ફિર દેખો યારોં : વિકાસયોજનાઓ એટલે બરબાદિયોં કા જશ્ન

– બીરેન કોઠારી

વિકાસશીલ ગણાતી આધુનિક માનવસંસ્કૃતિની એ તાસીર રહી છે કે કુદરત યા કોઈ જાતિપ્રજાતિનું પહેલાં નિકંદન કાઢવું અને એ પછી તેના સંવર્ધન માટે પગલાં લેવાં. કોઈ પણ ક્ષેત્ર જુઓ, આ તરાહ સામાન્ય જણાશે. પર્યાવરણની ખો કાઢવામાં આપણે કશી કસર છોડી નથી, અને હવે તો તેનાં પરિણામો પણ નજર સામે દેખાઈ રહ્યાં છે. આમ છતાં, આપણે હજી વિકાસ પાછળ દોડ્યે જ જઈએ છીએ. કયો વિકાસ? કોનો વિકાસ? શાને માટે વિકાસ? અને સૌથી મોટો સવાલ- શાના ભોગે વિકાસ? આના જવાબ વિચારવા જેટલો સમય જ ક્યાં છે? હા, જાતભાતના અભ્યાસ અને સર્વેક્ષણો થકી તેના જવાબ મળતા હોય છે, પણ એનું મહત્ત્વ કેટલું!

સમૃદ્ધ જૈવવિવિધતા ધરાવતા ગોવા રાજ્યમાં તાજેતરમાં ત્રણ મહત્ત્વની ‘વિકાસ’ યોજનાઓને કેન્‍દ્ર સરકારે મંજૂરી આપી. રાજ્યસ્તરની સંબંધિત પેનલે આ યોજનાઓને મંજૂર કરી દીધી છે એવો કેન્‍દ્ર સરકારનો દાવો છે. અલબત્ત, પેનલના છ સભ્યોએ જણાવ્યું છે કે આવી કોઈ મંજૂરી બાબતે તેઓ અજાણ છે અને આ પ્રકલ્પોની પર્યાવરણ પર થનારી વિપરીત અસર સામે તેમણે લાલ બત્તી ધરેલી છે. અગ્રણી અંગ્રેજી દૈનિક ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં સ્મિતા નાયરે તેનો વિગતે અહેવાલ આપ્યો છે.

આ ત્રણ પ્રકલ્પો અલગ અલગ છે. એક છે 120 વર્ષ જૂની, કર્ણાટકના હોસપેટથી ગોવાના વાસ્કો સુધીની રેલ્વેલાઈનને ડબલ કરવાનો. બીજો છે ચારસો કે.વી. વીજળીની લાઈન નાખવાનો અને ત્રીજો પ્રવર્તમાન રાષ્ટ્રિય ધોરી માર્ગ 4 એ-ને ચારમાર્ગી કરવાનો. કેન્‍દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરના વડપણ હેઠળ, નેશનલ બૉર્ડ ફૉર વાઈલ્ડલાઈફ (એન.બી.ડબલ્યુ.એલ.)ની સ્ટેન્‍ડિંગ કમિટીએ આ ત્રણે પ્રકલ્પોને લીલી ઝંડી આપી દીધી છે. ગયા ડિસેમ્બરમાં, અને આ વર્ષે એપ્રિલમાં થયેલી મિટિંગમાં આ પ્રકલ્પો મંજૂર કરાયા, જેમાં જણાવાયું છે કે ‘ગોવા સ્ટેટ વાઈલ્ડલાઈફ બૉર્ડ’ (જી.એસ.ડબલ્યુ.એલ.બી.) દ્વારા આ પ્રકલ્પ અંગે ભલામણો સૂચવવામાં આવી છે.

રાજ્યના બૉર્ડના કુલ ત્રીસ સભ્યો છે. તેમાંના કેટલાક જાણીતા પર્યાવરણવિદ્‍ છે. તેમનું કહેવું છે કે આ મિટીંગમાં તે પહોંચ્યા ત્યાં સુધી તેમને મિટીંગના એજન્‍ડાનો ખ્યાલ નહોતો. આ પગલાં સાવ ‘અવૈજ્ઞાનિક’ છે અને પશ્ચિમ ઘાટની સમૃદ્ધ જૈવવિવિધતાને તદ્દન અવગણીને આ પ્રકલ્પોની તરફેણમાં નિર્ણય લેવાયા છે.

વનવિભાગ દ્વારા આ પ્રકલ્પ બાબતે થયેલા અભ્યાસ અનુસાર આ વિસ્તારનું વન્ય જીવન વિભાજીત થઈ જશે અને જૈવ પ્રણાલિમાં મહત્ત્વનું પરિવર્તન આવશે. જમીનની ગુણવત્તા ઘટશે અને જળાશયોનું પ્રમાણ ઘટશે. ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા તપાસાયેલા અહેવાલ મુજબ ‘ભગવાન મહાવીર અભયારણ્ય’ અને તેના મુખ્ય નિર્દિષ્ટ વિસ્તારમાંની કુલ 170 હેક્ટર વનભૂમિ આનાથી અસરગ્રસ્ત બનશે.

એ પણ ઉલ્લેખનીય છે કે ત્રીસ સભ્યો ધરાવતા જી.એસ.ડબલ્યુ.એલ.બી.નું પુનર્ગઠન 2019ના નવેમ્બરમાં કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવાસન, મત્સ્ય, પશુપાલન, આદિજાતી કલ્યાણ જેવાં વિવિધ સરકારી વિભાગના તેમ જ પર્યાવરણ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના દસ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બૉર્ડની સૌ પ્રથમ મિટીંગ મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના અધિકૃત નિવાસસ્થાને ડિસેમ્બરની બીજીએ મળી હતી, જેમાં આ પ્રકલ્પોને મંજૂર કરવામાં આવ્યા હતા.

પર્યાવરણવિદ્‍ સભ્ય રાજેન્‍દ્ર કેરકરના જણાવ્યા મુજબ, ‘જે રીતે મિટીંગ ભરવામાં આવી, કશી ચર્ચા નહીં, એક કલાકથી પણ ઓછા સમયમાં બધું પતાવી દેવું, પર્યાવરણ અંગે કશી ચર્ચા જ નહીં…આ બધું આંચકાજનક છે. હકીકતમાં અમને જણાવવામાં આવેલું કે આ મિટીંગ કેવળ પરસ્પરના પરિચય અને સામાન્ય બાબતોની ચર્ચા માટે છે.’ ગોવા બર્ડ કન્‍ઝર્વેશન નેટવર્કની રાજ્ય પેનલના સભ્ય પરાગ રાંગણેકરે કહ્યું છે એમ ચર્ચાયેલો એક માત્ર મુદ્દો કેટલાં વૃક્ષો કપાશે તેનો જ હતો. કશા ટેક્નિકલ અભ્યાસ વિના, વૈકલ્પિક વનીકરણની કશી વ્યૂહરચના વિચાર્યા વિના રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આવી મિટીંગોમાં પર્યાવરણને લગતી મંજૂરીઓ આપી દેવાય એ વાત જ આઘાતજનક છે.’ ચરણ દેસાઈ અને અમૃત સિંઘ નામના બે સભ્યોએ જણાવ્યું કે હજી અમને આ પ્રકલ્પની વિપરીત અસરો વિશે સમજાવવામાં આવ્યું નથી. મિટીંગમાં અમે હાજર રહ્યા એની તેમને સહી જોઈતી હતી, બસ! જેથી એને તેઓ નેશનલ બૉર્ડને મોકલી શકે.’

મિટીંગની નોંધ સૂચવે છે એમ ચીફ વાઈલ્ડલાઈફ વૉર્ડન દ્વારા સૂચવાયેલાં પગલાં પર આ મંજૂરી આધારિત હતી. ચીફ વાઈલ્ડલાઈફ વૉર્ડન સંતોષકુમારે કહ્યું છે: ‘હા, ‘કેટલાક’ લોકોએ મિટીંગ દરમિયાન વિરોધ કરેલો. પણ હવે તેમણે નેશનલ બૉર્ડને લખવું પડશે.’ તેમણે જણાવ્યું છે એમ, આ પ્રકારના પ્રકલ્પો માટે બે પ્રકારની મંજૂરીની જરૂર હોય છે, જેમાંથી હવે એક જ બાકી રહે છે. જો કે, સંતોષકુમારે કહેલી સૌથી અગત્યની વાત એ છે કે, ‘કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે વિકાસનો કોઈ પ્રકલ્પ જનમત દ્વારા કરવામાં આવે. એ તો સંબંધિત સત્તામંડળ દ્વારા જ કરવામાં આવે.’

ગોવા ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થા તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદને પગલે હવે સર્વોચ્ચ અદાલતે એક સમિતિ નીમી છે અને સત્તાવાળાઓ તેમ જ આ પ્રકલ્પના અમલ સાથે સંકળાયેલી કંપનીઓ પાસેથી ત્રીસ દિવસમાં જવાબ માગ્યો છે.

આ પ્રકલ્પોથી થતા દેખીતા,આર્થિક લાભ પણ છે. આમ છતાં, પર્યાવરણનું નુકસાન અનેકગણું છે. પર્યાવરણના નુકસાનને આર્થિક રીતે કદી સરભર કરી શકાય નહીં. આ કટારમાં ગયે મહિને આસામમાં હાથીઓના અભયારણ્યમાં કોલસાનું ખનનકાર્ય કરવાની તેમજ નૂમાલિગઢ રિફાઈનરીને વિસ્તારવાની મંજૂરી અપાઈ ગઈ હોવા વિશે વાત કરવામાં આવી હતી. આ બાબતો એટલું અવશ્ય સૂચવે છે કે આટઆટલાં ગંભીર પરિણામો નજર સામે હોવા છતાં આપણે તેમાંથી કોઈ પાઠ શિખવા નથી માગતા. ગોવાના વન્યજીવનનું નિકંદન નીકળી ગયાના વરસો પછી કદાચ તેના સંવર્ધન, પુનરુત્થાન માટેની યોજનાઓને પણ આ રીતે આડેધડ જ મંજૂરી આપી દેવામાં આવશે. જૈવપ્રણાલિનાં સભ્યો ક્યાં ફરિયાદ કરવા આવવાનાં છે કે તેમને ન્યાય નથી મળ્યો!


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૯-૭-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)Author: admin

Leave a Reply

Your email address will not be published.