ગઝલાવલોકન ૩૧ – ચાલ અજવાળું અજવાળું રમીએ

સુરેશ જાની

ઉગમણે ઝળહળ ઉગ્યાનું સુખ લઈ પછી

આથમણે જઈને આથમીએ.
ચાલ,અજવાળું અજવાળું રમીએ.

તમરાની ત્રાડથી ચિત્કારી રાતભર
અંધારું સીમને ધમરોળે.
ભટકેલી ઝંખનાનું ભૂતાવળ સરનામું
જઈ બેઠું ખીજડાને ખોળે.
ચાલ,અજવાળું અજવાળું રમીએ.

કાળાધબ્બ સપનાનો પડછાયો પકડીને
કાળમીંઢ નીંદરમાં ભમીએ.
ચાલ,અજવાળું અજવાળું રમીએ.

મુઠ્ઠીમાં બંધ કરી ટમટમતો આગીયો
અજવાળું પકડ્યાનું સુખ..
રાતભર પડછાયા કાળા પીધાં
ત્યારે ભાળ્યું મેં તડકાનું મુખ.
રાતભર સૂરજની જોઈને રાહ પેલી
ઝાકળ જેવું થઈ ગમીએ.

ચાલ, અજવાળું અજવાળું રમીએ.

                                     – રવિ પરમાર, સુરત

આ રચના વાંચવા મળી અને તરત ગમી ગઈ – એને અવલોકન યાત્રામાં સમાવવા મન થઈ ગયું. મારી પસંદગી જાગૃતિનાં ગીતો પર હમ્મેશ ઢળતી રહી છે. એમ જ આ પણ જાગૃતિનું ગીત છે. આમ તો આ વિષય પર ઘણી બધી રચનાઓ ગુજરાતી કવિઓએ રચી જ છે. પણ આની વિશેષતા બે છે –

એક તો આ એક ઓછા જાણીતા કવિએ લખી છે. મૂળ અમરેલીના અને હાલ સુરતમાં ઝવેરાતની દુકાનમાં કામ કરતા માત્ર ૪૨ વર્ષની ઉમરના રવિ પરમારની કવિતાઓમાં સાવ નવી નક્કોર ઉપમાઓ અને કલ્પનાઓ ભારોભાર ભરેલાં હોય છે.

બીજી વાત – આ કવિતામાં અભિવ્યક્ત થતી કલ્પના વાંચી હરખ થઈ જાય છે કે, ગુજરાતી કવિતા નવાં ક્ષિતિજો સર કરી શકે તેટલી બળૂકી છે જ.

રવિ ભાઈની આવી જ એક બીજી રચનાનો આસ્વાદ પણ માણીએ.

મારૂં હોવાપણું નથી મળતું.
મારાં જ ભીતરનું ઝાંઝવુ સતત મારી તરસને રહે છળતું.

ખખડધજ શરીર અને રઝળતા શ્વાસો
રેઢું મૂકવા નહિં રાજી..
હાંફી જવાય તોય હરફ ઉચ્ચારે ના
ખુશ નહીં બગાડવા બાજી.

પોતે દિવાસળીથી ચાંપે પલીતો ને અગનગોળો થઈ બળતું.
મારૂં હોવાપણું નથી મળતું.

મારાથી હું ક્યાંક ભૂલો પડી
હું મને જ શોધવાને હાલ્યો.

ભાલા ભીતરથી મને ભોંકાવી
પછી મને જ મેં ઘેરો ઘાલ્યો..
હસ્તરેખા શોધવાં હથેળીની જઈ ટેરવે ટેરવે રઝળતું..!

મારૂં હોવાપણું નથી મળતું..!

બન્નેમાં જીવનના ખાલીપાથી થાકેલા જીવની તરસ અને શોધ આપણા અંતરમનમાં પણ એવા જ પડઘા પાડતી રહે છે. અંતે…. આ જણે લખેલા એક જાગૃતિ હાઈકૂ સાથે સમાપન–

અંગત છે હોં!
કહેવા શબ્દ નથી.
જાગી ગયો છું.


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.