શબ્દસંગ : વધુને વધુ સુંદર જીવનસાધક સર્જક

નિરુપમ છાયા

જીવાનોત્તમની સાધના કરતા સર્જક માટે સર્જન એક ગૌણ પ્રક્રિયા હોય, પરંતુ ભાવક માટે એ જીવનને સમજવાની, જીવનસાધનાની કેડી બની જાય છે. જીવનને સમગ્રતાથી ચાહનારાં આવાં એક સર્જક ઈશા કુન્દનિકા થોડા સમય પહેલાં જ અનંતસ્થ થયાં.

વાર્તાસંગ્રહ .’ઘર તરફ’ની પ્રસ્તાવનામાં પોતાની વાર્તાઓ અને સમગ્ર સર્જનાત્મકતા સંદર્ભે તેઓ લખે છે,” મારે મન જીવવું મુખ્ય છે. લખવું ગૌણ છે અને એટલે મારી વાર્તાઓનો પ્રધાન સૂર જીવનલક્ષીતા છે. મારાં મોટા ભાગનાં લખાણો અને વાર્તાઓમાં જીવનને સુંદરથી અધિક સુંદર બનાવવાના સંકેતો પ્રગટપણે કે પ્રચ્છન્નપણે રહેલા હોય છે. એમાં કલાતત્વની ઉપેક્ષા નથી પણ દિશા જીવનનાં વિવિધ સૌંદર્યના ઉઘાડ ભણીની હોય છે.

કુન્દનિકાબહેનની કોઈપણ નવલકથા વાંચીએ ત્યારે સત્વ, સૌંદર્ય અને એક સમજની શોધ પામી શકાય છે. એમની તરત સામે આવે એવી કૃતિઓ એટલે ‘સાત પગલાં આકાશમાં’, ‘પરોઢ થતાં પહેલાં’, ‘અગનપીપાસા’ ગણાવી શકાય. જો કે એમના નિબંધો, અનુવાદ અને સંપાદનો પણ રૂઢ જીવનથી અલગ એવી યાત્રા તરફ દોરી જાય છે. અસ્તિત્વને ઝંકૃત કરી દે, વિચારસમૃદ્ધિથી જીવનની સમજને સ્પષ્ટ કરે એવા નવલકથાઓના કેટલાક અંશોથી આપણે સભર થઈએ.

એમની બહુચર્ચિત અને ભાવકોનો આદર પણ મેળવનારી નવલકથા એટલે’સાત પગલાં આકાશમાં.’ તેમાં સ્ત્રી માટે પરંપરામાં રહેલા ખ્યાલો અને પુરુષ સમોવડી વગેરે વિચારો સાથે વસુધા અને અન્ય પાત્રો દ્વારા આખીયે પરિસ્થિતિને સ્પષ્ટ કરી છે. પણ મને તો આ નવલકથા ખાસ કરીને સ્ત્રી અને પુરુષના સંદર્ભથીયે આગળ વધીને બંનેને એક અસ્તિત્વરુપે જ દર્શાવીને સમજપૂર્વક સમભાવ કેળવવા દૃષ્ટિ આપે છે એવું જણાયું છે. એક સ્ત્રી તરીકે જીવનમાં બનતી સામાન્ય ઘટનાઓથી ઉપર જઈને, પોતાને એક અસ્તિત્વ સમજીને જીવન જીવવા પ્રયત્ન કરતી, વ્યક્તિગત ઘટનાઓ સાથે સાથે વસુધા તેના સંપર્કમાં આવતી સ્ત્રીઓના જીવનની ઘટનાઓ સમજે અને પછી વસુધા એકલી જ નહીં, એ બધી સ્ત્રીઓ અને એક સમજ સાથે જીવનને જોતા કેટલાક પુરુષો પણ અરસપરસ સાથે મળી મંથન કરે એ પ્રકારની વિષય ગૂંથણીને કારણે, આ કૃતિ નવલકથાનું સ્વરુપ જાળવીને ભાવકને પણ ચોક્કસ દૃષ્ટિ આપે છે. ‘સાત પગલાં આકાશમાં’ ની ૧૩ જેટલી આવૃત્તિ થઇ એ પણ નવલકથા ભાવક હૃદયોને સ્પર્શી છે એ બતાવે છે. એ જ આવૃત્તિમાંથી કેટલાક અંશો આપણે હૃદયસ્થ કરીએ.

લગ્ન પછી વસુધા એક વખત વિચારે છે એના પરથી એનાં વ્યક્તિત્વનો પરિચય મળે છે.:” મોટા ભાગના લોકો જન્મકાળથી જે વાતાવરણમાં શ્વાસ લે છે, જે ભણતર ઘૂંટે…. જે વાતો સાંભળે તેમાંથી આપોઆપ જ રૂઢ માન્યતા, સંસ્કાર, મૂલ્યો મેળવતાં હોય છે. મોટાં થતાં નિશ્ચિત વલણો કેળવી ચૂક્યાં હોય છે. વસુધા વૃક્ષો સાથે, આકાશ સાથે, ખુલ્લી હવા સાથે વધુ હળેલી હતી એટલે કદાચ રૂઢિગત માન્યતાઓ તેના મનમાં જામીને જડ નહોતી થઇ ગઈ…… બીજી તરફ સ્ત્રીઓ જેને સ્વાભાવિક માનીને સ્વીકારી લે તેમાં રહેલી અસંગતતાઓ તેને આશ્ચર્ય પમાડતી. સ્વભાવે તે સ્નિગ્ધ હતી એટલે બળવો કરવાનું કે પડકાર ફેંકવાનું તેના મનમાં ક્યારેય ઊગ્યું નહોતું. પણ નવાઈથી તેનું મન ઊભરાતું….” વસુધાને કૈંક સમાજવાળી વાતો કરવાનું મન થતું.

વસુધા માત્ર ૧૯ વર્ષની ઉંમરે પરણી છે, બલ્કે એમ કહેવાય કે એને પરણાવી દેવામાં આવી છે….લગ્નને આગલે દિવસે એ વિચારી રહી છે એ પરથી જ એના અસ્તિત્વ તરીકેના સ્વીકારની એની ઝંખના વ્યક્ત થાય છે.: “ આકાશના ઉદારપણે, મૃદુપણે પથરાયેલા બાહુમાં પંખી શ્રદ્ધાથી-સ્વેચ્છાએ ઊડતું જતું હતું અને તેનો એક લય હતો, તેમાં એક સંગીત હતું. તેને થયું: જીવન આવું હોવું જોઈએ.”

તેને મળી ગયેલી એક યુવતી સુમિત્રા સાથે ચર્ચા કરતાં કહે છે, ‘ પુરુષ પોતાનું જે હોય તે બધું લઈને લગ્ન નામના પ્રદેશમાં પ્રવેશ કરે છે, સ્ત્રી પોતાનું જે હોય તે બધું છોડીને.” તો, જીવન સાથીનું કલ્પનાચિત્ર પણ આપે છે. :”એવો માણસ જે મને અખંડ રહેવા દે.. જે સ્વામી નહીં, મિત્ર બની શકે, જે મારા હાથમાં હાથ પરોવી, ચાલી શકે. પણ તમને લાગે છે –કોઈ પુરુષ આવો હોઈ શકે? ચોવીસે કલાક પોતાની સેવા કરનાર સ્ત્રીને બદલે, પોતે જેની સાથે સમાન આદરથી વર્તવું પડે એવી સ્ત્રીને પરણવા કોઈ પુરુષ તૈયાર થાય ખરો? “ અને વળી કોઈક પ્રસંગે વિચારે છે: “ મને દુઃખ થયું હોય તો હું એક રીતે વર્તું, દુઃખ ન થયું હોય તો જુદી રીતે. એમાં સચ્ચાઈ છે. માણસ પોતાને ખરેખર લાગતું હોય તે પ્રમાણે જીવે એમાં સચ્ચાઈ છે. સ્વને શોધવાની વાત કરતાં વસુધાનું મનોગત : ‘દરેક માણસને ભગવાને કોઈક વરદાન આપીને પૃથ્વી પર મોકલ્યો હોય છે. દરેકે દરેક માણસને એક અદ્વિતીય વરદાન મળેલું હોય છે. બધીવાર એ વરદાન પ્રગટ નથી થતું હોતું.આપણે એને ખોળી કાઢવું પડે છે.” એટલે જ કૃતિમાં ઘૂંટાય છે,” માણસે ઊગવું જોઈએ. વૃક્ષ જે સ્વાભાવિકતાથી સૂર્ય ભણી ઊગે છે તે રીતે ઊગવું જોઈએ. પોતાની સીમાઓમાંથી બહાર નીકળવું જોઈએ.” આ કૃતિમાં પ્રેમ વિષે પણ મંથન થાય છે.” પ્રેમનું શિખર તો ટાંચણી પરના ટોપકા જેવું હોય છે. એના પર ક્ષણાર્ધથી વધુ ઊભા રહી શકાતું નથી.” વસુધા પતિના ભાવશૂન્ય, શુષ્ક વર્તન અંગે વિચારે છે,”પ્રેમ…. પ્રેમ શી ચીજ છે? યુવાકાળનો ઉત્કટ, આવેગભર્યો, તરફડાટો અને અજંપાથી ભરેલો પ્રેમ નહીં, પણ શાંત, સ્નિગ્ધ કમળતળાવડીનાં જળ પર ઢોળાયેલી ચાંદની જેવો પ્રેમ તો મોટી ઉંમરેય ન હોઈ શકે? “

પ્રેમની વાત વિસ્તરતાં પછી સંબંધ વિષે પણ વિચાર પ્રગટે છે,” મનુષ્ય મનુષ્ય વચ્ચે, સ્ત્રી અને પુરુષ વચ્ચે એવો સંબંધ શક્ય છે ખરો , જેનો આધાર પૃથ્વી હોય અને જેનો વિસ્તાર આકાશમાં હોય? આકશની સઘળી હળવાશ અને મોકળાશ, તેના સૂર્ય, ચંદ્ર, તારકોની શોભા, વાદળાંની મૃદુતા અને રંગોનું વૈવિધ્ય જેમાં ઊતરી આવ્યું હોય અને સાથે જેમાં પૃથ્વીની દૃઢતા અને સ્થાયિત્વ અને એકબીજામાંથી અનેક શાખામાં પાંગરવાની શક્યતા હોય એવો સંબંધ માનવસમાજમાં સંભવિત છે ખરો?”

સમાજમાં પરંપરાથી ઉફરા ચાલવા મથતાં, વિચારતાં, અર્થસભર જીવનની શોધમાં નીકળી પડેલાં સ્ત્રી પુરુષો એક સ્થળે રહીને એક પરિવર્તનશીલ સમાજનું સ્વરુપ વ્યક્ત કરવા માગે છે. એને નામ આપ્યું છે: આનંદગ્રામ. જ્યાં “ સહજ આનંદથી વિશાળ બનેલા પ્રેમ વડે, મુક્ત રહીને સંબંધોમાં શી રીતે જીવી શકાય તે અમારી શોધ છે.”

વસુધા પતિ અને પરિવારથી મુક્ત થઇ પોતીકું જીવન જીવવા આ આનંદગ્રામ આવે છે. ત્યાંના જ એક સહયાત્રી આદિત્ય સાથે સંવાદમાં પૂછે છે, “દરિયો અંતિમ મુક્તિનું પ્રતિક છે?”

આદિત્ય જોનાથન લીવીંગસ્ટનના સાગરપંખીની વાત કરે છે,” દરેક સાગરપંખી પોતાની મર્યાદાને જીવનની શરત માની લે છે. એ વગર જીવી જ નહિ શકાય એમ સ્વીકારી લે છે. પણ એક પંખીએ એ મર્યાદા તોડી હતી, એમ કરતાં તે ઘવાયું, તિરસ્કૃત થયું, તૂટી પડ્યું, પણ ફરી ઊડ્યું અને છેવટે તેણે સીમાડા ભેદી નાખ્યા; પછી તે પાછું આવ્યું-બીજાઓને ઊંચે કેમ ઊડવું તે શીખવવા.”

તેઓ માને છે કે,’એક મધુર ગીત જેવું કે ઘટાદાર વૃક્ષ જેવું અંધકારને બારણે પેટાવેલી દીપશિખા જેવું, પોતાને માટે એક સર સમૃદ્ધ જીવન રચવું ….’

વળી, “…..દુનિયામાં , ઘટનામાં, જે અદભૂતતા રહેલી છેટે પ્રત્યેનો વિસ્મય, એને લીધે સમગ્ર જડચેતન સૃષ્ટિ પ્રત્યે જન્મતો આદર અને એમાંથી પોતાના જીવનને અર્થસભર બનાવવા માટે મળી રહેતું કોઈ દર્શન……બહિર જગતના આવડા મહાન આવિષ્કાર સમક્ષ પોતાની નાનકડી બંધિયાર જાતનાં ઓગળી જતાં વિસંવાદી તત્વો અને પછી એક નવા સંવાદમય આંતરજગતનું પ્રાગટ્ય …….આ આખીયે પ્રક્રિયાને અમે સર્જકતા ગણતાં હતાં. “

અને એથી જ “ આનંદગ્રામ વિધાતાએ રચેલું પૂર્ણનું એક ચિત્ર છે. પૂર્ણમાંથી પૂર્ણ જાય પછી જે બાકી રહે તે પૂર્ણ છે.”

આમ સદીઓથી સમાજમાં રહેલી એક માનસિકતા, એક વ્યવહાર સામે પ્રશ્ન ઉઠાવતી આ નવલકથા એ જ વિષયમાં સીમિત ન રહેતાં જીવનના વિસ્તીર્ણ આકાશને સ્પર્શે છે. મુક્તિ ઇચ્છતાં, પૂર્ણતાની શોધ માટે નવોન્મેષથી આગળ વધતા સાધકોની આ કથા બની રહે છે.


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.