સુરેશ જાની
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને
ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે
આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.
એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા
પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.
– મનોજ ખંડેરિયા
દિલને કોરી ખાતી વ્યથાની આ કવિતા એક વિશિષ્ઠ છાપ મૂકી જાય છે. ખાલીપાની આ વ્યથા પ્રિયજન દૂર હોય કે સ્વદેશથી દૂર સ્થળાંતર કરવું પડ્યું હોય – તે સૌની વ્યથા છે. એકધારાં ચાલ્યા કરતા જીવનમાં કોઈ પ્રવેશે અને આયના જેવી જડ અવસ્થામાં ન સાંધી શકાય એવી તરાડ પડી જાય – એની આ વાત બહુ જ અલગ અંદાજમાં મનોજ ભાઈએ કહી છે. ખાલીપાના અંધારામાં સૂરજ કે દીવો પડછાયો પાડી શકતા નથી, અથવા વિરહી હૃદય તે જોવા અશક્ત બની જાય છે.
કદાચ આવી જ અવસ્થા ઇશ્કે હકીકીમાં પણ પ્રસ્તુત બની જાય છે.
શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com