સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો

ભારતના ગ્રામ્ય વિસ્તારનો ખેડૂત હોય કે સામાન્ય મજુર, એ તલાટી શબ્દથી પરિચિત હશે. મહેસુલ વિભાગની અત્યંત મહત્વની આ જગ્યા જેટલી અગત્યની છે એટલી જ વિવાદોથી ઘેરાયેલી રહી છે. છેક મોગકાળથી ચાલ્યા આવતા આ મહેસુલી પદના કાર્યો અને સત્તામાં સમયાંતરે ફેરફારો થયા છે. ભારતમાં તલાટી માટે અંગ્રેજોએ Village Collector શબ્દ વાપર્યો છે. ગુજરાતીમાં તલાટી શબ્દ મરાઠીભાષાના तळाटी શબ્દ પરથી આવ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં તલાટી માટે જુદા જુદા શબ્દો વપરાય છે.

માવજી મહેશ્વરી

ભારતની વહીવટી વ્યવ્સ્થા અને વિવિધ સરકારી પદોનું પોતાનું એક પ્રભાવ અને સમાજશાસ્ત્ર હોય છે. જેમ કે પોલીસમેન. પોલીસ ખાતામાં તળિયાનું પદ કોંન્સ્ટેબલનું હોય છે. તેનો પગાર પણ સાધારણ હોય છે. તેમ છતાં એક પોલીસમેનનો પ્રભાવ વહીવટી અધિકારી કરતાંય વધારે હોય છે. સામાન્ય વહીવટમાં જેટલા સરકારી પદો તળિયાને સ્પર્શે છે તેની નોંધ સરકાર કે ઉચ્ચ અધિકારીઓ લે કે ન લે. પણ સમાજ એની નોંધ લે છે. એવું એક પદ છે તલાટીનું.

ભારતીય વસ્તીનો મોટો હિસ્સો ગ્રામ્ય વિસ્તારનો છે. તલાટી ગ્રામ્ય વિસ્તારનો પહેલો વહીવટી અધિકારી છે. એની પાસે ગામડાઓની ન માત્ર ભૌતિક સ્થિતિની જાણકારી હોય છે, એ ગામડાનાં આંતર પ્રવાહો અને સામાજિક રીત રીવાજોથી પણ સારી પેઠે પરિચિત હોય છે. વિવિધ વિસ્તારના ગામડાંની માનસિકતા અને અને નકારાત્મક પ્રવાહોની જાણ પણ તલાટીને વહેલી થઈ જતી હોય છે. એટલે એક અર્થમાં તલાટી ગામડાનો કાર્ડીઆક ડોક્ટર છે. તલાટીની કેડર થકી જ રાજ્ય અને કેન્દ્ર સરકારની મહત્વની યોજનાઓ લોકો સુધી પહોંચે છે. સત્તા વિસ્તરણ વ્યવ્સ્થાની મુખ્યધારા એવા મહેસુલ ખાતાના તળિયે રહેલા આ પદ પર કામ કરતા વ્યક્તિઓ ધારે તો ગ્રામ્ય વિસ્તારની કાયાપલટ કરી શકે છે.

અહીં તલાટીના પદને, તેના કાર્યોને સમજતા પહેલા આપણે અત્યંત વિચક્ષણ બુધ્ધિશક્તિ ધરાવતા ભારતના પ્રથમ મહેસુલ મંત્રી ટોડરમલ વિશે પણ જાણી લેવું જોઈએ. જેમણે તલાટીનું પદ ઊભું કર્યું છે. ઉત્તરપ્રદેશના ખત્રી પરિવારમાં જન્મ લેનાર ટોડરમલ આમ તો શેરશાહ સુરીના મહેસુલી અધિકારી હતા. જેમણે પાછળથી અકબરના રાજમાં વિશેષ કાર્ય કર્યું. ભારતમાં આજે જમીનને લગતા જે મહેસુલી કાયદાઓ છે તે મોગલકાળના છે. અને તે ટોડરમલના બનાવેલા છે. આ કાયદાઓ એટલા સુસંગત અને માનવીય છે કે તેમાં અંગ્રેજોએ પણ બહુ હસ્તક્ષેપ કર્યો નથી. ટોડરમલે અકબરના સમયમાં ખેતપેદાશ અંતર્ગત મહેસુલ દર નક્કી કર્યા એટલું જ નહીં, ખેતીમાં થતાં નુકશાન માટે વળતરની વ્યવસ્થા પણ દાખલ કરી. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન આખીય મહેસુલ વ્યવ્સ્થા અને ભુમી અધિનિયમોનું નવેસરથી સમાર્જન કર્યું. આજે ઉત્તર પ્રદેશના હરદોઈમાં ઉત્તરપ્રદેશ સરકારના મહેસુલી અધિકારીઓની એકમાત્ર પ્રશિક્ષણ સંસ્થાને ‘ રાજા ટોડરમલ ભૂલેખ પ્રશિક્ષણ સંસ્થાન ‘ એવું નામ આપવામાં આવ્યું છે. જ્યાં આઈએએસ આપીએસ સહિતના અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે. આવા મેધાવી મહેલુલી તજજ્ઞે મોગલકાળમાં ગ્રામ્ય વિસ્તારોને સુબા ( જિલ્લો ) સાથે સાંકળવા પટવારી ( તલાટી ) નું પદ ઊભું કર્યું. જેમા અંગ્રેજોએ નજીવો ફેરફાર કરી ૧૯૧૮માં એને કાયદેસર કરી સમગ્ર ભારતમાં લેખપાલ નામે તલાટીની જગ્યાઓ ઊભી કરી.

પટવારી શબ્દ બહુ લાંબો સમયથી ઉત્તર ભારતમાં પ્રચલિત રહ્યો છે. પરંતુ ભારતમાં પટવારી એટલે કે તલાટી માટે અલગ અલગ શબ્દ વપરાય છે. સમગ્ર ઉત્તર ભારત, આંદ્રપ્રદેશ, કર્ણાટક પશ્ચિમ બંગાલ તેમજ વર્તમાન પાકિસ્તાનમાં આજે પણ પટવારી શબ્દ પ્રયોજાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૧૯૧૮ સુધી તલાટી માટે કુલકર્ણી શબ્દ વપરાતો. ૧૯૧૮ પછી કુલકર્ણી શબ્દ બાકાયદા હટાવી તલાટી શબ્દ દાખલ કરવામાં આવ્યો, જે હજુ પણ પ્રચલિત છે. ગુજરાતી ભાષાના રસ લેનારે એ જાણવું ઘટે કે તલાટી શબ્દ મૂળે ગુજરાતી નહીં પણ મરાઠી છે. ગુજરાતીમાં તલાટી શબ્દનો અર્થ મહેસુલ વસુલ કરનાર મહેતો એવો થાય છે. તમીલનાડુમાં તલાટીને કર્ણમ કહેવાય છે. જ્યારે ઓરીસ્સાના કેટલાક વિસ્તારમાં પટેલ, શાનાબોગરુ અને અધિકારી કહેવાય છે. ઉત્તર ભારત અને ખાસ કરીને ઓરીસ્સામાં એક સમયે મોટાભાગના તલાટીના પદ પર કાયસ્થ જ્ઞાતિના લોકો કામ કરતા હતા. ગામડાંમાં તલાટી ખેડૂતો માટે મોટો સાહેબ ગણાય છે. પંજાબમાં તલાટીને ‘ પિંડ દી માં ‘ ( ગામની માતા ) નો દરજ્જો અપાયો છે. રાજસ્થાનમાં તલાટીને ‘ હાકિમ સાહબ ‘ કહેવાતું હતું.

આખાય ભારતમાં તલાટીઓની નિશ્ચિત જગ્યાઓ બાબતે મતમતાંતર છે. અત્યારે તલાટીઓની સંખ્યાનો કોઈ કેન્દ્રકૃત ચોક્કસ આંકડો નથી. ચૌધરી ચરણસિંહે તો ઉત્તરપ્રદેશમાંથી તલાટીની જગ્યા જ રદ્દ કરી નાખી હતી. જે પાછળથી લેખપાલના નામે ફરીથી ઊભી કરવામાં આવી. તલાટીઓને વધુ બોજો અને સત્તા ઉતરાખંડ સરકારે આપી છે. ઉતરાખંડમાં તલાટીને ‘ મહેસુલી પોલીસ ‘ કહેવાય છે. ત્યાંના તલાટીઓ મહેસુલ, ઉપરાંત રાજ્યના પાંસઠ ટકા જમીની વિસ્તારમાં ગુના નિયંત્રણ અને વન સંપદાને લગતું કાર્ય કરી રહ્યા છે. ભારત સરકારે ૨૦૦૫થી પટવારી ઈંફર્મેશન સીસ્ટમ નામનો સોફ્ટવેર તૈયાર કર્યો છે. આ સોફ્ટવેર દ્વારા ગુગલ મેપ આધારિત ખેડૂતોની જમીનના નકશા અને માલિકી વિગતોનો સંગ્રહ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ જમીનના માલિકી હકીકતોનું આધુનિકીકરણ થઈ ગયું છે. જે મામલતદાર કચેરીમાં ઈ ધરા તરીકે ઓળખાય છે.

ગુજરાતમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું તે પહેલા તમામ તલાટી મહેસુલી કર્મચારી ગણાતા હતા અને મહેસુલ વિભાગની કામગીરી કરતાં હતા. ૧૯૬૩-૬૪માં મંત્રીઓ અને તલાટીઓની અલગ કેડર કરવામાં આવી. જેમાં ગ્રામ પંચાયતના મંત્રીઓને ૩ માસની રેવન્યુ ટ્રેનીંગ આપી તલાટી-કમ-મંત્રી એક કેડર કરી તમામને પંચાયત હસ્તક મુકવામાં આવ્યા હતા. પરંતુ ૨૦૧૧થી ગુજરાત સરકાર દ્વારા ફરીથી રેવન્યુ તલાટીની નવી કેડર ઉભી કરવામાં આવી. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૦માં રેવન્યુ તલાટીની પરીક્ષા લેવામાં આવી અને ૧લી એપ્રિલ ૨૦૧૧થી નવા રેવન્યુ તલાટીઓને રેવન્યુનો ચાર્જ આપવામાં આવ્યો. જુના જોબ ચાર્ટ મુજબ રેવન્યુ તલાટીએ રેવન્યુને લગતા તમામ કાર્યો કરવાના થતા હતા. જમીનને લગતા ગામ નમુના નં. ૧, ૧-અ, ૨, ૩, ૪, પ, ૬, ૭, ૮-અ, ૧૨, ૧૩, ૧૬, ૧૭, તથા ૧૮ રેવન્યુ તલાટીએ નિભાવવાના થતા હતા. પરંતુ મહેસૂલ વિભાગના નવા જોબ ચાર્ટ મુજબ રેવન્યુ તલાટીએ બધા ગામ નમુના પંચાયત મંત્રીને પરત કરવા તથા તેઓએ જમીન અંગેની પ્રાથમિક તપાસ , કલમ ૧૩પ-ડી ની નોટીસ અને સમન્સ બજવણી, તુમાર પ્રકારની સરકારી પડતર જમીનોની સમયાંતર સ્થળ ચકાસણી કરી દબાણો દૂર કરવા અને શોધવા, હદ નિશાનો ચકાસવા સહિ‌તની અન્ય ફરજ બજાવવી જેવા કાર્યો કરવાના હોય છે. આ નવી રેવન્યુ તલાટીની કેડર ઘણા બધા વિવાદોમાં રહી ચુકી છે. સરકારે રેવન્યુ તલાટીને એકી સાથે દસ-દસ ગામોનો વહિવટ સોંપ્યો, જેમાં તેઓ પહોંચી શકતા નહતા. આ ઉપરાંત પંચાયત મંત્રીઓએ પણ કામગીરી સંબંધી વિરોધ દર્શાવ્યો. સરવાળે અરજદારને ઘણી મુશ્કેલી ભોગવવી પડી છે.

તલાટીનું પદ જેટલું મહત્વનું છે એટલું જ ફરિયાદવાળું પણ રહ્યું છે. આજે પણ તલાટીની ગેરહાજરી સંબંધી ફરિયાદો થતી રહે છે. જમીન સંબંધી ગોટાળાઓ ગ્રામ્ય સ્તરે થઈ શકે છે એટલા શહેરી વિસ્તારમાં સહેલાઈ થઈ શકતા નથી. તેથી તલાટીની ફરજ મહત્વની અને ચોકસાઈવાળી બની રહે છે. ગ્રામ્ય વિસ્તારમાના જમીની ગોટાળા કરનાર અનેક તલાટીઓને જેલ સુધ્ધાં થઈ હોવાના દાખલા છે. તેમ છતાં ગ્રામ્ય સ્તરથી ભારતના નવીનીકરણની શરુઆત કરનાર તલાટી જ છે. તલાટી પાસે ખેડૂતની પાછલી પેઢીનું સુખ રહેલું હોય છે. તલાટી પાસે જ ભારતીય નાગરિક હોવાનો પહેલો પુરાવો નોંધાય છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com

Author: Web Gurjari

1 thought on “સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો

  1. આપના લેખ હમેશા રસપ્રદ અને માહિતીપ્રદ હોય છે. અને દરેક વખતે કંઇક નવું જાણવા મળે છે.
    તલાટી વિષે ઘણું નવું નવું જાણવા મળ્યું.
    ખુબ ખુબ આભાર ,માવજીભાઈ !

Leave a Reply

Your email address will not be published.