ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૪:: બીજી ગોળમેજી પરિષદ (૨)

દીપક ધોળકિયા

લઘુમતીઓના અધિકારોનો સવાલ (ભાગ ૧)

ભૂમિકા

આપણે હવે બીજી ગોળમેજી પરિષદના ગંભીર અને મહત્ત્વના પ્રકરણમાં પહોંચ્યા છીએ. આમ તો ગોળમેજી પરિષદની આખી પ્રક્રિયા નિષ્ફળ રહી, પરંતુ એમાં કેટલાયે સિદ્ધાંતો સ્થાપિત થયા અને એ પછી ૧૯૩૫ના કાયદામાં આવ્યા અને એના પ્રમાણે પ્રાંતિક ધારાસભાઓની રચના થઈ, એટલું જ નહીં, ૧૯૩૫નો કાયદો જ આપણા બંધારણનો આધાર બન્યો. આમ ગોળમેજી પરિષદોમાં ઊપસેલી સંમતિઓ અને અસંમતિઓનું મહત્ત્વ ઓછું નથી.

ભારતની રાજ્યવ્યવસ્થા કેવી હોવી જોઈએ તે નક્કી કરવા માટે ત્રણ ગોળમેજી પરિષદો મળી ( સત્તાવાર દસ્તાવેજોમાં આ ત્રણેયને એક જ ગોળમેજી પરિષદનાં ત્રણ અધિવેશન તરીકે ઓળખાવાય છે). બ્રિટન સરકારના રૂઢિચુસ્ત પ્રધાન સૅમ્યુઅલ હૉરે સમવાય માળખું સૂચવ્યું હતું એની સાથે લગભગ બધા સંમત હતા જ, પણ કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે સત્તાની વહેંચણી, નાણાં વ્યવસ્થા, લશ્કરની રચના, એમાં સરકારની ભૂમિકા, ન્યાયતંત્ર અને એના અધિકારો વગેરે સવાલો પર નિર્ણયો લેવાના હતા. દેશી રાજ્યોનો મુદ્દો પણ હતો. સમવાય સરકારની પાર્લામેન્ટમાં રાજાઓ જોડાય તો એમના કેટલા પ્રતિનિધિઓ હોય, એમના બ્રિટન સાથેના સીધા સંબંધોનું શું કરવું, એ રાજાઓ માટે બહુ મહત્ત્વના મુદ્દા હતા. તેમાં પણ રજવાડાં ત્રણ પ્રકારનાં હતાં – વડોદરા, બીકાનેર વગેરે મોટાં રાજ્યો, બીજાં મધ્યમ સ્તરનાં અને ૩૨૬ નાનાં રાજ્યો હતાં.

પહેલી ગોળમેજી પરિષદ ૧૯૩૦ના નવેમ્બરની ૧૨મી તારીખથી ૧૯૩૧ની જાન્યુઆરીને ૧૯મી સુધી ચાલી. પરંતુ કોંગ્રેસના નેતાઓ જેલમાં હતા અને પરિષદમાં કોંગ્રેસની ગેરહાજરી બહુ સાલી. પહેલી ગોળમેજી પરિષદમાં જ સમવાય માળખા અને લઘુમતીઓના અધિકારો વિશે બે સમિતિઓ બની હતી. સમવાય માળખાની સમિતિમાં રાજાઓ અથવા એમના દીવાનો પણ મોટી સંખ્યામાં હતા. ભાવનગર વતી ગાંધીજીના મિત્ર અને બાહોશ ચાણાક્ય દીવાન સર પ્રભાશંકર પટ્ટણી આવ્યા હતા.

લઘુમતીઓના અધિકારોમાં મુખ્ય વિષય હતાઃ કેન્દ્રીય કે પ્રાંતીય ઍસેમ્બ્લીઓમાં સંયુક્ત મતદાર મંડળ હોવું જોઈએ કે કોમ પ્રમાણે જુદાં મતદાર મંડળ બનાવવાં; અને દરેક કોમને કેટલી સીટો મળવી જોઈએ. બીજી ગોળમેજી પરિષદમાં પહેલી પરિષદના રિપોર્ટ પર ચર્ચા કરીને નિર્ણય લેવાના હતા, પણ સમવાય માળખા માટેની સમિતિના ચોથા રિપોર્ટ પછી અને અને લઘુમતીઓના અધિકારો વિશેની સમિતિના બીજા રિપોર્ટ પછી પણ કોઈ સ્પષ્ટ ચિત્ર ઊપસ્યું નહોતું.

લઘુમતીઓના અધિકારો માટેની સમિતિ

બીજી ગોળમેજી પરિષદ ૧૯૩૧ની સાતમી સપ્ટેમ્બરે શરૂ થઈ અને પહેલી ડિસેમ્બર સુધી ચાલી. ૨૮મી સપ્ટેમ્બરે લઘુમતીઓના અધિકારોની સમિતિની બેઠક (સળંગ સાતમી) મળી. રામ્સે મેક્ડોનલ્ડ પોતે જ એનો ચેરમૅન હતો. બેઠકમાં ગાંધીજી કોંગ્રેસ વતી ભાગ લેતા હતા. મુસ્લિમ લીગના ઝફરુલ્લાહ ખાન, નૅશનાલિસ્ટ મુસ્લિમ કૉન્ફરન્સના સર અલી ઈમામ, હિન્દુ મહાસભા તરફથી ડૉ. બી. એસ. મુંજે, શીખો તરફથી સરદાર સંપૂરણ સિંઘ,ડિપ્રેસ્ડ ક્લાસિસ તરફથી બાબાસાહેબ આંબેડકર, સ્ત્રીઓ તરફથી બેગમ શાહનવાઝ, રાધાબાઈ સુબ્બરાયન અને સરોજિની નાયડુ, ટ્રેડ યુનિયનો તરફથી એન. એમ જોશી અને વી. વી. ગિરી (પછી ભારતના રાષ્ટ્રપતિ બન્યા) અને ઉદ્યોગપતિઓ તરફથી ઘનશ્યામ દાસ બિડલા ભાગ લેતા હતા. તે ઉપરાંત ભારતીય ખ્રિસ્તીઓ, ઍંગ્લો-ઇંડિયનો અને ભારતમાં જન્મેલા યુરોપિયનોના પ્રતિનિધિઓ પણ હતા. સર ચીમનલાલ સેતલવાડ જેવા નામાંકિત ન્યાયવિદો પણ હતા. સમિતિમાં સભ્ય ન હોય તેવા નેતાઓ પણ જાતે અથવા લેખિતમાં પણ પોતાનાં નિવેદનો આપી શકતા હતા, જેમાં સર પ્રભાશંકર પટ્ટણીનું નિવેદન ઉલ્લેખનીય છે.

મેક્ડૉનલ્ડે પોતાના પ્રારંભિક ભાષણમાં કહ્યું કે મને જાણવા મળ્યું છે કે વાટાઘાટો ચાલે છે અને એ સફળ થવાની શક્યતાઓ છે. તો આપણે આ મીટિંગ મુલતવી રાખીએ. આના જવાબમાં આગાખાને કહ્યું કે આજે રાતે મહાત્મા ગાંધી મુસ્લિમ ડેલિગેશનને મળવાના છે. બે મિત્રો મળે એવી એ મીટિંગ હશે, મંત્રણાઓ વિશે આટલું જ કહી શકાય. પરંતુ ડૉ. આંબેડકરે પોતાનો પક્ષ રજૂ કર્યો કે કોમી સવાલનો ઉકેલ શોધવા માટે વાતચીત થવાની છે, તે તો સારું છે પણ અમે ડિપ્રેસ્ડ ક્લાસિસ માટેની અમારી માંગ રજૂ કરી દીધી છે અને હવે મારે માત્ર અમને કેટલા ટકા પ્રતિનિધિત્વ મળવું જોઈએ તે જ કહેવાનું બાકી રહ્યું છે એટલે મહાત્મા ગાંધીએ યાદ રાખવું જોઈએ કે મુસ્લિમ ડેલિગેશન સાથે જે કંઈ વાતચીત થાય તેમાં અમને એ બાંધી ન શકે. એમણે સૂચવ્યું કે ચેરમૅન પોતે જ એક નાની સમિતિ બનાવે, જેમાં બધી કોમોના પ્રતિનિધિઓ હોય, એ ભેગા મળીને વાત કરે, પણ મેક્ડોનલ્ડે કહ્યું કે તમે લોકો અવિધિસર મળીને પછી અહીં આવો તે સારું થશે. કોઈ સમિતિ બનાવવાની જરૂર નથી. આપણે ફરી મળશું ત્યારે તમે જાણતા જ હશો કે તમે કહો છો તે વિશે બીજા શું માને છે. આમ એ બેઠક મુલતવી રહી.

ફરી બધા બે દિવસ પછી ૧લી ઑક્ટોબરે મળ્યા ત્યારે ગાંધીજીએ કહ્યું કે ગઈકાલે હું નામદાર આગાખાન અને બીજા મુસ્લિમ મિત્રોને મળ્યો અને વાતચીત કરી તે પછી અમને લાગ્યું કે વાતચીત દ્વારા નિરાકરણ લાવવા માટે હજી એક અઠવાડિયું વિચાર વિનિમય કરવો જોઈએ એટલે ત્યાં સુધી બેઠક મુલતવી રાખવી જોઈએ. આગાખાન અને શીખોના નેતા સરદાર ઉજ્જલ સિંઘે એમને ટેકો આપ્યો. તે પછી બેઠક એક અઠવાડિયા માટે મુલતવી રહી

પરંતુ ડૉ. આંબેડકરે કહ્યું કે ગાંધીજી જે સમિતિ બનાવશે તેમાં અમને ડિપ્રેસ્ડ ક્લાસિસને કે બીજી લઘુમતી કોમોને બોલાવશે? ગાંધીજીએ તો ટૂંકો જવાબ આપ્યોઃ “Without doubt!” પણ નેશનાલિસ્ટ મુસ્લિમ અલી ઈમામે કહ્યું કે કંઈક ગેરસમજ છે; ગાંધીજી કોઈ કમિટી નથી બનાવતા. આંબેડકરે કહ્યું કે ફેડરલ સ્ટ્રક્ચર વિશેની મીટિંગમાં ગાંધીજીએ કોંગ્રેસનો ઠરાવ વાંચ્યો હતો કે કોંગ્રેસ માત્ર મુસ્લિમો અને શીખો સાથે કોમી ધોરણે વાત કરશે, બીજી કોમો કે ગ્રુપો સાથે નહીં. ઍંગ્લો-ઇંડિયનોના પ્રતિનિધિ સર હેનરી ગિડ્નીએ એમાં સુર પુરાવ્યો કે હું ડૉ. આંબેડકર સાથે છું કારણ કે કાલે રાતે અમે ગાંધીજીને મળ્યા ત્યારે એમણે અમને પણ કોંગ્રેસના વલણની આ જ વાત કરી, એટલે અમે પણ બાકાત થઈ ગયા. ઇંડિયન ખ્રિસ્તીઓના પ્રતિનિધિ રાય બહાદુર પનીર સેલ્વમ પણ એમની સાથે જોડાયા. એમણે કહ્યું કે ડૉ, આંબેડકરે જે કહ્યું તે હું જાણતો જ નહોતો. અમને ગણતરીમાં જ નથી લેતા તો આ સમિતિમાં અમારે કરવાનું શું છે?

સરોજિની નાયડુએ વડા પ્રધાનને સંબોધીને કહ્યું કે તમે જ અપીલ કરી છે કે આ પ્રશ્નનો ઉકેલ અમારે હિન્દુસ્તાનીઓએ શોધવાનો છે અને અમારે જ એ, કોઈ બહારની સત્તાની દરમિયાનગીરી વગર ઉકેલવો જોઈએ, એ હિન્દુસ્તાનીઓના સ્વમાનને શોભા આપશે. એટલે જ અનૌપચારિક વાતચીતો કરવી જોઈએ અને તે પછી આ સમિતિમાં નિર્ણય લેવો જોઈએ.

તે પછી ગાંધીજીએ ખુલાસો કર્યો કે કોંગ્રેસની નીતિ છે કે કોમના ધોરણે માત્ર મુસલમાનો સાથે કે શીખો સાથે વાત કરવી અને એ જ મારો મત છે. આમ છતાં મેં કે કોંગ્રેસે બીજા કોઈની વાત સાંભળવાનો તો ઇનકાર નથી કર્યો, અને હું કોણ છું કે સૌને મારા નિર્ણયથી બાંધી શકું? તમે તમારા અભિપ્રાયને વળગી રહો, હું મારા અભિપ્રાયને. તમારા અભિપ્રાયની કિંમત મારા અભિપ્રાયથી ઓછી નથી. તમને એમ લાગતું હોય કે આ ટેબલ પર અક્કડ થઈને બેસવા કરતાં નજીક આવીને વાત કરવામાં કંઈ ખોટું નથી, તો આ મીટિંગ મુલતવી રાખવાનું સૂચન સ્વીકારી લો અને મને હૃદયથી સહકાર આપો.

આના પછી યુરોપિયનોના પ્રતિનિધિ હ્યુબર્ટ કારે કહ્યું કે મારી કોમનું પણ નામ નથી પણ હું મીટિંગ મુલતવી રાખીને ખુલ્લા મનથી વાત થાય તેની તરફેણ કરું છું. બીજા એક ભારતીય ખ્રિસ્તી ડી. દત્તાએ પણ કહ્યું કે હું પણ મુલતવી રાખવાના સૂચનને ટેકો આપું છું. તે પછી આઠમી ઑક્ટોબરે મળવાનું નક્કી થયું. અને એક અઠવાડિયું અનૌપચારિક મંત્રણાઓ થતી રહી.

મીટિંગ અચોક્કસ સમય સુધી મુલતવી રાખોઃ ગાંધીજી

આઠમીએ બધા ફરી મળ્યા ત્યારે ગાંધીજીએ જાહેર કર્યું કે એમનો પ્રયાસ સફળ ન થયો. એમણે કહ્યું કે સફળ ન થવાનું એક કારણ એ છે કે અહીં જે કોઈ આવ્યા છે તે ખરેખર કોઈના પ્રતિનિધિ નથી, એમને કોઈએ પસંદ કરીને મોકલ્યા નથી. સરકારે એમને પસંદ કર્યા એટલે અહીં આવ્યા છે. અને લઘુમતીઓના સવાલ પર વિચાર કરવા માટે આ સમય યોગ્ય પણ નથી. આજે વિદેશી સત્તાના નિયંત્રણને કારણે કોમી મતભેદો વધારે વકર્યા છે, એટલે આ સવાલનો ઉકેલ આવે તે સ્વરાજ માટે સારું છે, પણ એ સ્વરાજના માથાનો મુકુટ બની શકે, પાયો નહીં. (એટલે કે, સ્વરાજ પહેલાં આવવું જોઈએ, કોમી સવાલ તે પછી ઉકેલાશે). મને જરાય એ વાતમાં શંકા નથી કે સ્વરાજના ગરમાવામાં કોમી ભેદભાવનો હિમખંડ પીગળવા લાગશે. આથી હું સૂચવું છું કે લઘુમતી સમિતિની બેઠક અચોક્કસ સમય સુધી મુલતવી રાખવી જોઈએ કે જેથી તે દરમિયાન કોમી સવાલના ઉકેલના અનૌપચારિક પ્રયાસ ચાલુ રાખી શકાય અને રાખવા જોઈએ.

તે પછી એમણે કોંગ્રેસની નીતિ વિશે ખુલાસો કર્યો કે અમે કોમી ધોરણે અલગ મતદાર મંડળમાં નથી માનતા, બધા મતદારોની એક જ સમાન યાદી હોવી જોઈએ અને સાર્વત્રિક પુખ્ત મતાધિકાર હોવો જોઈએ. પણ એમણે ઉમેર્યું કે કોંગ્રેસના ઠરાવ પ્રમાણે સમાધાન ન થઈ શકે તો બીજા રસ્તા શોધવામાં મને કોઈ બાધ નડતો નથી.

કોમી સવાલની, એટલે કે લઘુમતીઓના અધિકારો વિશેની ચર્ચામાં આપણે આવતા અઠવાડિયે આગળ વધશું.

૦૦૦

સંદર્ભઃ

https://indianculture.gov.in/flipbook/89519 Indian Round Table conference (Second Session) 7 September 1931 to 1 December 1931 vol. III (Proceedings of Minorities committee) પ્રકાશન ૧૯૩૨.(ડાઉનલોડ નહીં કરી શકાય).


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ
dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.