‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર

-બીરેન કોઠારી

રામાયણ કે મહાભારત જેવાં મહાકાવ્યોમાં અનેક પાત્રો છે. એ દરેક પાત્રનું પાત્રાલેખન એટલું ખૂબીપૂર્વક કરાયેલું છે કે તેની ભૂમિકા સાવ નાની હોવા છતાં એ ચિરંજીવ છાપ છોડી જાય. એવાં પાત્રો ગણાવવા બેસીએ તો યાદી ઘણી લાંબી થાય.

‘શોલે’ ફિલ્મનાં પાત્રો બાબતે પણ કંઈક આવું જ કહી શકાય. ‘શોલે’ને કોઈ પણ રીતે રામાયણ કે મહાભારત સાથે સરખાવી ન શકાય, કે તેને ‘ક્લાસિક’નો દરજ્જો પણ આપી ન શકાય. છતાં એ હકીકત છે કે આ ફિલ્મે આગવો ઈતિહાસ સર્જ્યો હતો. તેનાં નાનામાં નાના પાત્રો, તેમના સંવાદો દર્શકોના મનમાં લગભગ છપાઈ ગયા હતા. ફિલ્મના પડદે જે તે પાત્ર પોતાનો સંવાદ બોલે એ પહેલાં દર્શકો એ સંવાદ બોલવા લાગે એ બહુ સામાન્ય બાબત હતી. એ પણ સ્પષ્ટતા કરવી રહી કે એ સંવાદોને માત્ર વાંચીએ તો એ સામાન્ય જણાય. એટલે કે તેની ખરી ચોટ અદાયગીમાં હતી. ‘શોલે’માં મુખ્ય પાત્રો ઉપરાંત આવાં કેટકેટલાં પાત્રોનો મેળાવડો હતો. મુખ્ય ખલનાયક ગબ્બરસિંઘની આસપાસ સામ્ભા, કાલિયા જેવા ડાકુઓ, ઠાકુર બલદેવસિંઘનો વફાદાર નોકર રામલાલ, બસંતીની મૌસી, કાસીરામ, ધોલીયા, ટપાલી ગુલઝારીલાલ અને બીજા અનેક…અહીં તેમની યાદી આપવાનો ઉપક્રમ નથી. ઉપક્રમ કંઈક જુદો છે.

(હરિરામ નાઈના પાત્રમાં કેશ્ટો મુખર્જિ)
(સામ્ભાના પાત્રમાં મૅકમોહન)
(રામલાલના પાત્રમાં સત્યેન કપ્પૂ)
(કાલિયાના પાત્રમાં વિજુ ખોટે)

‘શોલે’ના ચાહકો જાણે છે એમ ફિલ્મનાં મોટા ભાગનાં મુખ્ય પાત્રોની પોતાની કથા છે. પણ આ નાનાં પાત્રો ફિલ્મના એકાદ બે દૃશ્યો પૂરતા દેખા દે છે, અને ચિરંજીવ અસર મૂકી જાય છે. ઘણાં પાત્રો એવા છે કે એ ભજવનાર અભિનેતાનું નામ પણ ખ્યાલ ન હોય! આ પાત્રોનો ઈતિહાસ શો? તેની પૃષ્ઠભૂમિ શી? તેની સૃષ્ટિ કઈ? આવા સવાલો આ શ્રેણીનું પ્રેરક બળ બની રહ્યા. એ રીતે

આ શ્રેણીની પૃષ્ઠભૂમિ ‘શોલે’ ફિલ્મ છે. એટલે કે આ પાત્રો ‘શોલે’ ફિલ્મમાં છે, પણ તેમનો ઈતિહાસ ફિલ્મની સ્ક્રીપ્ટમાં નથી. એ બિલકુલ કલ્પનોત્થ છે.

આ ફિલ્મ અનેક વાર જોઈ હોય એવા ઘણા હશે, તો એવા પણ હશે કે જેમણે એ સાવ જોઈ જ ન હોય. અનેક વાર જોનારને આ શ્રેણીમાં મજા આવે, અને એકે વાર ન જોઈ હોય તેને એ ફિલ્મ જોવાનું મન થાય તો આ શ્રેણીનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો ગણાશે.

આ શ્રેણી કેવી હશે એ અગાઉથી જણાવીને રસભંગ કરવો નથી, પણ એટલું ખરું કે અહીં આવતા દરેક પાત્રનું અનુસંધાન ‘શોલે’ની કથાના જે તે દૃશ્ય સાથે જોડવામાં આવશે. દરેક હપતે એક એક પાત્રની વાત કરવામાં આવશે. એ રીતે આ શ્રેણીનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ને માત્ર મનોરંજન, અને ‘શોલે’પ્રેમ છે. જુલાઈ, ૨૦૨૦ થી દર મહિને બીજા મંગળવારે આ શ્રેણી પ્રકાશિત થશે.

દરમિયાન ‘શોલે’ વધુ એક વાર જોવાની ઈચ્છા હોય તો અહીં જોઈ શકાશે.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

5 thoughts on “‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર

  1. શોલે જેવી સુપર હિટ ફિલ્મનો કેમેરા સામે અને કેમેરા બહારનો ઇતિહાસ જાણવા મળ્યો.
    એકે એક પાત્ર યાદગાર બની રહયું . તેના સંવાદો હજુય યાદ આવે છે.
    આભાર અને અભિનંદન બીરેનભાઈ .

  2. બીરેનભાઈ! તમે તો સાવ અલગ વિષયવસ્તુ લઈને આવ્યા. હવે દરેક વખતે લેખ વાંચ્યા પછી ફિલ્મ જોવી ફરજીયાત બની જશે. શ્રેણીને માટે કહી શકાય કે નહીં, ખબર નથી. પણ તો યે કહું છું, ‘ભલે પધારી’!

  3. બિરેનભાઈ,આ ફિલ્મ સાથે મારો મહત્વ નો પ્રસંગ જોડાયેલો છે.આણંદ લક્ષ્મી ટોકીઝ મા ૭૫/૭૬ મા આ ફિલ્મ આવેલી.મારા મોટા ભાઈ ની પત્નીનું આણુ કરી ને લાવેલા.નાના ભાઈ બહેનને ફિલ્મ જોવા લઈ જવાનો વણલખ્યો નિયમ.
    મારી મોટી બેન,નાનો ભાઈ આ ફિલ્મના ઈન્ટરવલ પછી ડરી ગયા.અધવચ્ચે મોટા ભાઈ ગુસ્સામાં આ બધાને લઈ ને ગામ ભેગા.બંદા ડરા નહીં આખી ફિલ્મ ભાઈ ના સાળા સાથે જોઈ. રાત્રૈ ૨ વાગ્યાની બસમાં ચિખોદરામા. ડર ગયા સમજો ઘર ગયા

Leave a Reply

Your email address will not be published.