બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”

નીતિન વ્યાસ

હ્રદય અમાર નાચે રે આજીકે મોયુરેર મતો નાચે રે

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે”

‘મોર બની થનગાટ કરે” કાને પડતા ગીતના શબ્દો સાથે મન પ્રફુલ્લિત થઇ જાય. પછી તે કોઈ ડાયરામાં, મંચ ઉપર, ગરબા માં કે રોક બેન્ડ વાળા ગાતા હોય. આવું લોકપ્રિય ગીત ક્યારે અને કોણે રચ્યું, એ કયા સંગીતકાર અને ગાયકે આ ગુજરાતી લોકસંગીતનાં શિરમોર કહેવાય તેવી ધુન કોણે બનાવી તે બધા વિષે જાણીયે. સાથે સાંભળીયે અનેક ગાયકો અને સંગીતકારની કર્ણ પ્રિય પ્રસ્તુતિ:

આ ગીતની ધુન રાગ યમન અને ભીમપલાસમાં મહદ અંશે સાંભળવા મળે છે. કોઈએ ફ્યુઝન અને હારમની સાથે પણ બંદિશ બનાવી છે.

આ રચના વિશે ગીતાબેન ભટ્ટ તેમના બ્લોગ માં એક સરસ વાત લખે છે:

નાનપણમાં અમે બહેનપણીઓ શાળા-કોલેજમાં વાર્ષિકોત્સવ કે દિવાળી પ્રોગ્રામમાં રાસ-ગરબા રમતાં. પણ પાછળથી સમજાયું કે એમાનાં ઘણાં ગરબા-ગીતો ઝવેરચંદ મેઘાણીનું સર્જન હતાં. દાખલા તરીકે, ત્રણ તાળી ના તાલમાં હલકથી ગવાતો આ ગરબો :

અષાઢી સાંજનાં અંબર ગાજે, અંબર ગાજે મેઘાડંબર ગાજે… અષાઢી સાંજનાં અંબર ગાજે!

જેમાં હલકથી ગવાતા તાળીઓના તાલ નહીં, પણ ઝડપથી ઉછાળા લેતું નર્તન વધારે મહત્વનું હતું એવું બીજું ગીત:

મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે…..

પણ, એમાંની ઘણી રચનાઓ એમની પોતાની સ્વરચિત કૃતિઓ નહોતી, પણ અન્ય ભાષાની કૃતિઓમાંથી અનુવાદિત કરેલ કવિતાઓ હતી; તેનો ખ્યાલ તો કોલેજમાં વ્યાખ્યાતા બનવાનો મોકો મળ્યો અને વિગતવાર અભ્યાસ કર્યો ત્યારે જ સમજાયું.

તો પછી, ઝવેરચંદ મેઘાણીનાં જ ગરબા-ગીતો આમ અનાયાસે જ પસંદ થઈ જવાનું કારણ શું હશે? પ્રત્યેક કવિ એની કૃતિ માટે શબ્દો તો શબ્દકોશમાંથી જ શોધે છે, પણ એને ક્યાં, કેવી રીતે ગોઠવવો તેમાં જ કવિનું કવિકર્મ છુપાયેલું હોય છે! મને આજે આટલાં વર્ષે સમજાય છે કે, શબ્દો, સૂર અને લયની ગોઠવણીને લીધે જ અમારાં માનસમાં એ ગીતો પ્રિય પસંદગી પામ્યાં હતાં.

(સુશ્રી ગીતાબેન ભટ્ટ ના બ્લૉગ માંથી)

‘મોર બની થનગાટ કરે” સાંભળ્યા પછી થયું કે પહેલાં તો ગુરુદેવ ટાગોરની મૂળ રચના બાબતે વધુ જાણવું જોઈએ

રાષ્ટ્રીયશાયર શ્રી મેઘાણીને પ્રેરણા આપનાર ગુરુદેવ ટાગોરની મૂળ રચના:

                “નવી વર્ષા” – ગુરુદેવ ટાગોર:

હ્રિદય અમાર નાચે રે આજીકે મોયુરેર મતો નાચે રે

હ્રિદય આમાર નાચે રે આજીકે મોયુરેર મોતો નાચેરે નાચરે

હ્રિદય આમાર નાચે રે આજીકે મોયુરેર મોતો નાચેરે નાચરે

શોતો બોરોનેર ભાબો ઉચ્છાસ
કોલાપેર મોતો કોરછે બિકાશ
અકુલ પોરાન આકાશેર છાહિયા  .
ઉલ્લાસો કોરો જાબે રે
ઓગો નીરજોને બોકુલશાખાયે દોલાય
કે આજી દુલી છે દોદુલ દુલી છે
ઝોરકે ઝોરકે ઝુરી છે બોકુલ

આંચોલ આકાશે હોતે છે આકુલ
ઉડીયા અલોક તાકી છે પલોક
કબોરી ખોસીયા કોબોરી ખોસીયા ખુલી છે


જોરે ઘનોધારા નબોપલ્લોબે
કાપી છે કાનોન ઝીલ્લીર રોબે
તીર છાપી નોદી કોલોકલ્લોલે
એલો પોલ્લીર કાછે રે

હ્રિદય આમાર નાચે રે આજીકે મોયુરેર મોતો નાચેરે નાચેરે

(બંગાળી માંથી ગુજરાતી શબ્દાંકન શ્રીમતી સુશીલાબેન દેસાઈ, કલકત્તા અને શૈલાબેન મુન્શા, સુગર લેન્ડ, ટેક્ષાસ)

આ કાવ્ય વિશે:

કુદરત પ્રેમી કવિશ્રી ટાગોરે પ્રકૃતિ વિશે અનેક સુંદર કાવ્યો રચ્યાં છે. મૂળ બંગાળીમાં લખાયેલાં આ કાવ્ય પરથી અન્ય ભાષામાં કવિઓએ પોતાની કવિતા રચી છે, જે બહુ પ્રચલિત પણ થઈ છે. જેમાં કવિશ્રી ઝવેરચંદ મેઘાણી ની ‘મોર બની થનઘાટ કરે મારુ મન ‘ ખૂબ લોકપ્રિય છે.

ગુરુદેવ ટાગોરનાં આ કાવ્યમાં વાત એક ઉદાસ સ્ત્રીની કરવામાં આવી છે. પ્રિયતમના વિરહથી વ્યાકુળ બનીને ઘરની બહાર જાય છે. તેને ક્યાંય ગમતું નથી. શીતળ પવનની લહેર તેના શરીરને સ્પર્શીને તેના મનને માદક બનાવે છે પાસેના બકુલના ઝાડ પરનાં પીળા ફૂલ પવન આવતા ખરી તેના શરીર પર પણ પડે છે. તે આનંદ વિભોર બની પાસેના હીંચકા પર બેસી ને હીંચકા ખાતાં આકાશ તરફ જોઈને આનંદિત થઈ રહે છે અને ગાઈ ઉઠે છે “હૃદય અમર નાચે રે”

પવન ની લહેર સાથે તેના બાંધેલા વાળ પણ છુટા પડીને હવામાં લહેરાય છે હીંચકાના હિલોળથી તેની સાડીનો છેડો નીચે પડેલા બકુલના ફૂલોને ઉડાડે છે તેની ઉદાસી, આકાશમાં ઘેરાયેલ કાળા વાદળોને જોઈને ,બકુલના ફૂલોને જઈને ચાલી જાય છે. તેનું હૃદય આનંદ થી ઝૂમી ઉઠે છે. તેનું મન વરસાદમાં જેમ મોર કળા કરીને નાચે અને તેનો પ્રિય મેઘ આવે તેમ પેલી સ્ત્રીને પણ આશા છે કે હમણાં મારો પ્રિયતમ આવશે.

કાવ્ય વાંચતા જ તે લંબાવાળ વળી સુંદર સ્ત્રીનું ચિત્ર આપણી નજર સામે ખડું થઈ જાય છે. આવું ઊર્મિ કાવ્ય આપણને પણ તેની સાથે કુદરતના સૌંદર્યમાં નવડાવી દે છે.

આવા મહાન કવિ ને શત શત પ્રણામ।

(રસાવલોકન : શ્રીમતિ ચારુશીલા વ્યાસ)

રવીન્દ્રસંગીત સાંભળવાની જે અલગ જ મજા છે તેના મૂળમાં સૌ પ્રથમ તો ગુરુદેવની કવિતા સાથે સુમધુર બંગાળી લોકસંગીત નો ઢાળ મહત્ત્વપૂર્ણ ભુમિકા ભજવે છે.

પ્રથમ સાંભળીયે ગુરુદેવ શ્રી રવીન્દ્રનાથ ટાગોર નાં કંઠે:

“હૃદયે અમારા નાચેરે આજીકે”

https://youtu.be/XSrR1LxrLTg

આ રચના શ્રી હેમંતો મુખર્જી – હેમંત કુમાર અને સુપ્રીતિ ઘોષના અવાજમાં

લતા મંગેશકરના સ્વરમાં

બંગાળી ફિલ્મ “સુન્ય અંકો ” માં કૌશિકી ચક્રવર્તી

સૂચિનંદન ડાન્સ એકેડમીની સરસ પ્રસ્તુતિ

કુ. રિઝવાન બર્તતિનું નૃત્ય

મોર બની થનગાટ કરેકવિ શ્રી ઝવેરચંદ મેઘાણી

નોંધ:

“કવિવર રવીન્દ્રનાથનું અતિ પ્રિય મૂળ ‘નવવર્ષા’ મેં એમના જ શ્રીમુખેથી કલકત્તા ખાતેના એમના મકાને ઉજવાયેલ ‘વર્ષા-મંગલ’માં સાંભળેલું. અને એમના જ કંઠે ગ્રામોફોન રેકર્ડમાં ઉતરેલ હોવાનું જાણ્યું છે. … અનુવાદનો વૃત્તબંધ ચારણી લઢણે મારો ઘડેલો છે. એક કડી રહી ગઈ છે.” — કવિ

મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચઁહુ ઑર, મારું મન મોર બની થનગાટ કરે.
બહુરંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મન મોર બની થનગાટ કરે.
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે.
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે,
નદીયું નવજોબન ભાન ભૂલે
,
નવ દીન કપોતની પાંખ ખૂલે.

મધરા મધરા મલકાઈને મેડક મેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.
નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે.
વન-છાંય તળે હરિયાળી પરે
મારો આતમ લ્હેર-બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે.
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે,
ઓ રે! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે.

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે!
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે!
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મેલ પરે!

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે!

એની સૂનમાં મીટ સમાઈ રહી,
એની ગાગર નીર તણાઈ રહી,       

એને ઘેર જવા દરકાર નહીં.
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે!
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે!
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે!

વિખરેલ અંબોડાના વાળ ઝૂલે,
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે
,
શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે.

એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે,
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ-બકુલની ડાળ પરે!

મોર બની થનગાટ કરે
આજે મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે.
તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે,
નવ બાદલને ઉર આગ બૂઝે
,
નદીપૂર જાણે વનરાજ ગ્રુંજે.

હડૂડાટ કરી, સારી સીમ ભરી, સરિતા અડી ગામની દેવડીએ,
ઘનઘોર ઝરે ચઁહુ ઑર, મારું મન મોર બની થનગાટ કરે.

મન મોર બની થનગાટ કરે.

ચઁહુ ઑર = ચારે બાજુ. મધરા મધરા = ધીરે ધીરે. નેહસું = સ્નેહથી. ઘેઘુર = ચકચૂર. મોકળિયું = મોકળી, છૂટ્ટી (બહુવચન). ચાકમચૂર બે ઉર = મસ્ત બે સ્તન. સૂન = શૂન્ય. નીંડોળ = ઠેલો. ગ્રુંજે = ગરજે. દેવડીએ = દરવાજે..

(શબ્દાંકન www.meghani.com ઉપરથી સાદર અને આભાર સાથે) 

આ કવિતા વિશે યુવા ગુજરાતનાં ગૌરવ સમા શ્રી રાધાબેન મહેતા:

“મોર બની થનગાટ કરે” કવિશ્રીએ સને ૧૯૪૪ માં લખ્યું, છપાયું અને પુસ્તકમાં પ્રસિદ્ધ થયું। છેક ૧૯૫૫ની સાલમાં સંગીતબદ્ધ કરીને રેડિયો સ્ટેશન પર પહેલી વખત ગાવા વાળા હતા શ્રી હેમુ ગઢવી.

હેમુ ગઢવી (૪ સપ્ટેમ્બર ૧૯૨૯ – ૨૦ ઓગસ્ટ ૧૯૬૫)

તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ઢાંકણીયા ગામે ૪ સપ્ટેમ્બર ૧૯૨૯ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ નાનભા અને માતાનું નામ બાલુબા હતું, તેમજ તેમના પત્નીનું નામ હરિબા હતું.

લોકગીત અને ભજનનો તેમને નાનપણથી જ શોખ હતો. જેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાનાં પગારે જોડાયા હતા. અહીં તેમણે પ્રથમ નાટક “મુરલીધર” માં કૃષ્ણની ભૂમિકા ભજવી ને પોતાનાં અભિનયથી જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં. તે દરમિયાન તેમણે “ગામડું મુજને પ્યારૂં ગોકુળ” પ્રથમ ગીત ગાયુ હતું.

એક વખત તેઓ જામનગર શહેરમાં રાણકદેવી નામનું નાટક ભજવવા ગયેલા. જેમાં તેઓએ “રાણકદેવી” નું સ્ત્રીનું પાત્ર ભજવ્યુ હતું અને લોકોનાં દીલ જીતી લીધેલા અને તેનાથી પ્રભાવિત થઈને તે સમયે જામનગર શહેરમાં ચાલતા રાણકદેવી ચલચિત્રના નિર્માતાએ છેક મુંબઈથી આવીને બાળ કલાકાર હેમુભાઈને નવાજ્યા હતાં. આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટકમાં ભજવવામાં ઉપયોગ કરતા હતાં. તેઓએ ઈ.સ. ૧૯૫૫ સુધીમાં વાંકાનેરની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યુ હતું.

આકાશવાણી રાજકોટના ગીજુભાઈ વ્યાસ અને ચંદ્રકાંતભાઈ ભટ્ટ એ બન્ને એ હેમુભાઈને નાટક દરમિયાન ખુબજ નજીકથી જોયા હતા. જેથી તેઓએ હેમુભાઈને આકાશવાણીમાં તેમની સાથે જોડાવા માટે આગ્રહ કર્યો. જેથી હેમુભાઈ ઈ.સ. ૧૯૫૫ ની સાલમાં તાનપુરા કલાકાર તરીકે જોડાયા હતાં. તે દરમિયાન તેઓએ ઝવેરચંદ મેઘાણી અને દુલા કાગ નાં સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંગીતને વાચા આપી હતી અને આકાશવાણી દ્વારા ગુજરાતનાં ઘર ઘર સુધી પહોંચાડ્યું હતું. તેઓએ ઈ.સ. ૧૯૬૫ સુધી રાજકોટ આકાશવાણીમાં સેવા આપી હતી.

ઈ.સ.૧૯૬૨-૬૩ ની સાલમાં કોલંબિયા કંપનીએ તેમની ૭૮ RPM ની “સોની હલામણ મે ઉજળી” રેકર્ડ બહાર પાડી હતી. આ ઉપરાંત એચ.એમ.વી. એ “શિવાજીનું હાલરડું”, “અમે મહિયારા રે” અને “મોરબીની વાણિયણ” જેવી રેકર્ડ બહાર પાડેલી હતી. જે આજેય લોકોનાં માનસપટ ઉપર છવાયેલી છે. આ ઉપરાંત તેમને “સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર” અને “પૃથ્વીરાજ ચૌહાણ” જેવા યાદગાર નાટકો કરેલા હતાં.

૨૦ ઓગસ્ટ ૧૯૬૫નાં દિવસે પડધરી ખાતે આકાશવાણી માટે રાસડાઓનાં રેકોર્ડીંગ કરતી વખતે તેમને હેમરેજ થવાથી ચક્કર આવ્યા અને બાદમાં મૃત્યુ પામ્યા. આમ ફક્ત ૩૬ વર્ષનું આયુષ્ય ભોગવીને તેમનું અવસાન થયું. તેમનાં પુત્ર બિહારી દાન ગઢવી પણ લોકસંગીતના ગાયક છે. – વિકિપીડિયા

૩૬ વર્ષની હજી તો ઉઘડતી વયે જ જ્યારે ઘરનો મોભી કુટુંબ વચ્ચેથી વસમી વિદાય લઈ લે ત્યારે સ્વજનોની તો શું દશા થતી હશે ! અહીં શ્રી ભીખુદાન ગઢવીએ આ વાત લાગણીસભર કરી ભાવમાં છે. રાજકોટ ખાતે ‘સંસ્કૃતિની સ્મરણ યાત્રા એ લઇ જતું હેમુ ટ્રસ્ટ પણ છે. જેની માહિતી ગુગલ ઉપર ઉપલબ્ધ છે.

૧૯૫૫ની સાલમાં શ્રી હેમુભાઈએ સ્વરબદ્ધ કરેલી આ બંદિશમાં પોતાના સ્વર સાથે પુષ્પાબેન છાયા અને આકાશવાણી રાજકોટનું કોરલ ગ્રુપ છે. હેમુભાઈનાં ગાયનને પુષ્પાબેન સાથ પુરાવે છે જ્યારે સાથે ગવાતું સ્ત્રી અને પુરુષો નું વૃંદગાન પડછાયા જેવો સાથ પુરાવે છે…..તેની સાથે “હે……….”આલાપ થી શરુ થતું હેમુભાઈનું ગાન કોઈક દિવ્ય – સ્વર્ગીય સુરો આપણા કાને પડતા હોય તેવી અનુભૂતિ કરાવે છે.

આ સંગીતરચના ત્રણ સ્તરે ચાલે છે, ગીતની બે પંક્તિઓ વચ્ચે સામાન્ય રીતે સાંભળવા મળતો વાદ્યસંગીતનો અંતરાલ નથી, કોરસ લયમાં ગવાતું જાય છે અને જાણે દૂરથી હેમુભાઈનો આલાપ સંભળાય છે……જે ગીતની બીજી કડી ને સાંકળે છે, આમ એક શાંત નદીના ખળ ખળ વહેતા પ્રવાહની જેમ ગીત આગળ વહેતુ જાય છે. લોક ગીત ની આવી બંદિશ ભાગ્યે સાંભળવા મળે.

પ્રથમ સાંભળીયે હેમુ ગઢવી, પુષ્પા છાયા અને કોરલ ગ્રુપ

આજે છ દાયકાઓ પછી પણ આ લોકપ્રિય રચના આ જ ઢાળ માં ગવાય છે.


“મોર બની થનગાટ કરે” અન્ય કલાકારો દ્વારા થતી રજૂઆતનો અનેરો આનંદ માણીયે:

ડાયરાઓમાં લોકગીત સ્વરૂપે રજૂઆત

શ્રી બિહારી હેમુ ગઢવી અને દમયંતીબેન બરડાઈ

શ્રી નીતિન દેવકા

જામનગરના શ્રી કિશોર ભાઈ ગોરેચા

ગીત પહેલાં ઉદ્ઘોષકની વાત સાંભળો

નૃત્ય સ્વરૂપમાં પ્રસ્તુતિ

રાધા અને ક્ર્ષ્ણ સીરીઅલ (An altered video presentation)

શ્રી માનસી શાહ અને ગ્રુપ

શ્રી સુકન્યા ઘોષ “મેરા મન મોર બની થનગાટ કરે”

નવરાત્રી અને અન્ય તહેવારમાં રજૂઆત:

મેલબોર્ન ઓસ્ટ્રેલિયા

આદિત્ય ગઢવી – ઈશા ફાઉન્ડેશનના પ્રોગ્રામમાં

નવરાત્રીના પ્રોગ્રામમાં શ્રી અતુલભાઈ પુરોહિત અને સાથી

શ્રેયા ઘોષાલ

સામાન્ય રીતે આ ગીત સાથે ગરબા રમાય છે. અહીં ગરબી જુવો

શ્રી હાર્દિક ચૌહાણ અને જર્મન ગ્રુપ

વર્ષા ગાન” અને “મોર બની થનગાટ કરે” ફિલ્મો માં

ગુરુદેવ ટાગોર નું “”હૃદયે અમારા નાચેરે આજીકે” એક બંગાળી ફિલ્મ માં હતું તેની કડી આ લેખમાં ઉપર આપી છે. તેમાં ગીતકારનાં નામ ના ઉલ્લેખ માં “શ્રી રવીન્દ્રનાથ ટાગોર” શરૂઆતમાં જ દર્શવામાં આવેલું।

હિન્દી ફિલ્મ બનાવનાર શ્રી સંજય લીલા ભણસાલીએ ગીત નાં રચનાર કોણ છે તે જાણવાની દરકાર કરી ન હતી. એક “લોકગીત” એવી ફિલ્મ માં નોંધ લીધેલી.

શ્રી મેઘાણી નાં કુટુંબ માંથી કોઈ એ વાંધો ઉઠાવ્યા બાદ ફિલ્મ માં ગીત ના કવિ તરીકે શ્રી ઝવેરચંદ મેઘાણી નુ નામ જોડવામાં આવ્યું.

શ્રી ઓસમાણ મીરની વાત

ફિલ્મ ‘ગોલીયોં કી રામલીલા’માં

“મારુ મન મોર બની થનગાટ” કરે લખ્યા પછી કવિશ્રી નું મન કેટલા આનંદ અને ઉત્સાહ થી ઝૂમી ઉઠ્યું હશે તેની કલ્પના જ કરાવી રહી. પણ આજે સાત દાયકા પછી પણ હાઝરો નાં મન, હૈયાને થનગનાટ કરતા કરીદે છે.

આજે તારીખ 20 જૂને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી નો જન્મ દિવસ અને સંજોગ વસાત આ “વર્ષા ગાન” અને “મોર થનગાટ કરે” પ્રસિદ્ધ થાય છે. શ્રી મહેન્દ્રભાઈ ને ‘વેબગુરજરી” ટિમ તરફથી પ્રણામ

મારા અંત: પૂર્વક નાં પ્રણામ ગુરુદેવ શ્રી રવીન્દ્રનાથ ટાગોર, રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી, જેમણે ગુરુદેવનાં મૃત્યુ બાદ ભાવભીની અંજલિ આપતાં ગુજરાતીમાં અવતરણ કર્યું અને આ ગીતના સંગીતકાર શ્રી હેમુભાઈ ગઢવીને…..


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

14 thoughts on “બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”

 1. મોર બની થનગાટ કરે નું સુંદર સંકલન અને તેના ઇતિહાસનું વર્ણન .
  આભાર નીતિનભાઈ આવી સુંદર સામગ્રી પીરસવા માટે .

 2. બહુ જ સરસ સંશોધન અને વિગતો.

  વાંચવા અને સાંભળવાની મજા પડી.

 3. વાહ!! રવિન્દ્રનાથ ટગોરના આ વર્ષાગીતના આટલા ગાયકોએ સ્વર શ્રધ્ધાંજલિ આપી છે શ્રી ઝવેરચંદ મેઘાણી તો મનને થનગનતું કરી દીધું.
  પહેલીવાર જ આ ગીત જુદાજુદા ગાયકોના કંઠે સાંભળ્યું.

 4. Thanks Nitinbhai Vyas !કેવું સુંદર સંકલન કર્યું છે માત્ર આ એક ગીતનું જ ! શબ્દોનું સર્જન એ બ્લોગમાં ઝવેરચંદ મેઘાણી વિષે હું દર મંગળવારે લખું છું ; આપે મારો લેખ પસન્દ કર્યો તેથી ઘણો આનંદ થયો ફરીથી વેબ ગુર્જરી અને આપનો આભાર : –
  Geeta Bhatt , Los Angeles.

 5. ખુબ સુંદર….. આટલું સરસ રસદર્શન કરાવવા માટે આભાર માનીએ તેટલો ઓછો પડે.

 6. આભર
  આપ બધાનાં પ્રતિભાવ બાદલ આભાર, “વર્ષ ગાન” તૈયાર કરવાની સફર સરસ રહી:
  શ્રી મેઘાણી અને ગુરુદેવ શ્રી ટાગોર ની વેબસાઈટ બહુ સુંદર અને માહિતી પૂર્ણ છે. પ્રથમ તો તેનો ઉપીયોગ કરવાની રજા મળી. .
  ગીતબેન ભટ્ટ નાં બ્લોગમાં તે બંને રચના વિષે લખ્યું છે,  તેમાંની માહિતી નો ઉપીયોગ કરવાની તેમણે રજા આપી.
  કલકત્તા નિવાસી શ્રીમતી સુશીલાબેન અને શૈલાબેન બંને એ ટાગોર ની કવિતાનું  ગુજરાતી લીપીમાં શબ્દાંકન તૈયાર કરી આપ્યું .
  શ્રીમતી ચારુબેન વ્યાસે આ  કવિતાનો આસ્વાદ લખી  આપ્યો.
  આમ આ તૈયાર થયું. અને વેબગુરજરી નાં સંપાદન મંડળ નાં શ્રી અશોકભાઈ વૈષ્ણવ, જેમણે આ લખાણ ને ઇન્ટરનેટ વેબ સાઈટ ને અનુરૂપ બનાવી પ્રસિદ્ધ કર્યું. 
  એટલે આભર ઘણાં બધાનો માનવાનો રહ્યો જેમણે સપ્રેમ “વર્ષા ગાન” તૈયાર અને રજુ કરવામાં મદદ કરી. 
  આમ આ સફર મજાની રહી. 

   1. Yes, I have thoroughly enjoyed my working with IPCL. Tenure was from May 1975 to December 2000. The last post was of Materials Manager.

  1. Respected Dr. Mehta,
   Many thanks for your most encouraging comments.
   My regards,

 7. Enjoyed thoroughly, especially, કુ. રિઝવાન બર્તતિનું નૃત્ય

 8. નીતિનભાઈ, અભિનંદન.

  પહેલી જ વાર આખા કાવ્યની બધી પંક્તિઓ ગુજરતીમાં વાંચવા મળી અને બહુ જ આનંદ થયો. ઓસ્માન મીર ને બહુ મઝા આવી.

 9. નીતિનભાઈ,
  ખૂબ સુંદર. દર વખતે એમ થાય કે આ ગીતના કેટલા રૂપ હશે, પણ દર વખતની જેમ આજે પણ એટલી જ નવાઈ લાગે છે અને વિચાર આવે છે કે કઈ રીતે તમે આટલા બધા જૂના-નવા ગીતો અને વિવિધ ગાયકો શોધ્યાં હશે.
  ખૂબ ખૂબ આનંદ થયો. દિલથી આભારી છું.
  – પ્રકાશ મજમુદાર-

Leave a Reply

Your email address will not be published.