ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…

રણછોડ શાહ

આજે સંતાન અને વાલીના સંબંધમાં ગૂંચવાડો ઊભો થયો છે. વર્તમાન વાલી પોતાને આગળ વધવામાં જે જે તકલીફો પડી તે તેના બાળકને ન પડે તે માટે સજાગ અને સક્રિય થઈ ગયા છે. આથી તે બાળકને વધારે પડતું રક્ષણ (Over protection) આપે છે. વાલી બાળકની કાળજી રાખે તે જરૂરી જ છે, પરંતુ તેના વિકાસની પ્રક્રિયા રુંધે તેવું વર્તન કરે તે કેટલા અંશે યોગ્ય છે ? આજનો વાલી બાળકને સ્વાવલંબી બનાવવાને બદલે પરાવલંબી બનાવતો હોય તેવું વધારે નજરે પડે છે.

પતંગિયાની બાળઉછેરની પ્રક્રિયાને સમજવા જેવી છે. પતંગિયું તેના ઈંડા મૂકે ત્યાર બાદ ધીમે ધીમે તેમાંથી ઈયળ બહાર આવે છે. આ સમય દરમિયાન ઈયળ પુષ્કળ પીડા વેઠીને બહાર આવે છે. તેની માતા અહીં તેને જરા પણ મદદ નથી કરતી. તેનું બચ્ચું ધીરે ધીરે ઊડતાં શીખે છે. આ પ્રક્રિયા દરમિયાન જ તેણી પાંખોનો વિકાસ થાય છે અને પહેલાં નજીકમાં ઊડતાં શીખવે છે અને પછી ખુલ્લા આકાશમાં વિહરવાનું શીખવે છે. જ્યારે મનુષ્ય તો તેના બચ્ચાંને કયાંયે પીડાનો અનુભવ થવા જ દેતો નથી. બાળક સહેજ રડે અને દાદા–દાદી તથા માતા–પિતા તેની તમામ તકલીફો દૂર કરી દે છે. બાળકોને બાળપણ માણવા દેવાને બદલે તેને ઝટપટ મોટો બનાવી બાપથી સવાયા બનાવવાની તૈયારી શરૂ થઈ જાય છે.

આજથી પાંચ–છ દાયકા પહેલાં વધુ અભ્યાસ કે વ્યવસાય અર્થે ગામ છોડી અન્ય શહેરમાં જતા યુવાનો ઉપર તેમના વાલીઓને અમાપ શ્રદ્ધા અને વિશ્વાસ હતા. ત્યાંથી કયારેક પોસ્ટકાર્ડ આવે તો ઘરના વડીલો રાજીના રેડ થઈ જતા. સંતાન ભણતર કે નોકરીમાં સુખરૂપે જીવન આગળ વધારે છે તેના સંતોષનો ઓડકાર લઈ સૌ સુખનો અનુભવ કરતા હતા. ત્રણચાર દાયકા અગાઉ પણ આ પરિસ્થિતિમાં ઝાઝો ફેર નહોતો પડયો. ત્યારે પત્રને બદલે ફોનનો વ્યવહાર થઈ ચૂકયો હતો. ટ્રેનને બદલે યુવાન બસમાં કે ટેક્ષીમાં રજાઓ ગાળવા વતનમાં પરત ફરતો ત્યારે સૌ ઉત્સવ મનાવતા. ઘરમાં અને ફળીયા કે સોસાયટીમાં આનંદનું વાતાવરણ ફેલાઈ જતું. સૌ પાડોશીઓ તેના અભ્યાસ કે વ્યવસાયમાં કેવી પ્રગતિ થાય છે તેની પૂછપરછ કરી આનંદનો આસ્વાદ માણતા હતા.

છેલ્લા એકથી દોઢ દાયકામાં આ બાબતે અકલ્પનીય પરિવર્તન આવ્યું છે. શાળા કક્ષાએથી શરૂ કરીએ તો ખબર પડે કે આ કહેવાતા ભણેલા મમ્મી–પપ્પાઓને તેમના બાળકો ઉપર કેટલો ભરોસો છે ? બાળકોની બાલ્યાવસ્થા છીનવી લઈ તેને ખૂબ ઝડપથી યુવાન કે આધેડ બનાવવાની હોડ લાગી ગઈ છે. બાળકને સર્વગુણ સંપન્ન બનાવવાની સ્પર્ધામાં સૌ મંડી પડયા છે. બાલમંદિર કે પ્રાથમિક ધોરણોમાં પણ વાલીઓ પ્રશ્નપત્રો બનાવી શાળાની પરીક્ષા પહેલાં ઘરમાં પરીક્ષા લેવા તત્પર બની ચૂકયા છે. રાત્રી ‘બીફોર નવરાત્રી’નો ચેપ પરીક્ષામાં પણ લાગી ગયો છે – ‘પરીક્ષા બીફોર પરીક્ષા’. ખૂબ નાના ધોરણોથી ખાનગી ટયૂશન પાછળ મંડી પડતા વાલીઓને પોતાના બાળકોની જરાયે દયા નથી આવતી ! ૮–૧૦ વર્ષનું બાળક કેટલું ભારણ સહન કરી શકે તે આ કહેવાતા ભણેલા વાલીઓને કોઈ સમજાવી શકે ખરું ? પહેલા ધોરણથી પરીક્ષા આપીને બહાર નીકળતા બાળકના પ્રશ્નપત્રના ઉકેલ માટે મમ્મી શાળાના પ્રવેશદ્વારે પરીક્ષા પૂર્ણ થવાના સમય અગાઉ અચૂક ઉપસ્થિત હોય છે. ત્યાં બાળકની દીનતા જોઈને આંખ ભીની ન થાય તો જ નવાઈ ! થોડુંક લખવાનું ચૂકી જવાય કે કયાંક નાની મોટી ભૂલ થઈ જાય તો મમ્મી બાળકને ખખડાવવા માંડે છે. આ જ જગ્યાએથી બાળક જે હીણપતનો ભાવ અનુભવે છે એ તેની જિંદગીનો એક ભાગ બની જાય છે.

માત્ર અભ્યાસકીય ક્ષેત્રે બાળક સર્વોત્તમ હોય તેથી આ વાલીઓને સંતોષ થતો નથી. બાળક રમતગમત સ્પર્ધામાં ભાગ લે તો દોડમાં, ખો–ખોમાં કે લીંબુ ચમચીમાં પણ તે પ્રથમ ક્રમે જ રહેવું જોઈએ. તેને ચિત્રના વર્ગોમાં એ અપેક્ષાએ મોકલવામાં આવે છે કે ભવિષ્યમાં તેને એમ.એફ. હુસેન કે વાન ગોગ જ થવાનું છે. સાંજે તેને પુલમાં જઈને તરવાનું શીખી લેવાનું. સમય મળે કે ન મળે તેને સંગીત અને નૃત્યના વર્ગોમાં તો જવાનું જ. તેને સમાચારપત્ર કે અન્ય પુસ્તકનું વાચન તો કરવું જ પડે.

અરે ! કાવ્ય લખવાનું પણ ફરજિયાત ! બાળકની પસંદગી કે નાપસંદગીને અહીંયા કયાંય સ્થાન નથી. બાળક ધો.૧૧–૧રમાં આવતા અગાઉ તેને ધો.૯ થી બોર્ડની પરીક્ષા માટે ‘ઘોડાની રેસ’ની જેમ તૈયાર કરવામાં આવે છે. શાળા અને તેનું ઘરકામ તથા ખાનગી ટયૂશન અને ત્યાંથી આપવામાં આવેલ લેસન કરવું ફરજિયાત છે. હવે તો ‘ડે સ્કૂલ’નો મેનિયા ચાલ્યો છે. સવારે ૦૭:૩૦ થી સાંજના ૦૪:૦૦ કલાક સુધી શાળા અને માત્ર ભણતર ! જાહેર પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાના સમય દરમિયાન ‘વાલીમેળો’ ભરાય છે. જુદી જુદી શાળાના વાલીઓ ભેગા થઈ કેવી કેવી ચર્ચાઓ કરે છે ? ધો.૧ર પછી કઈ કોલેજમાં કેટલા રૂપિયા આપીએ તો એડમિશન મળશે ત્યાંથી લઈને કઈ સંસ્થાઓમાં કેવી કેવી કંપનીઓ ‘પ્લેસમેન્ટ’ માટે આવે છે તેની ઝીણવટપૂર્વકની ચર્ચા કરતા વાલીઓને સાંભળીએ ત્યારે તેમણે પ્રાપ્ત કરેલી કહેવાતી ઉપાધિ (ડિગ્રી) ઉપર દયા આવે છે. તે ભણ્યા છે ખરા, પણ ગણ્યા નથી તેમ વિના સંકોચે કહી શકાય.

થોડા દિવસ પહેલાં શાળાના એક પૂર્વ વાલી મળવા આવ્યા. સામાન્ય રીતે બાળકનો શાળાકીય અભ્યાસપૂર્ણ થાય ત્યાર બાદ કોઈક જ વાલી મળવા આવતા હોય છે. શાળામાં હોય ત્યાં સુધી શાળાના શિક્ષકો, આચાર્યો અને સંચાલકોને મળવું હિતાવહ ગણાય તેવું તેમનું માનવું છે. આવા વાલીઓ ‘વ્યવહારુ’ (Practical) ગણાય. પરંતુ આ પૂર્વ વાલી મળવા આવ્યા એટલે થોડીક આનંદમિશ્રિત આશ્ચર્યની લાગણી અનુભવી. વાલીશ્રીની વાત સાંભળી ખૂબ આશ્ચર્ય થયું. તેમનું સંતાન જે કોલેજમાં અભ્યાસ કરતું હતું ત્યાં એવી પદ્ધતિ હતી કે યુવાન–યુવતી કોલેજની હોસ્ટેલમાંથી ઘરે જવા નીકળે ત્યારે એક ગેટ પાસ આપવામાં આવે જેના ઉપર નીકળવાની તારીખ અને સમય લખવામાં આવે. સાથેસાથે વાલીના મોબાઈલ ફોન ઉપર મેસેજ મોકલીને તેમને પણ જાણ કરવામાં આવે. વાલીએ યુવાન–યુવતી ઘેર પહોંચે કે તરત જ સંસ્થાના મોબાઈલ ઉપર મેસેજ કરી તે ઘરે પહોંચ્યા હોવાની જાણ કરવાની. વળી તે કોલેજીયન વેકેશન પૂર્ણ કરી પરત જાય ત્યારે સંસ્થાના ગેટ પાસ ઉપર તેની ઘરે આવ્યાની તારીખ અને સમય લખી તેના ઉપર સહી કરી તે ગેટ પાસ સંસ્થામાં પરત જમા કરાવવાનો. કેવી જડબેસલાક વ્યવસ્થા ! વાલી ખૂબ ખુશ હતા. સંસ્થા કેટલી બધી કાળજી રાખે છે તેના વખાણ કરતાં થાકતા નહોતા ! ૧૮–ર૦ વર્ષના યુવાન ઉપર અવિશ્વાસ રાખતી આ શિક્ષણની સંસ્થા અને વાલી શું એમ કહેવા માંગે છે કે યુવાનો બેજવાબદાર છે, તેઓ ભરોસાપાત્ર નથી, રખડુ છે, મા–બાપને વફાદાર નથી? આવા વાલીઓ ઉપાધિપ્રાપ્ત શિક્ષિત છે પરંતુ કેળવણી પામેલ નથી. તેમને શિક્ષણ જરૂર પ્રાપ્ત કર્યું છે, પણ કેળવાયા નથી.

આ વ્યવસ્થા વિચારતાં તો એમ લાગે કે આ તો જેલમાંથી પેરોલ ઉપર છૂટતા કેદી જેવી દશા છે ! યુવાન વયના બાળકો ઉપર તો શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાના હોય તે જ ઉંમરે તેમના ઉપર અવિશ્વાસ રાખી ચોર–પોલીસ જેવું વર્તન કરવું કેટલું યોગ્ય છે ? આ ઉંમરના યુવાનોએ તો જાતે જવાબદાર બનવાનું છે તે ઉંમરે તેમની ઉપર અજુગતું દબાણ રાખી જવાબદારી નિભાવવાની ફરજ પડાવવી તે કેટલા અંશે યોગ્ય છે ? તેમનાં તમામ કાર્યો માત્ર અને માત્ર નિયમોના ચોકઠામાં જ ગોઠવી રાખવાનું વર્તન યોગ્ય છે ખરું ? તેમના આત્મસન્માનને કડડભૂસ કરતી આ પ્રક્રિયા યોગ્ય છે ખરી ? સ્વાભિમાન, આત્મગૌરવ અને પ્રામાણિકતાનો નાશ કરે તેવી વ્યવસ્થા ઊભી કરી આપણે યુવાનો–યુવતીઓને શું બનાવવા માંગીએ છીએ ?

આ તમામ પ્રક્રિયાની અવળી અસરો યુવાન–યુવતી પુખ્ત વયના થાય ત્યારે આપણને જણાઈ આવે છે. આપણા યુવાનો પોતાના નિર્ણયો જાતે લેવામાં એટલા માટે સફળ થતા નથી કે નાનપણથી જ તેમને પોતાના નિર્ણયો લેવા માટેની તાલીમ અને તક પૂરી પાડવામાં આવતી નથી. ‘બાળક છે તે શું સમજે ?’ તેવી આપણી ગેરસમજ છે. વ્યકિત જ્યારે જાતે નિર્ણય લે છે ત્યારે તે પૂર્ણ રીતે સફળ થાય તેવી જવાબદારી સમજે છે. નિર્ણય લે તો જ જવાબદારી નિભાવવાની સમજ આવે છે. આપણે નિર્ણય લેવા દેતા નથી, તેથી તે જવાબદાર બનતો નથી. જેમ જેમ તે મોટો થતો જાય તેમ તેમ તે વધુને વધુ અનિર્ણાયક અને પરાવલંબી બનતો જાય છે. કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતાં ખૂબ ગભરામણ અને મૂંઝવણ અનુભવે છે. આ તમામ પ્રકારની પ્રક્રિયા તેમની નિર્ણયશકિતને ખૂબ મોટા પ્રમાણમાં કુંઠીત કરે છે. સમગ્ર જીવન દરમિયાન તે લાચારી અનુભવે છે. કોઈપણ પ્રકારનો નિર્ણય લેવા માટે હિંમતની જરૂર હોય છે. પરંતુ તેનામાં હિંમતનો વિકાસ થયો હોતો નથી. અનુસ્નાતક તાલીમ પામેલ યુવક કે યુવતી શિક્ષકની નોકરી માટે જ્યારે રૂબરૂ મૂલાકાત માટે આવે છે ત્યારે બંને પક્ષે તમામ પ્રકારની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ અંતે તો તે કહે છે કે શાળામાં જોડાઈશ કે નહીં તે પપ્પા, પતિ અથવા અન્ય કોઈ વડીલને પૂછીને જણાવીશ ! આવા યુવાન કે યુવતીને જોઈએ ત્યારે અત્યંત દુઃખની લાગણી અનુભવાય છે.

ખૂબ લાંબા અનુભવ બાદ એવું જોયું છે કે યુવાનોને અનિર્ણાયક પરિસ્થિતિમાં મૂકનાર વાલીઓમાં શિક્ષિત વાલીઓનું પ્રમાણ ખૂબ વધારે છે. શિક્ષિત મમ્મી–પપ્પા બાળકને ખૂબ પાંગળો બનાવે છે. આવા વાલી અનુભવી વડિલોની વાત સાંભળવા, સમજવા કે સ્વીકારવા તૈયાર નથી. તેને તેની ઉપાધિનું ગૌરવ હોય છે કે અભિમાન, તે નક્કી કરવાનું ખૂબ મુશ્કેલ હોય છે. તેમાં પણ વિશેષ કરીને આજે જ્યારે બહેનો ખૂબ મોટા પ્રમાણમાં ઉચ્ચ પદવીધારી બની છે ત્યારે આ સમસ્યા અત્યંત વિકટ બની છે. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત બહેનોને પોતે પ્રાપ્ત કરેલ શિક્ષણનો ઉપયોગ કરવાની તક પ્રાપ્ત થતી નથી અથવા તેઓ પ્રાપ્ત કરતા નથી ત્યારે તેઓ ખૂબ હતાશા અનુભવે છે. તેમની પાસે જ્ઞાન, શકિત અને આવડત છે તેનો ઉપયોગ થતો નથી જેથી તેઓ નિરાશાની ગર્તામાં ધકેલાઈ જાય છે. આ નિરાશાને દૂર કરવા અન્ય રસ્તાઓ શોધે છે. તેમાં બાળક તેનું નિશાન બને છે. શિક્ષિત પણ ઘરરખ્ખુ માતાનું વલણ પાણીના ધોધ જેવું છે. તે પોતાનું બધું જ જ્ઞાન બાળકમાં ઠૂંસી દેવા મથે છે. જો તેને યોગ્ય રસ્તે વાળવામાં આવે તો વીજ ઉત્પાદન કરી શકાય, નહીં તો તે વિનાશનું પૂર લઈને આવે.

આ સરખામણીએ જે વાલીઓ થોડું ઓછું ભણેલા છે તે શાળાના શિક્ષકોની વાતો શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને સ્વીકારે પણ છે. તેઓ તેમના વડીલોમાં પણ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે. જેને કારણે આવા વાલીઓ તેમના બાળકોમાં નિર્ણયશકિત ખિલવવામાં મદદરૂપ બને છે. તેમને બાળકના ભવિષ્ય તરફથી કોઈ વધુ પડતી અપેક્ષાઓ પણ હોતી નથી. જેથી તેઓનું બાળક યોગ્ય રીતે પુખ્ત બને છે. તેમના બાળકો પણ ખૂબ ખૂબ પ્રગતિ તો કરે છે જ.

અહીંયા કોઈ વાતનું સામાન્યીકરણ કરવાની જરૂર નથી. બંને બાજુ સુખદ કે દુઃખદ અપવાદો પણ હોય છે. પરંતુ જે વાલીઓ અનુભવી લોકોની વાતો સાંભળે, સમજે અને સ્વીકારે છે તેમના સંતાનોની નિર્ણયશકિતમાં ચોક્કસ જ વધારો થઈ શકે. નિર્ણયશકિતમાં રાતોરાત વધારો થઈ શકતો નથી. આ એક પ્રક્રિયા છે જેની શરૂઆત નાનપણથી કરવી પડે. તો જ યુવાન પોતાના નિર્ણયો જાતે લેવાની શકિત કેળવી શકે.


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(નોંધ: તસવીર નેટ પરથી લીધી છે અને પ્રતીકાત્મક છે)

Author: admin

2 thoughts on “ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…

  1. સરસ.જોરદાર.
    વાલીઓને કાનની બૂટ પકડાવતો લેખ
    આશા રાખીએ જાગૃતિ આવે

    1. ભાનુભાઈ, આશા ભલે રાખીએ પણ જાગૃતિ નથી આવવાની. મૂડીવાદી સમાજમાં દરેક વ્યક્તિ બીજાની હરીફ છે એટલે વાલીઓ પોતાનો ‘માલ’ બજારમાં વેચાય એટલા માટે જબ્બર મહેનત કરે છે. બજાર વૃત્તિ બધે ડોકાય છે. આપણી આર્થિક દિશા ન બદલીએ તો બાળકોની દશા પણ આજે છે તે જ રહેવાની છે.

Leave a Reply to ભાનુભાઈ રોહિત Cancel reply

Your email address will not be published.