– ભગવાન થાવરાણી

વોટ્સએપ અને ફેસબુકના આ યુગમાં જે રીતે, કોણ કયા દેશમાં રહે છે એનું કોઈ મહત્વ નથી રહ્યું, બિલકુલ એ જ રીતે શેરો-શાયરીના મામલામાં કયો શાયર હિંદુસ્તાનનો છે અને કયો પાકિસ્તાનનો, એનો કોઈ અર્થ નથી. સાચા ભાવકને એ વાત જોડે લેવા-દેવા પણ ન હોય !
કતીલ શિફાઈ કહેવા ખાતર પાકિસ્તાનના હતા. ત્યાંના પંજાબમાં જન્મ્યા, ત્યાંથી જ વિદાય. અઢીસો જેટલી ફિલ્મોમાં ગીતો લખ્યા અને વીસથી ય વધુ એમના કવિતા-સંગ્રહો. એમના સેંકડો શેરો ભારતીય ઉપખંડના શોખીનોની જબાન પર રમે છે. એમનો આ શેર જોશો એટલે શકીલનું ‘અમર ‘ નું પ્રખ્યાત ગીત યાદ આવશે :
ચલો અચ્છા હુઆ કામ આ ગઈ દીવાનગી અપની
વગરના હમ ઝમાને ભર કો સમજાને કહાં જાતે ..
મહેબૂબને મીઠી ફરિયાદ કરવાનો એમનો આ અંદાઝ જુઓ :
થક ગયા મૈં કરતે – કરતે યાદ તુજકો
અબ તુજે મૈં યાદ આના ચાહતા હું ..
અને પ્રિયજનની સાથેની આ નિખાલસતા તો જુઓ !
તુમ પૂછો ઔર મૈં ન બતાઉં ઐસે તો હાલાત નહીં
એક ઝરા – સા દિલ ટૂટા હૈ ઔર તો કોઈ બાત નહીં ..
એમની એક ગઝલ મને સમૂળગી જ બેહદ ગમે છે. જગજીત સિંગ દ્વારા ગવાયેલી. અને એ ગઝલનો આ શેર તો, તોબા :
યે ઠીક હૈ કોઈ મરતા નહીં જુદાઈ મેં
ખુદા કિસીકો કિસીસે મગર જુદા ન કરે ..
સીધી વાત અને ધારદાર ખંજરની જેમ એક ઝાટકે આરપાર ! કેટલી સાદગીથી કતીલ ( ‘ કતીલ ‘ એટલે જે કતલ થયો તે – કતલ કરનાર એટલે કાતિલ ! ) ફરમાવે છે કે હા ભાઈ, મને ખબર છે કે જુદાઈ, વિયોગમાં કોઈ મરી જતું નથી ( જેનો એક અર્થ એ પણ કરી શકાય કે મોતથી પણ બદતર ઘણું બધું થાય છે પોતાનાઓથી જુદાઈમાં ! ) છતાં મારી તો ખુદાને એ જ દુઆ છે કે જે પણ વીતાડ, કોઈની ઉપર પોતાના પ્યારાઓથી અલગાવનો જુલમ ન વીતાડતો !
આપણા વેણીભાઈ પુરોહિતે આ અમસ્તું નથી કહ્યું :
સમી સાંજના શમિયાણામાં ધીમો – ધીમો ધૂપ જલે છે
વહાલાં જેને જાય વછોડી એ હૈયું ગુપચુપ જલે છે ..
ચાલો, આપણે સૌ મળી કતીલ સાહેબની દુઆમાં સુર પુરાવીએ. આમીન !
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.