બાળવાર્તાઓ : ૧૮- ભમરાનું ગુંજન

પુષ્પા અંતાણી

આંબાનું એક મોટું ઝાડ. બધાં પંખીઓની એ પ્રિય જગ્યા. ત્યાં પોપટ આવે અને મેના પણ આવે, કાગડો આવે અને જાતજાતની ચકલીઓ પણ આવે. કોયલના મીઠા ટહુકાથી વાતાવરણ હંમેશાં ગુંજતું રહે. બુલબુલ ગાય ત્યારે બધાં પખીઓ એનું મીઠું ગીત સાંભળવા આસપાસ ગોઠવાઈ જાય. એક ભમરો પણ ત્યાં રોજ આવે. કોયલના ટહુકા અને બુલબુલનું ગીત સાંભળી ભમરાને પણ ગાવાનું બહુ મન થાય, પણ એને સંકોચ થતો. એ વિચારતો, મને ગાતાં આવડે નહીં અને બધાં મારી મશ્કરી કરે તો.

છતાં એનાથી રહેવાયું નહીં. એક દિવસ આંબાની ડાળી પર કોયલ એકલી બેઠી હતી ત્યારે ભમરો એની પાસે ગયો. એણે કોયલને કહ્યું: “કોયલબેન, તમારો કંઠ બહુ સરસ છે, ટહુકા કરો ત્યારે એવું મીઠું લાગે છે.” પોતાનાં વખાણ સાંભળીને કોયલ ફુલાઈ.પછી ભમરાએ ખચકાતાં ખચકાતાં પૂછ્યું, “કોયલબેન, એક વાત કહું? મને પણ ગાવાનું બહુ મન થાય છે. શું હું પણ ગાઈ શકું?”

કોયલ ભમરાની વાત સાંભળીને મોટેથી હસવા લાગી. બોલી: “તારો અવાજ સાંભળ્યો છે? તું ગાય તો તને પોતાને પણ ન સંભળાય એવો તો તારો અવાજ છે!” પછી ભમરાની મશ્કરી કરતી હોય એમ બબડી: “આવ્યો મોટો ગાવાવાળો!” કોયલની વાત સાંભળીને ભમરો છોભીલો પડી ગયો. એ હતાશ થઈ પોતાના ઘરમાં ભરાઈ ગયો. એને કોયલ પર બહુ જ ગુસ્સો આવ્યો. વિચાર્યું, બહુ અભિમાની છે. એ સમજે છે શું એના મનમાં? પછી એણે મનોમન નક્કી કર્યું, મારે ગાવું તો છે જ. ભલે હું એકલો-એકલો ગાઈશ, પણ ગાઈશ તો ખરો જ! આમ ભમરો એકલો-એકલો ગણગણતો અને ખુશ રહેતો.

ભમરો એક વાર ઊડતો ઊડતો ઝાડ પાસેથી નીકળ્યો. ઝાડની નાનકડી બખોલમાં એક ખિસકોલી બેઠી હતી. ખિસકોલી ચિંતામાં હોય એવું લાગ્યું. ભમરો એની પાસે ગયો અને પૂછ્યું, “તું કોઈ ચિંતામાં છો?”

ખિસકોલી કહે: “હા, જોને મારું બચ્ચું કેટલાય દિવસથી બીમાર હતું. એથી હું ખાવાનું શોધવા બહાર જઈ શકતી નહોતી. મેં ખાવાનું જે સંઘરેલું એ બધું ખલાસ થવા આવ્યું છે, થોડુંક જ બચ્યું છે. આજે બચ્ચાંને થોડું સારું છે એટલે મને થયું હું જરા બહાર જઈને ખાવાનું લઈ આવું, પણ માંદા બચ્ચાને એકલું છોડીને જવાનું મન થતું નથી. કોઈ એની પાસે હોય તો હું જઈ શકું.”

ભમરાને ખિસકોલીની દયા આવી. એ બોલ્યો, “મારી જરૂર હોય તો કહે, હું બચ્ચાનું ધ્યાન રાખીશ.”

ખિસકોલી ખુશ થતાં બોલી, “સાચે? તું એની પાસે રહેશે? તો તો બહુ સારું થાય.”

ખિસકોલી ભમરાને એના બચ્ચા પાસે લઈ ગઈ. બચ્ચાને કહ્યું, “બેટા, હું આપણા માટે ખાવાનું શોધવા જાઉં છું, આ ભમરાભાઈ તારી સાથે રહેશે. હું જલદી પાછી આવી જઈશ.” બચ્ચું પહેલાં તો માન્યું નહીં, પણ માએ એને વહાલથી સમજાવ્યું એટલે માની ગયું. ખિસકોલી જલદી ભાગી.

બચ્ચાએ ભમરાને પૂછ્યું, “તમે મારી સાથે રમશો?”

ભમરો કહે, “હા, પણ આપણે શું રમશું?”

બચ્ચું કહે, “ઊભા રહો, હું બેટ-બોલ લઈ આવું.”

એ બોરનો ઠળિયો અને ઝાડની નાની ડાળખી લઈને આવ્યું. ભમરાને ઠળિયો આપીને બોલ્યું: “તમે બોલ ફેંકજો, હું બેટથી મારીશ. થોડી વાર એવું કર્યા પછી બચ્ચું કહે: “હવે તમે બેટ લો અને મને બોલ આપો.” બચ્ચું બોલિન્ગ કરવા લાગ્યું અને ભમરો બેટિન્ગ. બંનેને રમવાની બહુ મજા આવી.

રમી રમીને બચ્ચું થાકી ગયું. એણે કહ્યું: “મને ભૂખ લાગી છે.”

ભમરો કહે: “હમણાં તારી મમ્મી ખાવાનું લઈને આવશે.”

બચ્ચાએ થોડી વાર રાહ જોઈ, પછી ભૂખ સહન ન થતાં એ રડવા લાગ્યું.

ભમરાએ એને શાંત પાડતાં કહ્યું: “ઊભું રહે, તારા ઘરમાં કશું ખાવાનું હોય તો હું જોઈ આવું.”

ભમરાને ફળ અને રોટલીના ટુકડા જેવું થોડું મળ્યું. એણે બચ્ચાને આપ્યું. બચ્ચાએ ખાધું. એની ભૂખ શાંત થઈ. બહુ વાર થઈ છતાં ખિસકોલી દેખાઈ નહીં. બચ્ચું બગાસું ખાતાં બોલ્યું: “હવે તો મને નીંદર આવે છે.’

ભમરો કહે: “ચાલ, હું તને સુવડાવું.”

બચ્ચું કહે: “એમ નહીં, મારી મમ્મી વાર્તા કહે તો જ મને ઊંઘ આવે.”

ભમરો કહે: “મને વાર્તા તો નથી આવડતી, તો પછી તારી મમ્મી આવે એની વાટ જો.”

બચ્ચું તરત બોલ્યું; “તમને ગાતાં આવડે છે?”

ભમરાને મજા આવી ગઈ. એણે વિચાર્યું, ગાવાની આ સારી તક છે. એણે કહ્યું: “જોવા દે, હું પ્રયત્ન કરું.”

ભમરાએ ગાવાનું શરૂ કર્યું. બચ્ચું ધ્યાનથી સાંભળવા લાગ્યું. એને મજા આવી રહી હતી. ભમરાનું ઝીણું ઝીણું ગુંજન બચ્ચા માટે સરસ હાલરડું બની ગયું. બચ્ચાની આંખો ધીરેધીરે ઘેરાવા લાગી. એ જોઈને ભમરાને ચાનક ચઢી. એ એકધ્યાને ગુંજન કરતો જ રહ્યો.

એટલામાં ખિસકોલી દોડતી આવી. એને વધારે વાર લાગી હતી એથી ચિંતામાં હતી કે બચ્ચું શું કરતું હશે, પણ બખોલ પાસે આવતાં જ એના પગ થંભી ગયા. જોયું તો બચ્ચું આરામથી ઊંઘતું હતું અને ભમરો આંખો બંધ કરીને એકચિત્તે ગાતો હતો.

ખિસકોલી તાળી પાડી ઊઠી અને બોલી: “વાહ, ભમરા, વાહ! તેં આવું સરસ ગાઈને મારા બચ્ચાને સુવડાવી દીધું! તું બહુ સરસ ગાય છે!”

ભમરો કહે: “સાચે, ખિસકોલી, હું ખરેખર સારું ગાઉં છું?”

ખિસકોલી કહે: “હા, હા, સાચે જ તું સરસ ગાય છે!”

ભમરો બોલ્યો: “તારો ખૂબ ખૂબ આભાર.”

ખિસકોલી કહે: “તેં મારા બચ્ચાની આટલી સંભાળ લીધી, તારો પણ ખૂબ ખૂબ આભાર.”

ભમરો કહે: “સારું તો, હું હવે જાઉં.”

ખિસકોલીના ઘરમાંથી બહાર ઊડતાં ભમરો આનંદથી બોલ્યો: “જખ મારે કોયલ! હવે તો હું જાહેરમાં પણ ગાવાનો જ!”

તે દિવસથી ભમરો ઊડતો ઊડતો ગુન…ગુન… ગુન… ગુંજન કરતો રહે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.