સાયન્સ ફેર : ૩D વિઝ્યુઅલાઇઝેશન માટેના ૩D મોડેલ્સ કઈ રીતે બને છે?

જ્વલંત નાયક

સામાન્ય રીતે આર્કિટેક્ટ કે ઇન્ટીરિયર ડિઝાઈનર, જે-તે મકાન બનાવવા માટેના પોતાના વિચારો કાગળ ઉપર, ‘ટેકનીકલ ડ્રોઈંગ’ સ્વરૂપે ઉતારે છે. ત્યારબાદ આ ટેકનીકલ ડ્રોઈંગ્સ મુજબ કારીગરો મકાનનું બાંધકામ કરતાં હોય છે. આજથી પંદર કે વીસ વર્ષ પહેલાં સુધી, એટલે કે ભારતમાં કોમ્પ્યુટર્સનો વપરાશ સામાન્ય થયો તે પહેલાં, આ પ્રકારના કાર્યો માટે એમોનીયા પ્રિન્ટ વપરાતી. જેમાં સફેદ કાગળ ઉપર હાથથી દોરેલા પ્લાન્સ (મકાનના નકશા)ની ‘એમોનીયા પ્રિન્ટ મશીન’ (Diazo machines)ની મદદથી ‘બ્લ્યુ પ્રિન્ટ’ મેળવાતી. જો કે આ આખી પ્રક્રિયા વધુ સમય માંગી લેનારી હતી. વળી, એકવાર ડ્રોઈંગ બની ગયા બાદ એમાં ફેરફાર કરવાનું કામ ખુબ અઘરું બની જતું. મોટે ભાગે તો આખું ડ્રોઈંગ ફરીવાર બનાવવાની જ નોબત આવતી! પરંતુ હાલના સમયમાં આર્કિટેક્ટ્સ ટેકનીકલ ડ્રોઈંગ બનાવવા માટે ‘ઓટોકેડ’ જેવા સોફ્ટવેર્સની મદદ લેતાં હોય છે. હવે આ ડ્રોઈંગ્સ ઉપરથી જે-તે બિલ્ડીંગનું ‘૩ ડાઈમેન્શનલ મોડેલ’ (3D) કઈ રીતે બને, એ સમજીએ. મકાનનું 3D મોડેલ બનાવવાને કારણે, બન્યા પછી મકાન કેવું દેખાશે એ વિઝ્યુલાઈઝ કરી શકાય છે. આથી જ આ ક્ષેત્રના નિષ્ણાંતો “આર્કિટેક્ચરલ વિઝ્યુઅલાઇઝર” તરીકે ઓળખાય છે. 3D મોડેલ[1] બનાવવાની પ્રક્રિયાને મુખ્યત્વે પાંચ ભાગમાં વહેંચી શકાય.

(૧) મોડેલિંગ : સૌપ્રથમ તો વિઝ્યુલાઈઝીંગ આર્ટિસ્ટ, આર્કિટેક્ટ તરફથી મળેલાં મકાનના ટેકનીકલ ડ્રોઈંગને બરાબર સમજી લે છે. ત્યારબાદ ડ્રોઈંગમાં દર્શાવ્યા મુજબની દીવાલો, બારીબારણાં, છજ્જા, બાલ્કની જેવા મકાનના વિવિધ ભાગો 3D Max જેવા સોફ્ટવેર્સની મદદથી બનાવવા માંડે છે. આ પ્રક્રિયા ‘મોડેલિંગ’ તરીકે ઓળખાય છે.

(૨) ટેક્સચરીંગ : ‘મોડેલિંગ’ની પ્રક્રિયા પૂરી થતાં, બિલ્ડીંગનો આખો કોમ્પ્યુટર જનરેટેડ ઢાંચો મળી જાય છે. હવે પછીનું કામ છે આ ઢાંચાને રંગરોગાન કરવાનું! વળી બિલ્ડીંગના અમુક હિસ્સામાં સાદા રંગોને બદલે વિવિધ પ્લાસ્ટર અથવા માર્બલ કે ગ્રેનાઈટ જેવા મટીરિયલ્સ વપરાય છે. આ બધા કાર્યો માટે વિઝ્યુઅલ આર્ટિસ્ટ પોતાના કોમ્પ્યુટરમાં વિવિધ ટેક્સચરનો (માર્બલ, ગ્રેનાઈટ, પ્લાસ્ટર, લાકડાની પેટર્ન્સ વગેરે), ‘.JPEG’ કે ‘.TIFF’ ફાઈલ તરીકે સંગ્રહ કરી રાખે છે. આથી જરૂર પડે ત્યારે આ ‘.JPEG’ કે ‘.TIFF’ ફાઈલને પેટર્ન તરીકે, બિલ્ડીંગના દીવાલો કે ફ્લોર જેવાં ચોક્કસ હિસ્સા પર એપ્લાય કરી શકાય.

(૩) કમ્પોઝીશન : કોઈ પણ બિલ્ડીંગનું 3D મોડેલ ગમે એટલું સારું બનાવવામાં આવે, પણ જ્યાં સુધી એમાં બિલ્ડીંગની આજુબાજુનું ‘વાતાવરણ’ ઉમેરવામાં નહિ આવે ત્યાં સુધી તે તદ્દન ફિક્કું જ લાગે! દા.ત. બિલ્ડીંગની આજુબાજુના ‘ઓબ્જેક્ટસ’ (દા.ત. રસ્તો, વાહનો, વૃક્ષો, ફ્લાવર બેડ્સ, બેકગ્રાઉન્ડમાં આકાશ વગેરે) બતાવવા! આ તમામ ઓબ્જેક્ટસ, માર્કેટમાં ‘રેડીમેઈડ’ મળતા હોય છે. દરેક વિઝ્યુલાઈઝર પોતાના કોમ્પ્યુટરમાં આ પ્રકારના ઓબ્જેક્ટસનું કલેક્શન રાખતો હોય છે. બિલ્ડીંગ સિવાયના આ બધાં ‘ઓબ્જેક્ટસ’ કે ટેક્સચર ઉમેરવામાં આવે, જેનાથી બિલ્ડીંગ શોભી ઉઠે, એ પ્રક્રિયા ‘કમ્પોઝીશન’ તરીકે ઓળખાય!

(૪) લાઈટીંગ : મોડેલિંગ, ટેક્સ્ચરીંગ અને કમ્પોઝીશન કર્યા બાદ બિલ્ડીંગનું 3D મોડેલ, સાચુકલા મકાન જેવું જ લાગે છે. ફરક હોય છે માત્ર સૂર્યપ્રકાશનો! આ માટે વિઝ્યુલાઈઝર પોતાની તર્કશક્તિ અને ક્રિયેટિવિટીને કામે લગાડે છે. દિવસના અલગ અલગ સમયે કે ચોક્કસ ઋતુમાં સુર્યપ્રકાશનો રંગ અને તીવ્રતા, દિશાઓ પ્રમાણે સૂર્યનો પ્રકાશ તેમજ બિલ્ડીંગ ઉપર અને બિલ્ડીંગ દ્વારા રચાતો છાયાપ્રકાશ, વગેરે જેવી બાબતો ખુબ મહત્વની છે. 3D મોડેલિંગનો આ હિસ્સો ખાસ્સો અનુભવ અને જહેમત માંગી લે છે. સોફ્ટવેર્સ દ્વારા લાઈટ્સ મુકીને, કુદરતી સૂર્યપ્રકાશ જેવો દેખાવ આપતી ઈમેજ મેળવવી, એ ખરેખર અઘરું કાર્ય છે!

(૫) રેન્ડરીંગ : આ 3D મોડેલિંગની આખી પ્રક્રિયાનું અંતિમ ચરણ છે. અગાઉના ચાર ચરણો દરમિયાન 3D મોડેલ બને છે અને આ 3D મોડેલને ‘ઈમેજ’ તરીકે જોવા માટે ‘રેન્ડરીંગ’નો પ્રોસેસ કરવો પડે છે. જો સરળતાથી સમજવું હોય, તો કહી શકાય કે રેન્ડરીંગ એ કોમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેરની મદદથી થતી એક જટિલ ગાણિતિક ક્રિયા છે, જે આપણને કોઈ એક ચોક્કસ એન્ગલથી, જે-તે બિલ્ડીંગના 3D મોડેલ ‘ઈમેજ સ્વરૂપ’ આપે છે. આ ઈમેજ પ્રિન્ટ થઇ શકે છે (દા.ત. રીયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા છપાતા બ્રોશર્સ અને હોર્ડીંગ્સ પર જોવા મળતી ઈમેજીઝ) તેમજ ઈન્ટરનેટ ઉપર પણ અપલોડ થઇ શકે છે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


Disclaimer: The images / videos in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.


[1]

https://agmt.it/m/SAJYEFCW

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.