પંખીઓ ને પ્રાણીઓનું આપણા જીવનમાં બદલતું જતું સ્થાન

વિમળા હીરપરા

આપણે જાણીએ છીએ કે આપણે એક કોષી અમીબા જેવા કીટકમાંથી ઉત્ક્રાંતિ પામીને માણસ બન્યા છીએ. આપણા શાસ્ત્રમાં પણ ચોર્યાસી લાખ યોનિમાંથી પસાર થઇને માનવઅવતાર મળે છે એવો ઉલ્લેખ છે. તો વિજ્ઞાન પણ ઉત્ક્રાંતિના નિયમથી સમર્થન કરે છે કે આપણે એકકોષી જીવમાંથી જટીલ માનવદેહ પામ્યા છીએ.તો આપણા શાસ્ત્ર પણ ભગવાનના દસઅવતારમાં પ્રથમ કુર્મ, વરાહ,માછલી વગેરેમાંથી ઉંત્ક્રાંતિ પામીને રામાવતાર ને કૃષ્ણાવતાર માનવરુપે  દર્શાવી આ જ સિંધ્ધાતનું સમર્થન કરે છે. પ્રલયને અંતે વિષ્ણુભગવાન શેષનાગની શય્યામાં આરામ કરે છે. એમ મનાય છે કે પૃથ્વી શેષનાગના મસ્તક પર કે કાચબાની પીઠ પર ટકેલી છે. તો આપણા દેવીદેવતાના વાહન જુઓ.ત્યા પણ પશુ,પંખી ને પ્રાણીઓ છે. વિષ્ણુભગવાનનુણ ગરુડ, બહ્માજીનો હંસ, ઇંદ્રનો ઐરાવત, યમરાજાનો પાડો, અશ્વિનીકુમારનો ઘોડો, શંકરનો નંદી, ગણેશનો ઉંદર,સરસ્વતીનો મોર, અંબાજીનો વાઘ, બહુચરાજીનો કુકડો,

આ સિવાય આપણે કુદરતના દરેક પદાર્થમાં દૈવત્વ જોયુ છે.આપણે ધરતી ને નદીને માતા માનીને પુજીએ છીએ. પીપળો ને વડની પુજાકરીએ છીએ. ચંદ્રને મામા, સુરજને દાદા કહીએ છીએ. આપણા ગ્રહ,નક્ષત્રો ને રાશિ ને આભામંડળમાં પણ પ્રાણીઓની હસ્તી જોડી દઇએ છીએ.

આપણા રામ ને કૃષ્ણ જેવા માનવઅવતારમાં પણ પ્રાણીઓનો પ્રભાવ જોવા મળે છે. રામનો જન્મ યજ્ઞની પ્રસાદીરુપ છે તો એ જ પ્રસાદી પંખીની ચાંચમાંથી અંજનાના હાથમાં આવે છે ને હનુમાનનો જન્મ થાય છે. સીતા હરણમાં મૃગ ભાગ ભજવે છે ને જટાયુ સીતાને બચાવવા શહીદ થાય છે. તો વાનર એટલે કે હનુમાન એની ભાળ મેળવે છે ને વાનરસેના રાવણ સાથેના યુધ્ધમાં રામને સહાય કરે છે.

કૃષ્ણાવતારમાં ગાય એના જીવનમાં શરુથી જ જોડાયેલી છે. તો મહાભારતના યુધ્ધને અંતે હિમાલયમાં હાડ ગાળવા જઇ રહેલા પાંડવ બંધુમાં છેલ્લે એકલા બચેલા ધર્મરાજનો વફાદાર સાથી કુતરો જ છે.કૃષ્ણનો શણગાર મોરપીચ્છ ને શંકરનો સર્પ છે.

હવે આજના સંદર્ભમાં જોઇએ તો પ્રથમ તો માણસ માંસાહારી જ હતો. ખેતીવાડીની શોધ પછી નાના પાયે વિકલ્પ ઉભો થયો. તો પણ આજે દુનિયાની મોટા ભાગની પ્રજા માંસાહારી છે. મશીનોની શોધ પહેલાની આપણી જીવનશૈલી તપાસીએ તો પશુ,પંખી સાથે આપણો ગાઢ સંબંધ હતો. એ સમયે વસ્તી પાંખી ને દરેક ઘરને વિશાળ આંગણા, ફળીયા, ખુલ્લી ઓસરી ને ઘરની ચારે બાજુ મોકળાશ. આંગણામાં લીમડો,પીપળો, જેવા છાયા આપતા ઘટાદાર વૃક્ષો, ગામને પાદર વિશાલ વડલો. ખુલ્લાં ખેતરો ને હરીયાળી વાડીઓ, ગામને પાદર નદી ને સીમમાં તળાવ. ગાય આપણને દુધ,દંહી, માખણ શાકાહારી ખોરાક માટેની મુખ્ય જરુરયાત પુરી પાડતી. એના બચ્ચા તે વાછરડા બળદ બનીને ખેતીનો ભાર ઉપાડતા. તો ગૌમુત્ર પવિત્ર ગણાતુ ને ઔષધી તરીકે પણ વપરાતું. છાણનો ખાતર ને બળતણ તરીકે પણ ઉપયોગ થતો. ગાય આ રીતે કામધેનું મનાતી.વારતહેવારે એની પુજા થતી. ધાર્મિક દ્રષ્ટિએ એ વૈતરણી તરવામાં મદદ કરતી ને  કારજવિધિમાં એને પુંછડેપાણી રેડીને મૃતકને અંજલિ અપાતી. ભેંસ બકરી દુધાળા પ્રાણી ગણાતા.   ઉપરાંત બળદ,ઘોડા,ઉંટ ને ખચ્ચર માલસામાન ને માણસોની હેરફેરમાં સહાય રુપ હતા.પહોંચતા લોકો ઘોડા રાખતા ને રાજા મહારાજા હાથીની સવારી કરતા. મુસાફરી બળદગાડા, માફા, બગીઓ ને ઘોડાગાડીમાં થતી. તો રણપ્રદેશમાં ઉંટ ને પહાડોમાં ખચ્ચર  વાહન તરીકે વપરાતા. આ સિવાય આ પ્રાણીઓના ચામડા બુટચંપલ બનાવવામાં કામ આવતા. ગધેડા જેવા પ્રાણીઓ કુંભાર ને માટી લાવવામાં મદદરુપ થતા.

નવી વસાહતની સ્થાપનામાં આ બધી વાતનું ધ્યાન રાખીને ગામને તોરણ બંધાય. સવારથી જ પસુપંખીનું આગમન થાય. વહેલી સવારે કુકડો બોલે.જાણે કે કુદરતની ઘડિયાળ ને સુરજના આગમનનો છડીદાર. પછી આંગણે જુવાર નખાય ને કબુતરના ટોળા ઉતરે.સાથે ચકલી. કાગડા, કાબર, હોલા પણ આવે. ચોકમાં ચબુતરો હોય ને મંદિરના પ્રાંગણમાં ચણ નખાય. લોકો કીડીયારુ પુરે ને નદીએ માછલાને મમરા ખવડાવે. રસોડામાં કુતરા માટે ચાનકી બનાવાય, જમતી વખતે ગૌગ્રાસ કઢાય, ઝાડની ડાળીએ પાણીની ઠીબ ટાંગેલી હોય. પંખીઓ ચણીને પાણી પી ને ધરાય એટલે ઉડી જાય, બપોરે કોયલ ટહુકી જાય. સાંજના મહેમાન તે મોર ને ઢેલ.ચણવાની સાથે કળા કરીને મોર આપણું મનોરંજન પણ કરે. રાત્રે સુનકારમાં હોલા ને ઘુવડનો ચિત્કાર પણ સંભળાય ને તમરાનું સંગીત.

આ સિવાય અમુક પશું પંખી સાથે સારીનરસી પણ જોડાઈ છે, જેમકે સારા કામ માટે જતા હોય તો ગાય સામી મળે તો શુકન ને બિલાડી આડી ઉતરે તો અપશુકન. રાત્રે ઘરના મોભ પર હોલા કે ઘુવડ બોલે તો અશુભના અણસાર. કુતરા રડે તો યમરાજના આગમનની એંધાણી. કાગડો છાપરા પર બોલે તો મહેમાનના આગમનનો સંકેત. ટીટોડીના ઇંડાની ગોઠવણ પરથી ચોમાસાની સફળતાની ખબર પડે.

પછી જુઓ કે દરેક પંખીઓની માળા બનાવવાની કારીગરી. એમાં સુધરી મેદાન મારી જાય. ખરેખર તો સુગૃહી કહેવી જોઇએ. તો કાગડા આપણા સદગત પુર્વજોના પ્રતિનિધિ તરીકે ખીર ખાવા આવે

આપણા તહેવારો ને આપણા લોકગીતો પર પણ આ પ્રાણીઓનો પ્રભાવ છે. પંખી સાથે પિયરમાં સંદેશો મોકલતી દિકરી, વેવાઇને જાનના આગમનનો સંદેશો આપતો મોર, સીતાનો પઢાવેલો પોપટ ને ગુપ્ત સંદેશ લઇ જતું કબુતર આ આપણને પશુપંખીનો નાતો સમજાવે છે.

કાળક્રમે સમય બદલાયો. મશીનોનુ આગમન થયું. પ્રાણીઓ પરનો આધાર ઘટવા લાગ્યો. કુવા પર મશીન આવ્યા,વાહન વ્યવહારમાં ઉત્ક્રાંતિ આવી, દુધની ડેરી ઊભી થઇ. ઘડિયાળને કાંટે સમય ચાલવા લાગ્યો ને પ્રાણીઓનું સ્થાન મશીનોએ લીધુ ને પ્રાણીઓની અવગણના થવા લાગી.

આજે આપણા આંગણામાં ચકલા ,પોપટ,કબુતર કે મોર આવતા નથી. અરે,ઘરને આંગણા જ નથી. વૃક્ષો નથી. હવે તો પંખીઓને ઉડવા ખુલ્લુ આસમાન પણ નથી, ત્યાંય વિમાન સાથે હરીફાઇ કરવાની. આજના બાળકોને આ પંખી ને પ્રાણીઓ પુસ્તકોમાં કે નેટ પરની તસવીરોમાં કે નેશનલ જ્યોગ્રાફિકની ફિલ્મોમાં કે બહુ બહુ તો પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળશે !


વિમળા હીરપરા( યુ.એસ.એ ) || vshirpara@gmail.com

Author: admin

1 thought on “પંખીઓ ને પ્રાણીઓનું આપણા જીવનમાં બદલતું જતું સ્થાન

Leave a Reply

Your email address will not be published.