સુખ!!

હ્યુસ્ટનસ્થિત શૈલાબેન મુન્શાની કલમ ‘નોખા અનોખા’ બાળકોના પ્રસંગોથી જાણીતી છે. રોજબરોજના પ્રેરક પ્રસંગો ઉપરાંત તેઓ એક સારા વાર્તાકાર છે અને કવિતાના ક્ષેત્રે પણ પ્રગતિશીલ છે. હાલ હ્યુસ્ટનની જાણીતી ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યાં છે. તેમનું ‘કોરોના’ના કપરા કાળમાં રચેલ આશાવાદી ગીત અત્રે ‘વે.ગુ’ માટે મોકલી આપવા બદલ ધન્યવાદ.

—  દેવિકા ધ્રુવ, , http://devikadhruva.wordpress.com –   વેબગુર્જરી સંપાદન સમિતિ ,  પદ્ય સાહિત્ય સમિતિ વતી.


                  સુખ!!

સુખ આપશે તો આપશે ક્યાં લગી હાથતાળી,
સૂરજ કિરણે સોહતું પ્રભાત, દુઃખોને લે વાળી!

માણસ માણસ વચ્ચે વધ્યું અંતર,
મરણનો મલાજો દુરથી કરે નિરંતર,

કોઈ રે બોલાવો ભુવાને, જપે જંતર,
તીર કે તુક્કો, પડે સાચો કોઈ મંતર.

ડૂસકે ચઢી તિમિરભરી રાત કાળી કાળી,
સુખ આપશે તો આપશે કયાં લગી હાથતાળી!

થઈ વસતી અઢળક ઉપરવાસ,

સૂકાતો જન પ્રવાહ નીચે ચોપાસ,

નેજવે ટેકી હાથ, દ્રષ્ટિમાં આકાશ,
પારિજાત-શાં દેવદૂતોની થઈ નિકાસ!
ફેલાઈ રહી છે આસપાસ ભ્રમોની જાળી
,
સુખ આપશે તો આપશે ક્યાં લગી હાથતાળી!

જ્યાં ના પહોંચે રવિ, ત્યાં કવિ એવી,
કોરોનાએ વાત ખોટી પાડી કેવી
?
દોરા ધાગાની છોડવી બાધા લેવી
,
ડોક્ટર એ જ દેવદૂત સચ્ચાઈ કહેવી!!
કરે છે એ જ સિંચન બની બગિયાના માળી
સુખ આપશે તો આપશે ક્યાં લગી હાથતાળી!

                                           શૈલા મુન્શા : તા. ૨૫ એપ્રિલ ૨૦૨૦

સંપર્કઃ Email: smunshaw22@yahoo.co.in  | Phone: ++ 832 731 4206

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.