાર, કેટલુંયે વણી લીધું છે. વાર્તામાં આ બધું પાછું દસ્તાવેજી નથી બની રહેતું. કથાપ્રવાહ એટલો જ રસ અને ભાવથી સભર રહે છે. પ્રથમ જોઈએ પૌત્ર હરિનાં સંસ્મરણોનો પ્રારંભ થાય છે એ વાક્ય. દરીયાખેડુ માટે મૃત્યુની કલ્પના કેવી ગૌરવશાળી દર્શાવી છે!- દરિયામાં તોફાનથી કે અન્ય રીતે મૃત્યુ પામ્યા હોય તોયે. “દાદાજીએ મને કહ્યું હતું : “તને ખબર છે હરિ, આપણા બાપડાડામાંથી કોઈ મર્યા નથી, બધા દરિયામાં હાલ્યા ગયા છે.” દાદાની અંતિમ પળોએ મળવા જતાં હરિને આ વાક્ય યાદ આવે એ દાદાનાં મૃત્યુનો અણસાર તો આપે જ છે, સાથે દાદા પણ દરિયામાં હાલ્યા જશે અને ગૌરવપૂર્ણ મૃત્યુને પામશે એવું મનમાં ઉગે છે એ સૂચવે છે. એક જ ઊક્તિમાં અનેક સૂચિતાર્થો પ્રગટ કરવાની લેખકની આ સિદ્ધહસ્ત કલા આ કૃતિમાં ઘણી જગ્યાએ માણી શકાય છે.
(ક્રમશ:)
શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com
1 thought on “શબ્દસંગ – વર્તમાનને જીવંત બનાવતો, સ્મરણોનો ઉછળતો ‘દરિયો’: એક દીર્ઘ નવલિકા (૧)”