લુત્ફ–એ–શેર : મણકો # ૯

ભગવાન થાવરાણી

અહમદ  ફરાઝ આપણા યુગના બહુ મોટા ગજાના કવિ છે. પ્રેમ, વિરહ અને સંબંધો-વિષયક એમની સેંકડો ગઝલો બધા જ દિગ્ગજ ગઝલ-ગાયકોએ ગાઈ છે. એમના સર્જનનો વ્યાપ પણ એટલા વિશાળ ફલક ઉપર ફેલાયેલો છે કે એમના કોઈ એક શેર વિષે વાત કરવી અત્યંત દુષ્કર કાર્ય ! એમના થોડાક શેરોનો અછડતો સ્પર્શ કરીને મુખ્ય શેર પર આવીએ :

ઝિંદગી સે યહી ગિલા હૈ મુજે
તૂ બહોત દેર સે મિલા હૈ મુજે
સિલવટેં  હૈ મેરે  ચેહરે પે તો હૈરત ક્યોં હૈ
ઝિંદગી ને મુજે કુછ તુમસે ઝિયાદા પહના

( મારા ચેહરા પરની કરચલીઓથી નવાઈ ન પામ. જેમ વસ્ત્ર વધારે પહેરાય અને વધારે ચોળાય તેમ જિંદગીએ મને વધુ ચોળ્યો એની છે આ કરચલીઓ ! )

ગમે – દુનિયા ભી ગમે – યાર મેં શામિલ કર લો
નશ્શા  બઢતા  હૈ  શરાબેં  જો  શરાબોં મે મિલેં ..

( દુનિયાના દર્દને પ્રેમના દર્દ સાથે ભેળવી લે ! બે અલગ – અલગ શરાબને મિશ્ર કરી પીવાય તો નશો બમણાથી યે અધિક ચઢે છે ! )

ઉપરોક્ત શેર જે ગઝલનો છે એ ગઝલ મેંહદી હસન સાહેબે એમના નિરાળા અંદાઝમાં ગાઈ છે અને ત્યાર બાદ અન્ય ગાયકોએ પણ ! ગઝલનો મત્લો જગજાહેર છે :

અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોં મેં મિલેં
જિસ  તરહ   સૂખે   હુએ   ફૂલ   કિતાબોં  મેં  મિલેં ..

આમ તો આ ગઝલનો પ્રત્યેક શેર એક અણમોલ મોતી છે પણ મને આ શેર પ્રતિ પક્ષપાત છે :

ઢૂંઢ  ઉજડે  હુએ  લોગોં  મેં  વફા  કે મોતી
યે ખઝાને તુજે મુમકિન હૈ, ખરાબોં મેં મિલેં ..

કેટલી વાસ્તવિક વાત ! ઘણી વાર મોતી સમાવતા છીપલાં ઊંડા મહાસાગરમાંથી નહીં, છીછરા દરિયા – ખરાબામાંથી નીકળી આવે છે. ખરાબો એટલે એવી જગ્યા જ્યાં પરંપરાગત વિચારાનુસાર, મોતી નહીં કેવળ કાદવ-કચરો જ મળે !  ફરાઝ સાહેબનુ કહેવું છે કે વફાદારીના મોતી પણ હિલ્લોળા લેતા મહાસાગર જેવા સંપન્ન લોકોમાંથી નહીં પરંતુ ખરાબા જેવા અકિંચન અને ઉપેક્ષિત લોકોમાંથી મળે એ સંભાવના વધુ છે !

મારો આ અનુભવ છે. તમારો ?


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.