ઘર–વાડીનો રોટલિયો રખેવાળ – “ શ્વાન ”

હીરજી ભીંગરાડિયા

વધુ ઝેરીલાં, ડહીલાં અને પરદેશી કૂતરાંઓ વિષે ઊંડો અભ્યાસ કરવાનો સમય મળ્યો નથી. પણ આપણી આસપાસ, અરે ! કહોને સાથોસાથ-ભેળાં ભેળાં જ રહેનારાં દેશી કુતરાંઓને પણ જો વ્યવસ્થિત ટેવો પાડી હોય, તો આપણા ઘર અને ખેતર-વાડીનું રખોપું કરવામાં એની જાત કુરબાન કરી દેવા સુધીની વફાદારી દેખાડતાં હોય છે, એવું અનુભવાયું છે.

અને આમ જોઇએ તો આ કૂતરું, આપણે તેના તરફ પ્રેમનો ઇશારો અને બે બુચકારા લાગણી ભીના કરીએ, ત્યાં થોડું થોડું થઇ આપણા હાથ પગ ચાટવા માંડે. પગ-પુંછડી, અરે આખે આખું અંગ આડા અવળું હલાવી પગમાં આળોટવાનું શરૂ કરી દે છે ! આપણા એક માત્ર સ્નેહભર્યા ઇશારાનો રાજીના રેડ થઇ જઇ, પ્રતિસાદ એવો આપી દે છે કે આપણે પણ એની લાગણીમાં આવી જઇ, એના તરફ સાચુકલો પ્રેમ દેખાડતાં થઇ, એને મોઢે-માથે, શરીરે ક્યારે હાથ ફેરવતા થઇ જઇએ છીએ, એની આપણને ખુદને ખબર રહેતી નથી !

સાંકળે બાંધી રાખવો પડે અને એને માટે ખાસ પ્રકારના ખોરાક-રહેઠાણની સુવિધા કરવી પડે, એવા પરદેશી કૂતરાંની જેને જરૂર હોય તે રાખે, અને ઘટતું બધું કરે-એ સમજાય તેવી વાત છે. પણ આપણે તો ભાઇ રહ્યા ખેડુત ! આપણા પરિવાર માટે જ ખાસ પ્રકારના ખોરાક કે રહેઠાણની સોઇના જ્યાં સાંસાં હોય, ત્યાં કૂતરાભાઇ માટેની અલાયદી વ્યવસ્થાનું સ્વપ્નું ય ક્યાંથી આવે કહો ! આપણે તો આપણાં માલ-ઢોરાંની જેમ આપણી વાડીમાં રહે, હરે-ફરે અને આપણા ખોરાકમાંથી વધ્યુ-ઘટ્યુ ખાઇને સંતોષ માની, બારખલા ઢોર-ઢાંખર અને કાવરૂ માણસોથી વાડી-ખેતરનું રખોપું કરે એવું કૂતરું ફાવે ભાઇ !

રંગ ભલેને કાળો, કાબરો, ધોળો-ભુરો કે લાલ –એતો એને એની 72 પેઢી તરફથી જે વારસો મળ્યો હોય તે પ્રમાણેનો ભલે હોય, પણ આ દેશી કૂતરાં માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં, સમગ્ર ભારતમાં ખેડુતો માટે-નાના હોય કે મોટાં, અરે ! ગરીબ હોય કે અમીર, કશાય ભેદભાવ વિના બસ, ‘બટકું રોટલો’ અને ‘વહાલની ટપલી’ ના બદલામાં જીંદગીભર સ્વામિભક્તિના ઋણ ચૂકવે છે ! અરે ! ઇતિહાસની અનેક કથાઓમાં માલિક પ્રત્યે ખુમારી અને વફાદારી દેખાડી જીવન સમર્પિત કરી દીધાના ઉદાહરણો-ગુરૂ એકનાથ, ભગવાન દતાત્રેય, કચ્છના દાદા મેકરણ, ધર્મરાજ યુધિષ્ઠિર જેવાના આપણે જાણીએ જ છીએ ને !

પ્રેમ પારખનારું ખરું પ્રાણી = કૂતરું એ માણસનો પ્રેમ પારખનારું પ્રાણી છે. આપણામાં એને વિશ્વાસ બેસી ગયો ? પછી ખલાસ ! પછી હવે આપણો સહવાસ છોડે એ બીજા ! હું જ્યારે માલપરા લોકશાળામાં ભણતો હતો ત્યારે અમે એક ભૂરિયો ગલો પાળેલો. સાંજના ભોજન પછી સડકે ફરવા જઇએ કે સાયકલ લઇ નહાવા જઇએ, ઘડિક આગળ તો ઘડિક પાછળ-ભૂરિયો હારોહાર ! વર્ગમાં હોઇએ તો બસ, એટલી ઘડી, વર્ગરૂમની બહાર, પગથિયે બેસી, ઓંશરીની ધારે ડાઢી ટેકવી, અમારી સામેને સામે જ નજર રાખી બેઠો હોય ! અરે ! એકવાર મને બસમાં ચડતા ભાળી ગયો તો બસની પાછળો પાછળ દોડતો ઢસા પહોંચી ગયો. મેં બસમાંથી નીચે ઉતર્યા ભેળો જ એને હાંફતો હાંફતો બારણા સામે મારી રાહ જોતો ઊભેલો ભાળ્યો બોલો !

મારા નાના ભાઇ વજુએ પોતાને ગમી ગયેલ એક ગલુડિયું પાળી, સાચવીને મોટો જાખી ડાઘિયો તૈયાર કરેલો. નામ રાખેલું ‘મંગળિયો’. વજુ અને મંગળિયો બન્ને સાઇડ પર રહેતા. એક વાર વજુને સાઇડ છોડી અઠવાડિયું બહાર જવાનું થયું ને માળો મંગળિયો સાઇડ છોડી બાજુના શહેરમાં નીકળી ગયો. એક મીલ માલિકની નજરે ચડતાં ફોસલાવી-પટાવી બાંધી દીધો ! એને ગમી ગયેલો એટલે દરકાર પૂરી લે, પણ કૂતરાને બહુ ગમે નહીં. વજુને સાઇડ પરથી પરત ફરતાં ખ્યાલ આવ્યો કે “કૂતરો ગૂમ થયો છે” હવે ? ટપાલી દ્વારા ભાળ મેળવાણી કે “એક મીલમાં આવો કૂતરો બાંધેલો છે” વજુ ત્યાં ગયો. વજુને જોતાં જ કૂતરો ઊંહકારા કરી આકળો થવા લાગ્યો, પણ શું કરે ? એતો સાંકળે બાંધેલો હતો !

પૂછપરછ કરતા મીલમાલિક કહે “ આઠ દિવસની ખોરાકીની વાત જવાદ્યો, કૂતરો તમારો છે એની ખાતરી શું?” વજૂએ કહ્યુ કે “એની ડોકેથી સાંકળ છૂટી કરો એટલે ખાતરી કરાવી આપું !” મીલમાલિકે બિસ્કીટના બે પાકીટ નીર્યાં, કૂતરો ખાવા લાગ્યો, પણ જ્યાં બાંધેલી સાંકળ છોડી, અને આ બાજુ વજુએ મોટર સાયકલ ચાલુ કરી “મંગળ ! મંગળ !” બોલ છોડ્યા અને મો.સાયકલના કેરિયર સાથે બાંધેલ પાટલો ચિંધાડ્યો ! મંગળે બિસ્કીટ ખાવા મેલ્ય પડતાક ને ફટ દઇ-ઠેકડો મારી વજુની પછવાડેના પાટલા પર ચડી બેઠો ! શેઠ તો આભા જ બની ગયા ! “વાહ ! શું મિત્રતા છે વજુભાઇ ! કૂતરો તમારો છે, લઇ જાઓ તમતમારે ! ખોરાકી પેટે મારે કંઇ ન જોઇએ.” કૂતરા એના માલિક્ના પ્રેમની કેટલી કિંમત કરતા હોય છે, તેનો આ નમૂનો છે.

નિશ્ચિત એરિયા =ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે વ્યવસ્થા ખાતર જેમ અમુક વોર્ડ અને એ વોર્ડના જ મતદાતા એમાં મતદાન કરી શકે, એવું ગોઠવાએલું હોય છે-લગભગ તેના જેવું જ અમુક શેરી કે વૉર્ડના કૂતરાંનો સમૂદાય એના જ વિસ્તારમાં રહી બધું કરી શકે, વોર્ડ બહાર નહીં ! એમાંય જો અજાણ્યું કૂતરું આવી ચડ્યું ? તો તો બધા એની પાછળ પડી જઇ તગડ્યે પાર કરે !

મળતાપણું = શિયાળ, વરુ [નાર ] અને કૂતરું-ત્રણેય એના શરીરનો બાંધો, મોઢાના અણિદાર દાંત, જીભ કાઢીને લહ..લહ, લહ…લહ હાંફવાની ટેવ, એના પગ-પંજાના અણીદાર નહોર વગેરે જોતાં,અંદરો અંદરના સગા-સહોદર હોય એવું પૂરવાર કરે છે. અરે ! આગળ કહું તો [મારા નિરીક્ષણમાં ખામી પણ હોઇ શકે ] ગામેચા કૂતરાંઓમાં વરુ જેવું મોઢું કે શિયાળ જેવો પુંછડાનો ઘાટ અને શરીરનો જે બાંધો જોવા મળે છે, એની પાછળ ક્યાંક એવું યે કારણ હોઇ શકે ને કે જરૂર ઊભી થયે, એક બીજા અંદરો અંદર શરીર સંબંધ પણ બાંધી લેતા હોય ?

બચ્ચાં ઉછેર= શ્રાવણ માસ કૂતરાંઓ માટે ઋતુકાળ. એ સમયે કામાવેગમાં આંધળા થઇ, કેટલાય નર કૂતરાઓ અંદરો અંદર લડી-ઝઘડી કે વાહનની હડફેટે ચડી જઇ મરણને શરણ થતાં હોય છે. જો કે શરીરના જે ભાગો પર એની જીભ પહોંચી શકતી હોય ત્યાં પડેલા ઘા રુઝવવાનું કામ એની લાળ જ કરી દેતી હોય છે. પણ માથા જેવો ભાગ, કે જે જીભની પહોંચ બારો હોય ત્યાં વાગ્યા પછી પાક થાય, અને જીવાત પડી જઇ કુતરાને મરવાની નોબત આવી જતી હોય છે. તંદુરસ્ત કૂતરાં 12 થી 15 વરસની આયૂષ્ય ભોગવતાં હોય છે. 3 થી 4 માસ કૂતરીનો ગર્ભકાળ. નીરણના ઓઘા, ઘાંસનાં કુંજવા, અને એવું ન મળેતો દિવાલની ઓથના અધોલે જમીનમાં પગથી ખાડો-‘બખોલ’ બનાવી, બેથી છ-સાતની સંખ્યામાં ગલુડિયાં જન્માવતી હોય છે. થોડા દિવસો બંધ આંખે-બખોલમાં જ ધાવણ ધવરાવી, ગલુડિયાંની આંખો ઉઘડતાં-હાલતાં થયે, શરૂ શરૂમાં પોતાની નિગરાની તળે હરતાં ફરતાં અને પછી કાયમ રીતે રખડતાં કરી દે છે.

ખોરાક = કૂતરું મૂળે તો છે શિકારી પ્રાણી. પણ દેશી કૂતરાં માનવ વસ્તીમાં જ વસનારાં હોઇ ખોરાક બાબતે શાકાહાર મુખ્ય બની ગયો છે. હા, મેળ પડેતો જીણાં જીવડાં, ટીડડાં, ગરોળાં, ખિસકોલાં, કોઇ પંખીડું, કે મૃત જાનવરનું માંસ મળેતો છોડે નહીં. પણ એના વિના એને ચાલશે જ નહીં-એવું નહીં. માણસો જે ખોરાક ખાય તે બધાજ ખોરાક કૂતરાં ખાઇ લે છે. અમારે પોપટદાદા કહેતા કે ‘કૂતરાંને એના કાન જેટલો ખોરાકનો ટુકડો મળી જાય, તો પણ કૂતરું સંતોષ માની લે છે’ બોલો ! હિંદુધર્મમાં તો ગાય, બ્રાહ્મણ અને કૂતરું – ત્રણેયને ખવરાવીએ એ પૂણ્યકાર્ય કર્યું ગણાય છે. એટલે કૂતરાંને ખાવાનું ઘેરે ઘેરથી મળી જ રહેતું હોય છે. અરે ! સૌરાષ્ટ્રના ગામડાંઓમાં તો આજના આ રોબોટ યુગમાં પણ રિવાજ છે કે દર વરસે એકવાર તો ખાસ કૂતરાંઓ માટે જ લાડુ બનાવાય છે. ગામમાં રીતસર ફાળો થાય, કોઇ ઘઉં આપે, કોઇ ગોળ આપે, કોઇ તેલ આપે, કોઇ ઘટતી ચીજ અર્થે રોકડ રકમ આપે અને સેવાભાવી યુવાનો ભેળા થઇ લાડુ બનાવે. ગામના કૂતરાંઓને તો શેરીએ શેરીએ જઇ ખવરાવે, અને આજુબાજુનાં ગામોમાં પણ ત્યાંના કૂતરાંઓ માટે થોડા થોડા મોકલાવે બોલો ! ચોમાસામાં અણીના વખતે વરસાદ ખેંચાવે તો મેહુલારાજાને વિનવવાનો ગ્રામજનોને કારગર ઉપાય આમાં દેખાયો છે. અમારા ગામે કરમશીભાઇ સવાણીને વરસોથી સવારના પહોરમાં ખાસ વાડીના કૂતરાંઓ માટે રોટલાનું ભાતું લઇને જતાં ભાળું છું.માણસ અને કૂતરાંઓ વચ્ચેના પ્રેમનાં જ આ બધાં ઉદાહરણ ગણાય ને.

વિષેશતા= કૂતરું ઉતાવળું હાલ્યું જતું હોય, ત્યારે એની પાછળ નજર કરજો ! બસની કમાનનો એક બાજુનો પાટો તૂટી ગયો હોય અને પાછળથી ઠાંઠું થોડું જેમ ત્રાંસુ હાલતું હોય-બસ, એમ જ, કૂતરું પાછલા પગ થોડા એકવાયા પાડતું ભળાશે ! અને થોડું હાલી કે દોડી-કોઇ અલગ નિશાન-મોટો પથ્થર, ખૂંટો, ઝાડનું ઠૂંઠું કે થડિયું કે ઊભેલું વાહન-જે હોય તેના પર પાછલો પગ ઊંચો કરી ‘એકી’ કરી હાલતું થતું ભળાય છે. આમ શું કામ કરતું હશે ? ભગવાન જાણે ! કદાચ એવું હોઇ શકે કે પાછા ફરતી વખતે પોતે નક્કી કરેલ ‘બેંચમાર્ક’ સુંઘતા-ભૂલા પડ્યા વિના એ જ રસ્તે પાછા ફરી શકાય ! રોજિંદા રસ્તે પણ આવું કરતું ભળાય છે ત્યારે લાગે છે, પોતાની ત્યાંની હાજરીનો પુરાવો કોઇને અપાતો હશે.

અમારે પંચવટીબાગમાં એક ‘રામકુત્તી’ નામની કૂતરી હળી ગયેલી. જે ચીકુડીના ઝાડ પર ચડી, પાકા ચીકુ શોધી શોધી ખાધા કરે ! એક દિ’ એને ફોહલાવી, પકડી, કોથળામાં પૂરી, એમ્બેસેડર કારની ડીકીમાં ભરી 23 કી.મી. દૂરના સ્થળે છોડી. તો પણ બસ, ત્રીજા જ દિવસે અમારી જ વાડીની ચીકુડી પરથી ચીકુ ખાતા પકડાઇ ! કૂતરાં કેમ મૂળ ઠેકાણે પાછા આવી જતાં હશે એ સમજાતું નથી ! અમે એકવાર 20 વિઘાના તરબૂચ ઉગાડેલા. એ પાક્યાં ને માળાં આસપાસની વાડીઓનાં કૂતરાં હળી ગયાં. તરબૂચમાં કાણું પાડી, અંદરથી ગર-માવો માવો ખાઇ જાય અને ‘હેલ્મેટ’ જેવા છાલાં પડતાં કરે ! અને કૂતરાં જોયાં હોયતો બધાં લાલ મોઢાં વાળાં ભળાય ! પછી અમે તો એને પણ કોથળામાં પૂરી, તરબૂચની હારોહાર ટ્રેક્ટરમાં ચડાવી પાલીતાણાની પીઠ ભેળાં કરતાં. પણ એ ના એ જ પાછા ત્રીજા ચોથા દિવસે ફરી તરબૂચ ખાતાં પકડાતાં !

નર-માદા બન્ને દેખાવે, રંગે-રૂપે, શરીરે સાવ એક સમાન. બન્નેનાં નાક પણ હોય છે ખૂબ જ જોરદાર ! એને એકવાર જે વાસ [ગંધ]નો પરિચય કરાવી દ્યો-એ જ વાસ ઉપરથી ઘણે બધે દૂર, અજાણ્યા વિસ્તારમાંથી પણ ‘સગડ’ મેળવી આપવાની તાકાત બન્નેમાં છે. એટલે જ પોલીસ ખાતાની ગૂનાશોધક શાખામાં વ્યવસ્થિત તાલીમ આપી કૂતરાઓ પાસેથી ચોર કે ગૂના શોધનનું કામ લેવાય છે.

અમારાં કૂતરાં = ૫૫ વરહના ખેતીગાળા દરમ્યાન પાંચેક કૂતરાં વાડીએ વસી ગયાં. પણ બધાં વાડી એની જ હોય એમ, પૂરી વફાદારીથી વાડીના છોડવા, ઝાડવાં, જીવડાં અને જાનવરો સાથે હળી મળીને જીવી ગયાં. અમારો ગલો “બહદુરિયો” ! વાડી સિવાયના બીજા કોઇ ઢોરાંને ખુલ્લા દરવાજામાં પ્રવેશવા જ ન દેને ! વાડીમાં કોઇ શિયાળ, ભૂંડ કે રોઝડાને ભાળી જાય, એટલે આવી જ બને એનું ! એની ભસવાની ત્રાડ અને દોડવાની ઝડપ જોઇને જ આગલું જનાવર પોબારા ભણી જાય ! ભૂંડનું બચડું ઝપટે ચડ્યું ? મારી નાખ્યે પાર ! ‘રાજિયો’ કુતરો એ મારા દીકરા નીતિને નાનો હતો ત્યારે પાળેલો. સાપ કે નોળિયા જેવું જીવડું ભાળી જાય તો ય તેની સામે ઘુરકે ! વારંવાર ભસી આપણને જાણ કરે. ખળું લેવાતું હોય કે નીરણના ઓઘા ભરાતા હોય, ઉંદરડાં તો નીકળે જ ! પણ રાજિયો હાજર હોય, એટલે એકેય ઉંદર એની તરાપ બારો ન જાય 1 મારી નાખીને ફેંકી દે !

વાડીમાં પંખીઓ છે પાર વિનાનાં ! હાલમાં વાડી સંભાળતો ‘કાળિયો’ ગલો બેઠો હોય, અને પાસે જ કબૂતરાં ઘૂ..ઘૂ..ઘૂ કરતાં કરતાં ચણતાં હોય, ચકલાં ઉડાઉડ કરતાં હોય પણ કાળિયો ડોક લાંબી કરી, ડાઢી ભોંયે ટેકવી, અર્ધમીંચેલી આંખે બેઠો હોય ! એ ઊભો હોય અને મોર-ઢેલનું 25-30 નું વૃન્દ, એક પછી એક એમ લાઇનબંધ નીકળે, કાળિયાના મનમાં ય નહીં ! વાડીમાં રહેતાં જીણાંથી મોટાં બધાંને એ ઓળખે. સાપ, નોળિયો, ઘો, ખિસકોલાં સહુની સાથે સંપ ! પણ ઉંદર ભાળ્યો નથી કે થાપો મારી,મોઢામાં પકડી ઝંઝેડ્યો નથી ! પાછો ખાય નહીં હો ! પણ મારી તો નાખે જ ! ભુંડનું બચ્ચું જો લાગે આવી ગયું ? તો રામ રમાડી દે ! લાગે છે ખેતીને ઉપયોગી અને નડતાં પ્રાણીઓનો ભેદ એ સમજતો હોવો જોઇએ !

“ભાત” પડ્યું હોય તો બરાબરનું ધ્યાન રાખી પાસે બેઠો હોય ! કાગડો કે કોઇ કૂતરું ભાતની નજદીક ન આવી શકે. બપોરા કરતા હોઇએ-પાસે આવીને બેસે. જમી રહીએ એટલે પછી આઘો પાછો થવા માંડે, અને ખાવામાટે ઉતાવળો થઇ રહે. શૈલેશ રાવળના કહેવા અનુસાર એકાદ બટકું રોટલાના બદલામાં આ કૂતરાંઓ રાત-દિવસ ચોકી પહેરો ભરતાં રહે છે, સીમ-વગડે આવું એકાદ કૂતરું ખેતરની એકલતા દૂર કરી દે છે. રાતે ખેતરની ચોકી કરવા ખેડુતે જવું પડતું હોય તો કૂતરા વિનાની ચોકીદારી ખૂબ નબળી બની રહે છે. દિવસ-રાત ભર્યું ખેતર આ શ્વાનના ભરોસે મૂકનાર ગુજરાતના અનેક ખેડુતો આખી શ્વાન જાતના અહેસાન તળે દબાએલા છે.

પણ= “સોબત કરતા શ્વાનની,બે બાજુનું દુ;ખ. ખિજ્યું ચોટે પીંડીએ અને રિજ્યું ચાટે મુખ !” ભઇ ! કૂતરાનો પ્રેમ તો માલિકને ગુંગળાવી નાખે તેવો ગાંડો કહ્યો છે. પ્રેમનો વાંધો નથી, પણ ચેતવાની જરૂર છે, એના ભરાએલા બચકા દ્વારા શરૂ થતાં ‘હડકવા’ના રોગથી. કૂતરું કરડ્યા પછી જો ડોક્ટરી સારવાર ન લેવાય, તો માણસ-પશુ કે જે કોઇને કૂતરું કરડ્યું હોય એ બધાંને હડકવાના રોગે મૃત્યુ આંબી જાય છે. એટલી તકેદારી જો રખાયતો કૂતરું ખેડુત માટે જાત કુરબાન કરી દેનાર વફાદાર મિત્રની લાયકાત ધરાવે છે. જો આપણને એની ભાઇબંધીની કદર કરતા આવડે તો !.


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક તસ્વીર નેટ પરથી સાભાર લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાન આબાધિત છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.