ગુજરે હૈ હમ કહાં કહાંસે–૧૬ – ઘૂઘો : અન્ય રોચક સ્મરણો

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.

—————*—————-*——————-*——————-*——————*—————-

ગઈ કડીમાં જેની વાત કરી હતી એ ઘૂઘા સાથે વારસાગત કૌટુંબિક મૈત્રી હોવાથી મારે જાણે અજાણે પણ એની સાથે જોડાયેલા રહેવું પડ્યું છે. આ કડીમાં પણ એની સાથેના અનુભવો વહેંચવા છે ત્યારે એનો પ્રાથમિક પરિચય ફરીથી આપી દઉં.

મારે એનો ઘનિષ્ઠ પરિચય કેળવાયો એ સમયે અમે બેય આઠ-નવ વરસ આસપાસના હતા. એ અમારા ઘરથી નજીકના અંતરે આવેલા વિશાળ મકાનમાં રહેવા આવેલા અતિશય સમૃદ્ધ કુટુંબનો નબીરો હતો. એમાં પણ ચાર દીકરીઓ પછી જન્મેલો એટલે ખોટનો ગણાતો ઘૂઘો અસાધારણ લાડમાં ઉછરી રહ્યો હતો. ઉમરમાં મારાથી બે-ચાર મહિને નાનો હશે. હવે વાત આગળ વધારીએ.

પીયૂષ મ. પંડ્યા

—————*—————-*——————-*——————-*——————*—————-

એ લોકો અમારી બાજુમાં રહેવા આવ્યાં ત્યારે એમનો બંગલો બે માળીયો હતો. એના દોઢેક જ વરસમાં જ ઘૂઘાના ગનુદાદાની સંપત્તિમાં ખાસ્સો એવો વધારો થયો. કબીરજી તો કહી ગયા છે કે હોડીમાં પાણી અને ઘરમાં ધન વધી જાય ત્યારે એને બેય હાથે ઉલેચી, જ્યાંથી આવ્યું હોય ત્યાં પાછું ઠાલવી દેવું જોઈએ. પણ ગનુદાદા જરા અલગ વિચારતા હતા. એ ધનને બેય હાથે ઉલેચતા ચોક્કસ હતા, પણ એને વધી જાય ત્યારે પણ સમાજમાં પાછું ન વાળતાં પોતાના ઉપયોગમાં જ ઠાલવતા રહેતા હતા. એક દિવસ અમને ખબર પડી કે ગનુદાદાએ એમના બે માળના ઘર ઉપર ત્રીજો માળ ચણાવવાનું નક્કી કર્યું હતું. શાળાઓમાં ઉનાળુ રજાઓ પડવામાં હતી અને કાનજીભાઈ નામના એક કોન્ટ્રાક્ટરને એ કામ સોંપવામાં આવ્યું. સામાન્ય કડીયાકામ કરતે કરતે કાનજીભાઈ જાતે મકાન ચણવાનાં કામ લેવા માંડ્યા હતા. કોઈ ભણતર નહીં પણ અનુભવ અને કોઠાસૂઝના આધારે એમણે સારી એવી પ્રતિષ્ઠા જમાવી હતી. ચણતરકામ શરૂ થતાં સુધીમાં અમારે નિશાળોમાં રજા પડી ગઈ એટલે ઘૂઘાને અને મને એમાં ઊંડો રસ લેવાના મોકા રોજેરોજ મળવા લાગ્યા. અમને પણ કાનજીભાઈની સાથે ફાવી ગયું. અમારી સાથે એ ક્યારેક આફ્રીકાનાં જંગલોમાં અને ક્યારેક ઝાંઝીબારના દરીયામાં થયેલા રોચક અને રોમાંચક અનુભવો વહેંચતા રહેતા. જો કે એમને નજીકથી ઓળખનારાઓ તો કહેતા કે એ ક્યારેય ભાવનગરથી પૂરા વીશ માઈલ દૂર પણ ન્હોતા ગયા! જે હોય તે, અમારે રોજ સવાર બપોર એમનો સત્સંગ થવા લાગ્યો.

એવા અરસામાં એકવાર એકાદા બાલસામયિકમાં મેં વાંચ્યું કે જે મોટી ઉમરે મહાપુરૂષ બન્યા હતા એ બધા પોતપોતાની નાની ઉમરે નિશાળમાં લાંબી રજા હોય ત્યારે કાંઈ ને કાંઈ મહેનત કરી, પોતાની ખિસ્સાખર્ચી રળી લેતા હતા. એ મહાપુરૂશ તરીકે અનુકૂળતા પ્રમાણે અબ્રાહમ લિંકનથી લઈ, કોઈ પણ આગળ પડતા નેતાનું નામ મૂકી દેવાતું. એ સમયે આવા સુવિચારો ચોવીશેય કલાક માથે ન મરાતા હોવાથી એની અસર પણ થતી. મને થયું કે જો કાનજીભાઈ મને નાનું મોટું કામ આપે તો હું ય બે-પાંચ પૈસા કમાઈ શકું. અને ભાવિ પેઢીઓને માટે પ્રેરણાનું ઝરણું પણ વહેતું મૂકું. ઘરમાં કોઈ વડીલને પૂછું તો તો ના જ સાંભળવાની નક્કી હતી. આથી મેં સીધા કાનજીભાઈ પાસે જઈને એ બાબતે દરખાસ્ત મૂકી. એમણે હું મારા દાદાને પૂછીને આવ્યો હતો એની પૃચ્છા કર્યા પછી ચણાતાં જતાં ભીંતડાંને પાણી પાવાનું કામ રોજના આઠ આના લેખે મને સોંપવાનું સ્વીકાર્યું. એવામાં ઘૂઘો ત્યાં પ્રગટ થયો. એણે પણ આ કામમાં જોડાવાની તૈયારી બતાડી. ઘૂઘાની અને મારી વચ્ચેના માનસિક તફાવતને સારી રીતે સમજી ચૂકેલા કાનજીભાઈએ એને સ્પષ્ટ ના પાડી દીધી. જો કે એમણે આપ્યું એ કારણમાં પણ વજૂદ હતું. જેવી ગનુદાદાને ખબર પડે કે ઘૂઘા પાસે કાનજીભાઈ મજૂરી કરાવે છે એ ભેગા કાનજીભાઈને આ મોટા કામના કરારથી હાથ ધોઈ નાખવા પડે. આથી એમણે વચ્ચેનો રસ્તો કાઢ્યો, “જુઓ ઘૂઘા શેઠ! આવડો આ પાણી પાય, તંયે તમારે ધીયાન રાખવાનું. ઈ તો મોટ્ટું કામ સે, ને?” આમ અચાનક જ ઘૂઘો મારો મુકાદમ બની ગયો! “હાલ્ય એઈઈઈઈઈઈ…..ઈઈઈ……..ઈઈઈઈઈ! ઓલી બાજુ છાંટ્ય હરખું પાણી નકર કાનજીકાકો હગો નઈ થાય!” એવાં પ્રેમાળ ઉદબોધનો વડે એ મને ટોકવા લાગ્યો. જો કે આનો બદલો હું મારી ‘ડ્યુટી’ ખતમ થયે અમે રમવાનું શરૂ કરતા ત્યારે લઈ લેતો.

ખેર, હું દોઢેક રૂપીયો કમાયો હોઈશ એવામાં ગનુદાદાને મળવા આવેલા મારા દાદા મને ‘પરસેવાની કમાઈ’ માટે મહેનત કરતો જોઈ ગયા. એ જ ઘડીએ મારી આત્મનિર્ભરતાનો અંત આવી ગયો. જો કે કોઈ પણ કારણ હોય, દાદાએ મને માત્ર એક જ વાર લાકડીથી ફટકારી, કાનજીભાઈને પણ ફક્ત ચીમકી આપી, વાતનો વીંટો વાળી દીધો. ઘૂઘાના ગનુદાદા પાસે આ વાત નીકળી ત્યારે એણે મને આબાદ બચાવી લીધો. “ ઈ તો ઓલ્યા દાડીયાને બતાડતો ‘તો કે ભીંત્યુંને પાણી કેમ છંટાય.” કહીને એણે વાત વાળી લીધી. સમગ્ર ઘટનાક્રમનો ફાયદો એ થયો કે ગનુદાદાએ ઘૂઘાને અને મને મજૂરો કામ કરતા હોય ત્યારે છાંયેછાંયે ઉભા રહીને ધ્યાન રાખવા માટે સૂચવ્યું. મારી તો તત્ક્ષણ બઢતી થઈ, હું દાડીયામાંથી મુકાદમ બની ગયો! સામે પક્ષે ગેરફાયદો એ થયો કે જીવનની પહેલી જ કમાઈ હાથમાં ન આવી. કાનજીભાઈ એ દોઢ રૂપીયો ઠેકાડી ગયા!

બીજા દિવસથી તો ઘૂઘાએ અને મેં વટ કે સાથ મુકાદમગીરી કરવા માંડી. એવામાં સ્લેબ ભરવાનો સમય આવ્યો. સળીયા અને ખપાટીયાં બંધાઈ ગયાં એટલે અમને કાનજીભાઈ તરફથી એની ઉપર આંટા મારવાનો પરવાનો મળી ગયો. એકવાર ભરબપોરે અમે ત્યાં હતા, એવામાં જોરદાર વંટોળીયો શરૂ થયો. ઘૂઘો કહે, “આ વાયરામાં આપડે ઉડી જવી તો ઠેઠ હેઠા પડવી ને પછી હાડકાં ભાંગી જાય.” એ વખતે મારું ધ્યાન પડ્યું કે નીચે તો રેતીનો મોટો ઢગલો હતો. એટલે મેં એને કહ્યું કે જો એ જગ્યાએથી નીચે પડીએ તો વાગે એવું નહોતું, સીધા રેતીમાં ઝીલાઈ જઈએ. એ બાબતે સહેજ આગળ વિચારતાં મને યાદ આવી ગઈ હવાઈ છત્રી! એવું વાંચેલું કે ખુબ ઊંચાઈએથી એને સહારે પડતું મૂકીએ તો આસ્તે આસ્તે નીચે ઉતરી આવીએ અને પરિણામે જરાયે ઈજા ન થાય. મેં ઘૂઘાને એ બાબતે જણાવ્યું અને સૂચવ્યું કે જો એ બે છત્રીનો જોગ કરે તો અમારા બેયથી એ રોમાંચક પ્રયોગ થઈ શકે. ઘૂઘો કોઈ પણ વિચારને તાત્કાલિક અમલમાં મૂકવાની મનોવૃત્તિ ધરાવતો હતો. એ તરત જ નીચે ગયો અને બે છત્રી લઈને ઉપર આવ્યો. એમાંની એક તો એના દાદાની હતી. એકદમ રૂપકડી એ છત્રી ગનુદાદાના વ્યક્તિત્વનું અભિન્ન અંગ હતી. એનો હાથો ખુબ જ સુંદર પહેલ પાડેલા ભૂરા રંગના કાચ ઉપર કરાયેલા બારીક નકશીકામ વડે શોભતો હતો. ગનુદાદા ક્યારેય એ છત્રી હાથમાં ભરવ્યા વગર બહાર ન જતા. ઘરમાં પણ એમની બેઠકની બાજુના એક મેજ ઉપર જ એ જોવા મળતી. લોકો રમૂજમાં કહેતા કે એ નહાવા જાય ત્યારે જ કાંડેથી છત્રી હેઠી ઉતારે છે! હવે ઘૂઘાના હાથમાં એ જોઈને મને નવાઈ તો લાગી, પણ એણે કહ્યું, “જો, દાદા ન્હાવા ગ્યા ‘તા એટલે એમની યે ઠાંગતો આવ્યો. હાલ્ય, હવે આપડે બેઈ ભેરુ હારે કૂદાશે.” મને એમને વિશેની ઓલી રમૂજનો તાળો મળી ગયો!

એક મહાત્માનું કથન છે કે ડાહ્યાઓ કોઈ પણ કામ હાથ ઉપર લેતાં પહેલાં એનું સુયોગ્ય આયોજન કરે અને પછી લાંબો વિચાર કરીને એનો અમલ કરે. સામે પક્ષે મૂર્ખાઓ તો તરત ને તરત અમલમાં મૂકી દે. હવે નવ-દસ વરસની ઉમરે અમે આવાં સુવાક્યો વાંચ્યાં/પચાવ્યાં ન હોવાથી અમે એ વ્યાખ્યા પ્રમાણેના બીજા વિભાગમાં ગોઠવાઈ ગયા. યોગાનુયોગે રેતીનો ઢગલો બંગલાની પાછળની બાજુએ હોવાથી અમે એ સાહસકૃત્ય કરતી વેળાએ કોઈ વડીલની નજરે પડીએ એવી સંભવિતતા સાવ ઓછી હતી. એક હાથમાં ખોલેલી છત્રી અને બીજા વડે એકબીજાનો હાથ ઝાલીને અમે ભગવાનનું નામ લઈને કૂદ્યા. જે ઝડપથી હેઠે ઉતરી આવ્યા એમાં એટલું સમજાયું કે આ છત્રી જેને વિશે મેં વાંચ્યું હતું એ હવાઈ છત્રી કરતાં જૂદી હતી. જો કે ભરપૂર રેતીમાં પડ્યા હોવાથી બહુ વાગ્યું નહીં. પણ ગોઠણ અને કોણીના ભાગે છોલાઈ જરૂર ગયું હતું. વળી લગભગ વીશેક ફીટ ઊંચેથી પડ્યા હોવાથી મૂઢ માર પણ વાગેલો. પણ “બહુ મજા આવી. કાંઈ બહુ વાગ્યું નથી, આવું તો અખાડામાં રમવી ત્યારેય વાગે જ ને!” જેવાં વાક્યોથી અમે એકબીજાને આશ્વસ્ત કરવા લાગ્યા. ઉપસંહારમાં ઘૂઘો બોલ્યો, “ લે હાલ્ય ભેરુ, ઉભો થા. કોઈ ફીકર નથી.”

જો કે ક્ષણોમાં જ ખબર પડી કે ફીકર જ ફીકર કરવી પડે એવી પરિસ્થિતિ હતી. બનેલું એવું કે એક દાડીયણે અમને ઉપરથી કૂદતા જોયા હતા. એણે દોડીને ઘરમાં જાણ કરી. ઘૂઘાનાં બા અને દાદા દોડતાં ઘટનાસ્થળે જાતનિરીક્ષણ માટે ધસી આવ્યાં. અમને બેયને અને ખાસ તો ઘૂઘાને સંપૂર્ણ સ્વસ્થ જોતાં જ એની બા મારા ઘર તરફ દોડ્યાં. એમની નિસબત માને મારી ફરિયાદ કરવા પૂરતી સીમિત હતી. મેં માની લીધું કે એમણે “હવે આ પીયૂષીયો બહુ બગડ્યો શ હો! મ્હારા ઘૂઘાને નિતનવા ચાળા શીખવે શ.” એવા મતલબનું કાંઈક કીધું હશે. ઘૂઘાના દાદાએ ત્યાં એમની છત્રી જોઈ એથી એમને અમને કૂદેલા જાણીને થયેલો ગુસ્સો બેવડાઈ ગયો. એ છત્રીથી એમણે અમને બેયને ફટકારવાનું શરૂ કર્યું. આમ તો મને મારા દાદાની લાકડીનો માર ખાવાનો બહોળો અનુભવ હતો, પણ છત્રીની ઘાતકતા વધુ હોય એનો ખ્યાલ ત્યારે આવ્યો. લાકડીનો છેડો બૂંઠ્ઠો હોય, જ્યારે છત્રીના છેડે આવેલા અણીદાર ભાગનો અનુભવ પહેલી વાર થયો. બંદૂકની રચનામાં સમાવિષ્ટ બેયોનેટ કેટલી ઉપયોગી હોય, એ બરાબર સમજાઈ ગયું. હા, એટલું કહેવું પડે કે ગનુદાદાએ ઘૂઘાની અને મારી વચ્ચે મારવિભાજન સમાન ભાવે કર્યું હતું. એ વિધી પૂરી થયે એમણે અમને બેયને બાંધકામના નિરીક્ષણની ફરજમાંથી તાત્કાલિક અસરથી મૂક્ત કરી દીધા અને મને ઘરે કાઢી મૂક્યો.

હું ઘરે પહોંચ્યો એટલે ત્યાં બિરાજમાન ઘૂઘાની બા બોલ્યાં, “લ્યો, ભાભી, આ આવ્યા તમારા કુંવર! હવે તમે જાણો ને ઈ જાણે પણ હવે એને એટલું હમજાવી દેજો કે મ્હારા ઘૂઘલાને વધુ હેરાન નો કરે. આમ પચાસ પચાસ ફુટ ઊંચેથી બચાડાને ધક્કો દીધો, તે ઈ તો રેતીમાં પડ્યો તે બચી ગ્યો, બાકી તો…..” આટલું કહેતાં એમણે નવેસરથી ધુસ્કું મૂક્યું. હું તો દિગ્મૂઢ બની ગયો! માના ચહેરા ઉપર સતયુગી ન્યાયની દેવીની આભા પ્રસરેલી હતી, એને મારે કેવી રીતે સમજાવવું કે માંડ એ ઊંચાઈ વીશ ફીટથી વધારે નહોતી અને અમે સાથે પડ્યા હતા, મેં એને ધક્કો નહોતો માર્યો! મેં માથી સલામત અંતર જાળવી રાખીને જણાવ્યું કે અમે એકબીજાનો હાથ પકડીને સાથે કૂદ્યા હતા. “એય્ય્ય્ય, આલ્લે લે! તું તો છો જ હાવ ખોટ્ટાડીનો! મારો ઘૂઘલો આવું કરે જ નઈ હો, મને ભગવાન આવી ને ક્યે તો ય હું નો માનું” ઘૂઘાની બાના મોઢામાંથી ફૂટતી એ સરવાણી સાંભળીને મને બહુ જ લાગી આવ્યું. મને થયું કે મારી માને પણ આવી શ્રદ્ધા મારામાં ક્યારેય બેસશે ખરી? જો કે મેં મારા ગોઠણ ઉપરથી વહેતું લોહી બતાવ્યું એટલે માએ માની લીધું કે કુદરતી ન્યાય પ્રમાણે મને પૂરતી સજા મળી ગઈ હતી એટલે એણે કોઈ બીજું કારણ ન મળે ત્યાં સુધી મને મારવાનું મુલતવી રાખ્યું અને મારા ઘા ઉપર હળદર ભરી આપી. આ ઘટનાની અસર માંડ ચોવીશેક કલાક રહી અને ફરી પાછા ઘૂઘો ને હું ટહૂકા કરવા માંડ્યા.

—————*—————-*——————-*——————-*——————*—————-

લગભગ ૧૯૬૪-૬૫ આસપાસની વાત છે. જીવનમાં પહેલી વાર ઘૂઘા અને એના ડ્રાઈવર મણિલાલ સાથે ‘Spy Smasher’ યાની કી ‘’જર્મન જાસૂસ’ નામની ફિલ્મ જોવાની મને બાપુજીએ રજા આપી હતી. ભાવનગરના વડવા વિસ્તારમાં આવેલી વિજય ટૉકીઝમાં જવાનું હતું. કોઈ પણ કારણોસર ગનુદાદાએ મોટર આપવાની ના પાડી દીધી. પરિણામે અમારે સાયકલ ઉપર જવાનો વારો આવ્યો. મણિલાલ સાયકલ ચલાવે અને ઘૂઘો આગળ તેમ જ હું પાછળ એમ અમે હોંશભેર વિજય ટૉકીઝ તરફ હંકારી ગયા. સાવ નજીક પહોંચવા આવ્યા ત્યાં એક અતિશય સાંકડી શેરીમાંથી પસાર થવાનું આવ્યું. બેય બાજુ દુકાનો, વચ્ચે રખડતાં ઢોર, રમતાં છોકરાં અને ઢાળેલા ખાટલાઓ ઉપર બેસી રહેલાં વૃધ્ધજનોને પાર કરવામાં ધાર્યા કરતાં વધુ સમય લાગ્યો એટલે અમારો હાંકણહારો મણિલાલ અકળાવા લાગ્યો. મોડા પડીએ તો ટીકીટ ન મળે અને સૂકે ટોપરે પાછા જવું પડે. આથી એ ઉચ્ચ ઉપમા અને અલંકારથી ભરપૂર વાંગ્મયનો સતત પ્રયોગ કરવા લાગ્યો. ધીમે ધીમે અમે બે સવારો પણ એ દિશે એને સહકાર આપવા માંડ્યા.

એવામાં મારી નજરે પડ્યા ઉભી હરોળમાં ચાલ્યા જતા ત્રણ સાધુબાવાઓ. ઓળ્યા વગરના લાંબા વાળ, વધી ગયેલાં દાઢી મૂછ અને કેસરી રંગનાં લઘરવઘર બંડી-લુંગી-ફાળિયાં ધારણ કરીને જતી એ ત્રિપૂટીની નજીક અમે પહોંચ્યા અને કાને પડવા લાગ્યું કશુંક અવર્ણનીય અને અલૌકિક! મેં ચાલુ સાયકલે જ માર્યો ઠેકડો અને કેરિયર ઉપરથી ઉતરી ગયો. એ જ ક્ષણે મણિલાલે અને ઘૂઘાએ પોતપોતાની સાહિત્યિક સરવાણી મારી તરફ વાળી અને મને તરત સાયકલ ઉપર આવી જવા કહ્યું. મેં એમને આગળ જઈ, ટીકીટ લઈ લેવા કહ્યું અને ઉમેર્યું કે હું ચાલતો આવીને જોડાઈ જઈશ. હવે ટૉકીઝ નજીક હતી અને મારે આ સંગીતની મોહિનીમાંથી દૂર ન્હોતું જવું. મણિલાલ મને સારી પેઠે ઓળખતો હતો એથી એણે કહ્યું કે પોતે મને એકલો મૂકીને જાય અને હું આ ‘બાવાઓની પાછળ ક્યાંનો ક્યાં વિયો જાઉં, ભરૂહો નંઈ’! પણ મને હવે આ ગાયકીએ એટલો વીંટી લીધો હતો કે હું વશીભૂત થઈ ગયો હોઉં એમ એ ત્રિપૂટીની પાછળ દોરવાઈ રહ્યો હતો. આખરે એ બન્ને મને મૂકીને ‘વિયા ગ્યા’.

એકલો પડ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ત્રણેય બાવાજીઓ પચાસી વટાવી ગયેલા હતા. સૌથી આગળ હતા એ એક માત્ર જોઈ શકતા હતા, બીજા બંને પ્રજ્ઞાચક્ષુ હતા. એક કેસરી રંગના કાપડના લાંબા કટકા વડે ત્રણેય ભેગા વીંટળાયેલા હતા. મોખરે હતા એ હાર્મોનિયમ વગાડતા જતા હતા, વચ્ચે વાળા કરતાલ વડે અને છેલ્લે રહેલા બાવાજી ચીપિયા વડે તાલ આપતા જતા હતા. ત્રણેય અતિશય મીઠા સ્વરે ગાતા જતા હતા અને એમાં વચ્ચે વચ્ચે પાછા હાર્મની (ત્યારે એને હાર્મની કહેવાય એવી સમજ ન્હોતી.)ના પ્રયોગો પણ કરતા રહેતા હતા. શબ્દો મોટે ભાગે વ્રજભાષામાં હતા તેથી ઉચ્ચારો બહુ સમજાતા ન્હોતા, પણ એટલો ખ્યાલ આવ્યો કે એ લોકો કોઈ નદીને માતૃરૂપે ઉદ્દેશીને એનું ગુણગાન કરતા હતા.

આખરે એ લોકોને એક દુકાનવાળાએ દક્ષિણા આપવા ઉભા રાખ્યા એટલે એમનું ગાયન બંધ થયું. મને મારો જર્મન જાસૂસ સાંભર્યો અને મેં ટૉકીઝ તરફ દોટ મૂકી. ફિલ્મ ચાલુ થઈ ગઈ હતી, પણ હું આ દિવ્ય સંગીતના કેફમાં એવો લપેટાઈ ગયો હતો કે મને એ બાબત સાલી નહીં. ખબર નહીં, શું જાદુ હતો એ ત્રણ સાધુઓનાં ગાયન અને વાદનમાં કે વર્ષો વીત્યે પણ એ યાદ આવે ત્યારે બાગબાગ થઈ જવાય છે. થોડાં વરસ પહેલાં ‘Indian Ocean’ નામેરી બેન્ડ દ્વારા ગવાયેલી નર્મદા સ્તુતિ સાંભળી ત્યારે ભાવનગરમાં માણેલો એ રોમાંચક અનુભવ યાદ આવી ગયો હતો. બસ, એ જ અંદાજમાં વર્ષો અગાઉ સાંભળેલી (પણ ન સમજાયેલી) નદીવંદના તાજી થઈ ગઈ. નીચે એ અદ્ ભૂત રચનાની લિંક મૂકી છે. એ કાને પડે છે એ ભેગો હું પંચાવન વરસ પહેલાંની વડવાની શેરીમાં પહોંચી જાઉં છું.

સને ૨૦૧૭માં ભાવનગર ગયો ત્યારે ખાસ સમય કાઢીને સાયકલ ઉપર ભરપૂર રખડપટ્ટી કરેલી. અનાયાસે જ વડવાની એ શેરીમાં પહોંચી ગયો. ત્યાં પાંચ દાયકા પછી પણ બેય બાજુ દુકાનો, વચ્ચે રખડતાં ઢોર, રમતાં છોકરાં અને ઢાળેલા ખાટલાઓ ઉપર બેસેલાં વૃધ્ધજનો નજરે પડ્યાં, જાણે કશુંય બદલાયું ન હોય! હા, ઓલા ત્રણ બાવાજીઓને ગોતતી નજર ભોંઠી પડી.

—————*—————-*——————-*——————-*——————*—————-

સમય જતાં મારે ભાવનગર છૂટી ગયું. ત્યાં જવાનું થાય ત્યારે ક્યારેક ક્યારેક ઘૂઘો ભટકાઈ જતો. વડીલોપાર્જીત સમૃધ્ધિના કેફમાં એ એવો ડૂબેલો રહ્યો કે એણે મેટ્રીક પણ પાસ ન કરી. એની ચારેય બહેનો સરસ ભણી. સૌથી મોટી તો અનુસ્નાતક કક્ષાએ યુનિવર્સીટીમાં નંબર લાવેલી. એ ચારેય સારા, સંસ્કારી કુટુંબમાં પરણી અને એમાંની બે બહેનોને તો સારી પેન્શન પાત્ર નોકરી પણ મળી. એ બન્નેનાં કુટુંબ રાજકોટ સ્થાયી થયેલાં હતાં. ઘૂઘો પરણ્યો એ છોકરી પણ આછી પાતળી નોકરી કરતી હતી. આમ, બહેનો, પત્નિ અને બાપીકી મિલકતને સહારે એ સચવાયેલો જ રહ્યો. એણે સમગ્ર જીવનમાં કોઈ જ નોકરી/વ્યવસાય કર્યું જ નહીં. છેલ્લાં વર્ષોમાં ભાવનગર ખાતેનું બાપીકું ઘર વેચીને એણે રાજકોટના સારા વિસ્તારમાં આધુનિક સગવડો ધરાવતું મકાન ખરીદી લીધું. જ્યારે મળે ત્યારે ઘૂઘો મને આગ્રહપૂર્વક એકવાર એ જોવા માટે બોલાવતો રહેતો. એકવાર મારો ભાઈ અને હું રાજકોટ ગયા હતા એટલે થયું કે એનું ઘર જોતા જઈએ. આજુબાજુમાં પૂછતા પૂછતા નજીકમાં પહોંચ્યા. એક જગ્યાએ એની પૃચ્છા કરતાં એક સજ્જને પૂછ્યું, “ અચ્છા અચ્છા. ઓલ્યા બેન્કમાંથી વીઆરએસ લઈને આ બાજુ રહેવા આવ્યા છે ઈ કાકાનું ઘર ગોતો છો ને?” અમે બેય ભાઈઓ તો અમારી પોલીસ દ્વારા પૂછપરછ થતી હોય એવા હતપ્રભ થઈ ગયા!

આવો હતો અમારો ઘૂઘો. એની સાથેના ખાટા-મીઠા-કડવા અનેક યાદગાર પ્રસંગો છે. એમાંના કેટલાક વહેંચ્યા.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.