ટાઈટલ મ્યુઝીક : (૩૫) ફાઈવ રાઈફલ્સ (૧૯૭૪)

બીરેન કોઠારી

અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈને દેશને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરાવવા માટે હિંદી ફિલ્મોમાં જે કેટલાક અહિંસક ઊપાયો ગંભીરતાપૂર્વક બતાવાયા એમાંનો એક હતો ફાંસી અપાઈ રહી હોય એવા કેદીઓ સુધી ઈન્કીલાબીઓ ચણા જોર ગરમ વેચવાવાળા બનીને પહોંચે, પોલિસોને ‘ચણા જોર ગરમ ખવડાવે’, પોલિસો એ ખાઈને બેહોશ બની જાય અને ઇન્કીલાબીઓને એમના જોડીદારો છોડાવી જાય. (મનોજકુમારની ફિલ્મ ‘ક્રાંતિ’)

આની બિલકુલ સામા છેડાનો એક હિંસક ઉપાય હિન્દી ફિલ્મના પડદે બતાવાયેલો. પાંચ ઇન્કીલાબીઓના ગળામાં ફાંસીનો ગાળિયો છે. પાંચે હારબંધ ઉભેલા છે. ફાંસીનો આદેશ અપાય છે, અને નીચેનું પાટિયું સરકે એ પહેલાં જ અચાનક પાંચ ગોળીઓ છૂટે છે, અને પેલા પાંચેયના ગળામાં નાખેલા દોરડાં કપાઈ જાય છે. અંગ્રેજોની ગુલામી કરતો દેશી જેલર જાણી જાય છે કે આ ગોળીઓ ક્યાંથી વછૂટી હશે. તેના મોંમાંથી ઉદગાર સરી પડે છે, ‘પાંચ રાઈફલ યાનિ રાકેશ ખન્ના.’ કેમેરા હવે પાંચ બંદૂકોના નાળચાને બતાવે છે. આ પાંચે બંદૂકોની ટ્રીગર પર લાલ રંગની દોરી બાંધેલી છે, અને આ પાંચે દોરી એક વ્યક્તિના પગના અંગૂઠે બંધાયેલી છે. એ વ્યક્તિ ફક્ત પગનો અંગૂઠો જ સહેજ ખેંચે એ સાથે પાંચ ગોળીઓ એક સાથે વછૂટે અને ધાર્યું નિશાન પાર પાડે. આ અંગૂઠો જે શરીર સાથે જોડાયેલો છે એ મહાશય એટલે રાકેશ ખન્ના. (કલાકારનું નામ પ્રફુલ્લ મિશ્રા) બિલકુલ રાજેશ ખન્નાનો ભાઈ જ જોઈ લો.

ખોટું નહીં કહું, આઠ-નવ વર્ષની ઉંમરે મહેમદાવાદની ‘આશા ટૉકિઝ’ના પડદે આ દૃશ્ય જોઈને રૂંવાડા ઊભા થઈ ગયેલા. એ પછી ફિલ્મ આગળ ચાલે છે. રાજા, જોડિયા રાજકુમારી, વિખૂટો પડેલો રાજકુંવર, મૃત ધારીને છોડી દીધેલી જીવિત રાણી, દેશી રજવાડામાંથી મૂર્તિઓ વિલાયત ભેગી કરવાનો અંગ્રેજોનો કારસો, વિલાયતથી એ મૂર્તિઓ પાછી દેશમાં લાવવામાં મદદરૂપ થતા ત્રણ ચિમ્પાન્ઝી, હરફનમામા નામનો એક ચોર, શશી કપૂરના હમશકલ એવો ડાકુ રાકા, અને આ બધાથી ઉપર ત્રણ વિલક્ષણ સ્ટાર, જેમનો પ્રવેશ ઈન્ટરવલ પછી થાય છે. એ સ્ટાર એટલે ધર્મેન્દ્ર, રીશી કપૂર અને અમિતાભ બચ્ચન. આ નામ હકીકતમાં ત્રણ ચિમ્પાન્ઝીનાં હોય છે, જે લંડનના એક સર્કસમાં કામ કરતા હોય છે. તેઓ પણ આપણા દેશની આઝાદીની લડતમાં પ્રદાન કરે છે, અને મન્નાડે તથા મોહમ્મદ રફીના સ્વરમાં ‘યે દો દિવાને મિલ કે ચલે હૈં સસુરાલ’ ગીત ગાય છે.

આઈ.એસ.જોહર નિર્મિત-દિગ્દર્શીત-લિખિત ફિલ્મ કેવી હોય એનો આ ઉત્તમ નમૂનો. આઈ.એસ.જોહર સપાટ ચહેરો રાખીને સરકારની ઠેકડી ઉડાડતા સંવાદો બોલે એની જુદી મઝા. લોકોનું ધ્યાન આઝાદીના જંગથી હટાવવા માટે અંગ્રેજો બધે મફતીયા શરાબખાનાં ખોલે છે. ત્યારે હરફનમામા લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રેરક પ્રવચન આપતાં લલકારે છે, ‘જબ સે સરકાર ને નશાબંદી તોડ દી, માનો યા ન માનો હમને પીને કી છોડ દી.’ હે શરાબીઓ, નશાબંધીમાં જ પીવાની મઝા આવે. કાનૂન તોડીને, ચોરીછુપીથી પીવામાં જ લિજ્જત છે. (ગુજરાતીઓને આ સમજાવવાની જરૂર ખરી?) અઠંગ દારૂડિયો (અભિનેતા) કેશ્ટો મુખર્જી દૂધનો પ્યાલો પીને ઝૂમે છે અને પોલિસને સમજાવે છે કે દારૂ પણ જવમાંથી બને, ગાય જવ(નું ઘાસ) ખાય, અને એ જ ગાય દૂધ આપે, માટે દૂધથી પણ નશો થઈ શકે.સ્થૂળ, છતાં મઝા પડે એવું હાસ્ય આખી ફિલ્મમાં સતત ચાલ્યા કરે.

પણ એ સમયે આ આખી ફિલ્મનું આકર્ષણ બની રહેલી અઝીઝ નાઝાંએ ગાયેલી કવ્વાલી ‘ઝૂમ બરાબર ઝૂમ શરાબી‘. ઓહોહો! આખો દિવસ એ ક્યાંકને ક્યાંક વાગતી કાને પડે જ. અને આશા ટૉકિઝમાં એ કવ્વાલી ફિલ્મમાં આવી ત્યારે થયેલો પરચૂરણનો વરસાદ આજેય યાદ છે. (અમારા બાજુના ફળિયાના અંબુ નામના એક છોકરાએ જ્ઞાન પીરસતાં કહેલું કે ચાર આનીનો સિક્કો પણ સિનેમાના પડદાને આગ લગાડવા પૂરતો છે.)

આજે એમ લાગે છે કે આ ફિલ્મ સહેજ ટૂંકી હોત તો હજી પણ જોવાની એટલી જ મઝા આવત.
1974માં રજૂઆત પામેલી આઈ.એસ.જોહરની ‘ફાઈવ રાઈફલ્સ’માં મુખ્ય ભૂમિકામાં તેમની દીકરી અંબિકા જોહર (બેવડી ભૂમિકામાં) અને દીકરો અનિલ જોહર પણ હતાં. આઈ.એસ.જોહરનો એક જોડિયો ભાઈ લંડનના એક સર્કસમાં મોતના ગોળામાં મોટર સાઈકલ ચલાવતો હોય. (‘જહોની મેરા નામ’માં પણ આઈ.એસ.જોહર ત્રણ રોલમાં હતા.) આ ફિલ્મમાં કુલ છ ગીતો હતાં, જે રાજેન્દ્ર કૃષ્ણ અને ઈન્દીવરે લખેલાં. ‘
દુનિયા કે બનાનેવાલે ને ક્યા ચીજ બનાઈ હૈ લડકી‘ (કિશોરકુમાર), ‘પ્યાર કે પતંગ કી ડોર જિસકે હાથ હૈ‘ (કિશોરકુમાર), ‘જબ સે સરકાર ને નશાબંદી તોડ દી‘ (કિશોરકુમાર), ‘તેરા હુસ્ન અલ્લા અલ્લા‘ (કિશોરકુમાર), ‘મલમલ મેં બદન મોરા ચમકે‘ (આશા ભોંસલે) અને ‘ઝૂમ બરાબર ઝૂમ શરાબી‘ (અઝીઝ નાઝા/નાજાં શોલાપુરી). સંગીતકાર હતા કલ્યાણજી-આણંદજી.

ઘણી ફિલ્મોમાં કલ્યાણજી-આણંદજીનું ટાઈટલ મ્યુઝીક સાંભળતાં અડધી મિનીટ માટે એ આર.ડી.બર્મનનું હોવાનો ભ્રમ થાય, પણ પછી તરત એ અલગ પડી આવે.

0.02 થી શરૂ થતા ‘ફાઈવ રાઈફલ્સ’ના ટાઈટલ મ્યુઝીકમાં ફૂંકવાદ્યો, ગિટાર અને તાલની ભરમાર છે. એને અલગ અલગ વર્ણવવી મુશ્કેલ છે. ક્યાંક એ ‘ડૉન’ના ‘યે મેરા દિલ પ્યાર કા દિવાના’ના ઈન્ટરલ્યૂડની યાદ અપાવે, તો ક્યારેક જેમ્સ બૉન્ડના થીમ મ્યુઝીકની. 2.34 સુધી ચાલતી આ ટ્રેક બહુ ઘોંઘાટવાળી, છતાં સાંભળવાની મઝા આવે એવી છે.

સંગીતપ્રેમી મિત્રો માટે એક સરપ્રાઈઝ ફિલ્મના અંતે છે. અને એ છે છેક છેલ્લે હાર્મોનિકા પર વાગતી ‘દૂર હટો એ દુનિયાવાલોં’ની ધૂન!

https://www.youtube.com/watch?v=9-5lrD6bJQ0


(લીન્‍ક અને તસવીરો નેટ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.