વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : ગ્રીન હોસ્પિટલ, સીઓલ, દક્ષિણ કોરીઆની મારી મુલાકાત

જગદીશ પટેલ

૨૮ ઓકટોબર, ૨૦૧૯થી એશિયન નેટવર્ક ઓફ રાઇટસ ઓફ એન્વાયર્નમેન્ટ એન્ડ ઓકયુપેશનલ વિકટીમ્સ (એનરોવ) સંસ્થાની દ્વિવાર્ષિક પરિષદનો આરંભ દક્ષિણ કોરીઆની રાજધાની સીઓલમાં થયો. ૨૯મીએ સાંજે તેનું સમાપન થયું. પરિષદમાં ભાગ લેવા આવેલા પ્રતિનિધિઓ માટે ૩૦મીએ પ્રવાસ ગોઠવાયો. પ્રવાસ બે જુથમાં કરવાનો હતો. બંને જુથો માટે જુદા જુદા સ્થળો પસંદ કરાયા હતા. મેં ગ્રીન હોસ્પિટલ જતા જુથમાં મારું નામ નોંધાવ્યું.

૩૦મીએ સવારે અમે ૨૦—૨૫ના જુથમાં બસ દ્બારા જવા નીકળ્યા. અમારી સાથે અમારા યજમાનો પૈકીના મુખ્ય વ્યક્તિ અને વ્યાવસાયિક આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનાર અધ્યાપક ડો. ડોમ્યુંગ પીક હતા. ડો. ડોમ્યુંગ શ્રમજીવીઓના અધીકારો માટે બહુ આગ્રહી અને શ્રમજીવીઓના સંઘર્ષમાં તન—મન—ધનથી સાથ આપનારા સાથી. સવારના ભાગમાં અમને કબ્રસ્તાનની મુલાકાત કરાવી ત્યાં જે મહાનુભવોને દફન કર્યા હતા તેમનો પરિચય આપ્યો અને એ દ્વારા ત્યાંની મજુર ચળવળના ઈતિહાસની અમને સફર કરાવવામાં આવી.

બપોર બાદ અમને ગ્રીન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. અમારી બસને થોડે દુર પાર્ક કરવામાં આવી અને ત્યાંથી ચાલતા અમે એક ગલીમાં અંદર ચાલી પાંચેક મિનિટમાં હોસ્પિટલના દ્વારે પહોંચ્યા.

હોસ્પિટલ ખુબ સ્વચ્છ અને આકર્ષક હતી. તેમાં ભીંત પર સુશોભન માટે જે ચિત્રો મુકવામાં આવ્યા હતા તે પ્રભાવિત કરનારા હતા. દર્દીઓ શિસ્તપૂર્વક સેવાઓ લઇ રહ્યા હતા. કયાંક કોઇ ભીડ કે ગરબડ દેખાયા નહી. સ્ટાફ ચપળતા અને સ્ફૂર્તિપૂર્વક ઝડપથી અહીંથી તહીં દોડાદોડ કરતો જોવા મળ્યો છતાં એક અજબ જેવી શાંતિ હતી.

હોસ્પિટલમાં અમને ભુગર્ભના ફલોર પર દોરી જવામાં આવ્યા. ત્યાં એક નાનો કલાસરૂમ હતો. તેમાં બેસાડી અમારું સ્વાગત કરવામાં આવ્યું. હોસ્પિટલના નિયામક ડો. યુન કયુન લી થોડીવારે આવ્યા અને પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અમને હોસ્પિટલનો ઇતિહાસ જણાવ્યો અને બીજી માહિતી આપી. તે પછી અમને એમના સાથી વિવિધ વિભાગો બતાવવા લઇ ગયા.

મારા માટે આ બહુ ઉપયોગી મુલાકાત હતી. આવી હોસ્પિટલ ભારતમાં બને તેવું મારું સ્વપ્ન રહ્યું છે તે દ્રષ્ટિએ મને ઘણું જાણવા—શીખવા મળ્યું.

દક્ષિણ કોરીઆની રાજધાની સીઓલ કે સોલમાં ૧૯૮૮માં મુન સોંગમ્યુન નામનો ૧૫ વર્ષનો કિશોર માધ્યમિક શાળાનું શિક્ષણ પૂરું કરી આગળ ભણવા સાથે કુટુંબને મદદ કરવાને ઇરાદે હીપસંગ ગાયગોંગ નામના કારખાનામાં કામે લાગ્યો અને રાત્રિ શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. આ કારખાનામાં પારાના થર્મોમીટરનું ઉત્પાદન થતું હતું. એક જ મહિનો કામ કર્યા બાદ કાર્બનીક દ્રાવકો અને પારાની ઝેરી અસરોને કારણે તે મૃત્યુ પામ્યો. તેના મરણનો આઘાત આખા સમાજને લાગ્યો. આ ધક્કાને કારણે કોરીઅન સમાજમાં કામને કારણે થતા અકસ્માતો અને વ્યાવસાયિક રોગો અંગે જાણકારી મેળવવાની બાબતે ગંભીરતા અને ઉતાવળ ઉભી થઇ. તેથી તેની અંતિમક્રિયામાં અનેક સામાજીક જૂથો અને મજુર સંગઠનો જોડાયા.

ડોન્યાંગ રેયોન ફેકટરી એક જાપાનીઝ કંપની હતી. કોરીઆના એક જાપાન તરફી સાહસિક પાર્ક હ્યુંગસીકએ ૧૯૬૦ના દસકામાં તે ખરીદીને મશીનો કોરીઆ લાવી સીઓલમાં વોન્જીન રેયોન ફેકટરી શરૂ કરી. વખત જતાં વોન્જીન રેયોન ફેકટરીમાં ૧૦૦૦ કામદારો કાર્બન ડાયસલ્ફાઇડની ઝેરી અસરનો ભોગ બન્યા. કાર્બન ડાયસલ્ફાઇડની ઝેરી અસરનો વિશ્વનો આ સૌથી  ગંભીર અકસ્માત કે આફત (ડીઝાસ્ટર) ગણાય છે.

મુન સોંગમ્યુનના મરણ પછી જ વોન્જીન રેયોન ફેકટરીના કામદારોને લાગ્યું કે એમને જે તકલીફો થાય છે તે કામને કારણે હોઇ શકે. જો કે ૧૯૮૭માં પહેલીવાર આ કંપનીના એક કામદારને સેરીબ્રલ વાસ્કયુલર ડિઝીઝ નામનો મગજની નસોનો રોગ થયાનું જાણવા મળ્યું.
એ અગાઉ આ ફેકટરીના જે કામદારોનું નિદાન વ્યાવસાયિક રોગનું થયું હતું તે કામદારો હોસ્પિટલને બિછાને હતા તેવા કામદારોના કુટુંબો આ ચળવળમાં જોડાઇ ગયા. “યુનિયન ઓફ ફેમીલીઝ ઓફ વોન્જીન ઓકયુપેશનલ ડિઝીઝસ” નામે ચળવળ શરૂ થઇ. તેને ડોકટરો, મજૂર સંઘના આગેવાનો અને યુનિવર્સિટીના અધ્યાપકોનો ટેકો મળ્યો. તેમણે “વોન્જીન ઓકયુપેશનલ ડિઝીઝ કાઉન્સિલ” બનાવી. તેમણે સૌએ ભેગા થઇ ઑલિમ્પિકની ટોર્ચને લઇ જતી રેલીના રસ્તાને બ્લોક કર્યો. (૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર, ૧૯૮૮ દરમિયાન ઑલિમ્પિક રમતો દક્ષિણ કોરીઆની રાજધાની સીઓલમાં રમાઇ હતી.) તેમણે આ રોગને વ્યવસાયને કારણે થયેલો રોગ ગણવાની માગણી કરી. એ કારણે સરકાર પર દબાણ આવ્યું. સરકારે કંપની પર દબાણ કર્યું અને વિરોધ પક્ષના આગેવાનોએ ટેકો આપ્યો.

આખરે સપ્ટેમ્બર ૧૯૮૮માં કંપની અને કાઉન્સિલ વચ્ચે સમાધાન થયું. આ કરાર મુજબ મેનેજમેન્ટ અને મજૂરો દ્બારા સંયુકત રીતે નકકી કરાયેલ ૬ નિષ્ણાતોની સમિતિ નકકી કરે કે વ્યક્તિગત દાવો વ્યાવસાયિક રોગનો છે કે નહી, જો હોય તો એ કારણે આવેલી અપંગતાનું પ્રમાણ કેટલું છે અને એને આધારે કંપની વળતર ચુકવે અને વીમાવાળા પણ વળતર ચુકવે. સલામતી અને આરોગ્ય માટે શિક્ષણ આપે અને કામની સ્થિતિમાં સુધારા કરે. એ કરાર થયા બાદ કામદારોની તબીબી તપાસ શરૂ થઇ. તેના એક વર્ષ બાદ “વોન્જીન રેયોન વર્કર્સ કાઉન્સિલ ઓફ ઓકયુપેશનલ ડિઝીઝસ”ની સ્થાપના થઇ.

કંપનીના વીસ્કોઝ પ્લાન્ટમાં ૪ વર્ષ કામ કર્યા પછી કીમ બોંઘવાન નિવૃત્ત થયા. એમણે તબીબી તપાસ માટે ફોર્મ ભર્યું. સાડાંગ દવાખાનાના તબીબે પોતાનો અભિપ્રાય આપ્યો કે કીમ કાર્બન ડાયસલ્ફાઇડની ઝેરી અસરનો ભોગ બન્યા છે. જો કે યુનિવર્સિટી હોસ્પિટલમાં તેમની તપાસ થાય તે માટે વાટ જોવા દરમ્યાન તપાસ થાય તે પહેલાં જ ૫ જાન્યુઆરી ૧૯૯૧ને દિવસે તેમનું અવસાન થયું. સાથી કામદારોએ લડત આપવાનું નકકી કર્યું અને તેમનો રોગ વ્યાવસાયિક રોગ હતો તેમ ન સ્વીકારાય ત્યાં સુધી તેમના મૃતદેહને મોર્ગમાં મુકવાનો નિર્ણય કર્યો. એનું મરણ વ્યાવસાયિક રોગને કારણે થયું તેવું જાહેર કરવાની કામદારોએ માગણી કરી. કંપનીએ તે નકારી કાઢતાં કામદારો હડતાલ પર ગયા. હડતાલિયા કામદારોની માગણીઓ નીચે મુજબ હતી—

૧. કીમ બોન વાંઘના કુટુંબને અંતિમક્રિયાનો ખર્ચ અને વળતર ચૂકવવામાં આવે.
૨. આ સમસ્યાનો એપીડેમીયોલોજીકલ અભ્યાસ કરો.
૩. કામની પરિસ્થિતિમાં સુધારા કરો
૪. કામદારોને તાલીમ અને જોખમોની માહિતી આપો.
૫. કામદારોની તબીબી તપાસ કરો
૬. વ્યાવસાયિક રોગોની તપાસ માટે હોસ્પિટલ શરૂ કરો.

ઘણા પ્રયાસો પછી પણ આંદોલનને સફળતા ન મળી અને આખરે માર્ચના અંતમાં હવે વધુ વાટ ન જોવાનું નકકી કરી કીમ બોંઘ વાનની અંતિમક્રિયા કરવાનો નિર્ણય લીધો. કીમની ઠાઠડી લઇ તેમણે જે પ્લાન્ટમાં કામ કર્યું હતું તે પ્લાન્ટ ફરતે પ્રદક્ષિણા કરવાનો કાર્યક્રમ ઘડ્યો. કંપનીએ વિરોધ કરતાં ઠાઠડીને કંપનીના ઝાંપા પાસે મુકી ધરણા કરવામાં આવ્યા. દિવસે દિવસે ત્યાં વધુને વધુ લોકો ભેગા થવા માંડ્યા અને ટીવી અને માધ્યમો દ્વારા સમાધાન માટે જાહેરમત કેળવવાનું કામ થયું. સંસદે પોતાના પ્રતિનિધિ તપાસ માટે મોકલ્યા અને કામદાર સંગઠનોએ હડતાલ પાડી. ૧૩૭ દિવસ પછી ૨૨ મે ને દિવસે આખરે કીમની દફનવિધિ થઇ.

કાર્બન ડાયસલ્ફાઇડ એક રંગ અને ગંધ વગરનો વાયુ છે જે ચામડી અને શ્વાસ દ્બારા માનવ શરીરમાં પ્રવેશે છે. ભારતમાં પણ ગ્વાલીયર રેયોનમાં આ વાયુની ઝેરી અસરનો ભોગ કામદારો બન્યા હતા જે અંગે ૧૯૮૯માં વી.ટી. પદ્મનાભન નામના પત્રકારે અહેવાલ રજૂ કર્યો હતો અને તેની પુસ્તિકા પ્રગટ કરી હતી. તેની ઝેરી અસરને કારણે લકવો થવો, લાંબા ગાળે કીડની બગડી જવી, હ્રદયરોગનો હુમલો થવો, મગજના રોગો થવા જેવી અસરો થાય છે.

કાર્બન ડાયસલ્ફાઇડ રેયોન બનાવવા માટેનો મહત્ત્વનો કાચો માલ છે. રેયોનના ધાગામાંથી હોઝિઅરી વગેરે બાનવવામાં આવે છે.

હવે કોરીઆ ડેવલેપમેન્ટ બેન્ક જેની કાનૂની દેખરેખ હેઠળ કંપનીનો વહીવટ ચાલતો હતો તેણે જાહેર કર્યું કે તે વ્યાવસાયિક રોગોનો ભોગ બનેલા દર્દીઓની સમસ્યા સામે વધુ લાંબો સમય આંખ બંધ રાખી શકશે નહી અને તે કારણે કંપનીને આર્થિક ખોટ જાય તે ચલાવી લેશે નહી. જુલાઇ, ૧૯૯૩ને દિવસે બેન્કે કંપની બંધ કરી. હવે કંપનીના કામદારોએ આ નિર્ણયની સામે આંદોલન ચાલુ કર્યું. કામદાર સંગઠનો અને “વોન્જીન ઓકયુપેશનલ ડિઝીઝ કાઉન્સિલ” દ્વારા તાળાબંધી બાદ ઉભી થનારી પરિસ્થિતિ અંગે રજૂઆત કરી. દરમિયાન દર્દીઓની સંખ્યા વધતી ચાલી. તે પછી એવી માગણીએ જોર પકડયું કે તમામ કામદારોની તબીબી તપાસ કરવામાં આવે અને કંપની દ્વારા ભવિષ્યમાં આવનારા દર્દીંઓને વળતર ચુકવવા માટે એક અનામત ભંડોળ રાખવામાં આવે.

બીજી માગણી હતી આ કામદારોને વૈકલ્પિક રોજગાર મળે તેની ખાતરી મેળવવી. તાળાબંધી પછી મ્યુંગયોંગ કેથોલીક ચર્ચમાં ધરણાનું આયોજન કર્યું. તેને કારણે વળતર ચૂકવવા અને તેનો વહીવટ કરવા “વોન્જીન મેનેજીંગ ફાઉન્ડેશન”ની સ્થાપના થઇ. ૫ અબજ વોન રકમ સાથે ૨૮ નવેમ્બર ૧૯૯૩ને દિવસે વોન્જીન ફાઉન્ડેશનની નોંધણી બીનસરકારી સ્વૈચ્છિક સંસ્થા તરીકે કરવામાં આવી. દર્દીઓની સંખ્યા વધતી જતી હોવાને કારણે આ રકમ પુરતી ન હતી. તેથી ૨૧ એપ્રિલ ૧૯૯૪ને દિવસે બેન્કે કંપનીની બધી અસ્કયામતો વેચી કાઢવાનો નિર્ણય લીધો. બધા મશીનો ચીનને વેચી મારવામાં આવ્યા. પછી વધી જમીન અને સ્થાયી અસ્કયામતો. જમીન વેચીને બધા દેવાં ભર્યા બાદ ૧૬૦ અબજ વધ્યા. આ નાણાંમાંથી વ્યાવસાયિક રોગો માટે હોસ્પિટલ અને લેબોરેટરી ઉભી કરવા કામદારોએ હડતાલો અને ધરણા દ્વારા બેન્ક પર દબાણ કર્યું. તેને પરિણામે ૨૩ એપ્રિલ ૧૯૯૭ને દિવસે એક કરાર થયો. બેન્કે ૯.૬ અબજ વોન (કોરીઅન નાણું) વળતર માટે અને ૧૧ અબજ વોન જાહેર કર્યા. આમ આ આંદોલનને કારણે કોરીઅન કામદારોને ઘણા લાભ મળ્યા. આ આંદોલનને કારણે કામદારોના આરોગ્યની દેખભાળ માટેનો એક પાયો નંખાયો, કામદારો અને નિષ્ણાતો સાથે મળી જાહેર હિત માટે કામ કરી શકે છે તેનો એક આદર્શ સ્થાપિત થયો અને વ્યાવસાયિક આરોગ્ય માટે હોસ્પિટલ અને લેબોરેટરી ઉભી થઇ.

૧૯૯૮માં આ કંપનીને કારણે વ્યાવસાયિક રોગોનો ભોગ બનેલા કામદારોની સંખ્યા ૮૦૦ પર પહોંચી હતી. વોન્જીન ફાઉન્ડેશને એક મકાન ભાડે લઇ ૫ જુન,૧૯૯૯ના રોજ વોન્જીન ગ્રીન હોસ્પિટલ શરૂ કરી. તે સમયે ૫૦ પથારીની સુવિધા હતી. ઇન્ટર્નલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડીક, ફેમિલી મેડિસિન, પિડીયાટ્રીક, રેડીયોલોજી, ઓકયુપેશનલ મેડિસિન, ડેન્ટિસ્ટ્રી અને કોરીઅન મેડિસિન એવા ૯ વિભાગ હતા. ડો. કીમ લોખો પહેલા નિયામક નિમાયા.

સપ્ટેમ્બર, ૨૦૦૧માં ફાઉન્ડેશને સોલ ક્રિશ્ચિયન હોસ્પિટલ હસ્તગત કરી. જુદી જુદી વિદ્યાશાખાના ૨૩ આરોગ્ય નિષ્ણાતોવ્યાવસાયિક આરોગ્યના ૫ નિષ્ણાતો, ૬ બુદ્ધિજીવીઓ, ૭ સામાજીક કાર્યકરો,  ૭ પત્રકારો અને કલાકારો, એક દિવ્યાંગ, વોન્જીન ફાઉન્ડેશનના ૯ સભ્યો, વોન્જીન ઓકયુપેશનલ કાઉન્સિલના ૬ સભ્યો અને મજૂર સંગઠનના ૫ સભ્યો થઇ કુલ ૮૦ વ્યક્તિઓની એક સમિતિ બની. અનેક પાસા પર પારાવાર ચર્ચા વિચારણા બાદ ૪૦૦ પથારીની હોસ્પિટલ ૨૦ સપ્ટેમ્બર, ૨૦૦૩ને રોજ શરૂ થઇ.

લેબર એન્વાયર્નમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ની મદદથી ૧૯૯૯માં “વોન્જીન ઇન્સ્ટીટયુટ ફોર ઓકયુપેશનલ એન્ડ એન્વાયર્નમેન્ટ હેલ્થ”ની સ્થાપના થઇ. ૨૦૦૩થી તે હાલના સ્થળે છે. હાલ હોસ્પિટલના જે ડાયરેકટર છે તે જયારે મેડિકલ કોલેજમાં ભણતા હતા ત્યારે આ ચળવળ ચાલતી હતી.

કોરીઆમાં સ્થળાંતરિત કામદારોને કોઇ કાનૂની અધીકારો હોતા નથી. તેમને વીમો હોતો નથી.૧૯૮૮માં છાપામાં પહેલીવાર અહેવાલ પ્રગટ થયો જેમાં ૯૧૫ કામદારોને વ્યાવસાયિક રોગ લાગુ પડયો હોવાનું અને ૨૪૦ના તે કારણે મોત થયાનું જણાવવામાં આવ્યું. ૧૯૯૩માં કંપની બંધ થઇ ગઇ. બીમાર કામદારોની સારવાર હવે શી રીતે ચાલુ રાખવી તે સવાલ ઉભો થયો. કોર્ટમાં લાંબી લડત ચાલી અને પછી સમાધાન થયું. તેમાં કામદારોએ ૨ કરોડ અમેરિકન ડોલર આ હોસ્પિટલની સ્થાપના કરવા આપવાની માગણી કરી જે સ્વીકારવામાં આવી અને તે નાણાંમાંથી આ સંસ્થા ઉભી થઇ.

જે ચાર જુદા જુદા ક્ષેત્રોમાં સંશોધનનું કામ ચાલે છે તે છેઃ

૧. ઓકયુપેશનલ મેડિસિન
૨. કેમિકલ સેન્ટર
૩. ઇર્ગોનોમિક સેન્ટર
૪. એજયુકેશન એન્ડ પોલીસી સેન્ટર

ઇર્ગોનોમિક સેન્ટરના સંશોધને મસ્કયુલોસ્કેલીટલ (હાડકાં અને સ્નાયુના રોગો) રોગો અંગે સંશોધન કરવામાં અને તે અંગેનો કાયદો ઘડવામાં બહુ મોટો ફાળો આપ્યો. આ પ્રકારના રોગો અટકાવવા માટેનો કાર્યક્રમ તૈયાર કરી અમલમાં મુકયો.

એજયુકેશન એન્ડ પોલીસી સેન્ટરે કામદાર સંગઠનોની પ્રવૃત્તિ માટે વ્યાવસાયિક આરોગ્ય અંગેની નીતિ ઘડવામાં ફાળો આપ્યો.

કામદાર સંગઠન દ્બારા આગેવાની લેવાતી હોય તેવા સહભાગી સંશોધનનું મોડેલ વિકસાવ્યું. સંશોધનનું કામ ખેતી અને સેવાક્ષેત્રો સુધી વિકસાવ્યું. કામના સ્થળોમાં પ્રદુષણની માત્રાનું માપન કરવાનું કામ પણ કરે છે. કામને કારણે થતા કેન્સરનું નિદાન અને સારવારનું કામ કરે છે. ઝેરી રસાયણોથી સમાજને મુકત કરવાની ચળવળ ચલાવે છે. જોખમોનું આકલન— રીસ્ક એસેસમેન્ટ—થી લઇ નિદાન અને સારવાર સુધીનું કામ કરે છે. પર્યાવરણ અને વ્યવસાયને કારણે થતા રોગોના નિદાન અને સારવાર, એન્વાયર્નમેન્ટલ એપીડેમીઓલોજીકલ અભ્યાસ, કામદારોના આરોગ્યની સમસ્યાઓના મૂળ સુધી પહોંચવું,  વધુ પડતું કામ, માનસિક આરોગ્ય, માહિતીનો અધિકાર, કામદાર શિક્ષણ અને વળતર જેવા કામ કરે છે.

તેમની સામે જે પડકારો છે તેમાં વ્યાવસાયિકો  (પ્રોફેશનલ)ની સમાજમાં શી ભૂમિકા હોય? તેઓ એક નિષ્ણાત તરીકે તો સેવા આપે જ પણ એક નાગરિક તરીકે તેમની સામાજીક ભૂમિકા પણ હોય. કામદારો અને નાગરિકો સુધીની પહોંચ શી રીતે વધારવી? સલામતી અને આરોગ્યને ક્ષેત્રે જે અસમાનતા છે તેનું શું? સલામતી અને આરોગ્ય સમાજ માટે એક મહત્ત્વનો મુદ્દો બને તે માટે શું કરવું? વગેરેનો સમાવેશ થતો હોવાનું ડો. યુને જણાવ્યું.

હાલ કુલ ૧૬ સંશોધકો આ ૪ ક્ષેત્રોમાં સંશોધન કરે છે.

કોરીઆની આ એવી પહેલી હોસ્પિટલ છે જે માનવ અધિકારોના ભંગનો ભોગ બનેલાને સેવા આપે છે. કામદારોની લડત ચાલતી હોય, ભૂખ હડતાલ ચાલતી હોય ત્યાં એ પહોંચી જાય છે અને સેવા આપે છે.

કામદારો પોતાના પગારના ૧% જેટલું દાન આ સંસ્થાને આપે છે. ગયા વર્ષ સુધી એ ખોટમાં ચાલતી હતી પણ હવે સરકારે સબસિડી વધારી છે તેથી હવે થોડી આવક થાય છે. ૧૫ વર્ષ સુધી તેણે ખોટ સહન કર્યે રાખી.

એક સંતર્પક અનુભવ લઇ અમે બહાર નીકળ્યા. ગ્રુપ ફોટા પડયા અને ફરી પેલી ગલીમાં થઇ અમે મોટા રસ્તા પર પહોંચ્યા જયાં થોડીવારે બસ અમને લેવા આવી અને અમને ગંગનમ મેટ્રો સ્ટેશન પાસે લઇ ગઇ જયાં સેમસંગના મુખ્યાલય સમક્ષ જે સ્થળે પીડિતોએ ૧૦૨૩ દિવસ સુધી સતત ધરણા કરી સફળતા મેળવી હતી તે સ્થળની મુલાકાત.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.