સમયચક્ર : શસ્ત્ર જગતની કાતિલ કામિની – A K 47

આપણે ભલે શાંતિની વાતો કરતા હોઈએં. પરંતુ આ જગતમાં ક્યારેય લાંબો સમય શાંતિ રહી નથી. પથ્થર અને લાકડાં જેવા અણઘડ પદાર્થો હથિયાર તરીકે વાપરી શકાય છે, એવી જ્યારથી માણસને ખબર પડી ત્યારથી શરુ થયેલી હથિયારની દોડ હજુ અટકી નથી. હથિયારને ભલે આપણે છાના ખૂણે ધિક્કારીએ, પરંતુ આ હથિયારો જ આપણાં રક્ષક છે એ હકીકત છે. ટાંચા અને જુનવાણી હથિયારોને કારણે અનેક દેશો યુધ્ધ હારી ગયાના દાખલા છે. બંદૂકોના ઈતિહાસમાં આગવું સ્થાન ઊભું કરનાર A K 47 રાયફલનો ઈતિહાસ પણ અતિ રોચક છે.

માવજી મહેશ્વરી

ધડાકો બંદૂકનો હોય કે પછી ફટાકડાનો. ધડાકાઓ કરવાનો માનવ સ્વભાવ રહ્યો છે. બંદૂકની શોધને સદીઓ વિતી ગઈ. બંદૂકમાં રાયફલ તરીકે ઓળખાતી બંદૂકના જન્મને પાંચસો જેટલા વર્ષો થયા. સામાન્ય માણસ શસ્ત્રોની ટેકનિક અને તેના નામો અને પ્રકારો વિશે અજાણ્યો હોય છે. તેમ છતાં એક એવી રાયફલ છે જેનું નામ આખાય જગતમાં બહુ જ ઝડપથી લોકજીભે ચડ્યુ છે. એ રાયફલ એટલે A K 47. અભિનેતા સંજય દત્ત જેટલો અભિનયમાં ચર્ચામાં નથી રહ્યો એટલો A K 47 નામની રાયફલને કારણે ચર્ચામાં રહ્યો છે.

A K 47 પુરું નામ ઓટોમેટેડ કેલેશનિકોવ 47 અસોલ્ટ રાયફલ છે. રાયફલનો અર્થ આંકા ( થ્રેડ ) એવો થાય છે. જે બંદૂકની નાળ ( મઝલ )ની અંદર આંકા પાડેલા હોય તેને રાયફલ કહેવાય છે. રાયફલનું ટ્રીગર ( ઘોડો ) દાબ્યા પછી જ્યારે બુલેટ ( ગોળી ) છુટે છે ત્યારે નાળમાં પાડેલા આંકાને કારણે વર્તુળાકારે ફરવા લાગે છે. વિજ્ઞાનના નિયમ મુજબ સીધી ગતિએ છૂટેલી ગોળી કરતા વર્તુળાકારે ફરતી છુટેલી ગોળી વધારે શક્તિશાળી અને સચોટ બને છે. વૉલીબોલ રમનારા વૉલીબોલને મુક્કા દ્વારા વર્તુળાકારે ફરતો કરે છે એની પાછળ આ જ નિયમ રહેલો છે. રાયફલ્સની લાંબી રેન્જ અને સચોટ લક્ષ્યનું કારણ નાળની અંદર પાડેલા આંકા જવાબદાર બને છે. રાયફલ બે પ્રકારની હોય છે. સેમી ઓટોમેટેડ અને ઓટોમેટેડ. સેમી ઓટોમેટેડ રાયફલમાં એક ગોળી છોડ્યા પછી ફરીથી ટ્રીગર દબાવવું પડે છે. જ્યારે ઓટોમેટેડ રાયફલમાં ટ્રીગર દબાવી રાખવાથી તેમાંથી એકધારી ગોળીઓ છુટતી રહે છે. પણ તેમ કરવા માટે રાયફલને ઊર્જાની જરુર પડે છે. એ રીતે A K 47 ઓટોમેટેડ રાયફલ છે અને તેને ગેસ ચેમ્બર દ્વારા ઊર્જા મળે છે. મુંબઈના અંડર વર્લ્ડના અઠંગ ગુનેગારોથી માંડીને લશ્કર સુધી વપરાઈ રહેલી આ A K 47 રાયફલની શોધ અને તેના શોધકની જિંદગીનો ઈતિહાસ રોચક છે.

A K 47 રાફલની શોધ કરનાર હતો મિખાઈલ તિમોફીવિચ કેલેશનિકોવ. ૧૦ નવેમ્બર ૧૯૧૯ના રોજ રશિયાના સાધારણ ખેડૂત પરિવારમાં જન્મેલો મિખાઈલ માંડ હાઈસ્કુલનું શિક્ષણ લઈ સાઈબેરીયન રેલ્વેમાં ક્લાર્કની નોકરીમાં જોડાઈ ગયો. તે નોકરી તેના સક્રિય દીમાગને માફક ન આવતા તે ૧૯ વર્ષે ૧૯૩૮માં રશિયાના લશ્કરમાં જોડાયો. લશ્કરમાં તેને ટેન્ક ચલાવવાનું કામ સોંપાયું. મિખાઈલનું મગજ અત્યંત સક્રિય અને યાંત્રિક હતું. તેણે એ ગાળામાં ટેન્કના એન્જીનની શક્તિ માપવાનું નાનું યંત્ર બનાવ્યું. એ યંત્ર જોઈ લશ્કરના વડાઓ તેનાથી પ્રભાવિત થયા અને તેને યંત્રો બનાવવતા કારખાનામાં મોકલ્યો. ૧૯૪૧માં હીટલરે રશિયા ઉપર ભીષણ લશ્કરી હૂમલો કરી નાખ્યો. મિખાઈલને ટેન્ક કમાન્ડર તરીકે યુધ્ધ મેદાનમાં જવું પડ્યું. યુધ્ધમાં તે બુરી રીતે ઘવાયો અને છ મહિના તેને હોસ્પિટલમાં રહેવું પડ્યું. એ હોસ્પિટલમાં યુધ્ધમાં ઘાયલ અન્ય સૈનિકો પણ સારવાર લઈ રહ્યા હતા. સૈનિકોની અંદરો અંદરની વાતો પરથી મિખાઈલને જાણવા મળ્યું કે રશિયન સૈનિકો તેમને અપાતી રાયફલથી જરાય ખુશ ન્હોતા. સારવાર બાદ મિખાઈલને આરામ કરવા માટે લાંબી રજા મળી. આ રજામાં તેણે નક્કી કર્યું કે મારે મારા દેશના સૈનિકને એક ઉત્તમ રાયફલ આપવી છે. તેણે દુનિયાની તે વખતની શ્રેષ્ઠ રાયફલ્સનો અભ્યાસ કર્યો અને તેમાંથી સર્જાઈ A K 47. મિખાઈલની ઈચ્છા હતી કે પોતાની આ શોધ સાથે પોતાનું નામ જોડાઈ રહે અને બન્યું પણ ખરું. આફ્રિકાના અમુક દેશોમાં બાળકોના નામ આ રાયફલના કેલેશનિકોવ નામ પરતી કેલેશ પાડવામાં આવે છે

જોકે આ રાયફલે અમુક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. અફઘાન સાથે યુધ્ધમાં હારી ગયેલા રશિયન સૈનિકોએ ભાગતી વખતે પોતાની સંખ્યાબંધ AK 47 રાયફલ છોડતા ગયા. આમાની ઘણી બધી પાકિસ્તાન પહોંચી ગઈ અને રીતસર કેર વર્તાવ્યો. પાકિસ્તાનનો સભ્ય સમાજ તેને કેલેશનિકોવ કલ્ચર કહે છે. ૧૯૪૭માં જન્મેલી આ રાયફલની લોકપ્રિયતા અને જાદુ શસ્ત્રોની દુનિયામાં આજે પણ અકબંધ છે. ભારતીય ફિલ્મોનો વિલન શક્તિકપૂર એક ફિલ્મમાં A K 47 વિશે કહે છે – ઈસકો દસ સાલ ગટર મેં ડાલ દે. ખરાબ નહી નહી હોગી ઈસકી મૈં ગેરંટી દેતા હું. ડાયલોગ લખનાર A K 47થી બરોબર પરિચિત હશે. કારણ કે આ રાયફલ પર વાતાવરણની જરાય અસર નથી થતી. ઉપરાંત આ રાયફલનું ઉત્પાદન, સારસંભાળ અને વપરાશ અત્યંત સરળ છે. પાકિસ્તાન અફઘાનની સીમા પરના ગામડાંના લુહારો પણ આ રાયફલ બનાવી લે છે. શસ્ત્રોના જાણકારો કહે છે આ રાયફલ ચલાવવી અન્ય રાયફલ કરતા સરળ છે. આજે દુનિયાના પચાસ ઉપરાંત દેશોમાં લશ્કર, પોલીસ, શિકારીઓ અને ત્રાસવાદીઓ સહિત આ રાયફલ વાપરનારા છે. જોકે આ રાયફલનો શોધક રશિયાને બદલે કોઈ મૂડીવાદી દેશમાં જન્મ્યો હોત તો તે ધનવાન બની શક્યો હોત. વાસ્તવમાં આ રાયફલના ઈન્ટરનેશનલ પેટન્ટ રાઈટ્સ જ લેવામાં નથી આવ્યા. અત્યાર સુધી વેચાયેલી A K 47ના વેચાણમાંથી મિખાઈલને એક રુપિયો પણ નથી મળ્યો. તેણે પોતાનું પાછલું જીવન સરકારી પેન્શન પર ગુજાર્યું હતું.

ચીની નેતા માઓ ઝેદોંગે એકવાર કહેલું ” સત્તાનો જન્મ બંદૂકના નાળચામાંથી થાય છે” આમ તો પ્રત્યેક હિંસા પાછળ સત્તા લાલસા જ રહેલી હોય છે. જ્યારે સત્તાની વાત આવે છે ત્યારે માણસનું અસલી રુપ સામે આવી જાય છે. સત્તા પ્રાપ્તિ સમયે મુલ્યોનો છેદ ઉડાડી દેવો એ માણસનો સ્વભાવ રહ્યો છે. સત્તા અને સ્વરક્ષણ માટે હથિયારની જરુર પડે છે. એટલે જ શસ્ત્રોનું બજાર હંમેશા ધમધમતું રહ્યું છે. વિશ્વમાં અનાજ, શાકભાજી કે કપડાંની અછત અનેકવાર થઈ છે. પણ ક્યારેય બંદૂક કે બોમ્બની અછત સર્જાઈ નથી. રાજનેતાઓ, સોદાગરો અને શસ્ત્ર ઉત્પાદકો હથિયારની અછત થવા દેતા જ નથી. અનેક વિકસિત દેશોનું અર્થતંત્ર શસ્ત્રોના ઉત્પાદન પર જીવતું રહે છે. અહીં એક રસપ્રદ બાબત મૂકવાનું મન થાય છે. વિશ્વમાં શાંતિ માટે અપાતા નૉબેલ પુરસ્કાર માટે નાણાં પુરા પાડનાર ઓલફ્રેડ નૉબેલની સમૃધ્ધિનું કારણ તેનો ડાયનેમાઈટનો વેપાર હતો.

દરેક હથિયાર શાંતિ અને સ્વરક્ષણ માટે હોય છે. પરંતુ બંદૂકોએ વિશ્વમાં જે કેર વર્તાવ્યો છે તે એના શોધકને પણ ક્યારેક વ્યથિત કરનારી હોય છે. મિખાઈલને એકવાર આ બાબતે પૂછતાં તેણે કબુલ્યું હતું કે, મૂળે તો તેને ખેડૂતો માટે ઓજારો બનાવવાની ઈચ્છા હતી. અહીં રાજ કપૂરની ફિલ્મ ‘ જીસ દેશમેં ગંગા બહતી હૈ ‘નો એક સંવાદ યાદ આવે છે. ખ્વાજા એહમદ અબ્બાસે આવો સંવાદ લખ્યો હતો “ છોડ દે રાકા, છોડ દે, યે તંબૂક (બંદ્દૂક ) હૈ. ઈસને મહાત્મા ગાંધી કો નહીં પહચાના, તેરે કો ક્યા પહચાનેગી “


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.