ટાઈટલ મ્યુઝીક : (૩૬) સસુરાલ (૧૯૬૧)

બીરેન કોઠારી

ઘણી જૂની ફિલ્મો જોવાનું બન્યું નથી, કેમ કે, મારા જન્મ પહેલાં એ આવી હતી. હવે એ આસાનીથી જોવા મળી શકે એમ છે, પણ એ માટેની માનસિકતા અને સમય નથી. પણ ગીતો માટે એમ કહી શકાય એવું નથી. રેડિયો સાંભળવાનું શરૂ થયું અને રેડિયો સિલોન સાંભળવાની આદત પડી ત્યારે તેની પ્રસારણ સેવા સવારે દસ વાગ્યા સુધી અને સાંજના સાત પછી શરૂ થતી. આથી દિવસ દરમિયાન વિવિધ ભારતી અને ઑલ ઈન્ડિયા રેડિયોની ઉર્દૂ સર્વિસ ઉપરાંત બપોરે યા સાંજના સમયે અમદાવાદ-વડોદરા, રાજકોટ કે ઈન્દોર જેવાં સ્ટેશન પર ગીતો સાંભળવાનું ચાલતું. રેડિયો પર સમાચાર કે અન્ય કાર્યક્રમ સાંભળવાની આદત પડી નહીં, અને હવે એ પાડવાની જરૂર લાગતી નથી.

રેડિયો સિલોનની સરખામણી અહીં જણાવેલાં સ્ટેશનો સાથે કરવી અશક્ય છે. આજેય વિવિધભારતી સાંભળું છું, પણ ખબર છે કે કેટલાંય ગીત એવાં છે જે અહીં વાગ્યાં જ નથી. અને અમુક ગીતો એવાં છે કે જે દિવસમાં બે-ચાર વખત ન સંભળાય તો એ વિવિધભારતી ન કહેવાય. રેડિયો પર બે સ્ટેશનો ભેગાં વાગે, જેમાં એક તરફ વાનગીઓનો કાર્યક્રમ હોય અને બીજી તરફ કસરતનો, એવી એક મીમીક્રી મહેશકુમારના કાર્યક્રમમાં સાંભળેલી. એમાં મહેશકુમારે એક બે ગીતની ઝલક મૂકેલી, જે વિવિધભારતીની ઓળખ સમાં હોય.

વિવિધભારતીની ઓળખ સમું આવું એક ગીત એટલે ‘સસુરાલ’નું ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો કિસી કી નજર ના લગે’. આ ગીત રેડિયો પર આવે ત્યારે મારા પપ્પા ‘ચશ્મે બદ્દૂર’ને બદલે ‘ચશ્મે પર ધૂલ’ કહેતા. રાજેન્દ્રકુમાર, બી. સરોજાદેવી, મહેમૂદ, શોભા ખોટે, લલિતા પવાર જેવા કલાકારોને ચમકાવતી, પ્રસાદ પ્રોડક્શન્સની ટી. પ્રકાશરાવ નિર્દેશીત ફિલ્મ ‘સસુરાલ’ 1961માં રજૂઆત પામી.

તેનાં આઠ ગીતો હતાં, જે શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ લખેલાં હતાં. સંગીત હતું શંકર-જયકિશનનું. ‘એક સવાલ મૈં કરું’ (લતા, રફી), ‘ક્યા મિલ ગયા, હાય ક્યા ખો ગયા’ (લતા), ‘સુન લે મેરી પાયલોં કે ગીત સાજના’ (લતા), ‘યે અલબેલા તૌર ન દેખા’ (રફી) અને ‘સતા લે એ જહાં, ન ખોલેંગે જુબાં’ (મુકેશ) જેવાં ગીતો શૈલેન્દ્રે લખેલાં હતાં, જ્યારે ‘જાનાં તુમ્હારે પ્યાર મેં’ (મુકેશ), ‘અપની ઉલ્ફત પે જમાને કા ન પહરા હોતા’ (લતા, મુકેશ), તથા ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો’ (રફી) હસરત જયપુરી દ્વારા લખાયાં હતાં.

બધાં ગીતો જાણીતાં હતાં, પણ કોણ જાણે કેમ, ‘ચશ્મે બદ્દૂર’ કંઈક વધુ પડતું લોકપ્રિય થયું એમ લાગે છે. હસરતની લાક્ષણિક શૈલીમાં લખાયેલું એ ગીત છે.

આ ફિલ્મના ટાઈટલ મ્યુઝીક માટે પણ આ જ ગીતની ધૂન પસંદ કરવામાં આવી છે. આ ટ્રેકમાં શંકર-જયકિશનની જુદી જ શૈલી જોવા મળે છે, જેમાં સિતાર અને ફૂંકવાદ્યો (બ્રાસવાદ્યો)નો ઉપયોગ પ્રભાવક છે. તંતુવાદ્યસમૂહ તો હોય જ.

(‘સસુરાલ’ની લૉન્ગ પ્લે રેકર્ડનું કવર)

0.14 થી ટાઈટલ મ્યુઝીકની ટ્રેક ફૂંકવાદ્યોથી આરંભાય છે, અને 0.17 થી તંતુવાદ્યસમૂહ પ્રવેશે છે. 0.22થી ફરી ફૂંકવાદ્યો અને 0.27 થી તંતુવાદ્યસમૂહનું વાદન છે. ત્યાર પછી તેના કોન્‍ટ્રાસ્ટમાં સિતાર પર ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો’ની ધૂન 0.30 થી શરૂ થાયછે. 1.12 થી ફૂંકવાદ્યો અંતરાનું સંગીત વગાડે છે. 1.33 થી તંતુવાદ્યસમૂહનું વાદન શરૂ થાય છે. આ ટુકડામાં ફૂંકવાદ્યો બહુ વિવેકપૂર્વક વગાડ્યાં છે. આનાથી સહેજ વધુ ઉપયોગ કર્યો હોત તો લગ્નમાં વાગતા બૅન્ડવાજાં જેવાં કર્કશ લાગત. 1.36 થી ફરી સિતાર પર ધૂન આગળ વધે છે. અહીંથી છેક 2.20 સુધી માત્ર સિતાર છે અને પશ્ચાદભૂમાં તંતુવાદ્યસમૂહનું વાદન. ધાર્યું હોત તો અહીં અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં ફૂંકવાદ્યો કે તંતુવાદ્યોનું સમૂહવાદન મૂકી શકાત. 2.20 થી ફૂંકવાદ્યો અને પછી તંતુવાદ્યસમૂહનું સમાપન સંગીત વાગે છે અને 2.31 પર ટ્રેક પૂરી થાય છે.

એટલો ઉલ્લેખ જરૂરી કે આ જ નામની ફિલ્મ 1984માં પણ રજૂઆત પામી હતી, જેમાં અરુણ ગોવિલ અને સાધના સિંઘની મુખ્ય ભૂમિકા હતી.

અહીં આપેલી આખી ફિલ્મની લીન્‍કમાં ‘સસુરાલ’નું ટાઈટલ મ્યુઝીક સાંભળી શકાશે.


(લીન્‍ક અને તસવીરો નેટ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.