ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)

દીપક ધોળકિયા

૧૭મી ઍપ્રિલે લૉર્ડ અર્વિન ઇંગ્લેંડ પાછો ગયો અને એની જગ્યાએ વિલિંગ્ડન વાઇસરૉય તરીકે આવ્યો. વિલિંગ્ડન રૂઢિચુસ્ત પક્ષનો હતો અને હિન્દુસ્તાની વસાહત માટે એના વિચારો અર્વિનથી જુદા પડતા હતા. હિન્દુસ્તાનનું કૉમનવેલ્થમાં એટલું મહત્ત્વનું સ્થાન હતું કે ઇંગ્લેંડ એને કોઈ પણ રીતે છોડવા તૈયાર ન થાય. એટલે અર્વિન અને વિલિંગ્ડનના દૃષ્ટિકોણમાં ફેર એટલો હતો કે અર્વિન એમ માનતો હતો કે હિન્દીઓમાં અસંતોષ છે, તેને ટાઢો પાડવો જ જોઈએ, એટલે એમની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ સંતોષાય એવું થોડુંઘણું આપવું જોઈએ. એ કોંગ્રેસને દેશની મુખ્ય રાજકીય સંસ્થા માનતો હતો એટલે જ એણે ગાંધીજીને બરાબરીનો દરજ્જો આપીને કરાર કર્યા. પરંતુ એ આ વસાહતમાંથી ઇંગ્લેંડ સંપૂર્ણ હટી જાય એમ તો એય નહોતો માનતો. બીજી બાજુ, વિલિંગ્ડન રાજકીય ચળવળોને કચડી નાખવાનો રસ્તો પસંદ કરતો હતો. ગાંધી-અર્વિન કરારને એણે અભેરાઈએ ચડાવી દીધો અને રાજકીય કેદીઓ વિશે થયેલી સમજૂતીનો ખુલ્લો ભંગ કરવાનું શરૂ કરી દીધું.

આમ પણ ગાંધીજીને ગોળમેજી પરિષદમાં જવાનો વિચાર રૂચ્યો નહોતો, પણ અર્વિન સાથે કરાર કર્યા પછી ગયા સિવાય ચાલે એમ નહોતું. એમણે દેશને કહી દીધું કે “મારે કદાચ ગોળમેજી પરિષદમાંથી ખાલી હાથે જ પાછા ફરવું પડશે”. ( ઝવેરચંદ મેઘાણીનું કાવ્ય ‘છેલ્લો કટોરો’ આ જ ભાવ વ્યક્ત કરે છે. ગાંધીજી માટે ગોળમેજી પરિષદમાં જવું તે કટોરો ભરીને ઝેર પીવા બરાબર હતું પણ કવિ કહે છે, છેલ્લો કટોરો ઝેરનો આ, પી જજો બાપુ !).

બ્રિટનની ચાલ

બ્રિટન આ પરિષદને દેશમાં વધારે ફૂટ પડાવવા માટે વાપરવા માગતું હતું. કોંગ્રેસને નબળી પાડવી એ એનું લક્ષ્ય હતું એટલે બહુમતી કોંગ્રેસની સ્વતંત્રતાની માગણી સાથે નથી, એવું ગાંધીજીને દેખાડવાની તક જતી કરવા બ્રિટનની સરકાર કોઈ પણ ભોગે તૈયાર નહોતી. બીજા બધા પ્રતિનિધિઓ કાં તો રજવાડાના હતા અથવા પોતપોતાની કોમોનું પ્રતિનિધિત્વ કરતા હતા.રાજાઓનો દૃષ્ટિકોણ તો બ્રિટિશ સત્તા સાથે શા સંબંધ રહેશે તે હતો, પણ બીજા બધા પ્રતિનિધિઓ સરકાર સત્તા પરિવર્તનનો વિચાર કરે તે પહેલાં એમની માગણી સંતોષે એવું જરૂરી માનતા હતા. સ્વતંત્રતા કે ડોમિનિયન સ્ટેટસમાં એમને રસ નહોતો. આડકતરી રીતે બધાને કોંગ્રેસ કરતાં અંગ્રેજોમાં વધારે વિશ્વાસ હતો! જો કે પહેલી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ નહોતો લીધો ત્યારે બધાએ અનુભવ્યું હતું કે કોંગ્રેસ વિના વાત આગળ વધી જ ન શકે.પરિષદના ત્રણ મુદ્દા હતા (જૂઓ ગયા અઠવાડિયાના લેખમાં અર્વિને ગાંધીજીને આપેલો ખુલાસો). રાજાઓ સીધા બ્રિટિશ સર્વોપરિતા હેઠળ રહેવા તૈયાર હતા પણ કોઈ જાતનું ફેડરેશન બને તેમાં જોડાવા તૈયાર નહોતા.

ગાંધીજી જાણતા હતા કે બધા અંગ્રેજોની સાથે રહેવાના છે. એટલે એમણે ૨૯મી ઑગસ્ટે રવાના થવાનું હતું તેનાથી પહેલાં છેલ્લો પાસો ફેંક્યો અને વિલિંગ્ડનને પત્ર લખીને મળવાનો સમય માગ્યો. એમણે સ્પષ્ટ લખ્યું કે દેશમાં જે સ્થિતિ છે, તે જોતાં ગોળમેજી પરિષદમાં જવાથી કંઈ વળે તેમ નથી. ૨૯મી ઑગસ્ટે એ જવાના હતા તેનાથી ચાર દિવસ પહેલાં ૨૫મીએ ગાંધીજી અને વિલિંગ્ડન મળ્યા. તે પછી ગાંધીજી એ લંડન જવાનો નિર્ણય પાકો કરી નાખ્યો. બ્રિટનની ચાલ એ સમજી ગયા હતા અને એનો જ ઉપયોગ કરવાનું એમણે નક્કી કર્યું. જેમ બ્રિટન એમ દેખાડી શકે કે કોઈ કોંગ્રેસની સ્વતંત્રતાની માગણી સાથે નથી તેમ કોંગ્રેસ પણ દેશની જનતાને દેખાડી શકે કે દેશની આઝાદી માટેની આકાંક્ષાઓને માત્ર કોંગ્રેસ વાચા આપે છે! ગાંધીજી, સરોજિની નાયડુ અને પંડિત મદન મોહન માલવિયા ૨૯મીએ મુંબઈથી એસ. એસ. રાજપુતાનામાં રવાના થયાં.

બીજા પ્રતિનિધિઓ

એમનાથી પહેલાં ૧૫મી ઑગસ્ટે હિન્દુઓ અને મુસલમાનો તેમ જ ડિપ્રેસ્ડ ક્લાસિસ અને રજવાડાંઓના કુલ મળીને ૨૬ પ્રતિનિધિઓ એક સાથે એસ. એસ. મુલતાનમાં લંડન તરફ રવાના થયા. આ જૂથમાં બધા પ્રકારના પ્રતિનિધિઓ હતાઃ બે સ્ત્રી પ્રતિનિધિ, બેગમ શાહ નવાઝ અને શ્રીમતી સુબ્બરાયન, સમવાય વ્યવસ્થાના હિમાયતી કર્નલ કે. એન. હક્સર અને તેજ બહાદુર સપ્રુ, ખિલાફતના ઉદ્દામવાદી નેતા મૌલાના શૌકત અલી, હિન્દુ મહાસભાના નેતા ડૉ. મુંજે અને નરમપંથી હિન્દુ નેતા એમ. આર. જયકર. ડિપ્રેસ્ડ ક્લાસિસના નેતા બાબાસાહેબ આંબેડકર પણ આ જ જહાજમાં હતા. તે ઉપરાંત બિકાનેર, અલ્વરના મહારાજાઓ, ટ્રેડ યુનિયનના નેતા એન. એમ જોશી વગેરે હતા. આમ એક જાતનો શંભુમેળો હતો અને બધા એક સાથે જ એક જ હેતુથી નીકળ્યા હતા એટલે એમના વચ્ચે ચર્ચાઓ થાય તે સ્વાભાવિક હતું. પરંતુ એક સહપ્રવાસી બ્રિટિશ ઑફિસર લખે છે કે બધા એક સાથે હોવાથી સાથે મળવાનું બનતું જ હતું પણ એમાંથી એમના વચ્ચે સારા સંબંધો બનવાને બદલે સામાજિક ભેદભાવો અને અસમાનતાઓ વધારે નજરે ચડી આવતાં હતાં.

બ્રિટનમાં સરકારનું સંકટ

બીજી ગોળમેજી પરિષદ શરૂ થાય તેનાં બે અઠવાડિયાં પહેલાં બ્રિટનની સરકારમાં સંકટ ઊભું થયું. આર્થિક સ્થિતિને સંભાળવામાં સરકાર નિષ્ફળ ગઈ એવા આક્ષેપો થયા અની વડા પ્રધાન રામસે મૅક્ડોનલ્ડને રાજીનામું આપવાની ફરજ પડી. જો કે રાજાએ એમને રાષ્ટ્રીય સરકાર બનાવવાનું કહ્યું એટલે મૅક્ડોનલ્ડ વડો પ્રધાન તો રહ્યો પણ રૂઢિચુસ્ત પક્ષના પ્રધાનોને પણ લેવા પડ્યા. આમાં ભારત માટેના પ્રધાન તરીકે વેજવૂડ બૅનની જગ્યાએ રૂઢિચુસ્ત પક્ષનો સૅમ્યુઅલ હૉર આવ્યો. આમ, ગોળમેજી પરિષદમાં બ્રિટન સરકારનું વલણ વધારે કડક હશે એ પણ નક્કી થઈ ગયું.

ગાંધીજી લંડનમાં

લંડનનાં છાપાંઓએ ગાંધીજીની મુલાકાતને બહુ મહત્ત્વ આપ્યું. મીઠાના સત્યાગ્રહ અને એમના અહિંસક આંદોલને તેમ જ, રેંટિયાને આર્થિક આઝાદીનું પ્રતીક બનાવવાના ચિંતને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. ઘણાં છાપાંઓએ એમની ટીકા કરી, એમનો પહેરવેશ પણ હાસ્યનો વિષય રહ્યો પણ લંડનના The Illustrated News of London અખબારે એમને ઘણી પ્રસિદ્ધિ આપી. ૧૯મી સપ્ટેમ્બર ૧૯૩૧ના અંકમાં તો એણે ગાંધીજીના ફોટાઓનું સંકલન પ્રકાશિત કર્યું.

વિદેશી કાપડની હોળીના એમના કાર્યક્રમને કારણે લૅંકેશાયરની કાપડ મિલોને ભારે નુકસાન થયું હતું અને મજુરો કામધંધા વિનાના થઈ ગયા હતા. આમ છતાં ગાંધીજી એમને મળવા ગયા. લંડનના સત્તાવાળાઓને ચિંતા હતી કે લોકો એમના પર ક્યાંક હુમલો કરી બેસે તો? પણ થયું ઉલટું. ત્યાં ગાંધીજીએ બહિષ્કારનાં કારણ સમજાવ્યા. અને લોકો તો એમને જોવા માટે ઊમટી પડ્યાં હતાં!

ગોળમેજી પરિષદની વાતો હવે પછીના અંકમાં.

સંદર્ભ: S. Legg, Political lives at sea: working and socialising to and from the India Round Table Conference in London, 1930e1932, Journal of Historical Geography, https://doi.org/10.1016/j.jhg.2019.12.005


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ
dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

5 thoughts on “ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)

  1. છેલ્લો કટોરો’- 1931 ગાંધીજી ગોળમેજી પરિષદમાં જવા નીકળ્યા ત્યારે તેમને કરેલું સંબોધન , ‘સૌરાષ્ટ્ર’ દૈનિકનો પહેલો ફરમો ગુરૂવારે ચડતો. એ ગુરૂવાર હતો ગીત છેલ્લા કલાકમાં જ રચાયું, ભાઇ અમૃતલાલ શેઠે ‘બંધુ’ ‘બંધુ’ શબ્દોને સ્થાને’ બાપુ,’ બાપુ’ શબ્દો સૂચવ્યા. ગીત એમને બહુ જ ગમ્યું ગાંધીજી શનિવારે તો ઉપડવાના હાતા. અમૃતલાલભાઇએ આર્ટ-કાર્ડ પર એની જુદી જ પ્રતો કઢાવી , તે જ સાંજે મુંબઈ રવાના કરી-સ્ટીમર પર પહોંચતી કરવા માટે , બંદર પર આ વહેંચાયું ત્યારે રમૂજી ઇતિહાસ બની ગયો. (વધુ આગળની કોમે‌ન્ટમાં)

  2. કેટલાંક પારસી બહેનોને ઝેર, કટોરો, વગેરેના રૂપકો પરથી લાગ્યું કે ગાંધીજી માટે ઘસાતું કહેવાતું આ કટાક્ષ ગીત છે! એમના હૃદયો દુભાયા, તરત જ એક ગુજરાતી બહેને કાવ્યનો સાચો ભાવ સ્પષ્ટ કર્યો. ત્યારે પેલાં બહેનોનાંં હૃદય આનંદથી ઝૂમી ઊઠ્યાં (વધુ આગળની કોમે‌ન્ટમાં

  3. ” કડીબંધ તારો અને કાગળો આવેલા તે(આગબોટમાં વાંચવા માંડ્યા. મેઘાણીનો’ છેલ્લો કટોરો’ (વાંચીને) બાપુ કહે, “મારી સ્થિતિનું આમાં વર્ણન થયું છે. તે તદ્દન સાચું ક છે કાવ્ય વાંચતા તો જાણે મેઘણીનો આત્મા ગાધીજી ના છેલા પંદર દિવસનો સાક્ષી રહ્યો હોય એમ પ્રતીત થાય છે……. જાણે મેઘાણીજી ક્યાંક છૂપાઈને -અંધાર પછેડો- ઓઢીને – જોયા કીધું હોય એમ લાગે છે”( માહાદેવ દેસાઇ)
    ‘ યુગવંદના’ માંથી

  4. આભાર, કિશોરભાઈ. ‘છેલ્લો કટોરો’ વિશેની આ માહિતી બહુ રસપ્રદ છે. મનેય ખબર નહોતી.

Leave a Reply

Your email address will not be published.