મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ

– વીનેશ અંતાણી

હું મારી જરૂરિયાતો સંતોષે તેવી થોડી સગવડો સાથે, સુખેથી અને મારી શરતે, કોઈ શાંત જગ્યામાં રહેવા માગું છું, જ્યાં મારા જેવા વૃદ્ધ લોકોનો સંગાથ મને મળે

·

બદલાયેલા સમયમાં વૃદ્ધોની પરિસ્થિતિ બદલાઈ છે. સંતાનોને વૃદ્ધ માતાપિતા ભારરૂપ લાગતાં હોય, સંતાનો એમના પરિવાર સાથે વિદેશમાં અથવા દેશમાં જ દૂરના શહેરમાં વસતાં હોય, વૃદ્ધોને ફરજિયાતપણે વૃદ્ધાશ્રમમાં રહેવું પડતું હોય એવી જુદી જુદી પરિસ્થિતિ એમના માટે ઊભી થાય છે. કેટલાંક વૃદ્ધ સ્ત્રી-પુરુષો આ પરિસ્થિતિને સ્વીકારીને અલગ રીતે પણ વિચારે છે. એમની કેટલીક વાતો જાણવા જેવી છે. અહીં આપેલી વાતોમાં એમનાં નામ બદલાવ્યાં છે.

વરુણી રઘુનાથન કહે છે: ‘મેં આખી જિંદગી નોકરી કરી. મારા પતિના અવસાન પછી મારા જીવનમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. આ ઉંમરે મારી જરૂરિયાતો બહુ ઓછી થઈ ગઈ છે. હું મારી જરૂરિયાતો સંતોષે તેવી થોડી સગવડો સાથે, સુખેથી અને મારી શરતે, કોઈ શાંત જગ્યામાં રહેવા માગું છું, જ્યાં મારા જેવા વૃદ્ધ લોકોનો સંગાથ મને મળે. મારે કારણે મારાં સંતાનોએ એમની જીવનશૈલી બદલવી પડે એ મને ગમે નહીં. એમની પણ જિંદગી છે. એમને એમની રીતે જીવવાની મોકળાશ હોવી જોઈએ. આજે યુવાનપેઢીની જિંદગી બહુ ડિમાન્ડિન્ગ બની ગઈ છે. એ લોકોએ ખૂબ મહેનત કરવી પડે છે, એમના મનોરંજનના ખ્યાલ બદલાયા છે, પ્રાયોરિટી પણ બદલાઈ છે. એ લોકો મારી પેઢીના લોકો કરતાં અલગ પ્રકારનું જીવન પસંદ કરે છે. હું એમાં આડખીલી બનવા માગતી નથી.’

સરિતા રાય કહે છે: ‘મારો દીકરો મને પ્રેમ કરે છે, છતાં એ મારી આ ઉંમરની જરૂરિયાતોને સંતોષી શકે તેમ નથી. અમે એક જ ઘરમાં રહીએ છીએ, છતાં ક્યારેક લાગે કે અમે જુદા જુદા ગ્રહમાં વસીએ છીએ. હું એની સાથે નિરાંતે મારા જૂના દિવસોની વાતો કરવા માગું છું, પરંતુ એની પાસે સમય હોતો નથી. હું ટી.વી. પર સમાચાર જોવા માગું, એ લોકોને ફિલ્મ કે સિરિયલ જોવી હોય. બે રૂમમાં બે ટી.વી. લાવીએ તો સમસ્યા રહે નહીં, પરંતુ એક જ ઘરમાં બે ટી.વી.? હું એ વિચાર જ સહન કરી શકતી નથી. એવું કરું તો મને આખા દિવસમાં એમની સાથે બેસવા થોડોક સમય મળે છે તે પણ મળે નહીં. હું મારી રીતે એકલી બહાર નીકળી શકતી નથી, એ લોકોને મારા સમયે બહાર નીકળવાનું અનુકૂળ આવતું નથી. કદાચ એમને એ ગમતું પણ ન હોય. ના, મારે મારા દીકરા માટે આવું વિચારવું જોઈએ નહીં, પણ શું કરું? ક્યારેક ઓછું આવી જાય છે. મારે જ મારો માર્ગ શોધી લેવો પડશે.’

ગોપાલ શ્રીવાસ્તવનાં સંતાનો વિદેશમાં રહે છે. વૃદ્ધ દંપતિએ તે પરિસ્થિતિ હસતા મોઢે સ્વીકારી લીધી છે. શ્રીવાસ્તવ રમૂજમાં કહે છે: ‘દવાઓ પર એકસ્પાયરી ડેટ લખવી ફરજિયાત બન્યું છે તેમ ભગવાને દરેક માણસની એકસ્પાયરી ડેટ લખવી જોઈએ. તો મારા જેવા વૃદ્ધો પોતાની બધી પ્રવૃત્તિ સંકેલી, મોહમાયામાંથી છૂટી, બીજા લોકો પાસે વધારે પડતી અપેક્ષા રાખીને દુ:ખી થવાને બદલે આનંદથી સમય પસાર કરી શકે. જો કે દુનિયામાંથી વિદાય લેવાની છે તે આપણે જાણતા નથી તે વાત એક રીતે વરદાન જેવી છે. જીવનમાં કશુંય અગાઉથી નક્કી હોય તો જીવવાની મજા શું આવે? આ તો કેવું છે, સવારે ઊઠીએ ત્યારે ખબર ન હોય કે આજનો દિવસ છેલ્લો છે કે નથી. રાતે સૂઈએ ત્યારે આવતી કાલે સવારે ઊઠશું કે નહીં એ વાતનું રહસ્ય જ આ વયે એકમાત્ર રોમાંચ રહ્યો છે. હું રોજ રાતે મારી પત્ની સાથે શરત મારું: બોલ, આવતી કાલે આપણા બેમાંથી કોણ હશે અને કોણ નહીં હોય!’ એમની વયોવૃદ્ધ પત્ની ઠાવકાઈથી કહે છે: ‘કદાચ ભગવાને આપણા કપાળ પર એકસ્પાયરી ડેટ લખી તો છે, પરંતુ આપણે એની લિપિ ઉકેલી શકતાં નથી — અને ઉકેલવી પણ ન જોઈએ, આપણે કંઈ ભીષ્મ પિતામહ બનવાની જરૂર નથી કે આપણી વિદાયનો સમય નક્કી કરી શકીએ.’ એક નેવું વરસનાં વિધવા માજી એમનાં પુત્ર-પુત્રવધૂથી અલગ એકલાં રહે છે. એમણે કહ્યું: ‘મને લાગે છે કે યમરાજના દરબારમાં ચિત્રગુપ્તે મારો ફોલિઓ જ ખોઈ નાખ્યો છે.’

મૃત્યુના સંદર્ભમાં કરેલાં બધાં જ આગોતરાં આયોજન ખોટાં પડે છે. બેન્કની નોકરીમાંથી નિવૃત્ત થયેલો એક વૃદ્ધ પુરુષ અપંગ પત્ની સાથે એકલો રહેતો હતો. એનાં સંતાનો વિદેશમાં રહેતાં હતાં. એ પત્નીથી પહેલાં મૃત્યુ પામે તો પાછળથી એકલી પત્નીને કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે એણે ઘણી આગોતરી વ્યવસ્થા કરી રાખી હતી. એણે વસિયતનામા ઉપરાંત સગાસંબંધીઓ અને મિત્રોની યાદી તૈયાર રાખી હતી. એમના ટેલિફોન નંબર, ઈ – મેઈલ આઈડી વગેરેનું લિસ્ટ બનાવી રાખ્યું હતું, જેથી એના મૃત્યુ પછી પત્નીને એમની સાથે સંપર્ક સાધવામાં કોઈ તકલીફ પડે નહીં. પરંતુ બન્યું જુદું જ. પત્ની એનાથી પહેલી અવસાન પામી. વૃદ્ધ બેન્કરે કહ્યું: ‘મેં પત્ની માટે કરી રાખેલી વ્યવસ્થા મને જ કામ લાગી. અમારે વૃદ્ધાવસ્થામાં એકલા રહેવું પડતું ન હોત, અમે અમારાં સંતાનોની વચ્ચે સચવાયેલાં હોત, તો મેં આવી કોઈ વ્યવસ્થા વિચારી જ ન હોત.’

આવાં ઉદાહરણોમાં ઘરમાં ભરાયેલી કંસારી બોલતી હોય એવી ઝીણી ટીસ સંભળાય છે. એ પીડામાં એકલતા છે, નિ:સહાયતા છે, બદલાયેલા સમયની સાથે ગોઠવાઈ ન શકવાની મૂંઝવણ પણ છે.


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: admin

2 thoughts on “મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ

  1. વીનેશભાઈ
    ખબ સુંદર લેખ લખીને આજના મોટાભાગ ના ઘરોમાં પરિસ્થિતિનું દર્શન કરાવ્યું છે. અને આ કારણ થી વૃદ્ધાઆશ્રમ ની સખ્યાં ઉતરોઉત્તર વૃદ્ધિ જોવા મળે છે. પંચતારક સગવડ વાળા વૃદ્ધાઆશ્રમ થી માંડી ને સિમીત સગવડ વાળા આજે વૃદ્ધાઆશ્રમ મળી આવે છે. પરંતુ આ વૃદ્ધાઆશ્રમ માં એક મોટી સમસ્યા છે એ છે કે ત્યાં રહેતાં વૃદ્ધ કે વદ્ધા ગંભીર બીમારીમાં સારસંભાળ અથવા તેના મૃત્યુ ના પ્રસંગે અંતિમક્રિયા માટે આ વૃદ્ધાઆશ્રમ કોઈ સગા સબંધી હોવા જરૂરી છે તેવી શરત હોય છે, અને આ તો મોટી વિડંબના છે!
    ખેર, મેં ભરૂચ સ્થિત એક વૃદ્ધાઆશ્રમ ની મુલાકાત દરમ્યાન જાણવા મળ્યું કે અહીંના વ્યવસ્થાપક ઉપર જણાવેલ બધીજ જવાબદારી લેવા તૈયાર હોય છે.
    ધન્ય હો તેમને.
    – નિરંજન કોરડે

Leave a Reply

Your email address will not be published.