સમયચક્ર : શું આખલો રાષ્ટ્રીય સમસ્યા બની જશે ?

ભારતમાં ભાગ્યે જ કોઈ એવું શહેર હશે જેની સડકો ઉપર પ્રાણીઓ બેઠાં ન હોય. તેમાંય ગાય અને આખલાની પ્રમુખ હાજરી હોય છે. ગાય પ્રમાણમાં ડાહ્યું પ્રાણી ગણાતું રહ્યું છે. પણ ભગવાન ભોળાનાથના વાહન તરીકે જાણીતા નંદી સ્વરુપ આખલાની છેડછાડ કરતા ભલભલા બી જાય છે. શહેરોમાં આખલાનું તૂમુલ યુધ્ધ રોજબરોજનું દશ્ય છે. ત્યારે આખલાનું શું કરવું એ વિશે આવનારા સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચા થાય તો નવાઈ નહીં આખલાની ચર્ચા થાય છે ત્યારે કોઈને ટ્રેક્ટર કેમ યાદ નહીં આવતું હોય ?

માવજી મહેશ્વરી

વર્તમાનપત્રોમાં આખલાને પણ કવરેજ મળે છે. જોકે ખાસ કિસ્સા તરીકે તો આખલા અવારનવાર વર્તમાનપત્રોમાં સચિત્ર નજરે ચડે છે. પણ હવે આખલા સાથે જોડાયેલા તમામ સંદર્ભો બદલી રહ્યા છે. એક અર્થમાં આખલો વિસ્તરી રહ્યો છે. આખલાની જ ભાષામાં કહી એ તો આખલાઓએ પોતાનો વિકાસ કર્યો છે. જોકે એમના માટે કોઈ જ સરકારી યોજના કે ખાસ પેકેજ જાહેર થયું નથી તેમ છતાં તેમણે પોતાના સમસ્ત સમાજનો ખાસ્સો વિકાસ સાધી લીધો છે. અને તેય ત્રણેક દાયકામાં જ ! પેશકદમી અને જમીન અધિગ્રહણ આમ તો રેવન્યુ ખાતાના શબ્દો છે. પણ એ બેય શાબ્દોની ગંભીરતા આખલાની જમાત ઘોળીને પી ગઈ છે. ગામડાઓમાં તેમની પેશકદમી હજી નજરે ચડતી નથી, પણ ખાસ કરીને નાના શહેરોમાં, જ્યાં હજી આસ્થાના ઝાડવાં લીલાછમ્મ અને વ્યવસ્થાના ઝાડવાને માંડ બે પાન ફૂટ્યાં હોય ત્યાં આખલાઓની આખલાગીરી હદ વટાવી રહી છે. એવું કેટલાક બુધ્ધિજીવીઓ અને શાંતિના ચાહકોનું કહેવું છે. શહેરોમાં દબાણ હટાવ કામગીરી કરતા અધિકારીઓ ક્યારેક લોકોના રોષનો ભોગ બને છે. પણ જાહેર માર્ગો ઉપર જમીન દબાવી બેઠેલા આખલાઓથી રસ્તાને દબાણ મુક્ત કરવાની હિંમત કોઈની ચાલતી નથી. ક્યારેક તો આખલાઓ માનવ હત્યા સુધી પહોંચી જાય છે. તે છતાં હજી તેમની સામે પ્રચંડ માનવ આક્રોશ જાગ્યો નથી. શા માટે જાગ્યો નથી તે બાબતે કેટલાક જાણકારોનું કહેવું છે કે, આખલાઓ ભલે ગમે તેવો ત્રાસ વર્તાવે પણ, તેમનું કૂળ તેમને બચાવી જ લેશે. ગમે તેમ તોય તેઓનું કૂળ ઊંચું છે. આમ ઊંચા કૂળના હોવાના કારણે આખલાઓ માફ કરી દેવામાં આવે છે.

આમ તો શહેરોમાં આખલા જેવો જ પ્રશ્ન આડેધડ પાર્ક થયેલા વાહનોનો પણ છે. આખલા અને ગાડીઓ વચ્ચે ફરક એટલો જ છે. ઉભેલી દોડતી ગાડીઓ ડરાવતી નથી. જ્યારે ઉભેલો, સુતેલો, બેઠેલો આખલો ડરાવે છે. કોઈક સમયે આખલો ક્યારેક જ નજરે ચડતો. ગાયોના ધણ વચ્ચે શાનથી ફરતો. એની સામે આંખ શું કેમેરા ઉંચો કરવાનીય કોઈની હિંમત ન હતી. હવે આખલાઓ ટોળામાં જોવા મળે છે. આખલાના ટોળાને જોઈને તરત ખ્યાલ આવે છે કે, કુદરતે માણસને ભય ગ્રંથી આપી છે. જોકે આખલો કોઈ રેંજી પેંજી પ્રાણી નથી. લોકોએ અત્યાર સુધી સિંહના જ વખાણ કર્યા છે. એને બધા જંગલનો રાજા કહે છે. મૈસુરના જંગલોમાં સિંહ નથી તોય ત્યાંના બાળકો સિંહને જ જંગલનો રાજા ગણે છે. અરે ! આખલા વિશે તો કોઈએ વિચાર્યું જ નથી. સ્ટોકમાર્કેટ્નું ચિહ્ન જોયા પછી પણ લોકોને આખલા વિશે વિચારવાનું સુઝ્યું નથી. આખલાને માનવજાત તરફથી થયેલો આ હળહળતો અન્યાય છે ! ભારતીયોએ કદી વિચાર્યું છે કે આખલો કેટલું જૂનું પ્રાણી છે ? અરે આખલો ડાયનાસોર યુગથીય આગળની ઓળખ ધરાવે છે ! જ્યારે આ પૃથ્વી પર માણસ તો શું મચ્છર પણ ન્હોતો. તે વખતેય આખલો હતો ! આપણા ભગવાન ભોળાનાથને તો ઓળખો ને ? જેટલાં જૂના ભગવાન ભોળાનાથ છે, એટલો જ જૂનો આખલો છે. બોલો હવે તો સાચું ને ? જાણકારો કહે છે કે, ભગવાન શીવ આદિ અનાદી છે. એમનું કોઈ આયુષ્ય નથી. એનો અર્થ એ થયો કે આખલો પણ અનાદિ કાળથી પૃથ્વી પર વિહરે છે. ભગવાન શીવે પોતાના વાહન તરીકે નંદીની પસંદગી કંઈક વિચારીને જ કરી હશે ને ? આજે કેટલાક મા-બાપ પોતાના સંતાનોને વાહન ખરીદી આપવામાં મા- બાપગીરી કરે છે. એવાં સંતાનો દેવીદેવતાઓના દાખલા આપીને મા – બાપને સમજાવી શકે છે. જો દેવી –દેવતાઓને વાહન વગર ચાલ્યું નથી. આપણે તો પામર મનુષ્ય છીએ. આપણને તો વાહન જોઈએ ને ! બાબા ભોળાનાથે નંદી પસંદ કર્યો. પણ ભોળાનાથ માણસ ધારે છે એટલા ભોળા પણ નથી. તેઓ પક્ષપાત જરાય કરતા નથી. આપણા વડ્વાઓને નાહવા અને ખાવાની બાબતમાં મુંઝવણ થઈ એટલે પર્સનલ ગાઈડન્સ મેળવવા શીવજી પાસે ગયા. એ વખતે શીવજી મહારાજ પોતે પાર્વતીજી સાથે ચર્ચામાં વ્યસ્ત હતા. એટલે આપણા વડવાઓએ પોતાની વ્યથા નંદીને કહી. ભગવાને અકસીર ઉકેલ આપ્યો પણ, જવાબ અંત્યાનુપ્રાસ અલંકાર જેવો હતો. એમા ગોટો વળી ગયો. ભગવાનને જાણ થઈ એટલે એમણે જરાય ગુસ્સે થયા વગર નંદીના વારસદારોને પૃથ્વી પર મોકલી દીધા. બરાબર તે પછી બળદ શબ્દ અસ્તિત્વમાં આવ્યો.

આજના નાના છોકરા બળદ અને આખલા વચ્ચેનો ફરક સમજતા નથી. ક્યાંથી સમજે ? હવે બળદ શબ્દ જ શબ્દકોષના પૃષ્ઠોમાં રહી જાય તેવી સ્થિતિ છે. આખલાની સમસ્યા વિશે વાત કરનારને કોણ જઈને કહે કે, ભાઈ જાઓ પેલા ઈજનેર કે વૈજ્ઞાનિકને શોધો, જેણે ટ્રેક્ટર બનાવ્યું છે. ન ટ્રેક્ટર બન્યું હોત. ન આવડી આખલાની ફોજ હોત. જ્યારથી ટ્રેક્ટરો આવ્યા છે, બળદ બિચારા શેઢા પર (હાંસિયાપર) ચાલ્યા ગયા છે. બળદ ગયા તે સાથે જ નાથ ગઈ, ગાડાં ગયાં, હળ ગયા, વાવણિયાં ગયા, ધૂંસરી ગઈ, સમોલ ગઈ. આખું બળદ કલ્ચર ગયું. રહ્યા કેવળ આખલા ! આમતેમ દોડતા પોતાના ભયજનક વારસાનો ઈતિહાસ લઈને ફરતા આખલા. !

આગલી પેઢી ગરીબી નિરક્ષરતા જેવી રાષ્ટ્રીય સમસ્યા વિશે ભણી છે. હવેની પેઢી કદાચ આખલા જેવી રાષ્ટ્રીય સમસ્યા વિશે ભણે. નરેંદ્રભાઈ મોદીનું સપનું છે ભ્રષ્ટાચાર મુક્ત ભારત ! ભારતીય લોકોનું સપનું હશે આખલા મુક્ત રસ્તાઓ ! કદાચ આવનારા દિવસોમાં કોઈ રાજકીય પાર્ટી પોતાના મેનીફેસ્ટોમાં સમાજને આખલાઓથી મુક્ત કરવાનું વચન આપી દે તો નવાઈ નહીં. હા, એવુંય બને કે વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાઓનો એક વિષય આખલો પણ હોઈ શકે. આજની પેઢી વર્તમાન સાહિત્યકારોનું સાહિત્ય વાંચીને ધન્ય ભલે થઈ રહી હોય. પણ આજના સાહિત્યકારોની નજર પ્રાણીઓ તરફ જાય છે ખરી ? આગલી પેઢીના ગુજરાતી ભાષાના ત્રણ સમર્થ સાહિત્યકારોએ આખલાને પોતાની કથાઓમાં અદકેરું સ્થાન આપ્યું છે. ડૉ. જયંત ખત્રીની ‘હીરોખૂંટ” મડિઆની ’કમાઉ દીકરો’ ઈશ્વર પેટલીકરની જનમટીપ નવલકથાની પાણીદાર નાયિકા ચંદા જે આખલાને વશ કરે છે તે સાંઢ ! (સાંઢ શબ્દ જરા વિચિત્ર નથી લાગતો ? ) આ ત્રણેય અમરપાત્ર જેવા આખલા વાચકના મન પર ઘેરી છાપ છોડી જાય છે. એ પણ આખલા જ હતા. એમનું આખલાપણું એ જ હતું જે આજે છે. તેમ છતાં ગાયોના મોટા સમુહ વચ્ચે શાનથી ફરતા આખલા વિશેનો ’ધણખૂંટ ‘ શબ્દ આજની પેઢીને સમજાવવો જરા અઘરો છે. કારણ કે આજની પેઢી ગાયનું, ભેંસનું, અને અમુલનું દૂધ પીએ છે. દૂધના આ ત્રીજા સ્રોત સાથે ઘણું બધું જોડાયેલું છે. એમા આખલો પણ એક છે. આજે રસ્તાઓ રોકીને બેઠેલો, ખાવા માટે ઝગડતા આખલો જ બદનામ થાય છે. બાકી આખલાપણુ તો બે પગામાં પણ ક્યાં નથી !


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: admin

1 thought on “સમયચક્ર : શું આખલો રાષ્ટ્રીય સમસ્યા બની જશે ?

  1. ક્લાસિક. જ્યોતીન્દ્ર દવે યાદ આવી જાય.

Leave a Reply

Your email address will not be published.