હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦

એન. વેન્કટરામન

અનુવાદ – અશોક વૈષ્ણવ

લતા મંગેશકર કહેતાં, ‘હેંમંતદાના સ્વરમાં મને મંદિરમાં બેઠેલા સાધુના ભજનની પુણ્ય અનુભૂતિ થાય છે.’ તેનાથી પણ આગળ વધીને સંગીતકાર સલિલ ચૌધરીનું કહેવું છે કે, ‘ઈશ્વરે જો ગાવાનું નક્કી કર્યું હોત તો તે હેમંતદાના સ્વરમાં ગાત.’

એન વેન્ક્ટરામનનો સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત થયેલ મૂળ અંગ્રેજી લેખ, Hemantayan, હેમંત કુમારને સર્વગ્રાહી સ્મરણાંજલિ અર્પે છે. એમનો લેખ બે ભાગમાં થશે. આજના આ પહેલા ભાગમાં તેમણે હેમંત કુમારની ૧૯૨૦ થી ૧૯૬૦ સુધીની જીવન અને સંગીત યાત્રા – (જ.: ૧૬ જૂન, ૧૯૨૦ । અ.: ૨૬ સપ્ટેમ્બર ૧૯૮૯) – ને આવરી લીધી છે. હેમંત કુમારનાં કૌટુંબિક મુળીયાંથી શરૂ કરીને તેમનાં પ્રારંભિક જીવનમાં નજર કરતાં લેખક આપણને હેમંત કુમારની પહેલાં ગાયક અને પછી સંગીતકાર તરીકે ખીલતી જતી કારકીર્દીની યાત્રા તેઓ કરાવે છે. એ દરમ્યાન આપણને હેમંત કુમારનાં બંગાળી અને હિંદી, ગૈર ફિમી અને ફિલ્મ્નાં ગીતોનો આસ્વાદ પણ તેઓ કરાવતા રહે છે.

આ સમગ્ર મૂળ લેખને આપણે ત્રણ અલગલગ ભાગમાં માણીશું.

૨૬ સ્પટેમ્બરના રોજ પ્રકાશિત કરવાનું આયોજન કરેલ બીજા ભાગમાં તે પછીની હેમંત કુમારની જીવન યાત્રાની વાત તેઓ કરશે.

તેમના મૂળ લેખને ગુજરાતીમાં અનુવાદ કરીને અહીં પ્રકાશિત કરવા માટેની સહમતિ આપવા બદલ શ્રી એન વેન્ક્ટરામન અને સોંગ્સ ઑફ યોરનો હું હાર્દિક આભાર માનું છું

અશોક વૈષ્ણવ

અંક ૧ : ૧૯૨૦ – ૧૯૪૦

મથુરાપુર- લક્ષ્મીકાંતપુર રેલ્વે લાઈન દક્ષિણ ચોબીસ પરગણામાંથી પસાર થતાં થતાં પોતાની પછેડીમાં જૂના જમાનાંનાં કેટલાંય ઊંઘરેટાં સ્ટેશનોને સમાવી રહેલ છે. એવું એક સ્ટેશન છે બહારૂ. પુરાતન ભાગીરથીની પ્રશાખાને કિનારે વિકસલ અનેક જનપદોમાંનાં એક એવાં બહારૂનો ઉલ્લેખ બિપ્રદાસ પિપીલાઈનાં ૧૯૪૫માં સ્રર્જન થયેલ માનસવિજયમાં જોવા મળે છે.; પોતાનાં વૃધ્ધ માની સમક્ષ મથુરા-વૃંદાવનને લઈ આવવા માટે, ઈસ્ટ ઈન્ડીયા કંપનીના દિવાન નન્દકુમાર બોઝે ચુનારમાંથી પથ્થરો મંગાવી અને જયપુરના શિલ્પીઓને બોલાવીને, ૧૯મી સદીમાં શ્યામસુંદરનું એક ભવ્ય મંદિર બંધાવ્યું ; બહારૂ, જોયનગરેર માવા તરીકે આખાં બંગાળમાં ઓળખાતી મિઠાઈનું ઉદભવ સ્થાન છે. આ મિઠાઈ એ પ્રદેશમાં ઉગતા ચોખાને પલાળી તેમાંથી બનતી મીઠી સોડમવાળી એક વાનગી, કનકચુર,માં તાડના ઢીલા ગોળ અને દેશી ઘીને મેળવીને બનાવાય છે.; બહારૂ એ સ્થળ છે જ્યાં આપણે જેમને હેમંત કુમારના નામથી ઓળખીએ છીએ તે દૈવી સ્વરના માલિક, હેમંત મુખોપાધ્યાય, તેમનાં બાળપણનાં આઠ વરસ રહ્યા હતા. એ તેમના વડવાઓનું ગામ છે.

હેમંત મુખોપાધ્યાયના પ્રપિતામહ, વિદ્યાબાગીશ મહામહોપાધ્યાય , હરિહર મુખોપાધ્યાય, સંસ્કૃત શીખવવાની પરંપરાગત પાઠશાળા શૈલી, ટોળ, ના, પંડિત હતા તેમને બે પુત્રો હતા – મોટા હરધન અને નાના બિસ્વેસ્વર. હરધન હેમંત કુમારના દાદા થાય. હરધન ધાર્મિક વૃતિવાળા દયાળુ વ્યક્તિ હતા. પોતાની મર્યાદિત આવકમાંથી પણ જરૂરિયાતમંદ લોકોને તેમની પાસેથી મદદ મળી રહેતી. ક્યારેક તો પોતાની માલમિલ્કત ગીરવે મુકીને પણ તેઓ મદદ કરતા. તેમના એક માત્ર પુત્ર, કાલીદાસ મુખોપાધ્યાય,ને પિતા તરફથી વારસામાં માત્ર કરજ જ મળ્યું. તેમણે કલકત્તામાં કારકુનીની નોકરી સ્વીકારી. તેઓ મહિને એક ફેરો બહારૂનો કરી જતા. ખુબ મજબુત મનોબળવાળાં તેમનાં પત્ની, કિરણબાળા દેબી, કાલીદાસ મુખોપાધ્યાયનાં જીવનનો આધાર સ્થંભ બની રહ્યાં. કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ સ્વસ્થચિત્ત રહેતાં. તેમને કવિતાઓ વાંચવાનો, લખવાનો અને મધુર ધુનમાં ઢળવાનો શોખ હતો. હેમંત કુમારને આ વારસો તેમનાં માતા પાસેથી મળ્યો. હેમંત કુમારના નાના, ગોબિંદ ચંદ્ર બંદોપાધ્યાય, બનારસની સરકારી ઇસ્પિતાલમાં સિવિલ સ્રર્જ્યન હતા. હેમંત અને તેમનાં અન્ય ભાંડરૂઓનો જન્મ બનારસમાં થયો હતો. તેમાંથી શક્તિદાસ સહુથી મોટા. તેમના બીજા બે ભાઈઓ તારાજ્યોતિ અને અમલ તેમ જ એક બહેન નીલિમા, હેમંતથી નાનાં હતાં. તેમના કૉલેજ કાળ સુધી હેમંત કુમાર માટે વરસે દહાડે એક વાર બનારસ જવું એ લગભગ વણલખ્યો નિયમ બની ગયેલ.

તેમનાં ગામની પાઠશાળામાં પ્રાથમિક શિક્ષણ લીધા પછી, તેમના મોટા ભાઈની સાથે તેમણે ૧૯૫૪માં સ્થપાયેલ બહારૂ હાઈ સ્કુલમાં શિક્ષણ લીધું. ૧૯૨૮માં જ્યારે તેમનાં દાદી અવસાન પામ્યાં, ત્યારે હેમંતના પિતાએ આખાં કુટુંબને કલકત્તા ખસેડવાનું નક્કી કર્યું. એ સમયે બસ યાત્રાની સગવડ તો હજી નામની જ હતી, રેલ્વે લાઈન તો હજુ નંખાતી હતી. આઠ વરસ સુધી મુક્ત ગ્રામ્ય જીવનની મજા માણી લીધા પછી શહેરની જીવનઢબ બાળ હેમંત માટે થોડી કઠીન રહી. ભવાનીપુરમાં વારસામાં મળેલી લગભગ ૭૨૦ ઓરસ ફુટ જગ્યા પર કાલિદાસ મુખ્પાધ્યાયે, તેમના સગોત્ર સગાંનાં આલીશાન મકાનને અડીને, બે ઓરડાનું મકાન ચણાવ્યૂં.

કલકત્તા આવ્યા પછી હેમંતની ભરતી નસીરૂદ્દીન મેમોરિયલ સ્કુલમાં કરવામાં આવી. કલકત્તામાં તેમને ખુલ્લામાં ગવાતાં, વિચરતા ભાટ જાતિના લોકોનાં ‘જાત્રા ગાન’ સાંભળવાની તક મળી. હેમંતને તેમણે સંભળેલાં ગીતોના બોલ અને ધુન યાદ રહી જવાની કુદરતી બક્ષિસ હતી. ૧૯૩૪માં તેમણે ખુબ પ્રસિધ્ધ મિત્રા ઇનસ્ટીટ્યુશનમાં પ્રવેશ લીધો. અહીં સુખી અને સમૃધ્ધ ઘરનાં બાળકો ભણવા આવતાં. હેમંતના પિતાને પુરી ફી ભરવી પોષાતી નહોતી, એટલે અરજી કરવાથી તેમની ફી અર્ધી કરી દેવામાં આવી.

અહીં આવવું હેમંતની ભાવિ જીંદગીમાં બહુ મહત્ત્વનું નીવડવાનું હતું. અહીં તેમની મિત્રતા એવા કેટલાક મિત્રો સાથે થઈ જેને કારણે તેમનો સંગીતની દુનિયા સાથે પરિચય થયો. હેમંતની ગાયકીની આવડતને કારણે તે બહુ જાણીતા થઈ ગયા. જોકે શાળાના વાર્ષિક ઉત્સવમાં કે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગાવાની તક તેમને હજુ સુધી નહોતી મળી શકી. પણ તેમના મિત્રોને તેમનાં ગીતો સાંભળવાં ગમતાં. એ લોકો તેમને બહુ પ્રોત્સાહિત પણ કરતા. આ સંદર્ભમાં બે મિત્રોનાં નામનો ઉલ્લેખ ખાસ કરવો જોઈએ. શ્યામસુંદર એક સમૃધ્ધ પરિવારના હતા. તેમને હેમંતનું ધીમા સુરમાં ગણગણવું ખુબ ગમતું. હેમંત શ્યામસુંદરના ઘરે આવતાજતા જ્યાં હાર્મોનિયમ, તબલાં, ગ્રામોફોન અને રેકર્ડ્સ જેવી અનેક પ્રકારની સંગીત સામગ્રી તેમને ઉપલબ્ધ થતી રહેતી. કિશોર હેમંતને ત્યાં રેકર્ડ્સ સાંભળવા મળતી; હાર્મોનિયમ પર હાથ પણ અજમાવવા મળતો. આમ તેમણે હાર્મોનિયમ વગાડવાનું તો આપબળે જ શીખ્યું. પરિણામે તેમણે સાંભળેલ રચનાઓનો અભ્યાસ કરવાની પણ તેમને તક મળી અને પધ્ધતિસરનાં ગાયન પર તેમનો હાથ બેસવા લાગ્યો.

હેમંતની ગાયન ક્ષમતા તરફ શાળા તરફથી નિરસતા બતાવવા બદલ તેમના બીજા મિત્ર સુભાષ મુખર્જીને બહુ રોષ રહેતો. સુભાષ નાની ઉમરે પણ એક ઉગતો કવિ હતો, જે આગળ જતાં એક બહુ સિધ્ધહસ્ત કવિ તઅને સાહિત્યકાર તરીકે ઓળખ પામ્યા. તેમણે હેમંત માટે ઈન્ડીયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનમાં (જે ૮ જૂન ૧૯૩૬થી ઑલ ઈન્ડીઆ રેડીયો તરીકે ઓળખાયું) ઓડીશનનો પ્રબંધ કર્યો. ત્રણ મહિના બાદ હેમંતનાં આશ્ચર્ય અને ખુશી વચ્ચે તેને IBC તરફથી એક પત્ર માળ્યો કે ભવિષ્યમાં તેમને બે ગીત ગાવા માટે દસ મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે. હેમંતના પિતા જુનવાણી હતા . તેમને હેંમંતનું આ ગાવાબજાવવાનું બહુ પસંદ નહોતું. હેમંતે તેમનાં માતાની મદદથી પિતાજી પાસેથી મંજુરી મેળવી લીધી.

પહેલો અવરોધ આમ પાર કર્યા બાદ હવે હેમંતે બે ગીત પસંદ કરવાનાં હતાં. તેમણે તેમના મિત્ર સુભાષને એ ગીતના બોલ લખવા માટે મનાવી લીધા. એ ગીતને હેમંતે તે સમયે જ રજૂ થયેલ કમલ દાસગુપ્તાનાં ગીતની ધુન પર સ્વરબધ્ધ કરી લીધું. તેમના વિસ્તારમાં રહેતા ભટીયાળી ગાયન શૈલીના ગાયક નિરપદ ચક્રબોર્તીને તેમણે ભટીયાળી ગાયન શીખવાડવા રાજી કરી લીધા. જે દિવસે તેમનાં ગીતો રેકર્ડ થઈને બ્રોડકાસ્ટ થવાનાં હતાં એ દિવસે સુભાષ હેમંતની સાથે રેડીયો સ્ટેશન ગયા. પંદરેક વર્ષના આ બે કિશોરોએ જેનો જોટૉ ન જડે એવું અદભૂત કામ કરી બતાવ્યું.

તેમના માતાજી અને ભાઈઓબહેનો સાથેની તેમની બનારસની નિયમિત મુલાકાતોમાં હેમંતને તેમની માસીઆઈ બહેન, લિલી, પાસેથી ઘણાં ગીતો શીખવાનો લાભ મળ્યો. તેમનાં માસી પણ પોતાનાં સંતાનો સાથે બનારસની મુલાકાતો એક જ સમય તેમ ગોઠવતાં. લિલીને સંગીત શિક્ષક હેઠળ શીખવાનો લાભ મળતો હતો, એટલે તેની પાસે બહુ ઘણાં ગીતો હાજર સ્ટૉકમાં રહેતાં. આમ લિલી હેમંતના સૌ પહેલાં વિધિપુરઃસરનાં સંગીત શિક્ષક બન્યાં. એ પછીનાં વર્ષે હેમતને IBC તરફથી એક વધારે કહેણ પણ આવ્યું હતું, તેમણે ફરી એક વાર બે ગીતો ગાયાં. હવે હેમંતનાં ગાયનની નોંધ લેવાવા લાગી હતી.. કિશોર હેમંત પણ તેમની આ સંગીતમય પ્રસિધ્ધિને માણતા પણ હતા. તેમને તો ઘણાંક પાસેથી ‘છોટો પંકજ’નું બિરૂદ પણ મળી ચુક્યું હતું.

વિધિની વક્રતાએ હેમંતને સંગીતને કારણે શાળામાંથી રૂખસદ મળવાનો પણ લહાવો અપાવ્યો. એક ફ્રી પિરિયડમાં આખો ક્લાસ હેમંતનં ગાયનમાં એકમગ્ન હતો. કેટલાક મિત્રો પાટલીઓ પર થાપ આપીને તાલની સંગત પણ આપી રહ્યા હતા. અચાનક સહાયક હેડમાસ્તર ત્યાં આવી ચડ્યા અને અને સંગીતની આ દિવ્ય સભાના રંગમાં ભંગ પડ્યો. કોણ કોણ ગાઈ રહ્યું હતું એવા કડક સ્વરે પુછાયેલા સવાલના જવાબમાં સાચું બોલવાની હિંમત અને પ્રમાણિકતા એકલા હેમંતે દાખવી, બાકી બધા તો જાણે સાપ સુંઘી ગયો હોય એમ મુંગામંતર બની રહ્યા ! હેમંતને તત્કાલ કાર્યાલયમં લઈ જવાયો અને ત્યાં જ તેમને બરતરફીનો હુકમ પકડાવી દેવાયો. જોકે, પછીથી હેમંતના પિતાજીના કાલાવાલાએ સહાયક હેડમાસ્તરનું કઠોર દિલ પીગળાવ્યું ખરૂં. આટઆટલું થયું તો પણ હેમંતને તેના પિતાએ ઠપકાનો એક શબ્દ પણ ન કહ્યો. જેને પરિણામે હેમંતના મન પર ગુનાના ઊંડા સોળ ઊઠી આવ્યા. તે જાણતો હતો કે પોતે બહુ જ સારી રીતે ભણતરમાં આગળ વધે અને પછી કુટુંબની જવાબદારીઓ તેમની સાથે ઊભો રહીને વહેંચી લે તે તેના પિતાને મન કેટલું મહત્ત્વનું હતું ! હેમંતે હવે પોતાના ભણતરમાં દિલ લગાવ્યું અને મેટ્રિક્યુલેશનની પરીક્ષા પહેલા વર્ગમાં પસાર કરી. પછીના ઉચ્ચ અભ્યાસ માટે જાદવપુર એન્જિનિયરીંગ કૉલેજમાં મિકેનીકલ ઈજનેરીમાં તેમણે પ્રવેશ મેળવ્યો.

તે દરમ્યાન, IBC (AIR) પર મળેલી બે તક પછી હેમંતના સંગીત ક્ષેત્રે સન્નાટો છવાયેલો જણાતો હતો. એટલે હેમંત હવે લેખની પર પોતાનો હાથ અજમાવ્યો. તેમના જીગરી મિત્ર સુભાષને આ બદલાવ બિલકુલ સ્વીકાર્ય નહોતો. તેમણે ફરી એક વાર હેમંતનાં સંગીતની લગામ પોતાના હાથમાં લઈ લીધી અને હવે જુદી જુદી રેકર્ડ કંપનીઓના દરવાજા ખખડાવવાનું શરૂ કર્યું. આ વખતે નસીબ યારી આપતું નહોતું. હેમંતનું ધ્યાન પણ સાહિત્ય તરફ ઢળવા લાગ્યું હતું. તેમણે લખેલી કેટલીક વાર્તાઓ પ્રસિધ્ધ પણ થઈ. તેમની વાર્તા ‘એકતી ઘટના’ તે સમયનાં પ્રતિષ્ઠિત બંગાળી સામયિક ‘દેશ‘માં પ્રગટ થઈ.

જોકે, સંગીત પ્રત્યેની હેમંતની લગનમાં ઓટ આવી હતી તેમ પણ નહોતું. કૉલેજના દિવસોમાં પણ તેમને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગાવાની જે કંઈ તક મળતી રહી તેનો હેમંતે ભરપુર લાભ ઊઠાવ્યો. જોકે ખરી તક તો અચાનક જ આવી પડી. તેમના પિતા, કાલિદાસ મુખર્જી,ના સહકાર્યકર શાંતિ બોઝ કોલંબીઆ કંપનીમાં સેલો વાદક હતા. શૈલેશ દત્તગુપ્તાને હેમંતની ઓળખાણ કરાવી આપવાના તેમના પ્રસ્તાવને કાલિદાસજીએ તરત જ સ્વીકારી લીધો. હેમંતના પિતાને પણ હવે વિશ્વાસ બેસી ગયો હતો કે ઇજનેરીની કારકીર્દીમાં સારી રીતે ગોઠવાઈ રહેલા હેમંત માટે સંગીત એક સારો શોખ હતો. હેમંતને પણ ભાવતું હતું અને વૈદ્યે બતાવ્યું વાળો ઘટ હતો. જોકે સદભાવનો એક આ નાનોશો ઈશારો ભવિષ્યની દિશાનું વહેણ જ બદલી નાખશે તેવો કોઈને સ્વપ્ને પણ અણસાર નહોતો. હેમંત તો આ તક ઝડપી લેવામાં હવે ઢીલ શેની કરે !

શૈલેશ દત્તગુપ્તા (૧૯૦૫ -૧૯૬૩) બહુખ્યાત વાદ્યવાદક અને રેડીયો કલાકાર હતા. કોલંબીઆ, અને એચએમવી,માં તેઓ સંગીત અને તલીમનો વિભાગ સંભાળતા હતા. નક્કી થયેલ તારીખે શાંતિ બોઝ હેમંતને લઈને કોલંબીઆમા હાજર થયા. પ્રસંગોચિત પરિચયોની આપલે પછી હેમંતને ગાવાનું કહેવામાં આવ્યું, પણ અધવચ્ચે જ તેમને રોકી દેવામાં આવ્યા. હેમંતને થયું કે માર્યા, આપણં તો બારે વહાણ ડુબ્યાં ! પરંતુ, ના, શૈલેશ દત્તગુપ્તાની શ્રવણેન્દ્રિય બહુ જ સતર્ક હતી. તેમને નવી પ્રતિભાનો સુર ગમે તેટલે ઊંડેથી પણ સંભાળાઈ જતો. યુવાન હેમંતમાં પણ તેમણે આવતી કાલની પ્રતિભા જોઈ. પોતાના સ્વરમાં જરાપણ ભાવ ન દેખાય તેમ શૈલેશ બાબુએ હેમંતને જણાવ્યું કે આજે જ તેઓ તેને એક નવું ગીત તો શીખવાડશે, પણ બીજું ગીત પણ આવતી કાલે શીખવશે ! દસેક દિવસના અભ્યાસ પછી એ બન્ને ગીતોને રેકોર્ડ પણ કરવામાં આવશે. આમ હેમંત કુમારે ગાયેલ બે ગીતોની પહેલવહેલી રેકર્ડ પ્રકાશિત થઈ. એ વર્ષ હતું ૧૯૩૭નું. ઈતિહાસ ગવાહ છે કે એ રેકર્ડને ખુબ સારો પ્રતિભાવ મળ્યો હતો.

જાનીતે જોદી ગો તુમી – બંગાળી ગૈર ફિલ્મી ગીત – સંગીતકાર: શૈલેશ દત્તગુપ્તા – ગીતકાર: નરેશ્વર ભટ્ટાચાર્ય

ગીત સાંભળતાં પહેલાં આપણે ગીતની સાથે સંકળાયેલી થોડી વાતો વિશે વાત કરીશું. દેખીતી રીતે એ ઘટનાઓ મહત્ત્વની ન કહી શકાય, પણ બહુ ઝીણી ઝીણી બાબતોમાં હેમંતનો સંગીત પ્રત્યેનો પ્રેમ અને સાહજિક ઝુકાવ નજરે પડ્યા વિના નથી રહેતો. તે ઉપરાંત તેમના વિકાસના આ દિવસોમાં આ ઘટનાઓનો પ્રભાવ પણ બહુ અગત્યનો બની રહ્યો હતો.

એ દિવસોની તેમની બનારસની એક મુલાકાતમાં હેમંતનો મેળાપ ચોપાનિયાં વહેંચતા સ્વદેશીઓ સાથે થયો. વિવિધ રંગોમાં છપાયેલાં એ ચોપાનિયામાં ‘વિદ્રોહી કાવ્યો’ હતાં. એવું એક ચોપાનિયું હેમંતના પણ હાથે ચડ્યું. હેમંતે એ કાવ્યને સંગીતબધ્ધ તો કર્યું, પણ તેમના પિત્રાઈ ભાઈના આશ્ચર્ય વચ્ચે ગાઈ પણ બતાવ્યું. એ પછી તેમના પિત્રાઈ ભાઈ તેમને એવાં ચોપાનિયાંનો પુરવઠો નિયમિત રીતે પહોંચાડતા ગયા, અને હેમંત તેમને સંગીતમાં ઢાળતા ગયા.

એ દરમ્યાન શૈલેશ બાબુ ભવાનીપોરથી ટોલીગંજ રહેવા જતા રહ્યા હતા. તેમ છતાં હેમંત તેમને ત્યાં દરરોજ નિયમિતપણે અભ્યાસ કરવા પહોંચી જતા. શૈલેશ બાબુને પણ હેમંત માટે હવે બહુ લગાવ થઈ ગયો હતો. તે પછી< ઓગસ્ટમાં હેમંતની બીજી રેકોર્ડ પણ બહાર પડી, જેને પણ બહુ સારો આવકાર મળ્યો. પહેલાંની જેમ આ વખતે પણ હેમંતને મહેનતાણાંરૂપે વીસ રૂપિયાની નવાજિશ થઈ . આમ મળેલા ચાલીસ રૂપિયામાંથી હેમંતના પિતાએ તેમના માટે એક હાર્મોનિયમ ખરીદ્યું. તે પછી હેમંત કુમારે કદી પાછું વળીને જોયું નહીં.

AIR સાથેનો હેમંતનો સંબંધ પણ શૈલેશ દત્તગુપ્તાની મદદર્થી પુનર્જીવિત થયો. તેમણે હેમંતની ઓળખાણ બની કુમાર(મૂળ નામ બૈદ્યનાથ ભટ્ટાચાર્ય, ૧૯૦૭-૧૯૭૪) સાથે કરાવી. બૈદ્યનાથ ભટ્ટાચાર્ય AIR પર સંગીતને ધબકતું રાખતા હતા. તેમણે હેમંતને પોતાના ફીચર કાર્યક્ર્મમાં ગાવા માટે કહ્યું. પાંચ ફીચર કાર્યક્રમના એક ઝુમખાંના હેમંતને પાંચ રૂપિયા મળતા. આમ હવે, હેમંતનું બધું ધ્યાન સંગીત તરફ વળી ચુક્યું.

હેમંતનો આગળ ભણવામાંથી કે સાહિત્યમાંથી હવે રસ ઊઠી ગયો. સંગીતમાં કારકીર્દી ઘડવા માટે તેમણે ભણવાનું છોડ્યું. તેમના પિતાને આ જરા પણ ગમ્યું નહીં. સ્ટેનોગ્રાફી સાથેના તેમના થોડા સમયના સંબંધના પણ એ જ હાલ થયા. એ દરમ્યાન હેમંતે શૈલેશ બાબુના હાથ હેઠળ બીજાં પણ કેટલાંક ગીતો રેકર્ડ કર્યાં. IBC અને રેકોર્ડીંગ કંપનીઓમાંથી મળતાં મહેનતાણાંથી તેમના ખર્ચા પુરા થાય તેમ નહોતા. પોતાના પિતા પર વધારે બોજ ન બનવા માટે હવે તેમણે સંગીત શીખવવાનું શરૂ કર્યું.

શૈલેશ બાબુ હવે હેમંત માટે શૈલેશ દા બની ચુક્યા હતા. શૈલેશ દાએ હેમંતની ઓળખાણ રબિન્દ્ર સંગીતના વિરાટ સાગર સાથે કરાવી. તેમણે હેમાંતને ‘સ્વરલિપિ’ વાંચતાં પણ શીખડાવ્યું, જેનો ઘનિષ્ઠ અભ્યાસ તેમણે હાર્મોનિયમ પર કર્યો. હેમંતની સંગીતની સૂઝને આ અનુભવ વડે મઠારાઈને ઘડાવાની તક મળી અને સાથે સાથે અનેક અન્ય રચનાઓનો પણ તેમને પરિચય થયો. હેમંતે હવે ઉસ્તાદ ફૈયાઝ ખાંના શિષ્ય ફણિ ભુષણ બેનર્જી પાસેથી પણ શિક્ષણ લેવા માંડ્યું હતું. જોકે તેમના ગુરુના અવસાનને કારણે આ અભ્યાસ લાંબો ન ચાલ્યો.

હેમંતનું ધ્યાન હવે રબિન્દ્ર સંગીત પર વળ્યું હતું. શૈલેશ દાની સક્રિય મદદથી સંગીતના આ પ્રકાર પર પણ તેમનો હાથ બેસવા લાગ્યો. એ દરમ્યાન હેમંતને AIR પર એક ફીચર કાર્યક્રમ સંગીતબધ્ધ કરવાની તક મળી. એ કામ બહુ સુપેરે પાર પાડવાથી બની કુમાર બહુ સંતુષ્ટ થયા અને હેમંતને હવે સૉલો ગીતો ગાવાનું મળવા લાગ્યું. તે ઉપરાંત, બની કુમારે તેમને પ્રતિષ્ઠિત ‘મહિષાસુરમર્દિની’ કાર્યક્રમમાં પણ જોડાવાનું આમંત્રણ આપ્યું.

આ કાર્યક્રમ, ૧૯૩૧થી, દર વર્ષે મહાલયના દિવસે સવારે ચાર વાગે રેડીયો પરથી રજૂ થતો. ૯૧ મિનિટના જીવંત પ્રસારણમાં શ્લોક પઠન, વર્ણન અને ભજનો રજૂ થતાં. દર વર્ષે, અસંખ્ય લોકો મહલયના દિવસે પરોઢ પહેલાં ઊઠીને આ કાર્યક્રમ અચુક સાંભળતાં. બની કુમાર (સ્ક્રિપ્ટ), પંકજ મલ્લિક (સંગીત) અને બીરેન્દ્ર કૃષ્ણ ભદ્ર (વર્ણન અને ગ્રંથ પઠન) આ કાર્યક્રમના મુખ્ય સ્તંભ હતા. એ દિવસ હતો ૧ ઓક્ટોબર, ૧૯૪૦.

આ કાર્યક્રમને કારણે હેમંત પંકજ મલ્લિકની પણ ઘણા નજદીક આવ્યા. હેમંત કુમાર ૧૯૫૧માં મુબઈ સ્થિર થવા ગયા ત્યાં સુધી આ કાર્યક્રમનો ભાગ બની રહ્યા.

https://youtu.be/r-OEF9uY4B8

૧૯૪૦નુ વર્ષ હેમંત કુમારની ગાયક તરીકેની કારકીર્દીમાં એક નવાં પ્રકરણની શરૂઆતનું પાનું બની રહ્યું. આ વર્ષે તેમને, પ્રસિધ્ધ ગીતકાર અજય ભટ્ટાચાર્યની મદદથી, ઈસ્ટ ઈન્ડિયા ફિલ્મ કંપનીની બે બંગાળી ફિલ્મોમાં સૉલો ગીતો ગાવાની તક મળી.

કહાં કાનુ કહી – નિમાઈ સન્યાસી (૧૯૪૦) – સંગીતકાર: હરિપ્રસન્ન (એચ પી) દાસ – ગીતકાર: અજય ભટ્ટાચાર્ય

ચૈતન્ય મહાપ્રભુનં જીવન પર આધારિત ‘નિમાઈ સન્યાસી’માં છબી બિશ્વાસની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનું દિગ્દર્શન ફણિ બર્માએ સંભાળ્યું હતું..

https://www.youtube.com/watch?v=ZveeIUK7QCk

જાગો પ્રથમ પરિણય – રાજકુમારેર નિર્બાસન (૧૯૪૦) – સંગીતકાર હરિપ્રસન્ન દાસ, એસ ડી બર્મન – ગીતકાર અજય ભટાચાર્ય

‘રાજકુમાર્રર નિર્બાસન’્માં તેમને બે સૉલો ગીત ગાવા મલ્યાં. ફિલ્મમાં અહિન્દ્ર ચૌધરી અને ચંદ્રાબતી દેવી મુખ્ય ભૂમિકામાં હતાં. હેમંત કુમાર અને એસ ડી બર્મનના વ્યાવસાયિક સંબંધની પણ અહીથી શરૂઆત થઈ.

https://www.youtube.com/watch?v=zzoHlaoR3Rc

આ બધાં જ ગીતો ખુબ જ લોકચાહનાને વર્યાં. આમ હેમંત કુમારની પાર્શ્વ ગાયનની કારકીર્દીનું પહેલું જ ચરણ ખુબ જ સફળ રહ્યું.

અત્યાર સુધીમાં તેઓએ બે ફિલ્મો માટે ૪ ગીતો અને ૮ ગૈરફિલ્મી ગીતો રેકોર્ડ કર્યાં. IBC/AIR પર પ્રસારિત થતા કાર્યક્રમોમાં તેમનાં ગાયનોએ પણ તેમને સારી એવી પ્રસિધ્ધિ અપાવી. પરિણામે હવે તેમને સંગીત શિક્ષણનું કામ પર વધારે મળવા લાગ્યું. હજુ પણ તેમનો જીવન નિર્વાહ આ આવક પર જ હતો. તેમના જાહેર કાર્યક્રમો પણ થતા, પણ તેનાથી કંઈ દળદર ફીટે તેમ નહોતું.

હેમંતકુમારનું કહેવું રહ્યું છે કે આ પછીથી તેઓ પંકજ મલ્લિકની ગાયકીની અસરમાંથી બહાર નીકળીને પોતાની શૈલી વિકસાવી.

હવે હેમંત કુમારને સંગીતની દુનિયાનો સ્વર પોકાર કરવા લાગ્યો હતો. એ પોકારના સુરની સાથે સાથે તેમની કારકીર્દી વેગ પકડવા લાગી હતી

હેમંત કુમારની કારકીર્દીનાં બીજા અંકનાં ૧૯૪૧થૉ ૧૯૫૦ના વર્ષો વિશેની યાદો હવે પછીના અંકમાં


સંદર્ભ સ્વીકૃતિ

1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan,Kolkata,  2013
2. Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999
3. Hemanter Ki Manta by Subhas Mukhopadhyay
4. Hemen Gupta: His Life and Times: Feature Article by Aniruddha Bhattacharjee, Cinemaazi.com
5. List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta


શ્રી એન વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત મૂળ લેખ, Hemantayan – Part 1નો આંશિક અનુવાદ


શ્રી એન વેન્ક્ટરામનનું વિજાણુ સંપર્ક સરનામું : venkatssa18@gmail.com

સોંગ્સ ઑફ યોર : https://www.songsofyore.com/

Author: Web Gurjari

7 thoughts on “હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦

 1. હેમંત કુમાર અંગત રીતે મારા પસંદીદા ગાયક છે પણ એ વાત હું મુહમ્મદ રફીના પ્રબળ ચાહકોથી હંમેશા છુપાવી રાખું છું !
  એમના વિષેના, આ લેખની શરૂઆતમાં મુકેલા લતાજી અને સલીલદાના અભિપ્રાય સાથે હું પૂર્ણતઃ સહમત છું.
  હું પોતે પણ બહુધા દિવસની શરૂઆત એમના બંગાળી ગીતો કે હિન્દી ગૈર-ફિલ્મી ગીતોથી કરું છું. એ મારા માટે અગરબત્તી યા અર્ચનની ગરજ સારે છે.
  એમના જીવન વિશે આટલી વિશદ માહિતી ગુજરાતી વાચકો સમક્ષ મૂકી એક ઉમદા કાર્ય આપે કર્યું.
  ધન્યવાદ !

 2. શ્રી એન વેન્કટરામનના લેખની સચોટ વિગતો વાંચતાંની સાથે જે એ લેખનો અનુવાદ કરવાનું નક્કી કરી લીધું હતું.
  મોહમ્મદ રફીનો ચાહક હું પણ છું, પણ હેમંત કુમારનું સ્થાન તો અલગ જ છે.
  જેમ જેમ ફિલ્મ સંગીતની સમજ પરિપક્વ બનતી ગઈ તેમ તેમ બહુ સ્પષ્ટપણે સમજાઈ ગયું કે દરેક ગાયકની પોતપોતાની આગવી ખુબી છે જેને સરખામણીને ત્રજવે તો ન જ મુલવી શકાય.
  આ વાતની સાહેદી હેમંત કુમારે જ રચેલાં મોહમ્મદ રફીનાં કેટલાંક અદભૂત ગીતો દ્વારા મળે છે.
  આ વર્ષ દરમ્યાન આ ગીતોને પણ અલગથી યાદ કરવાનું આયોજન વિચારેલ છે.

 3. વર્ષો પહેલાં ઇલસ્ટ્રેટેડ વીકલીમાં સલિલ ચૌધરીએ હેમંત કુમાર પરના એક લેખમાં એવી રસપ્રદ માહિતી આપી હતી કે બંગાળમાં સંગીતની પ્રવૃત્તિ જોરશોરમાં ચાલતી હતી, જાહેર કાર્યક્રમો થતા એમાં મોટી સંખ્યામાં યુવાનો ગાયન રજૂ કરતા. હેમંત કુમાર પણ એમાં જોડાતા, પરંતુ અન્ય યુવા ગાયકો હેમંત કુમારના પહેલાં પોતાનું ગાયન ગાઈ લેવાનો આગ્રહ રાખતા, હેમંત કુમાર ગાય પછી સ્ટેજ પર ગાવાની કોઈ હિંમત ન કરતા.
  એમના અવાજમાં પંકજ મલિક જેવી બુલંદી અને બળકટતા હતી, તો એક મોહક મીઠાશ પણ હતી. એ મધુરતા એમને સ્વરબદ્ધ કરેલા ગીતોનું પણ આગવું આભૂષણ હતી.

  1. નરેશભાઈ, આ રસપ્ર્દ પુરક માહિતી બદલ આભાર.

   હેમંત કુમારના સ્વરનિ વિશિષ્ઠતાને કારણે તેમના સિવાય એમના સામયના લગભગ દરેક સંગીતકારે તેમની પાઅસે સંવેદનશીલ ભાવનં ગીતો ગવડાવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.