ચિરાગ પટેલ
उ. ६.१.५ (९५९) केतुं कृण्वन्दिवस्परि विश्वा रुपाभ्यर्षसि । समुद्रः सोम पिन्वसे ॥ (कश्यप मारिच)
હે વિશ્વવ્યાપી સોમ! વિશ્વમાં ચેતનારૂપે સંવ્યાપ્ત તમે સમુદ્ર જેમ અમને વિભિન્ન પ્રકારના વૈભવ પ્રદાન કરો છો.
આ શ્લોકમાં ઋષિ સોમ માટે સમગ્ર વિશ્વના પદાર્થને પ્રકાશિત કરનાર તેમ જ ચૈતન્યરૂપ તત્વ જેવા સંબોધન કરે છે. ભૌતિકપણે વ્યાપ્ત સોમને આધ્યાત્મિક સંદર્ભમાં જ ઋષિ અહીં વર્ણવે છે. વેદના શ્લોકમાં ઘણી વાર ભૌતિક કે આધ્યાત્મિક અર્થ લેવો એ સમજવું અઘરું હોય છે. જો કે, અમુક શ્લોક એવા છે જેમાં સ્પષ્ટપણે આધ્યાત્મિક અર્થ ઈંગિત હોય છે. આ શ્લોક પણ એવો જ છે!
उ. ६.३.९ (९९०) वाचमष्टापदीमहं नवस्त्रक्तिमृतावृधम्। इन्द्रात्परितन्वं ममे॥ (कुरुसुति काण्व)
હે ઇન્દ્ર ! સત્યને વધારનારી, નવીન કલ્પનાઓવાળી, આઠ પદોવાળી એવી નાની તમારી સ્તુતિ અમે કરીએ છીએ.
આ શ્લોકમાં આઠ પદનો ઉલ્લેખ છે. સ્તુતિ, પ્રાર્થના, જપ, ઉપાસના, તથા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના સાધનરૂપ અન્ય ચાર પદવાળી આધ્યાત્મિક ઉપાસનાની વાણી ઉપનિષદમાં માનવામાં આવે છે. આ માન્યતાનું મૂળ આ શ્લોકમાં જોઈ શકાય છે. નવસ્ત્રિકતમનો અર્થ નવી કલ્પનાઓ કે નવ દિશાઓ પણ કરી શકાય! જો કે, નવી કલ્પનાઓ વધુ યોગ્ય લાગે છે.
उ. ६.४.२ (९९५) अप्सा इन्द्राय वायवे वरुणाय वरुद्भयः। सोमा अर्षन्तु विष्णवे॥ (भृगु वारुणि/जमदग्नि भार्गव)
જળમિશ્રિત શુદ્ધ સોમરસ ઇન્દ્ર, વાયુ, વરુણ, મરૂત અને વિષ્ણુની તૃપ્તિ માટે કળશમાં સ્થિર થાવ!
ઋષિઓ સોમની અગ્નિમાં આહુતિ સર્વે દેવો માટે આપતાં. મુખ્ય દેવો તરીકે ઇન્દ્ર, વાયુ, વરુણ, મિત્ર, મરુદગણનો મોટેભાગે ઉલ્લેખ હોય છે. આ શ્લોકમાં વિષ્ણુનો ઉલ્લેખ છે, જે મિત્ર કે આદિત્ય કે સૂર્યની અવેજી માટે છે. વિષ્ણુ એ જ સૂર્ય!
उ. ६.६.७ (१०१४) उप त्रितस्य पाष्योःउरभक्त यद्गुपदम्। यज्ञस्य सप्त धामभिरध प्रियम्॥ (त्रित आप्त्य)
ત્રિતની ગુફામાં ખડક સમાન કઠોર બે પડમાંથી મળનારા સોમરસની ઋત્વિજોએ સાત છંદોથી સ્તુતિ કરી.
ત્રિત આપ્ત્ય ઋષિ આ શ્લોકમાં પોતાની સાધના ગુફાનો ઉલ્લેખ કરે છે. ઋષિ અહીં સાત ધામ અર્થાત છંદોનો ઉલ્લેખ કરે છે. સાતનો અંક સુવ્યવસ્થિત ગાણિતીય વ્યવસ્થાનો નિર્દેશ કરે છે. વેદકાળમાં ચોક્કસ અંકપદ્ધતિ વિકસેલી હશે. વળી, સાત છંદો ભાષાની સમૃદ્ધિનો નિર્દેશ કરે છે.
उ. ६.६.४ (१०२५) इन्द्राय साम गायत विप्राय बृहते बृहत्। ब्रह्मकृते विपश्चिते पनस्यवे॥ (वसुश्रुत आत्रेय)
જ્ઞાનની સાધના અને વિસ્તાર કરનારા હે વિદ્વાનો! પ્રશંસનીય ઇન્દ્ર માટે વિસ્તારથી સામગાન કરો.
આ શ્લોકમાં ઋષિ બ્રહ્મકૃતે વિશેષણ ઇન્દ્ર માટે પ્રયોજે છે. સમગ્ર ઉપનિષદો બ્રહ્મનો મહિમા અને અર્થવિસ્તાર કરે છે. એ પ્રમાણે, એ એવું સર્વવ્યાપક તત્વ છે જે જડ-ચેતન સર્વેનું જનક છે. એવા બ્રહ્મના જનક તરીકે ઇન્દ્ર છે. વળી, ઉપનિષદો એ પણ સમજાવે છે કે બ્રહ્મ એ બ્રાહ્મણની ઉપજ અર્થાત મનની નિષ્પત્તિ છે. એટલે, મન એ જ ઇન્દ્ર.
उ. ६.६.५ (१०२६) त्वमिन्द्राभिभूरसि त्वं सूर्यमरोचयः। विश्वकर्मा विश्वदेवो महाँ असि॥ (नृमेघ आङ्गिरस)
સૂર્યને પ્રકાશિત કરનારા દુષ્ટોને હરાવનાર હે ઇન્દ્ર! તમે વિશ્વકર્મા વિશ્વના દેવ મહાન છો.
આ શ્લોકમાં ઋષિ ઇન્દ્ર માટે વિશ્વકર્મા એટલે કે વિશ્વની રચના કરનાર અને વિશ્વદેવ એટલે સમગ્ર વિશ્વના દેવ એવા વિશેષણો પ્રયોજે છે. પુરાણોમાં વિશ્વકર્માને દેવોના સ્થપતિ બનાવી દેવામાં આવ્યા છે. વળી, ઇન્દ્રને ઋષિ સૂર્યને પ્રકાશિત કરનાર કહે છે. આ વિશેષણના બે અર્થ થઇ શકે. સર્વે દેવોના પણ દેવ ઇન્દ્ર હોવાથી સૂર્યની શક્તિ પણ ઇન્દ્રને આધારિત જ હોય. બીજો અર્થ થોડો આશ્ચર્ય પમાડે એવો છે. ઇન્દ્ર દ્યુલોકમાં વસે છે એટલે કે પૃથ્વીનું આવરિત વાતાવરણ. વાતાવરણમાં સૂર્યકિરણોનું વિખેરણ થવાથી દિવસ દરમ્યાનનું આકાશ પ્રકાશિત લાગતું હોય છે. વાતાવરણ વિના સૂર્ય એક મોટા પ્રકાશિત ગોળથી વિશેષ ના જણાય. ઇન્દ્ર આ અર્થમાં સૂર્યને પ્રકાશિત કરનાર છે.
શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com