સમયચક્ર : ડ્રાઈવર – રોજિંદા જીવનના ચાલક બળ

સરકારના મંત્રી હોય કે બસના પેસેન્જર. મુસાફરી દરમિયાન એમના જીવની સલામતિ તો પેલા ડ્રાઈવરના હાથમાં હોય છે. જે વાહન ચલાવે છે. મોટા મોટા અધિકારીઓ કરતા એમના ડ્રાઈવરનો પગાર ઘણો જ ઓછો હોય છે. તેમ છતાં એમને સહિ સલામત ઘેર પહોંચાડનાર ડ્રાઈવર જ છે. આપણાં રોજિંદા જીવન પર નજર માંડશું તો ખ્યાલ આવશે કે ડ્રાઈવર્સનો આપણાંનાં જીવનમાં કેટલો મોટો રોલ છે. છાશવારે અનેક લોકોના સન્માનો થતાં હોય છે. વિશિષ્ઠ કાર્યોની નોંધ લેવાતી હોય છે. પણ ક્યારેય કોઈ ડ્રાઈવરનું સન્માન થયું હોય એવું દેખાયું છે ? ઉલ્ટાનું ડ્રાઈવરને માનની નજરે જોવાતું પણ નથી. ભીડ ભરેલા માર્ગો ઉપર મોત મુઠ્ઠીમાં લઈને વાહન ચલાવતા ડ્રાઈવર્સ કોઈ યોગીથી કમ નથી. તેમના આ કૌશલ્યની નોંધ ક્યારે લેવાશે ?

માવજી મહેશ્વરી

આ લેખ લખવાની શરુઆત કરું છું અને મારી સામે પાતળી કાયા ધરાવતા અબ્દુલભાઈ રાયમા દેખાય છે. વીન્ડ ગ્લાસને વીંધી એકધારું ડામરના કાળા પટ્ટાને તાકી રહેલી એમની આંખો યાદ આવે છે. ડ્રાઈવરનો સાચો અર્થ મને અબ્દુલભાઈએ જ સમજાવ્યો છે. આખાય દેશની સડકો પર કાર ફેરવી ચુકેલા નખશીખ ડ્રાઈવર અબ્દુલભાઈ હવે આ દુનિયામાં નથી. પણ આજે અબ્દુલભાઈ જેવા લાખો ડ્રાઈવર્સ મુસીબતભરી મુસાફરીમાં ધૈર્યથી પોતાના ગંતવ્ય પર પહોંચે છે. જેની ક્યાંય નોંધ લેવાતી નથી. થોડા સમય પહેલા અબ્દુલભાઈ સાથે આબુ પર્વત ગયેલો. અમારું વાહન ગુરુશીખરના ભયજનક વળાંકો ચડી રહ્યું હતું. અચાનક વાહનની ગતિ ધીરી પડી ગઈ. શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ કદાચ અબ્દુલભાઈને વહેલો જ આવી ગયો હતો. રસ્તો વળાંકવાળો હતો એટલે દૂર સુધી જોઈ શકાતું ન હતું, પણ જેટલું દેખાતું હતું તેના પરથી અંદાજ આવી ગયો કે ટ્રાફિક જામ થઈ ગયો છે. ધીરે ધીરે પરિસ્થિતિની ગંભીરતા વધતી જતી હતી. વાહન પાંચ ફૂટ ચાલે અને વળી અટકી જાય. મેં એ દિવસે એક વાત નોંધી કે પાછળ આવતાં વાહનોના હોર્નની ચિચિયારીઓ સંભળાતી હતી પણ અબ્દુલભાઈએ એક વાર પણ હોર્ન વગાડ્યું નહીં. એક તો વેકેશન અને એમાંય રવિવારનો દિવસ હતો. બે પૈડાવાળાં વાહનોએ રહી સહી જગ્યા પણ પુરી નાખી હતી. મેં અબ્દુલભાઈ સામે જોયું. તેમણે અચાનક કહ્યું. – સાહેબ, તમે લોકો જલ્દી ઉતરી જાઓ. આ ટ્રાફિક જલ્દી ખુલે તેમ નથી. હું ઉપર આવી જઈશ. અમે બધા ઉતરી ગયા. મારા પરિવારજનો ગુરુશીખર પગે ચાલતા ગયા. હું એક ખડક પર બેસી એકબીજાની પાછળ ઊભેલાં વાહનોના જમેલાને જોઈ રહ્યો. મોટાભાગનાં વાહનોના ડ્રાઈવર્સ વ્યવસાયિક લાગતા હતા. વાહનોમાં બેઠેલાઓના મોં પર ઉચાટ અને કચવાટ હતો. પણ ડ્રાઈવર્સની નજર તો આગલા વાહનાના પૈડાંમાં આવતાં જીવ ઉપર જ ચોંટેલી હતી. હું લગભગ દોઢેક કલાક આ ખેલ જોઈ રહ્યો. આખરે નીચે અટકી પડેલા બીએસએફના પુરવઠા વાહનમાંથી ઉતરેલા જવાનોએ મહા મહેનતે ટ્રાફિક જામ ખોલાવ્યો. વાહનો ધીરેધીરે આગળ સરવાં લાગ્યા. અંદર બેઠેલાં મુસાફરોનાં જીવમાં જીવ આવ્યો.

ખાલી થઈ ગયેલાં વાહનોના ડ્રાઈવર્સ જેમાના મોટાભાગના ગુજરાતીઓ હતા. તેઓ એક વૃક્ષને છાંયડે બેસી વાતો કરવાં લાગ્યા. મને રસ પડ્યો એટલે એમની વાતો સાંભળતો રહ્યો. ટ્રાફીક જામ, અજાણ્યા રસ્તા, ખરાબ રસ્તા, પોલીસની કનડગત, શેઠિયા લોકોના જાત જાતના ફરમાન, રાતે હોટેલની છત પર કે વાહનમાં સુઈ રહેવું, બે ત્રણ દિવસ નાહવા ન મળે, ખાવાનું કોઈ ઠેકાણું ન રહે. એવું તો કંઈ કેટલુંય ખુલી પડ્યું. તેમ છતાં એમને જીવન સામે કે પોતાના કામ સામે ન કોઈ અણગમો હતો કે ન ફરિયાદ. પાછા વળતી વખતે સતત એક જ વિચાર આવતો રહ્યો કે ધીરજ શું ચીજ છે એ સમજવું હોય તો ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનના ડ્રાઈવરની બાજુમાં બેસવું જોઈએ.

રોજના હજાર બારસોના વેતનથી પોતાનો જીવ જોખમમાં મૂકી હાઈવે પર નીકળી પડતા ડ્રાઈવર સમાજમાં શું સ્થાન ધરાવે છે ? આ દેશમાં જાત જાતની ચિતાઓ કરનારા લોકો છે. પણ ક્યારેય ક્યાંય ડ્રાઈવર્સની ચર્ચા થાય છે ખરી ? પોતાના ઘરમાં સલામતીની ચાદર ઓઢીને સમાજની ચિંતા કરનારા નાગરિકો છાપાંમાં છપાયેલા અકસ્માતના સમાચાર વાંચીને તરત પ્રમાણપત્ર આપી દે છે – ડ્રાઈવર પીધેલો હશે. ભારતીય સમાજમાં ડ્રાઈવરની છાપ નકારાત્મક છે. ડ્રાઈવર હોય એટલે પીધેલો જ હોય એવું નિવેદન કરનારા એક દિવસ પુરતા આ દેશની સડકો ઉપર વાહન ચલાવી જુએ તો ખ્યાલ આવશે કે કેવી સ્થિતિમાં વાહન ચાલકો પોતાના વાહનને મંઝિલ સુધી પહોંચાડે છે. કોઈ ડ્રાઈવર ઈચ્છતો નથી કે એના હાથે અકસ્માત થાય. તેમ છતાં રોજ સેંકડો ગમખ્વાર અકસ્માત થાય છે. એ પરિસ્થિતિનું પરિણામ હોય છે. નિર્ણય લેવામાં ક્ષણનો વિલંબ થાય કે ખોટો નિર્ણય લેવાય ત્યારે અકસ્માત થાય છે. વાહનના અકસ્માત વિશે એવું કહેવાય છે કે Accident is a decision error between two drivers . પરંતુ તેથી આખીય ડ્રાઈવર આલમને આરોપીના પાંજરામાં ઊભી રાખી દેવી કોઈ રીતે યોગ્ય નથી. વિચારીએ તો આંખો પહોળી થઈ જાય એ રીતે ડ્રાઈવર આપણી સાથે સંકળાયેલો છે. આપણાં ઘેર વહેલી સવારે પહોંચતાં છાંપાથી માંડીને ખાદ્ય વસ્તુઓ, દવાઓ, કપડાં, મશીનરી, જેવી અસંખ્ય વસ્તુઓ આપણાં સુધી પહોંચાડનાર ડ્રાઈવર જ છે.

દેશનાં કરોડો વાહનો દ્વારા આપણાં સુધી માલ સામાન પહોંચાડનાર ડ્રાઈવર કંઈ લાખોપતિ નથી હોતા. એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં સામાન પરિવહન કરતી ટ્રક્સના ડ્રાઈવર્સ દિવસો સુધી ઘરનું ખાવાનું પામતા નથી. પોતાના પરિવારનું મોં જોવા પામતા હોતા નથી. એમની પત્નીઓની આંખોમાં અજંપો રહેતો હશે. એમના મા બાપોને ચિંતા રહેતી હશે. એમના બાળકોને પણ પોતાના પપ્પા યાદ આવતા હશે. પોતાના ઘરથી સેંકડો કિલોમીટર દૂર કોઈ અજાણી સડક પર ટ્રાફીકજામમાં ફસાયેલા ડ્રાઈવરને પોતાના ઘરની ઘસઘસાટ ઊંઘ આપનારી પથારી યાદ આવતી જ હશે. એ બધા સુખથી વંચિત ડ્રાઈવરને સમાજ માનની નજરે જોતો નથી. સૈનિકો, દરિયાખેડૂઓ, મજૂરો પર કવિતાઓ લખાઈ છે. હજુ કવિતાને ડ્રાઈવરની વેદના દેખાઈ નથી. રાતના ઘટ્ટ અંધકારમાં ડામરના કાળા પટ્ટા પર દોડતાં વાહનોના ચાલકો થકી જ જીવન સુખમય છે એના વિશે ક્યારેય ટીવી પર ડીબેટ યોજાઈ નથી. અખબારોમાં અકસ્માતોની તસ્વીરો જરુર છપાય છે. પણ ચાલીસ ચાલીસ વર્ષ સુધી ડ્રાઈવીંગ કર્યા પછી એક પણ અકસ્માત ન કર્યો હોય એવા કોઈ વૃધ્ધ ડ્રાઈવરની દાસ્તાન કોઈ સાંભળતું નથી. આપણાં દેશમાં પદ, પૈસો અને સત્તાની બોલબાલા છે. જેની પાસે આ ત્રણ ચીજો છે તેઓ લાઈમ લાઈટમાં છે. પરંતુ જેમના વગર જીવન અટકી પડે એવા નાના કામો કરનારા હજારો લોકોની કોઈ વાત કરતું નથી. એમાંનો એક ડ્રાઈવર પણ છે.

વાહનનું મેન્યુઅલ વાંચી કે સમજી લેવાથી ડ્રાઈવર થઈ જવાતું નથી. ડ્રાઈવીંગ એક અનન્ય કૌશલ્ય છે. માત્ર કૌશલ્ય જ નહીં એ હિંમત અને ધૈર્યનું પણ પ્રતિક છે. કહેવાય છે કે જેમનો પોતાના વિચારો ઉપર કાબુ નથી હોતો તેમણે ડ્રાઈવીંગ સીટ ઉપર બેસવાનું ટાળવું જોઈએ. કાર, બસ, કે ટ્રકના ડ્રાઈવર સીમા પર તૈનાત સંત્રીથી કમ નથી. કોઈ ક્રિકેટરના ચોગ્ગા કે છગ્ગા પર તાળીઓ પાડતા કરોડો હાથ ક્યારેક એક અદના ડ્રાઈવરને પણ સલામ કરે એની લાખો સ્ટીઅરીંગ રાહ જોઈ રહ્યા છે ! આપે આ લેખ વાંચ્યો એટલીવારમાં આ દેશના લાખો ડ્રાઈવર એમના ગંતવ્ય પર નીકળી પડ્યા હશે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.