હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ ઃ …. મગર હમ તુમ્હારે રહેંગે – અંક ૨ ૧૯૪૧ – ૧૯૫૦ :: પ્રભુતામાં પગલાં અને કારકિર્દીનો ઉષઃકાળ

એન. વેન્કટરામન

અનુવાદ – અશોક વૈષ્ણવ

અક ૧ થી આગળ

સંગીતમાધુર્યનો કેફ હવે યુવાન હેમંતકુમારને દિલમાં ચડી ચુક્યો હતો. એ કેફની મસ્તીમાં હવે તેમણે સંગીતની દુનિયાના માર્ગ પોતાની આગવી કેડી કંડારવાની શરૂઆત કરી. ‘નેમાઈ સન્યાસી’ અને ‘રાજકુમારેર નિર્બાસન’ની સફળતાને પગલે પગલે સંગીતકાર હરિ પ્રસન્ન દાસે હેમંત કુમારને પોતાના સહાયક બનાવ્યા. સાથે સાથે હેમંત કુમારનો તેમની હવે લગભગ માતૃ સંસ્થા બની ગયેલ ઑલ ઈન્ડીયા રેડિયો અને કોલંબીયા રેકોર્ડ સાથેનો સંબંધ પણ જળવાઈ રહ્યો હતો.

ઑલ ઈન્ડીયા રેડિયો

પહેલા અંકમાં આપણે જોયું હતું કે હેમંત કુમાર ‘મહિષાસુરમર્દિની’ની ટીમના કાયમી સભ્ય બની ચુક્યા હતા, તેમનો આ સંગાથ તેમણે ૧૯૫૦માં કલકત્તા છોડ્યુ ત્યાં સુધી ચાલુ રહ્યો. ૧૯૪૪ના વર્ષમાં આ કાર્યક્રમનું સંચાલન કરવા માટે પંકજ મલ્લિક ઉપલબ્ધ નહોતા, એટલે કાર્યક્રમ માટે રિહર્સલ કરાવવાની અને સંગીત નિદર્શનની જવાબદારી હેમંત કુમારને સોંપવામા આવી. જોકે, પછીના વર્ષથી પંકજ મલ્લિકે ફરીથી કાર્યક્રમની બાગડોર સંભાળી લીધી હતી. એ દરમ્યાન, શૈલેશ દાસગુપ્તા હેઠળ તાલીમ લઈને હેમંત કુમાર પણ રવિન્દ્ર સંગીતમાં સારી એવી નિપુણતા મેળવી ચુક્યા હતા. પંકજ મલ્લિક સાથેનો તેમનો સંબંધ આ બાબતે તેમને વધારે મદદરૂપ બનતો રહ્યો. ૧૯૪૨માં, AIR પર તેમને પ્રથમ વાર રવિન્દ્ર સંગીતની રજૂઆતની તક મળી. એ પછીથી રેડિયો પર અન્ય ફીચર કાર્યક્રમોની સાથે તેમના રવિન્દ્ર સંગીતનાં ગીતો પણ નિયમિતપણે રજૂ થતાં રહ્યાં.

સુરમિલન લગ્નજીવનમાં પરિણમ્યું

AIR સાથેનો સમય હેમંત કુમારનાં અંગત જીવનમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવવાનો હતો. અહીં તેઓ બેલા મુખ્રર્જી સાથે, મહાલય કાર્યક્રમનાં રિહર્સલ દરમ્યાન,સૌ પહેલી વાર સંપર્કમાં આવ્યા. બેલા અને તેમની નાની બહેન, આભા, પણ આ કાર્યક્ર્મનાં સમુહ ગાનમાં ભાગ લેતાં હતાં. જોકે હેમંત કુમાર અને બેલાનો સીધો સંપર્ક થવાને હજુ થોડી વાર હતી.

એ તક આવી ૧૯૪૩માં. એ દિવસોમાં AIR જાહેર કાર્યક્રમો પણ કરતું. આવા એક કાર્યક્રમ માટે આખી ટુકડીએ જેસ્સોર (હવે બાંગલાદેશમાં) જવાનું થયું. હેમંત અને બેલાનો પ્રત્યક્ષ પરિચય એ સમયે થયો. કલકત્તા પાછા ફર્યા બાદ, હેમંત કુમારની બેલાનાં ઘરની મુલાકાતો નિયમિતપણે થવા લાગી. બેલાનાં માતુશ્રીને પણ હેમંત કુમાર તરત જ નજરમાં રહી ગયા હતા. બેલાના પિતા, જે રેલ્વેમાં નોકરી કરતા હતા, તેમનું નિધન થોડાં વર્ષ પહેલાં જ થયું હતું.

છ ભાઈ બહેનોમાં બેલા સૌથી મોટાં હતાં. તેમને બીજી ત્રણ નાની બહેનો અને બે ભાઈ હતા. બેલાનાં ટ્યુશન અને જાહેર કાર્યક્રમોની આવક પર આખાં કુટુંબનો નિભાવ થતો હતો. નાની બહેન, આભા, પણ તેમાં શક્ય એટલી મદદ કરતી. જેસ્સોરના જાહેર કાર્યક્રમ પહેલાં બેલાને ન્યુ થિયેટર્સની ફિલ્મ કાશીનાથ (સંગીતકાર” પંકજ મલ્લિક)માં પાર્શ્વ ગાયનની તક મળી ચુકી હતી. એ પછી એમને ૧૯૪૪માં મુંબઈથી તેડું આવ્યું. (બેલા મુખર્જી એક જગ્યાએ નોંધે છે એ મુજબ) ખેમચંદ પ્રકાશે તેમને ‘શ્રી કૃષ્ણાર્જુન યુદ્ધ” (૧૯૪૫)માં ગીત ગાવા માટે બોલાવ્યાં હતાં. (હિંદી ફિલ્મ ગીત કોશ પ્રમાણે આ ફિલ્મનું સંગીત જગન્નાથ પ્રકાશે આપ્યું હતું). ઘરમાં કોઇ પુરુષ ન હોવાથી, બેલા સાથે હેમંત કુમારે જવાની દરખાસ્ત બેલાનાં માતાએ કરી. આમ પણ હેમંત કુમાર જ તેમનાં કુટુંબની સંભાળ તો લેતા જ હતા. મુબઈની એ મુલાકાતમાં બેલાના પિત્રાઈ ભાઈ મુંબઈ આવ્યા ત્યાં સુધી હેમંત કુમારે બેલાની સંભાળ લીધી.

‘શ્રી કૃષ્ણાર્જુન યુદ્ધ’ પછી બેલા મુખર્જીને સી રામચંદ્રએ તક આપી હતી. એ દરમ્યાન બેલા મુખર્જીનાં માતાની બીમારીના ખબર આવ્યા, એટલે બેલા મુખર્જીએ કલકત્તા પાછા ફરવું પડ્યું. માતાજીનું તે પછી તરત નિધન થયું. પોતાનં માતાપિતાને સમજાવીને હેમંત કુમારે બેલા મુખર્જી સાથે ૭ ડિસેમ્બર, ૧૯૪૫માં પ્રભુતામાં પગલાં માંડ્યાં. લગ્ન પછી બન્નેની મુંબઈની વ્યાવસાયિક મુલાકાત તેમની હનીમૂન ટ્રિપ બની રહી. હેમંત કુમાર, બેલા અને તેમનાં ભાઈ બહેનો માટે હવે હેમંતકુમારનું કલકત્તાનું રૂપનારાયણ નંદન માર્ગ પરનું ઘર નાનું પડતું હતું. એટલે હેમંત કુમારે ઈન્દ્ર રોય માર્ગ પર એ સમયનાં બાદશાહી માસિક ચારસો રૂપિયાના ભાડે ફ્લેટમાં રહેવા જવાનું નક્કી કર્યું.૧૯૪૭માં તેમના પુત્ર જયંતનો જન્મ થયો.

૧૯૪૧–૧૯૫૦ – ગૈર ફિલ્મી ગીતો

૧૯૪૧થી ૧૯૫૦ દરમ્યાન હેમંત કુમારે ૭૨ ગૈર-ફિલ્મી બંગાળી ગીતો રેકોર્ડ કર્યાં., જેમાંથી ૨૦ તેમણે પોતે રચેલાં અને ૨૦ રવિન્દ્ર સંગીત પર આધારિત હતાં. રવિન્દ્ર સંગીતની તેમની તાલીમ અનાદી ઘોષ દસ્તીદાર હેઠળ થઈ. રવિન્દ્ર સંગીત આધારિત તેમની પહેલી રેકોર્ડ ૧૯૪૪માં બહાર પડી. તે પહેલાં તેમણે પોતે રચેલાં બે ગીતોની એક રેકોર્ડ ૧૯૪૩માં બહાર પડી ચુકી હતી.

હેમંત કુમારને પંજાબી લોકધુન ‘હીર’ પર ગીત ગાવાની બહુ ઈચ્છા હતી. તેમની વિનંતિને ધ્યાનમાં લઈને હિરેન બોઝે ગીત લખ્યું અને અનુપમ ઘટકે તેને સંગીતબધ્ધ કર્યું. વર્ષ હતું ૧૯૪૯. એ ગીત હતું શુકનો સખાર પાતા જરે જાયે (સુકાયેલી ડાળીઓ પરથી પાદડાં ખરી પડે છે)

આડવાત

પછીથી હેમંત કુમારે ‘હીર’ આધારિત ગીત અનારકલી (૧૯૫૩)માં ગાયું

૧૯૫૬ની ફિલ્મ ‘હીર’માં પણ અનિલ બિશ્વાસે હેમંત કુમારના સ્વરને પ્રયોજ્યો હતૉ, જોકે આ ફિલ્મનું ‘હીર’ની ધુન પર ગીત મોહમ્મદ રફીએ ગાયું છે.

હેમંત કુમારે તેમનું સૌ પહેલું ગૈર ફિલ્મી હિન્દી ગીત ૧૯૪૪માં રેકોર્ડ કર્યું. આ દાયકામાં તેમણે લગભગ ૪૦ જેટલાં ગૈર-ફિલ્મી હિંદી ગીતો રેકોર્ડ કર્યાં , જેમાંથી ૨૩ ગીતો તેમનાં સૌ પ્રથમ ગૈર ફિલ્મી હિંદી ગીતની જેમ કમલ દાસગુપ્તાએ સંગીતબધ્ધ કર્યાં હતાં. કમલ દાસગુપ્તા, જે સમયના બંગાળી તેમ જ હિંદી ફિલ્મ સંગીતમાં બહુ મોટું નામ હતું, હેમંત કુમારની કારકિર્દીને વેગ આપવામાં બહુ અગત્યનું ચાલક બળ બની રહ્યા.

કિતના દુઃખ ભુલાયા મૈને – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશમી

તે પછી હેમંત કુમારે ફ્રાંસિસ્કો કૅસાનોવાનાં નિદર્શનમાં પણ હિંદી ગૈર-ફિલ્મી ગીત રેકોર્ડ કર્યાં ફ્રાંસિસ્કો કૅસાનોવા સ્પેનિશ સંગીતકાર અને ઑર્કેસ્ટ્રા કન્ડક્ટર હતા. તેઓ ૧૯૩૦માં ભારત આવ્યા હતા અને તે પછી અહીં બીજાં ૨૭ વર્ષ સક્રિય રહ્યા.

વો આંખ સે પીલા ગયે – સંગીતકાર: ફ્રાંસિકો કૅસાનોવા – ગીતકાર: ફૈયાઝ હાસમી

જાણીતા ફિલ્મ પત્રકાર અને અનેક પુસ્તકોના લેખક, માણિક પ્રેમચંદ તેમનાં પુસ્તક, Yesterday’s melodies, today’s memories માં નોંધે છે કે હેમંત કુમારે તેમનું મેઈડ-ઈન-બોમ્બે ગૈર-ફિલ્મી હિંદી ગીત રેકોર્ડ કર્યું –

એક રાત કભી ઐસી આયે,મૈં સુનતા રહું કોઈ આયે -સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશમી).

૧૯૪૫માં ગ્રામોફોન કંપનીએ હેમંત કુમારની સંગીત પ્રશિક્ષક તરીકે નિમણૂક કરી. કપનીએ પોતાની સવલતો તેમને વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપવા માટે પણ વાપરવાની પરવાનગી આપી હતી. તે ઉપરાંત હેમંત કુમારનાં અંગત સંગીત ટ્યુશન્સ આખાં કલકત્તામાં ફેલાયેલાં હતાં. એટલે હવે આ બધાં કામો ને ટ્રામ દ્વારા અવરજવર કરવાથી પહોંચી વળાય તેમ નહોતું. એટલે, હેમંત કુમારે તેમની પહેલ વહેલી કાર – મોરિસ એઈટ – ખરીદી.

૧૯૪૧–૧૯૫૦ : પાર્શ્વ ગાયન

૧૯૪૦ની બે ફિલ્મો પછી તેમણે ૧૯૪૨માં ‘અપરાધ’ અને ૧૯૪૩માં પ્રિય બાંધબ’ માટે ગીતો ગાયાં. બધું મળીને તેમણે ૧૯૪૧-૧૯૫૦ના દાયકામાં ૨૩ (બંગાળી) ફિલ્મોમાં ૩૯ ગીતો ગાયાં., જેમાંથી ૬ રવિન્દ્ર સંગીત પર આધારિત હતાં.

‘પિય બાંધબ’ ન્યુ થિયેટર્સનું નિર્માણ હતું જેનું દિગ્દર્શન સુચિત્ર મિત્રના ભાઈ સૌમેન મુખોપાધ્યાયે કર્યૂં હતું. સુચિત્ર મિત્ર પોતે પસંદ કરેલ રવિન્દ્ર સંગીતની ધુન પર હેમંત કુમાર ગીત ગાય એમ ઈચ્છતા હતા., જે મોટા ભાગે ૧૯૩૩નાં ટાગોરનાં નાટક ‘ચંડાલિકા’માટે રચાયું હતું, પણ જ્યારે નાટક ભજવાયું ત્યારે તેમજ રેકોર્ડીંગ કરતી વખતે પડતું મુકાયું હતું. એ પછીથી હેમંત કુમારે આ ગીતને બે અલગ અલગ સંદર્ભમાં ગાયું છે.

પાથેર શેષ કોથાય , શેષ કોથાય, કી આચ્છે શેષે (માર્ગ ક્યાં અંત પામે છે? ક્યાં છે અંત? શું છે અંતમાં?)

આડવાત

કિશોરકુમારે પણ આ ગીત બંગાળીમાં ગાયું અને પછી તેમની ફિલ્મ ‘દુરકા રાહી’ (૧૯૭૧)માં આ જ ધુન પર પંથી હું મૈં ઉસ પથ કા રચ્યૂં.

હેમંત કુમારનાં ‘૪૦ના દાયકાનાં બંગાળી ગીતોના સંદર્ભમાં કુદકો મારીને ૧૯૫૦નાં વર્ષમાં પહોંચીએ. ન્યુ થિયેટર્સ દ્વારા નિર્મિત હીરેન બોઝ દ્વારા દિગ્દર્શિત ‘સંત તુલસીદાસ’નાં દસમાંથી આઠ બંગાળી અને બે હિંદી ગીતો હેમંત કુમારે ગાયાં.

ઓ રામજી ઓ રામજી – સંત તુલસીદાસ (૧૯૫૦) – સંગીતકાર: અનુપમ ઘટક

‘૪૦ના દાયકામાં હેમંત કુમારને બંગાળી ફિલ્મોના દરેક નામી સંગીતકારો સાથે કામ કરવાની તક મળી. AIR સાથેનાં તેમનાં કામમાં તેમનો સંપર્ક પંકજ મલ્લિક અને આર સી બોરાલ સાથે થયો, જેને કારણે હેમંત કુમાર માટે ન્યુ થિયેટર્સના દરવાજા ખુલ્યા. શરૂઆતમાં તો તેમને માત્ર સમુહ ગાન માટે જ બોલાવાતા. પરંતુ તેને કારણે હેમંત કુમાર પાર્શ્વ સંગીત રેકોર્ડિંગ અને પ્રોડક્શન તકનીકો વિશે પ્રત્યક્ષ જ્ઞાન મેળવી શકયા.

હિંદી ફિલ્મોમાં તેમનું પહેલું ગીત પંકજ મલ્લિક દ્વારા સંગિતબધ્ધ થયેલ ફિલ્મ મિનાક્ષી (૧૯૪૨)માં રેકોર્ડ થયું. તે પછી, ૧૯૪૪માં તેમણે ઈરાદા (૧૯૪૪)માં પંડિત અમરનાથના નિદર્શન હેઠળ બે સૉલો અને રાધા રાણી સાથે એક યુગલ ગીત ગાયાં.

આરામ સે જો રાતેં કાટે વો આશા બનાના ક્યા જાને – ઈરાદા (૧૯૪૪) – સંગીતકાર પંડિત અમરનાથ – ગીતકાર અઝિઝ કશ્મીરી

તે પછી તેમણે બનફૂલ (૧૯૪૫)માં એક સૉલો ગીત ગાયું.

લગા ઉસ સે લૌ તુ મદદગાર હૈ વો – બનફૂલ (૧૯૪૫)- સંગીતકાર: ધીરેન મિત્ર – ગીતકાર: નરેન્દ્રનાથ તુલી ‘મધુર’

૧૯૪૪થી ૧૯૫૦ દરમ્યાન તેમણે બધું મળીને ૧૧ હિંદી ફિલ્મોમાં ૨૦ ગીતો ગાયાં., જે પૈકી ૧૧ ગીતો કમલ દાસગુપ્તાએ સંગીતબ્ધ્ધ કરેલ હતાં.

ઈશારો ઈશારોમેં દુનિયા બદલ લી – મનમાની (૧૯૪૭) – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: બીસી માથુર

આ ઉપરાંત તેમણે બાબુલ (૧૯૫૦)નાં બે ગીતોનાં કવર વર્ઝન પણ ગાયાં.

મેરા જીવન સાથી બિછડ ગયા

મિલતે હી આંખે દિલ હુઆ દિવાના કિસીકા (ઉમા દેવી સાથે)

૧૯૪૧-૧૯૫૦ – સંગીતકાર

‘૪૦ના દાયકાં હેમંત કુમારની મુંબઈની ૧૯૪૪, ૧૯૪૫ અને ૧૯૪૭ એમ ત્રણ મુલાકાતો થઈ. ૧૯૪૪ની મુલાકાત સમયે, તે જ વખતે બીજાં કામ માટે મુંબઈ આવેલ, પ્રથમેશ બરૂઆ સાથે તેમને મળવાનું થયું. આ મુલાકાતમાં તેમને બરૂઆએ પોતાની આગલી ફિલ્મનું સંગીત આપવાની દરખાસ્ત કરી. આવી તક હાથથી ન જતી રહે એટલે હેમંત કુમાર તરત જ કલકતા પાછા ફર્યા. જોકે આ પયોજરિના આખરે ૧૯૪૮માં માળીયે ચડી ગઈ.

એ દરમ્યાન વી. શાંતારામે તેમને તેમની ફિલ્મ ‘શિવ શક્તિ’ની બંગાળી આવૃત્તિ માટે કહેવડાવ્યું પણ આ દરખાસ્ત પણ ફળીભૂત ન થઈ.

૧૯૪૬માં હેમંત કુમારને, પોતાનાં, આપબળે જ બે ફિલ્મો ‘પુરબરાગ’ અને ‘અભિજાત્રી’ માટે સંગીત દિગ્દર્શન સોંપવામાં આવ્યું. (પુરબરાગ એટલે પરિણય, સંવનન)

એઈ દક્ષિન હોવાર પુલક લગા ફૂલ ફુટના પાલા (આ દક્ષિણની હવાની લહેરખીના પ્રફુલ્લિત થવાનો વારો છે)- પુરબરાગ (૧૯૪૭) – બેલા મુખર્જી સાથે – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: ગૌરીપ્રસન્ન મજુમદાર

https://www.youtube.com/watch?v=jcZh6aOhrhk

૧૯૪૯માં હેમંત કુમારે શરતચંદ્રની વાર્તા ‘સ્વામી ‘પરથી બનેલ ફિલ્મમાં સંગીત આપ્યું.

સ્વપ્ન પરેર કુહુ કકેર – સ્વામી (૧૯૪૯) સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: ગૌરીપ્રસન્ન મજુમદાર

https://www.youtube.com/watch?v=r4tBq7vBFvE

૧૯૪૭થી ૧૯૫૦માં હેમંત કુમારે ૮ બંગાળી ફિલ્મોમાં ૩૮ ગીતો રચ્યાં, જેમાંથી તેમણે પાંચ સોલો અને ત્રણ યુગલ ગીતો ગાયાં હતાં.

અન્ય પ્રવૃત્તિઓ

‘૪૦ના દાયકાના મધ્યમાં હેમંત કુમાર ઈન્ડીયન પીપલ્સ ઠિયેટર એસોશીએશન (IPTA)માં જોડાયા. અહીં તેમનો મેળાપ સલીલ ચૌધરી સાથે થયો જે પછીથી લાંબા સમયના સંબંધમાં ફેરવાઈ જવાનો હતો. જોકે, પછીથી, એક તબક્કે બન્ને વચ્ચે કોઈ બાબતે અણબનાવ પણ થયો હતો જેની અસર આ સંબંધ પર લાંબા સમય સુધી રહી.

એ સમયે સલીલ ચૌધરીએ જ લખેલ અને સંગીતબધ્ધ કરેલ એક ગૈર ફિલ્મી ગીત તેમણે રેકોર્ડ કર્યું

કોનો એક ગાન્ય્રેર બંધુ, કથા તોમાર સોનાઈ શોબો – ગ્યાનેર બોધુ (ગામડાની વહુ)

આ ગીતે સલીલ ચૌધરી અને હેમંત કુમારને ભારતના પૂર્વ ભાગમાં ખુબ પ્રસિદ્ધિ આપી.

ગીતનું પછીથી હિંદી સંસ્કરણ પણ બન્યું –

એક ભોલી ભાલી ગાંવકી રાની જિસકી કહાની આઓ સુનાયેં – ગીતકાર મધુકર રાજસ્થાની

https://www.youtube.com/watch?v=HY46_Ot9qDY

હેમંત કુમાર ૧૯૪૬માં સ્થપાયેલ આર્ટિસ્ટ એસોશીએશન સાથે પણ સક્રિયપણે જોડાયા હતા. પંકજ મલ્લિક, કે સી ડે, કમલ દાસગુપ્તા જેવા અનેક નામી કલાકારોએ સંગીત કાર્યક્રમોમાં ગાતા અને વાદ્યો વગાડતા કલાકારોને યોગ્ય મહેનતાણું અને એવા અન્ય પ્રશ્નો માટે આકરી લડત ચલાવેલી. AIRના કાર્યાલય સામે એ લોકોએ ૧૪ દિવસ સુધી ધરણા ને એવાં બીજાં પ્રદર્શનો કર્યાં. અંતે બીજા હિતધારકોની દરમ્યાનગીરીથી આ પ્રદર્શનો ૧૧ ઓગસ્ટ, ૧૯૪૬ના દિવસે સમેટી લેવાયાં . તે પછીથી થયેલ પહેલા જાહેર કાર્યક્રમમાં પંકજ મલ્લિકને ૫૦ રૂપિયા અને હેમંત કુમારને ૨૫ રૂપિયાનું મહેનતાણું મળ્યું !

એક્દમ અદની શરૂઆતથી હવે હેમંત કુમારની કારકિર્દી હવે સન્માનજનક વેગ પકડી ચુકી હતી. નવાં સીમા ચિહ્નો સ્થપાતાં જતાં. પરંતુ, તેમની આવક હજુ આઠ લોકોનાં કુટુંબની જરૂરિયાતોને માંડ માંડ પુરી કરી શકે અને માને પણ દર મહિને અમુક ચોક્કસ રકમ આપી શકે એટલી જ હદે પહોંચી શકી હતી.

આવા સંજોગોમાં પણ હેમંત કુમારને આવેશપૂર્ણ નિર્ણયો લેવાની ચાનક ચડી આવતી. આ વખતે હવે તેમણે તેમાં પોતાનાં પત્ની, બેલા,ને પણ તેના માટે રાજી કરી લીધાં. એ નિર્ણય હતો ટોલીગંજના આઝાદગઢ વિસ્તારમાં એક નાનકડા બગીચા સાથેનું ઘર ખરીદી લેવાનો. જોકે તે સમયે તેમને ન્યુ થિયેટર્સમાં દર મહિને અમુક ચોક્કસ મહેનતાણું મળે એવો કરાર પણ થવામાં જ હતો !

પરંતુ, હેમંત કુમારની ગણતરીઓની સામે વિધીના ચોપડે કંઈક જુદું જ લખાયું હતું. નવાં ઘરમાં આવ્યે માંડ બે ત્રણ જ મહિના થયા હતા કે તેમને મુંબઈથી તેડું આવ્યું અને હેમંત કુમાર, કુટુંબ સાથે, બોરીયાં બિસ્તર બાંધીને કાયમ માટે મુબઈ વસવાટ કરવા નીકળી પડ્યા !

આવતા અંકમાં આપણે હેમંત કુમારના હિંદી ફિલ્મ જગતના પ્રારંભના ૧૯૫૧થી ૧૯૬૦ના દાયકાની વાત કરીશું


સંદર્ભ સ્વીકૃતિ

1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan,Kolkata,  2013
2. Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999
3. Hemanter Ki Manta by Subhas Mukhopadhyay
4. Hemen Gupta: His Life and Times: Feature Article by Aniruddha Bhattacharjee, Cinemaazi.com
5. List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta


શ્રી એન વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત મૂળ લેખ, Hemantayan – Part 1નો આંશિક અનુવાદ

શ્રી એન વેન્ક્ટરામનનું વિજાણુ સંપર્ક સરનામું : venkatssa18@gmail.com

સોંગ્સ ઑફ યોર : https://www.songsofyore.com

Author: admin

6 thoughts on “હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ ઃ …. મગર હમ તુમ્હારે રહેંગે – અંક ૨ ૧૯૪૧ – ૧૯૫૦ :: પ્રભુતામાં પગલાં અને કારકિર્દીનો ઉષઃકાળ

 1. ઘણાં ભુલાઈ ગયેલાં અને અલભ્ય ગીતો સાંભળવાની મજા પડી. હેમંત કુમારે નૌશાદ સાહેબ માં સંગીત નિર્દેશન માં ગાયેલાં ગીતો પહેલી વખત સાંભળ્યાં. સંગીત સાથે સરસ માહિતી સભર લેખ બદલ આભાર.

  1. નીતિનભાઈ,

   આપને પણ આ ગીતો યાદ કરવં ગમ્યાં એ ખુબ આનંદની વાત.
   અહીં રજૂ કરેલ હેમંત કુમારનં સ્વરમાં ગવાયેલાં ‘બાબુલ’નાં બન્ને ગીતો કવર વર્ઝન છે. એટલે મૂળ સંગીત નૌશાદનું ખરું , પણ આ બને ગીતો તો અલગથી જ રેકોર્ડ થયાં હોય.

   નૌશાદનાં નિદર્શન હેઠળ ફિલ્મ માટેજ ગવાયું એવું ગીત તો તે પછી ‘શબાબ’ (૧૯૫૪)માં શક્ય થયું હતું.

  2. ખરા અર્થમાં વિશદ અને માહિતિપૂર્ણ આલેખ !
   સાથે મુકેલા બંગાળી ગીતો સાંભળવાની અને માણવાની મજા જ અનોખી છે.
   વૈવિધ્યસભર રસથાળ !

   1. ખુબ ખુબ આભાર, ભગવાનભાઈ.

    હિંદી ફિલ્મ સંગીતના તમારા જેવા મર્મજ્ઞને ‘મજા’ આવે એટલે અમારી છાતી ગદગદ ફૂલે.

Leave a Reply

Your email address will not be published.